દરિયાને જઈ કહો …
ફૂલોને જઈ કહો અને કાંટાને જઈ કહો
પગલાં થવાનાં એમનાં, રસ્તાને જઈ કહો
હું પણ છું એના જેટલો તોફાની આજ તો
ડુબાડ હિંમત હોય તો દરિયાને જઈ કહો
તું પણ હવે શમી જા કે યાદો શમી ગઈ
ઊઠે છે ખીણમાંથી તે પડઘાને જઈ કહો
નીકળ્યો છું ફાંટ બાંધીને વીણવા હું સીમમાં
વેરાયેલા પડયા છે તે ટૌકાને જઈ કહો
તારે જ મરઘે થાય સવાર એવું કંઈ નથી
ના બોલે આજ જોઈએ મરઘાને જઈ કહો
બંનેએ આપઘાત કરી લીધો આખરે
ચાલી રહી છે ચૉરે તે ચર્ચાને જઈ કહો
ફૂંકાય તર્કના બધે તોફાની વાયરા
તું પગ જમાવી રાખજે, શ્રદ્ધાને જઈ કહો
……….
અમથું અમથું
રમત ગમે તે હોય અમે તો રમ્યા અમથું અમથું
હાર્યા તે પણ અમથું અમથું જીત્યા અમથું અમથું
રોજ સવારે ઘેરથી નીકળી સાંજે પાછા ફર્યા
દુનિયા અમથી અમથી તેમાં ભમ્યા અમથું અમથું
આમ જુઓ તો બેઠા જઈને તનહાઈની ટોચે
આમ જુઓ તો ભીડમાં જઈને ભળ્યા અમથું અમથું
તસબી-ટોપી, તિલક-માળા વેશ સજાવી બેઠા
અંતરમાં અભિમાન છતાંયે નમ્યા અમથું અમથું
સાચું ક્યારે રડ્યા, હસ્યા સાચું ક્યારે પૂછો
જ્યારે રડ્યા જૂઠ્ઠું રડ્યા, હસ્યા અમથું અમથું
ઘર માંડીને બેઠા, હા ભઈ, સંસારી થઈ જીવ્યા
આવળગોવળ વચ્ચે નાચ્યા, કૂદ્યા અમથું અમથું
કો બાળકની જેમ બનાવ્યા મહેલ અમે રેતીના
અધ્ધર શ્વાસે બેઠા અંદર, મહાલ્યા અમથું અમથું
મનમાં કળશી મેલ છતાંયે વાર અને તહેવારે
મિત્ર સગાં સંબંધી સૌને ભેટ્યા અમથું અમથું
બળતા રહ્યા રાત ને દહાડો ઇર્ષ્યાની અગ્નિમાં
શ્વાન બનીને હાથી પાછળ ભસ્યા અમથું અમથું
કીર્તિનો કાંટાળો પ્હેરી તાજ અમે હરખાયા
પરપોટાની જેમ ઘડીભર ફૂલ્યા અમથું અમથું
સામે પૂર તરીને અહીંયાં કોણ કિનારે પહોંચ્યું
ભવસાગરમાં ભાર ઉપાડી તર્યા અમથું અમથું
ભીતરનાં અંધારાંની દરકાર કશી ના કીધી
તેજ લિસોટા કરવા કયારેક બળ્યા અમથું અમથું
દુનિયા અમથીમાં જન્મીને કોણ જીવ્યું છે સાચું
રોજ ‘મહેક’ ચહેરા બદલીને જીવ્યા અમથું અમથું
e.mail : yacoob@mahek.co.uk