2015નો સવાલ : સ્વરાજ, તું જન્મસિદ્ધ અધિકાર છો, પણ કિયો જનમ – નાગરિકનો કે નાતજાતનો ?
ફરી એક વાર, પહેલી ઑગસ્ટ … અને લોકમાન્યનું પુણ્યપર્વ ! રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષપદેથી ‘સ્વરાજ’ એ મંત્રપ્રયોગ કરનાર પહેલી શખ્સિયત જો એક ગુજરાતી નામે દાદાભાઈ નવરોજી હતા, તો ‘સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવો ગરવો ઉદ્દગાર કેમ જાણે અમેરિકી ક્રાંતિની પરંપરામાં લોકમાન્યને નામે જમે બોલે છે. લોકમાન્ય ગયા ત્યારે એમને ખભો આપનાર પૈકી વડાઓમાં એક એવા મોહનદાસ ગાંધી હતા. સ્વતંત્રતાને ‘માઝા જન્મસિદ્ધ અધિકાર’ તરીકે ઓળખાવનાર ઝુઝારુ જોદ્ધાને વિશ્વગુજરાતી એવા ગાંધીનો ખભો મળવો તે જાહેર જીવનનો નકરો શિષ્ટાચાર નહોતો. સ્વતંત્રતાની વિસ્તરતી વ્યાખ્યાનો એ એક યુગસંકેત હતો.
આ સંકેત સખોલપણે મૂકી આપવો અને બોલી બતાવવો તે આજના દિવસોમાં જરૂરી છે એટલું કદાચ ક્યારે ય નહોતું. વિસ્તરતી વ્યાખ્યા એટલે દાદાભાઈના છેડેથી તેમ તિલક – બેસન્ટ સ્કૂલના ‘હોમરુલ’થી આગળ જઈને ગાંધીનહેરુપટેલની, લાલ-બાલ-પાલની આગળ જતી ત્રિપુટી હસ્તક ‘મુકમ્મલ આઝાદી’ કહેતા પૂર્ણ સ્વરાજના નિર્ધાર તો ખરો જ ખરો. પણ તિલક સંપ્રદાયમાં જેનો પૂરા કદનો મહિમા અગ્રસ્થાને નહોતો તે સામાજિક સમાનતા માટેની જદ્દોજહદ પણ ખરી.
રાજકીય આઝાદી અને આર્થિક-સામાજિક ન્યાયની પ્રક્રિયાએ સાથેલગાં ચાલવું રહે છે એ અર્થવિસ્તાર 2015માં આપણી સામે બુલંદપણે આવી ઊભતો હોય તો એનું એક રહસ્ય ચંદુ મહેરિયાએ ઊઘડતે અઠવાડિયે આભડછેટને જે સમગ્ર પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી એમાં રહેલું છે. આ આભડછેટ જો ઉજળિયાત-દલિત વચ્ચે માલૂમ પડે છે તો દલિતોમાં પણ માંહોમાંહ માલૂમ પડે છે. ઉલટ પક્ષે, ગુજરાતમાં આ જ દિવસો કાલચક્ર બાબતે જાણે સમજના કાંટા પાછા ફેરવવા હોય તેમ આજકાલ ગાજતા ‘પટેલ અનામત’ના પણ છે. જરા જુદી રીતે, ગાંધીસૂચવ્યા બંધારણકાર આંબેડકરના એ શબ્દો આમ વારેવારે સાચું પડવા કરે છે કે પ્રજાસત્તાક બંધારણ સાથે આપણે એક વિલક્ષણ પરિસ્થિતિમાં પ્રવેશીએ છીએ, જેમાં રાજકીય આઝાદી સાથે આર્થિક-સામાજિક આઝાદીનું વાનું મેળમાં નથી.
ગાંધીની સ્વરાજની વ્યાખ્યામાં આભડછેટની નાબૂદી અને હિંદુ-મુસ્લિમ એખલાસ અભિન્ન અંગ સરખાં હતાં, એ એમના નેતૃત્વનો એક વિશેષ હતો. એક ઇતિહાસવસ્તુ લેખે આપણે સમજવું જોઈએ કે સમાજબંધારણમાં જો બદલની હિલચાલ મોળી હોય તો પ્રજાસત્તાક બંધારણમાં અપેક્ષિત અમલ પણ ઓછો અને પાછો પડે છે. ગુજરાતે વીસમી સદી ઉતરતે અનામતવિદ્રેષનું જે આંદોલન આગર હિંસ્ર ઉત્પાત અનુભવવાની નોબત આવી એમાં કાૅંગ્રેસ અને ભાજપ બેઉના નેતૃત્વની બીજી હરોળના ઠીકઠીક લોકો સંડોવાયેલા હતા. બાબુભાઈ જશભાઈની મુખ્ય ઓળખ અલબત્ત જુદી હશે, પણ ચિમનભાઈથી માંડીને આનંદીબહેન સુધી રાજકારણમાં પટેલોનો એક દબદબો રહ્યો છે. ભાઈકાકાની એ ફોર્મ્યુલા કે ‘પક્ષ’ એટલે પટેલનો ‘પ’ અને ક્ષત્રિયનો ‘ક્ષ’ આપણા નાતજાતગત વાસ્તવની પડછે વખતોવખત કામિયાબ હોઈ શકતી કોઠાસૂઝનુ અચ્છું નિદર્શન છે.
ગુજરાત ભાજપનો કેશુભાઈ-શંકરસિહ ઘટનાક્રમ આ સંદર્ભમાં જોવાસમજવા જેવો છે. જો કે કૉંગ્રેસમાં માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી અને સનત મહેતાનો ક્ષત્રિય (કે), હરિજન (એચ), આદિવાસી (એ), મુસ્લિમ (એમ) એ ‘ખામ’ વ્યૂહ કે પછી ભાજપમાં ગોવિંદાચાર્યની ધાટીએ નમોની ઓબીસી ઓળખભેર સામાજિક ઈજનેરીપૂર્વકની મંડલ-મંદિર મિલાવટમાં પણ તમને આ તરજ ઉપર યથાપ્રસંગ મતબેંકી રાજકારણ જોવા મળશે. વિસ્તૃત હિંદુત્વ રાજનીતિનો ગુજરાત નમૂનો જાડી રીતે કહેતાં ‘ખામ’ સામે ‘ખાસ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, સવર્ણ) જમાવટની રીતે સમજવા જેવો છે. પ્રસંગોપાત ‘ગરીબી હટાવો’થી માંડીને ‘વિકાસ’ સુધીના નારા નથી આવ્યા કે એની અપીલ નહીં ચાલી હોય એમ કહેવાનો આશય નથી. માત્ર, જન્મસિદ્ધ અધિકાર એવી સ્વંતત્રતા એવી ને એટલી જ જન્મસિદ્ધ નાતજાતગત ઊંચનીચથી આપણો પીછો છોડાવતી નથી તે વખતોવખતો વારંવાર સમજાય છે.
બને કે ‘ખામ’ ને વર્ણવાસ્તવ આને વર્ગવાસ્તવ વચ્ચે મેળ પાડવાની મથામણ તરીકે ઉપસાવવાનો ખ્યાલ હોય. કેમ કે ભૂમિહીન કિસાન કહેતાં ખેતમજૂર અને દલિત બેઉ લગભગ એક જેવા જોવા મળે છે. ‘ખાસ’માં મુસ્લિમને સ્થાને સવર્ણ અંબોળી જે આથો બને તે હિન્દુત્વ રાજનીતિમાં ‘લુમ્પન’ના પ્રવેશ અને પ્રતિષ્ઠા સાથે કેવો દારૂગોળો બની રહે છે તે 1992-2002ના ઘટનાક્રમ પછી કહેવાનું રહેતું નથી.
ગુજરાતમાં હાલના ‘પટેલ અનામત’ રાજકારણને કઈ રીતે જોઈ શકાય? જાડી સમજની રીતે એને ભાજપની અંદરના વ્યક્તિ ને નાતજાતગત ભેદના એક ‘નિકાલ’ તરીકે, તેમ પટેલ એકત્રીકરણ પછી માંહોમાંહે ભાગબટાઈના તબક્કા તરીકે પણ જોઈ શકાય. ગુજરાતમાં મોદી ઘટના સાથે ઓબીસી પરિબળના સંદર્ભમાં દિનશા પટેલ, પ્રફુલ્લ પટેલ, કેશુભાઈ પટેલ અને પ્રવિણ તોગડિયા સહિતની જમાવટ કોશિશને ઘટાવવાનો અવકાશ હતો જ – જેમ ખોડલધામ હિલચાલમાંયે હોઈ શકે છે. હવે ‘માંહોમાંહે’નો મામલો હશે ? હોઈ શકે.
જેપી આંદોલન અને જનતા મોરચાના દિવસોમાં ઈશ્વર પેટલીકર સાથે થતી ચર્ચામાં એમનું એક અવલોકન એ હતું કે અમે પાટીદારો સ્વરાજની લડતમાં જોડાઈ શક્યા. કેમ કે અમારી પાસે જમીનમાલિકીની એક હેસિયત હતી. આ હેસિયતે અમને રાજકીય જાગૃતિ જરૂર આપી, પણ આ જ હેસિયતે – તેની માંહેલા માલિકીભાવે – અમને સમાજનો એક વર્ગ ‘વહવાયું’ લાગતો હતો એમાંથી નીકળવાની કષ્ટસાધ્ય પ્રક્રિયા હજુ ચાલુ છે. ગાયકવાડીમાં ફરજિયાત શિક્ષણે અને રોકડિયા પાકે શુદ્રોને વૈશ્યની હેસિયત આપી વાણિયાબ્રાહ્મણ સાથે પટેલના દરજ્જામાં મૂક્યા. સૌરાષ્ટ્રની ઢેબર સરકારે ગરાસદાર નાબૂદી વાટે દીનહીન કિસાનને ‘પટેલ’ની ભૂમિકામાં મૂકી આપ્યો. આજે પટેલ અનામતનું લૉજિક કે માનસિકતા કે ચાલના શું છે એની તપાસ આ પૃષ્ઠભૂમાં કરવા જોગ છે.
બેસતે સ્વરાજે ગાંધીપહેલથી નેહરુપટેલમૌલાના ઉપરાંત મુખર્જી અને આંબેડકર સહિતની સરકાર બની એમાં તિલકની નનામીને ખભો દેતા ગાંધીનું વ્યાકરણ અને કવિન્યાય સમજાઈ રહે છે. હિંદુ, મુસ્લિમ, દલિત, ઓબીસી એ બધાં ‘આઇડેન્ટિટી પોલિટિક્સ’ની એક હદ સુધી ભૂમિકા નિ:શંક છે. પણ એક હદ સુધી જ, કેમ કે કાપવાનું અંતર તો નાગરિકતા ભણીનું છે. કોઈકે દાંડીકૂચ અને ‘અયોધ્યા’ નિમિત્તે સોમનાથથી શરૂ થયેલી યાત્રા બેઉને આ સંદર્ભમાં સરખાવી એમાં રહેલ બોધપાઠ અંકે કરવાપણું છે. એકે દેશ અને સમાજને જોડી, શોષણમુક્તિ અને સ્વરાજને પર્યાયી પ્રતિષ્ઠા આપી. બીજાએ દેશ અને સમાજને તોડી નાગરિક સંક્રાન્તિ પર સાંકડી આઇડેન્ટિટીને સવાર કીધી.
સ્વરાજ, તું જન્મસિદ્ધ અધિકાર છો. પણ કિયો જનમ-નાગરિકનો કે નાતજાતનો?
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 01 અૉગસ્ટ 2015