પાટીદારો, જાટો, ગુર્જરો, મીણાઓ અને મરાઠાઓનું સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર
જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે અને જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. આ નર્યો સ્વાર્થ છે ને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે
ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નલીન કોટડિયાએ કહ્યું છે કે ગુજરાતમાં પાટીદારોને અનામતની જોગવાઈ મળવી જોઈએ અને એ જો સ્વીકાર્ય ન હોય તો કોઈ પણ કોમ માટે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપો તો અમને પણ આપો અને કાં કોઈને ન આપો. મુખ્ય મુદ્દો આ છે. આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ પામી જાય અને અમે રહી જઈએ એ ન ચાલે. એટલે તો ગુજરાતના પાટીદારો અનામતની જોગવાઈ મેળવવા રણે ચડ્યા છે. ભારતનો દેશપ્રેમ આવો છે. જ્ઞાતિ, ભાષા, ધર્મ, પ્રાદેશિક અસ્મિતા વગેરે સંકુચિત ઓળખો રાષ્ટ્રવાદનો છેદ ઉડાડે છે. મહારાષ્ટ્રમાં એક કહેવત છે કે કુણબી માઝલા કિ મરાઠા ઝાલા. એટલે કે કણબી જ્યારે બે પાંદડે થાય ત્યારે તે જાણે કે મરાઠા હોય એ રીતે વર્તવા માંડે છે. આનો ગર્ભિત અર્થ એ છે કે કણબીને એની જગ્યા બતાવતાં રહેવું જોઈએ. જ્ઞાતિ હિન્દુ-એકતાનો છેદ ઉડાડે છે એ જોઈને તો ૧૯૮૯માં ભારતીય જનતા પાર્ટીના હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલનનો છેદ ઉડાડવા એ સમયના વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમને અનામત આપનારું મંડલનું કાર્ડ ઊતાર્યું હતું.
નલીન કોટડિયાના કથનથી જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ. ભારતમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં પાંચ વર્ષના અંતરમાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી હિંસક આંદોલનો થયાં હતાં. પહેલું આંદોલન ૧૯૮૦માં થયું હતું અને બીજું ૧૯૮૫માં થયું હતું. પહેલા આંદોલન કરતાં બીજું આંદોલન વધારે વ્યાપક અને હિંસક હતું. ગુજરાતમાં આટલા ટૂંકા ગાળામાં બે વખત આંદોલનો થયાં એટલે પહેલાં ઇન્દિરા ગાંધીની અને પછી રાજીવ ગાંધીની સરકારે અન્ય પછાત કોમને અનામતની જોગવાઈ આપવાની ભલામણ લાગુ કરી નહોતી. ત્યારની કેન્દ્ર સરકારોને એમ લાગ્યું હતું કે ગુજરાત જેવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પેદા થઈ શકે છે. આમ વીંછીનો દાબડો ખોલવાની સરકાર હિંમત કરતી નહોતી.
વાસ્તવિકતા એ છે કે ગુજરાતને અને ગુજરાતનાં ૧૯૮૦ના દસકાનાં બે અનામતવિરોધી આંદોલનોને સમજવામાં કેન્દ્ર સરકાર અને ભારતના કેટલાક સામાજિક-રાજકીય સમીક્ષકો ભૂલ કરી બેઠાં હતાં. એ આંદોલન અસ્સલમાં અનામતવિરોધી ઓછું હતું, પરંતુ દલિતો અને આદિવાસીઓવિરોધી વધુ હતું. મુખ્યત્વે દલિતવિરોધી હતું. બીજું, એના કર્ણધારો બ્રાહ્મણો, નાગરો, વણિકો કે રૂઢ અર્થમાં સવર્ણો નહોતા પરંતુ વચલી જ્ઞાતિઓના ઉચ્ચવર્ણીય સંપન્ન લોકો હતા. આજે જે લોકો પોતે પછાત હોવાની દલીલ કરી રહ્યા છે એ પાટીદારો એમાં મોખરે હતા. જી હા, ૧૯૮૦ અને ૧૯૮૫માં આ જ પાટીદારો અનામતની પ્રથાનો વિરોધ કરતા હતા અને વિરોધ કરવામાં મોખરે હતા. આની પાછળની માનસિકતા નલીન કોટડિયાના શબ્દોમાં વ્યક્ત થાય છે : આપો તો અમને પણ આપો અને કાં કોઈને પણ ન આપો. કોઈ આગળ નીકળી ન જવું જોઈએ.
એ સમયે ગુજરાતનાં અખબારોએ ભૂંડી ભૂમિકા ભજવી હતી. આગમાં તેલ રેડવાનું કામ ગુજરાતનાં અખબારોએ કર્યું હતું. આનું લૉજિક પણ સમજવા જેવું છે. ગુજરાતી અખબારોના વાચકો તરીકે ઉચ્ચ શિક્ષિત સવર્ણોની સંખ્યામાં ઘટાડો નહોતો થતો તો વધારો પણ નહોતો થતો. વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો શિક્ષિત થતા જતા હતા અને નવશિક્ષિત વાચકો તરીકે ઉમેરાતા હતા. ૧૯૮૫ સુધીમાં ગુજરાતી અખબારોમાં ૮૦ ટકા વાચકો વચલી જ્ઞાતિઓના ઉપલા થરના નવશિક્ષિતો હતા. ગુજરાતી અખબારો હવે તેમના પર નિર્ભર હતાં. અનામતવિરોધી આંદોલનને અખબારોનો ટેકો હોવાથી આંદોલન વકર્યું હતું. દલિતો બિચારા લાચાર અવસ્થામાં હતા.
બીજું, ભારતના અન્ય કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતમાં વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ બહુ મોટા પ્રમાણમાં અને ઝડપથી અસ્તિત્વમાં આવ્યો હતો. એ મધ્યમ વર્ગમાં પાટીદારો અને કણબીઓ અગ્રસ્થાને હતા અને આજે તો બહોળા પ્રમાણમાં છે. ખેતીવાડી, વેપારધંધા, ઉદ્યોગો અને રાજકારણ એમ દરેક ક્ષેત્રમાં આ પાટીદારોએ બ્રાહ્મણો અને વણિકોને પાછળ ધકેલી દીધા હતા. પાટીદારો અને કણબીઓ, એમાં પણ ખાસ કરીને પાટીદારો આજે ગુજરાતની શાસક પ્રજા છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નહીં ગણાય. વેપાર કરનારી ગુજરાતી પ્રજા વ્યવહારુ છે માટે શાંત અને સહિષ્ણુ છે એ એક ભ્રમ છે. ભારતમાં સૌથી વધુ કોમવાદી હુલ્લડો ગુજરાતમાં થયાં છે અને ભારતમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં ઉપરાઉપરી બે વખત અનામતવિરોધી જ્ઞાતિવાદી આંદોલનો થયાં છે. ગુજરાત જેવાં અનામતવિરોધી આંદોલનો બીજા કોઈ રાજ્યમાં નથી થયાં. ગુજરાતના મધ્યમ વર્ગના આવા બેવડા ચહેરાને ઓળખવામાં સમાજશાસ્ત્રીઓ થાપ ખાઈ ગયા હતા. ગુજરાતનો મધ્યમ વર્ગ એક જ સમયે કોમવાદી પણ છે અને જ્ઞાતિવાદી પણ છે. બન્ને ચહેરા પ્રસંગોપાત્ત પ્રગટ થતા રહે છે.
ત્રીજું, જાણીતા સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસની થિયરી મુજબ ભારતમાં વચલી જ્ઞાતિઓમાં બહુ મોટા પ્રમાણમાં સંસ્કૃિતકરણ (સંસ્ક્રીટાઇઝેશન) થઈ રહ્યું છે. એમ. એન. શ્રીનિવાસની થિયરી એવી છે કે આઝાદી પછી વચલી જ્ઞાતિઓની પ્રજા જેમ-જેમ શિક્ષિત અને સુખી થતી ગઈ એમ-એમ એણે પોતાની જાતે જ પોતાનું જ્ઞાતિકીય સામાજિક સ્તર ઉપરનું હોવાનું એકપક્ષીય રીતે ઠરાવવાનું શરૂ કર્યું હતું. આવા એકલદોકલ પ્રસંગો ૧૯મી સદીમાં પણ જોવા મળતા હતા, પરંતુ આઝાદી પછી આ એક ફૅશન બની ગઈ છે. ૧૯મી સદીમાં જગન્નાથ શંકરશેટ મુંબઈમાં મોટા શ્રીમંતોમાંના એક હતા. તેઓ સોનાર (સોની) જ્ઞાતિના હતા અને તેમણે પોતાની જ્ઞાતિને દેવજ્ઞ બ્રાહ્મણ સોનાર જ્ઞાતિ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. તેમની વગ એટલી મોટી હતી અને સોનાર જ્ઞાતિ પ્રમાણમાં સંપન્ન હતી એટલે કોઈએ એકપક્ષીય રીતે જ્ઞાતિકીય સ્તર ઉપર ઉઠાવવાના જગન્નાથ શંકરશેટના પ્રયાસનો વિરોધ કર્યો નહોતો.
આઝાદી પછી વચલી જ્ઞાતિઓએ એકપક્ષીય રીતે પોતાને ઉપર ઉઠાવવાનું શરૂ કર્યું હતું. મહારાષ્ટ્રમાં અનેક જ્ઞાતિઓ પોતાને મરાઠા તરીકે ઓળખાવે છે તો ગુજરાતમાં તેઓ પાટીદાર કે કણબી તરીકે ઓળખાવે છે. ગુજરાતની વ્યાવસાયિક કોમ પોતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. ગુજરાતના અસ્સલ, મધ્યકાલીન યુગમાં રિયાસતોને કારણે ક્ષત્રિય બનેલા કે પછી આજના યુગમાં શ્રીનિવાસની થિયરી મુજબ પોતાની જાતે પોતાને ક્ષત્રિય ગણાવતા નવક્ષત્રિયો પોતાને કાં સૂર્યવંશી ગણાવે છે કાં ચન્દ્રવંશી. પોતાની જાતે જ પોતાની જ્ઞાતિનું સ્તર ઉપરનું હોવાનું જાહેર કરવાની અને એને સિદ્ધ કરવાની પ્રવૃત્તિ દેશભરમાં ચાલી રહી છે.
અહીં એક હકીકત ધ્યાનમાં લેવી જોઈએ કે આ પ્રવૃત્તિ માત્ર વચલી જ્ઞાતિઓમાં જ ચાલે છે. જ્ઞાતિની નિસરણી પર સૌથી ઉપલા પગથિયે રહેલા બ્રાહ્મણોને હજી ઉપર ચડવા માટે જગ્યા નથી અને સાવ નીચે છેલ્લે પગથિયે રહેલા દલિતોને એની છૂટ નથી. આદિવાસીઓ નિસરણીની બહાર છે. ભારતની જ્ઞાતિઓમાં પહેલાનો અને છેલ્લાનો ક્રમ નિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ નિશ્ચિત છે, જ્યારે બીજી વચલી જ્ઞાતિઓનો ક્રમ અનિશ્ચિત છે કારણ કે તેમની ઓળખ અનિશ્ચિત છે.
ચોથું, ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષમાં બ્રાહ્મણોનું હવે કોઈ સ્થાપિત હિત રહ્યું નહોતું. મોટા ભાગના બ્રાહ્મણો અને વણિકો ગામડાં છોડીને શહેરમાં જતા રહ્યા છે. ગ્રામીણ સ્તરે આર્થિક હિતસંઘર્ષ વચલી જ્ઞાતિઓમાં આપસમાં અને દલિતો સાથેનો સંયુક્ત રીતે છે. પાટીદારને કણબીનું મોઢું જોવું ગમે નહીં અને બન્નેને મળીને દલિતનું મોઢું જોવું તો જરા ય ગમે નહીં. મુખ્યત્વે આર્થિક સ્વાર્થો જ્ઞાતિકીય પૂર્વગ્રહોનો ચહેરો ધારણ કરીને પ્રગટ થતા રહે છે. ૧૯૮૦માં અને ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલનો થયાં ત્યારે અનામતની જોગવાઈ માત્ર દલિતો અને આદિવાસીઓ માટેની હતી એટલે વચલી જ્ઞાતિઓનો મધ્યમ વર્ગ અનામતની વિરુદ્ધ હતો અને તેમણે સંયુક્તપણે એ લડાઈ લડી હતી.
૧૯૮૦ના પહેલા આંદોલન વખતે હજી મંડલ પંચની ભલામણો આવી નહોતી એટલે અન્ય પછાત કોમ કહેતાં વચલી જ્ઞાતિઓને અનામતની જોગવાઈ મળશે એવી કોઈ સંભાવના દેખાતી નહોતી. બીજી વખત ૧૯૮૫માં અનામતવિરોધી આંદોલન થયું ત્યારે મંડલ પંચનો અહેવાલ આવી તો ગયો હતો, પરંતુ સરકારે લાગુ કર્યો નહોતો. સર્વસાધારણ ધારણા ત્યારે એવી હતી કે વધારાની અનામતની જોગવાઈ સાવ પછાત જ્ઞાતિ માટેની હોવી જોઈએ અને એમાં આપણી જ્ઞાતિનો સમાવેશ થાય એવી સંભાવના દેખાતી નહોતી. એમાં વળી દરેકે પોતાની જ્ઞાતિનું સ્તર પોતાની મેળે જ ઉપર ઉઠાવ્યું હતું અને તેઓ પોતાની જાતે પોતાને ઉજળિયાત સમજવા લાગ્યા હતા એ સ્થિતિમાં આપણે અનામતને લાયક હોઈ શકીએ એવી કોઈ સંભાવના તેમને સપનામાં પણ નજરે પડતી નહોતી.
આપણે તો ઉજળિયાત છીએ અને વધારાની અનામતની જોગવાઈ જે લોકો ઉજળિયાત નથી એવા પછાત લોકો માટે હશે એમ સમજીને વચલી જ્ઞાતિઓના ઉપલા થરના મધ્યમ વર્ગના લોકોએ મેરિટના નામે અનામતનો સમૂળગો વિરોધ કર્યો હતો. ત્યારે તેઓ કહેવાતી સમાનતામાં અને ગુણવત્તામાં માનનારા મેરિટોક્રેટ હતા. અનામત હોવી જ ન જોઈએ, અનામતના કારણે ગુણવત્તાનું ધોરણ કથળે છે, વીતેલા યુગના લોકોએ કરેલી ભૂલની સજા આજના યુગમાં અમારાં બાળકોને કરવામાં આવે એ અન્યાય છે જેવી બ્રાહ્મણો જે દલીલ કરતા આવ્યા છે એવી દલીલ પાટીદારો કરતા હતા.
૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપ સિંહે અન્ય પછાત કોમ માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈનો અમલ કર્યો અને દલીલો બદલાઈ ગઈ. અવદીચોની નાતના જમણવારમાં અમે બી ડીચ કહીને બીજી કોમના લોકો ઘૂસી જતા એમ હવે વચલી જ્ઞાતિઓના ઉપલા થરના લોકો પોતાને પછાત ગણાવીને ઘૂસવા માગે છે. પછાત કોને ગણવા એના માપદંડો કાચા અને અધૂરા છે એનો તેઓ લાભ લેવા માગે છે. શ્રીનિવાસ કહેતા એમ જે લોકો પોતાને ઉપર ચડાવતા હતા એ લોકો હવે પોતાને નીચે ઉતારવા માંડ્યા છે. જે લોકો પોતાને ઉજળિયાત ગણાવતા હતા એ લોકો હવે અનામતનો લાભ લેવા પોતાને પછાત ગણાવતા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં મરાઠાઓ, ઉત્તર ભારતમાં જાટો અને મીણાઓ અને ગુજરાતમાં પાટીદારોનું તર્કશાસ્ત્ર બદલાઈ ગયું છે. આ નર્યો સ્વાર્થ છે અને એને પછાતપણા સાથે કોઈ લેવાદેવા નથી એ દીવા જેવું સત્ય છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 23 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-23082015-14