કોવિડ-19ના રોગચાળાના કારણે ઘણાં ક્ષેત્રો પર અવળી અસર પડી છે એ અખબારોથી જાણવા મળે, પણ અખબાર જગત પર કેવી અસર પડી છે તે જાણવા ન મળે. આવી ઐતિહાસિક વિપદાના સમયે સરકારની કામગીરી પર દેખરેખ રાખવા અને ભૂલચૂક પર સવાલ ઊઠાવવા આપણે જેના પર આધાર રાખીએ તે વિપક્ષ, અદાલત, અખબાર અને અંતે નાગરિક સમાજ – એમાંના એક તે સમાચાર માધ્યમની દશા વિષે વાત કરવી છે.
ક્રમવાર પહેલાં જોઇએ કે કોરોના વાઇરસના રોગચાળા પહેલાં શું સ્થિતિ હતી. 30મી નવેમ્બરે ‘ધ ઇકોનોમિક ટાઇમ્સે’ વ્યાપાર-ઉદ્યોગ વિષે એક ગોષ્ઠિ યોજેલી, જેમાં નાણાપ્રધાન મુખ્ય મહેમાન હતાં. તેમાં આખાબોલા ઉદ્યોગપતિ રાહુલ બજાજે કહી દીધું કે “ભયનું વાતાવરણ છે, તમે સારું કામ કરો છો પણ અમને ખાતરી નથી કે તમે કોઇ ટીકાટિપ્પણી સાંભળવા તૈયાર છો.” બીજા દિવસે આ સમાચાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ‘ અને ‘ટેલિગ્રાફ‘ સિવાય ક્યાં ય પ્રગટ થયા નહિ. ખાસ તો, આયોજકોએ પોતે, ઇ.ટી. અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘એ, આ સમાચાર પ્રકાશિત કરવાનું મુનાસિબ ન માન્યું.
દિલ્હીના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ‘ને વિદેશમાં વખણાયેલા પત્રકારોને તંત્રીપદું આપવાનો વારંવાર શોખ થાય છે, તો 2016ના મેમાં ‘ટાઇમ’ મેગેઝિનના બૉબી ઘોષને તંત્રી બનાવ્યા. મુસ્લિમો અને દલિતોને ટોળાં મારી નાખે તેનો એટલે મોબ લિન્ચિંગનો દોર હતો, ત્યારે ઘોષે એચ.ટી.ની વેબસાઇટ પર એક પ્રોજેક્ટ શરૂ કર્યો, હેટ ટ્રેકર, એટલે કે ઘૃણા-ધિક્કારના રાજકારણનો ભોગ બનતા લોકો અને એવી ઘટનાઓની યાદી. એમાં વખતેવખતે ઉમેરો થતો જાય. 2017માં ઘોષે રાજીનામું આપવું પડ્યું અને પ્રોજેક્ટ પૂરો આટોપાઇ ગયો. હવે એ ડેટાબેઝ સુદ્ધાં પણ, આર્કાઇવ તરીકે પણ, જોવા મળે તેમ નથી.
ઘોષની વિદાય લાંબી શ્રેણીના ભાગરૂપે છે, જેમાં અનેક છાપાં-મેગેઝિનના તંત્રીઓ 2014 પછી બદલાઇ ગયા છે. તંત્રીઓ તો પહેલાં પણ બદલાતાં, પણ 2014 પછી નવા તંત્રીના આગમન સાથે સંપાદકીય નીતિ પણ બદલાઇ જવા લાગી. જેમ કે, ‘ઓપન’ મેગેઝિનમાં મનુ જોસેફની જગ્યાએ અનએપોલોજેટિક રાઇટવિન્ગર એસ. પ્રસન્નરાજનના આગમન પછી મેગેઝિનનું નામ જ બદલવાનું કરવાનું બાકી રહ્યું, એ સિવાય બધું બદલાઇ ગયું. નામ પણ બદલીને ‘ધ ક્લોઝ મેગેઝિન’ કરત, પણ પછી લોકો એમ કહેત કે ‘ઓપન‘ ક્લોઝ થઇ ગયું.
‘ધ વાયર‘ વેબસાઇટે અમિત શાહના પુત્રની કંપનીએ રાતોરાત મબલખ કમાણી કરી એ વિષે અહેવાલ લખ્યો અને ‘કેરેવાન‘ મેગેઝિનની વેબસાઇટે અજીત દોવાલના પુત્રની કંપનીઓની માયાજાળ વિશે લખ્યું, બંને અહેવાલો માત્ર અને માત્ર જાહેરમાં ઉપલબ્ધ દસ્તાવેજો પર આધારિત હતા, પણ બંનેની સામે બદનક્ષીના કેસ ઠોકાયા, અને બંનેના સંવાદદાતા અને તંત્રીએ અદાલતની હાજરીઓમાં સમય આપવો પડે છે. એ સિવાયના સમયમાં તેઓ પત્રકારનું કામ કરે ત્યારે બીક માથે રહે. ‘વાયર‘ના તંત્રી સિદ્ધાર્થ વરદરાજનને તો ચાલુ લૉકડાઉને ઉત્તરપ્રદેશની અહર્નિશ સાહેબની સેવામહે લાગેલી પોલિસની ટીમે ખુલાસો આપવા લખનૌ આવવાની નોટિસ બજાવેલી, અને પછી સામે ચાલીને આવીને ખુલાસો લઇ ગયેલી. ‘કેરેવાન‘ને કેટલા કાનૂની દાવપેચમાં ફસાવવામાં આવ્યું છે તેનો લાંબો અહેવાલ અમેરિકાના વર્જિનિયા ક્વાર્ટલી રિવ્યૂએ હમણાં જ છાપ્યો છે.
સહકારી બેન્કો સાથે રાજકીય નેતાઓ સંકળાયેલા હોય એમાં કશું અજૂગતું નથી, પણ સત્તાપક્ષના કોઇ મોટા સાહેબ સાથે જોડાયેલી બેન્કમાં નોટબંધી પછી અસામાન્ય રકમ જમા થાય એ જરા અજૂગતું લાગે. પી.ટી.આઇ. તો સમાચાર સંસ્થા છે અને સમાચાર સંસ્થાઓની પ્રણાલિ વિવાદથી દૂર રહેવાની હોય છે (એ.એન.આઇ. જો.કે એ પ્રણાલિને તોડીને પી.આઇ.બી.ને નવરું કરી રહી છે). પણ પી.ટી.આઇ.એ બેન્ક વિશેનો આ અહેવાલ વહેતો કર્યો. નાસમજ નૌસીખિયા ડેસ્કવાળાઓના કારણે અનેક વેબસાઇટ પર એ સમચાર ચમક્યા – પણ ગણતરીના કલાકો પૂરતા. એ પછી બધેથી એ ડિલિટ થયા. આવા, એટલે કે ઉપરથી ફોન આવ્યે ડિલિટ થયેલા સમાચારોની તો પૂરી એક યાદી થાય છે, જે ‘કેરેવાન‘ની વેબસાઇટ પર કોઇકે ખંતથી તૈયાર કરી છે.
આ પ્રસંગોનો ઉલ્લેખ હિમશિલાની ટોચ બરાબર જ ગણવો. એન.ડી.એ. સરકાર અને મીડિયાજગત વચ્ચેની લેવડદેવડનું પૂરું વર્ણન ઘણું લાંબું છે. આમાં થતું શું હોય છે કે આમે ય પાંચ-દસ અખબારો કે વેબસાઇટ-ચેનલો જ સરકારની સામે પડવાની હિંમત કરતાં હોય છે, બાકી બધે તો સીધી રેખા પર જ ક્રમ ચલાવવાનો હોય છે, પછી ભલે તે સરકારી જાહેરખબર ખાતર હોય કે માલિકના સરકારી ટેન્ડર ખાતર હોય કે પત્રકારની શુદ્ધ આળસથી હોય. (યુ.પી.એ. કાળમાં ઊલટું હતું, ‘કેગ’ એક મીંડું ઉમેરતું અને અખબારો બીજાં મીડાં ઉમેરતાં. સરકારની અપ્રિયતા એવી હતી કે બધા બે ડોલ રેડી પુણ્ય અર્જિત કરી લેતા. હવે એ કૌભાંડોના કર્તાહર્તા નિર્દોષ પુરવાર થઇ રહ્યા છે – એન.ડી.એ. સરકારે પોતે કેસ લડ્યો હોવા છતાં.)
તો બજાજે કહ્યું તેવા ભયનું વાતાવરણ (ગુજરાતીમાં કોઇ ‘ભઈનું વાતાવરણ’ કહે તો પણ ચાલે) હોય ત્યારે બે વાત થાય છે. એક તો માહિતી ખાતાની યાદીને સો ટચના સાચા સમાચાર ગણીને ચાલવામાં આવે છે. (‘આકાશવાણી’ નામ એ સમયે પણ કોઇકે વિચારીને જ પાડ્યું હશે.) ડેસ્ક એડિટર કે રિપોર્ટર વિચારશે કે સરકારી પ્રેસ રિલિઝ કોવિડ રાહત પેકેજને જી.ડી.પી.ના દસ ટકા કહે છે તો કહે છે, હવે એમાં વધારે પિષ્ટપેષણ શું કામ કરવું. ઉપર કોઇ પૂછવાનું નથી અને પૂછશે તો સરકારી યાદી બતાવી દઇશું. બીજું જે થાય છે તે છે સેલ્ફ-સેન્સરશિપ. આમ તો મને લાગે છે કે આ સરકારી સમાચારમાં વજૂદ નથી કે પછી પેલા પી.ટી.આઇ.ના સમાચારમાં વજૂદ છે, પણ રહેવા દોને, ક્યાંક નોકરી જોખમમાં આવી જશે. ઉપર બીજાથી પાંચમા ફકરાની ઘટનાઓ પછી સોમાંથી નવ્વાણું પત્રકારો ઇશારો સમજી જ જતા હોય છે. એક રહ્યો તે દોઢડાહ્યો કહેવાય અને ટી બ્રેકમાં ચાના ગલ્લે બાકીના એનો ચેપ ના લાગે એ માટે એનાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવતા થઇ જાય. હિન્દીની આગળપડતી ચૅનલના એક ઉપરી પત્રકાર દિલ્હી વિધાનસભાની 2014ની ચૂંટણી વખતે ભા.જ.પ.ને ના જચે એવો એક પ્રશ્ન પૂછી બેઠા પછી એક કલાકમાં ઘરે બેઠા, એવા કૂડીબંધ દાખલા છે. એવા લોકોએ મોંઘવારી અને ઇ.એમ.આઇ. વચ્ચે જે સહન કર્યું તે જોઇને કોઈકને હિંમત પણ આવી હશે અને ઘણાને ડહાપણ.
સેલ્ફ-સેન્સરશિપના કારણે શું થાય કે રાફેલ કે ન્યાયમૂર્તિ લોયાના અકાળ અવસાન જેવી ઘટનાઓનું કોઈ ફૉલો-અપ ન થાય. રહેવા દોને, એમાં પડવા જેવું નથી. શક્ય છે કે એવી ઘટનાઓમાં વિવેચકો તરફથી જે આરોપો થયા હોય તે સાચા ન હોય, પણ તપાસ તો કરી શકાય કે એ પણ નહીં? પ્રશ્ન તો પૂછી શકાય કે એ પણ નહીં? બોફોર્સથી લઇને 2જી સુધી (અને એક્ઝેક્ટલી ત્યાં જ સુધી) અનેક પ્રકરણોમાં એકાધિક અખબારો જોડાઇને સંશોધન કરતાં. પણ હવે માત્ર કેરેવાનો અને વાયરો-સ્ક્રોલોનો જ ઇજારો રહ્યો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરવાનો. બાકી બે-એક અખબારો હિંમતથી તંત્રીપાને ભારે ટીકા કરશે, છોતરાં ઉખેડી નાખશે, પણ બીજા દિવસે સત્તાધારી પક્ષના પ્રવક્તા કે મંત્રીના જવાબને પણ શુદ્ધ નિષ્પક્ષ રહીને એટલી જ જગ્યા ફાળવશે. અંગ્રેજીમાં જેને ફેન્સ સિટર કહે છે, એ બચારાઓની છ-છ વરસ પછી હાલત કેવી થઈ હશે એની કોઇને દયા નથી આવતી.
કંઈક આવી જ પરિસ્થિતિ કટોકટી સમયે અને વચ્ચેવચ્ચે અન્ય સમયે પણ સત્તાપક્ષો તરફથી મીડિયાએ સહન કરવી પડી જ હશે. પણ ઇન્ટરનેટના યુગમાં આ ટૅક-સાવી પક્ષે ફેક ન્યૂઝની ફેક્ટરીઓ ખોલેલી છે, વેબસાઇટો પર અને સોશિયલ મીડિયા પર, જેમાં યુ.એન. અને યુનેસ્કોને ખબર ના પડે એ રીતે એમના પારિતોષિકોનું વિતરણ થઇ જાય છે. નોટબંધી પછી ચૅનલો નોટમાં માઇક્રોચિપ બતાવવા સુધી પહોંચી શકે, પણ એનાથી વધારે ફેંકાફેંક માટે વૉટ્સએપ જોઇએ. તમને ખબર નથી આખો ગેમપ્લાન શું હતો, એક ટેરરિસ્ટ પ્લોટ હતો નકલી નોટોનો અને સરકારે એનો ખાતમો કરી દીધો. એવી વાત છાપવા આડે છાપાંને હજુ છેલ્લીછેલ્લી શરમ નડે તો, સોશિયલ મીડિયા પર વહેવડાવો. પછી કોઇ પૂછે કે આટલી મોટી વાત બીજા ક્યાં ય કેમ નથી આવતી, તો ભક્તગણ કહે કે મીડિયા મોદીવિરોધી છે એટલે. લઘુમતી ઇત્યાદિ વિશે પણ આમ તો કોવિડકાંડની શરૂઆતમાં મર્યાદાઓ બદલાઈ ગઈ, પણ જે શબ્દો છાપી ન શકાય તે સોશિયલ મીડિયામાં તો ચલાવી શકાય. માટે સ્મૃતિ ઇરાનીએ બે વર્ષ પહેલાં ગર્વ અને સંતોષ સરખા ભાગે ઉમેરીને કહેલું કે સોશિયલ મીડિયાએ ટ્રેડિશનલ મીડિયાને પરાસ્ત કરી દીધું છે.
હવે કોવિડકાળની વિશેષતા એ રહી કે અચાનક બાકીની ફેક્ટરીઓની સાથે ફેક ન્યૂઝ ફેક્ટરીઓ પણ બંધ થઈ (અથવા એવું લાગ્યું). ક્યાં કેટલો રોગચાળો ફેલાયો છે, પરિસ્થિતિ ખરેખર શું છે, શું ધ્યાન રાખવું એના સમાચાર માટે લોકો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘એન.ડી.ટી.વી.’ તરફ વળ્યા. (કોવિડ વિશે આ પ્રકારના સમાચાર કોઇ ‘ઓપઇન્ડિયા‘ પરથી ફોરવર્ડ થયા હોય તો મને મળ્યા નથી. અલબત્ત, લઘુમતી કોમ પર દોષારોપણના ઉપજાવેલા સમાચારો સોશિયલ મીડિયામાં પણ એટલા જ ચાલતા હતા, જેટલા મેઇન સ્ટ્રીમ મીડિયામાં.) પણ જેને ગુજરાતી છાપાનો માહેર ઉપતંત્રી ‘વિધિની વક્રતા’ કહે છે અને હસમુખ ગાંધી (વચ્ચે ક્યાંક વિના કારણ હલન્ત મૂકીને) ‘આઇરની’ કહેત તે એ છે કે જ્યારે પ્રજાને એની સૌથી વધુ જરૂર છે તે જ સમયે ધ ઓરિજનલ ટ્રેડિશનલ મીડિયા એટલે કે અખબારોની હાલત સૌથી વધારે કથળેલી છે. તેઓ લોકોએ ફરી મૂકેલો ભરોસો મોનેટાઇઝ કરવાની એટલે કે એમાંથી અર્થોપાર્જન કરવાની સ્થિતિમાં નથી.
માર્ચના અંતે અને એપ્રિલની શરૂઆતમાં ચેપના ભયે મોટા ભાગના વાચકોએ ઘરે અખબાર મંગાવવાનું બંધ કર્યું. અખબારની રોજિંદી પી.ડી.એફ. આવૃત્તિ વૉટ્સએપ પર મળતી થઇ ગઇ. હવે તાળાં ખૂલવાની પ્રક્રિયા ચાલે છે, પણ ઘણાને હજુ કાગળ પર વિષાણુ હોવાનો ડર છે અને ઘણાને અખબાર ઇન્ટરનેટ પર જ વાંચવાની આદત પડી છે, તો પ્રિન્ટ વગર ચાલે છે. ઇન્ટરનેટ પર અખબારો વિજ્ઞાપન લઇને કમાણી ઊભી કરી શકતાં નથી, ઇન્ટરનેટનું બિઝનેસ મોડેલ એટલે કે કમાણીનું કોષ્ટક વર્ષો વીત્યે હજુ બરાબર બેઠું નથી. ભારત જ નહીં, પણ દુનિયાભરમાં અગ્રણી મનાતા એક અંગ્રેજી અખબારની દસ-બાર લાખ નકલો છપાતી, તે હવે એકાદ લાખ છપાય છે એવું કોઈકે કહ્યું. આમે ય સર્કયુલેશન કરતાં કમાણીનાં મોટું સાધન વિજ્ઞાપન છે, પણ લૉક ડાઉન વચ્ચે એ.સી.-ફ્રિજ-કોલાવાળા કોના માટે વિજ્ઞાપન આપે? ‘ટાઇમ્સ' જૂથના માલિક સમીર જૈને કહેલું છે કે સમાચાર એટલે જાહેરખબરો પછી જે જગ્યા વધે તે ભરવા માટેની સામગ્રી. પણ અત્યારે જા ગુણ્યા ખના અભાવે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા‘ સાવ અડવું, ‘ઇન્ડિયન એક્સપ્રેસ‘ જેવું, લાગે છે.
ન નકલો વેચાય, ન વિજ્ઞાપન મળે. આની અસર કંપનીની બેલેન્સશીટ પર તો પડે જ પડે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ'ને કર્મચારીઓના પગાર પર કાપ મૂકવાની ફરજ પડી. જો કે, તેમણે માનવીય રાહે નીચેના સ્તરે ઓછો કાપ અને ઉપરના સ્તરે વધારે કાપ રાખ્યો અને તંત્રી વત્તા માલિક સહિતના ટોચના પાંચે પગાર લેવાનું પણ બંધ કર્યું. ‘ટાઇમ્સે‘ પણ પગારકાપ મૂક્યો (બીજી વિગતો જાણવા મળી નહિ). તેની ગ્લોસી રવિ પૂર્તિની પાંચ માણસોની ટુકડીને તાત્કાલિક ઘરે જવા અને ફરી પાછા નહીં આવવા, કહેવું પડ્યું. પૂર્તિ ચારમાંથી એક પાનાની કરી અને એટલું કામ બીજા વિભાગને સોંપાયું. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ‘નું પ્રકાશન કરે છે તે એચ.ટી. મીડિયા તો શેરબજારમાં લિસ્ટેડ કંપની છે, તેના નફા-નુકસાનના આંકડા જાહેરમાં છે. વિકિપીડિયા પ્રમાણે, 2018ની કુલ આવક રૂ. 25 અબજથી વધુ અને નફાનો છેલ્લો આંકડો 2015માં રૂ. 3 અબજની ઉપર. એ નફો કેવી રીતે વધારવો તેની સલાહ લેવા એક કન્સલ્ટન્સી કંપની રોકી, જેણે કરોડો રૂપિયા લઇને સલાહ આપી કે તમારે કરોડો રૂપિયા બચાવવા હોય તો પરચૂરણ ખર્ચા બંધ કરો. માટે બે વરસ પહેલાં પટણા અને ભોપાલની આવૃત્તિ બંધ કરાઈ. ત્યાંના પત્રકારો ઘરે બેઠા. કોવિડ જેવાં કારણો આવે ત્યારે મેનેજમેન્ટ ચપળ અને દૂરંદેશી હોય તો કરકસરની તક જવા દેતું નથી. માટે એચ.ટી.એ મે મહિના અંતમાં અનેક વિભાગો બંધ કર્યા અને એક્ઝિક્યુટિવ એડિટર તેમ જ વીકએન્ડ એડિટર સહિત ઘણી મોટી સંખ્યામાં પત્રકારોએ ઘરે બેસવાનું પસંદ કર્યું. (કોઇનાં વ્યક્તિગત, પોતીકાં કારણો પણ હોઇ જ શકે છે, પણ ટ્રેન્ડ શું કહે છે તે જોવાનું છે.) એવાં માતબર જૂથોની આ હાલત હોય ત્યારે નવોદિતોનું શું ગજું? ‘ક્વિન્ટ’ વેબસાઇટે સંખ્યાબંધ યુવા પત્રકારોને આવજો કહેવું પડ્યું. દિલ્હીમાં અને એકંદરે ભારતભરમાં, જ્યાં છટણી નથી, ત્યાં પગારકાપ છે અને નવી ભરતી પર રોક તો એકાદ વરસ પહેલાંથી હતો. આ યાદી વધુ લંબાવવાને બદલે એટલું નોંધી લઇએ કે જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઇના પત્રકાર યુનિયને બોમ્બે હાઇકોર્ટ સમક્ષ ધા નાખી છે કે માલિકોને છટણી અને પગારકાપ બંધ કરવા કહો. એમાં આશા ઓછી એટલા માટે છે કે પહેલાંના જમાનાની જેમ કાયમી નોકરી પરના પત્રકારો સાવ અપવાદરૂપ બચ્યા છે, સામાન્ય નિયમ તો કોન્ટ્રાક્ટ નોકરીનો છે. પહેલાંના જમાનાના રૂઢિપ્રયોગમાં કહીએ તો આજે લગભગ બધા પત્રકારો ‘વાઉચરિયા’ છે (એનો બીજો અર્થ ના કાઢતા, પબ્લિક ઇશ્યુની પ્રેસ કોન્ફરન્સમાં મળતાં વાઉચરો પર નભતા લહિયાઓની પ્રજાતિ વરસોથી મૃતઃપ્રાય છે).
કોવિડકાંડની બીજી આડઅસર એ છે કે ‘વાયર‘,‘સ્ક્રોલ‘,‘ધ ઇન્ડિયા ફોરમ‘ ઇત્યાદિ સંસ્થાઓ પાસે કમાણીનાં કોઇ સાધન આમે ય નહોતાં, વિજ્ઞાપન ઘટ્યે એમને કોઇ ફરક પડતો નથી. ‘ગાર્ડિયન’ ઇત્યાદિના ક્રાઉડસોર્સિંગમાંથી પ્રેરણા લઇને તેઓ સહ્રદયી વાચકો પાસેથી દાનની યાચના કરી લે છે. પણ અત્યારે એક તો વાચક પોતે નોકરીવિહોણો કે પગારના ચતુર્થાંશરહિત થયો હોય અને એની સામે એક ભૂખ્યા પરિવાર માટે મહિને રૂ. 625 આપો કે એ પ્રકારની યાચનાઓ આવતી હોય (પી.એમ. સિવાયના પણ ‘કેર‘ કરે છે તેમનાં ફન્ડ), ત્યારે સિદ્ધાર્થ વરદરાજનની ટુકડીના સંવાદદાતાઓ ભલે જાંબાઝ અને ઝુઝારુ હોય, તેમને અગ્રક્રમ આપવો મુશ્કેલ થઇ જાય છે.
અત્યારે, અને નિરીક્ષકતંત્રી કરે એવા પ્રયોગમાં કહીએ તો અનુકોવિડ સમયમાં પણ, સરકારી સામદામદંડભેદ અવગણીને પત્રકારત્વ કરવા બચેલા જે પાંચ-દસ ભેખધારીઓ છે, અખબાર, વેબસાઇટ કે ચૅનલ, તેમણે આ આર્થિક પરિબળો વચ્ચે તેમનો ધર્મ નિભાવવાનો છે. જે પત્રકારનો પગાર વધવાને બદલે કપાયો છે, તે બચારો કે બચારી કોરોનાના ભય વચ્ચે, લિટરલી એક્સ્ટ્રા માઇલ જઇને, બે વધુ ગામની મુલાકાત લઈને, સ્થળાંતરિત શ્રમિકો સાથે વાત કરીને, પરિસ્થિતિનો સાચો ચિતાર લાવે એવી આપણી અપેક્ષા છે. એ કદાચ ચડતા લોહીના કારણે એવું પરાક્રમ કરે તો પણ સમાચાર સંપાદક કે મુખ્ય તંત્રી મેનેજમેન્ટનું દબાણ અવગણીને એ રિપોર્ટરને પ્રોત્સાહન આપે એવી અપેક્ષા છે. સર્વોચ્ચ અદાલતે સ્થળાંતરિત શ્રમિકોની સમસ્યાઓ પ્રશ્ન સુઓ મોટો એટલે કે જાતે ઊઠાવ્યો તે અખબારી અહવાલોના આધારે. પણ એવા અહેવાલો કેટલા પડકારો પાર કરીને આવે છે, તેનાથી આપણે દરેક કિસ્સામાં વાકેફ નથી હોતા.
કટોકટી કાળે રામનાથ ગોયન્કા જેવા ભડવીરો માટે ઉચિત સન્માનની લાગણી સાથે કહેવું જોઇએ કે તેમની પંગત સામે એક જ પ્રકારના પડડારો હતા, સત્તાના દુરુપયોગના. આજે તેમના વારસોએ તળિયાઝાટક અર્થતંત્ર અને કોરોના-ચેપ-ભય સામે આ વ્યવસાયનાં ઉચ્ચ મૂલ્યોનું પરિમાર્જન કરવાનું છે. વત્તા સત્તાના દુરુપયોગનું પરિબળ તો ઊભું જ છે. ઉપરથી ટેકનોલોજીના દુરુપયોગો પણ છે. કોરોના જેવી આપત્તિઓમાં સરમુખત્યારશાહી વલણો વધુ પ્રબળ થતાં હોય છે એવું વિદ્વાનો કહે છે. ટૂંકમાં, છત્રીના વીમાની મજાકની જેમ કે ઘરણ-સાપ-ન્યાયે, જ્યારે લોકશાહીને અને નાગરિકને એની સૌથી આવશ્યકતા છે, ત્યારે જ બચારું પત્રકારત્વ એક્ઝિસ્ટેન્શ્યલ મૂર્છાના આરે છે.
e.mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 જૂન 2020