અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ભારત-ચીન સીમા પર ચાલતી તંગદીલી વિશે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને નરેન્દ્ર મોદીનો મૂડ સારો નથી. તેમણે શબ્દ વાપર્યા છે; ‘આઈ કેન ટેલ યુ, આય ડીડ સ્પીક ટુ પ્રાઈમ મીનિસ્ટર મોદી, હી ઈઝ નોટ ઇન અ ગૂડ મૂડ અબાઉટ વ્હોટ ઈઝ ગોઇંગ ઓન વિથ ચાઈના.’ તેમણે ભારત અને ચીન વચ્ચેના સીમાસંઘર્ષને મોટા સંઘર્ષ (તેમના શબ્દોમાં ‘બીગ કોન્ફલિક્ટ’) તરીકે ઓળખાવ્યો છે અને કહ્યું હતું કે પ્રત્યેક દેશ એક અબજ ચાલીસ કરોડની વસ્તી ધરાવે છે અને બંને દેશ પાસે મોટું લશ્કર છે એ જોતાં ‘હું (અમેરિકા નહીં, હું) બે દેશો વચ્ચે મધ્યસ્થી કરવા કે લવાદી કરવા તૈયાર છું.’ તેમણે એમ પણ કહ્યું હતું કે ‘ભારતની જનતા મને ચાહે છે. કદાચ અમેરિકન મીડિયા કરતાં ભારતમાં હું વધારે લોકપ્રિય છું. મને નરેન્દ્ર મોદી ગમે છે, હી ઈઝ અ ગ્રેટ જેન્ટલમૅન.’
જો દોસ્ત આવો હોય ત્યાં દુશ્મનની ક્યાં જરૂર રહે! એક રાષ્ટ્રનો વડો બીજા રાષ્ટ્રના વડા વિશે આમ ઊઘાડું નિવેદન કરે? સીમા-સંઘર્ષના કારણે ભારતના વડા પ્રધાનનો મૂડ ખરાબ છે એનો શું અર્થ કરવો? ચિંતામાં છે? દુઃખી છે? ઉદાસ છે? હતપ્રભ છે? શું અર્થ કરશો? દુનિયા શું અર્થ કરશે? ચીન આનો શું અર્થ કરશે? ચીન ભારતને વધારે નહીં દબાવે? કોઈ ડાહ્યો માણસ ખુલ્લે આમ આ રીતે ક્યારે ય ન બોલે. પાછા ટ્રમ્પ સાહેબ કહે છે કે સીમા પરની અથડામણ ગંભીર પ્રકારની અથડામણ છે એટલે તેને ઠારવી પડે એમ છે. વળી પાછા કહે છે કે તેઓ ભારતમાં લોકપ્રિય છે અને ભારતના વડા પ્રધાન તેમને બહુ ગમે છે. મધ્યસ્થી ક્યારે ય ઊઘાડો પક્ષપાત કરે? આવા પક્ષપાતી મધ્યસ્થીને ચીન કબૂલ રાખે?
સાધારણપણે બેવકૂફો કાગનો વાઘ કરતા હોય છે, અતિશયોક્તિ કરતા હોય છે, ઉતાવળ કરીને કસમયે બાફી મારતા હોય છે અને ઘણીવાર સાચું પણ બોલી જતા હોય છે. ઘણીવાર નહીં, મોટા ભાગે સાચું બોલી દેતા હોય છે. એટલે તો કોઈના ઘરની વાત જાણવી હોય તો એ ઘરના કોઈ ભોળા માણસને પૂછવામાં આવે છે. માટે આજે ટ્રમ્પના નિવેદનથી ડર લાગે છે. શું સીમા પરની અથડામણનું સ્વરૂપ ગંભીર પ્રકારનું છે? શું વડા પ્રધાન નર્વસ છે? ચીનના તેવર આક્રમક છે એ તો નજરે પડી જ રહ્યું છે. નોર્થન આર્મી કમાન્ડર રહી ચૂકેલા લેફ્ટનન્ટ (નિવૃત્ત) ડી.એસ. હૂડાએ અને ભારતના ચીનમાં એલચી તરીકે કામ કરી ચૂકેલા તેમ જ ચીનની બાબતોના નિષ્ણાત ગણાતા અશોક કંઠાએ કહ્યું છે કે આ વખતની ચીનની તૈયારી વધારે મોટી છે. આ અવારનવાર જોવા મળતું રાબેતા મુજબનું સીમોલ્લંઘન નથી. આ સ્થિતિમાં ટ્રમ્પનું નિવેદન ચિંતા પેદા કરનારું છે.
ભારત સરકારે ખુલાસો કર્યો છે કે ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ વાત જ નથી થઈ. તેમની વચ્ચે છેલ્લી વાતચીત ચોથી એપ્રિલે હાઈડ્રોક્લોરોક્વીન દવા માટે વાત થઈ હતી. બોલો આટલું જુઠાણું અને એ પણ જગતના સૌથી શક્તિશાળી દેશનો વડો બોલે? સરકાર કહે છે એમ જો આ વાત સાચી હોય તો ગયા ફેબ્રુઆરીમાં આવા ગમાર, બેજવાબદાર અને ફેંકુ મિત્રને નમસ્કાર કરવા માટે ભારતે ૧૩૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા?
ટ્રમ્પના નિવેદનનનું ગમે તે દિશામાં અર્થઘટન કરો, મામલો ચિંતા પેદા કરનારો છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 મે 2020