અમે ન્યુયૉર્ક શહેરમાં ઘર ખરીદ્યું અને ઇન્ડિયન તરીકે સારી છાપ પડે એ હેતુથી, અમે અમારા ઘરની આજુબાજુનાં બે ઘરો અને રસ્તાની સામેનાં બે ઘરોના પાડોશીઓને વાઈન અને ચીઝ માટે આમંત્ર્યા. આપણાં ચા–પાણી જ સમજોને! મારી પત્ની હંસાએ સાથે મોળાં સમોસાં અને પાતરાં પણ રાખ્યાં. તમે માનશો એ ચાર ઘરોના માલિકો વરસોથી ત્યાં રહેતા હતાં; પણ એકમેકના ઘરમાં કદી ગયા નહોતા. તેમને એકમેક સાથે બહારથી જ ‘હાય–હેલો’નો સંબંધ હતો. અમે તેમને એકમેક સાથે બોલતા કર્યા. પરંતુ પાડોશી સાથે બોલવાની ટેવ તો અમદાવાદથી જ ચાલુ થઈ હતી. જ્યારે પાડોશીની વાતો નીકળે છે ત્યારે મને મારા પહેલા પાડોશીઓ અચૂક યાદ આવે છે.
સારા પાડોશી મળવા એ નસીબની વાત છે. સુખી જીવનનો આધાર પાડોશ પર છે. ભલેને લાફીંગ ક્લબમાં જાવ કે યોગના આસનો કરો; પરંતુ પાડોશી જો સારો નહીં હોય તો સુખી થવાના બધા પ્રયત્નો વ્યર્થ જવાના અને એ માનસિક ત્રાસ તમને તંદુરસ્ત નહીં જ થવા દે. બધાને સારા પાડોશી મળે એમ બનતું નથી. એ લગ્ન જેવી વાત છે. લગ્નમાં તો છૂટા થવાય; પરંતુ સસ્તા ભાડાનું ઘર કાંઈ રસ્તામાં નથી પડ્યું. આમ જોઈએ તો પાડોશી તો બધા સારા જ હોય છે. જેવા આપણે તેવા આપણા પાડોશી. પરંતુ એમ ન પણ બને, જો તમારો પાડોશી, તમારો મકાનમાલિક હોય, તો પછી આવી બન્યું. આવી પરિસ્થિતિમાં તો એકલા તમારે જ તમારા પાડોશીને ખુશ રાખવાની કસરત કરવી પડે. જ્યારે પાડોશીઓ મકાનમાલિક અને ભાડૂતના સંબંધે જોડાય છે, ત્યારે ભાડૂતે બીચારાએ ‘પાડોશીધર્મ’ ભૂલી જઈને ‘ભાડૂતધર્મ’ પાળવાનો.
અમે નવા પરણેલાં હતાં ત્યારે અમદાવાદમાં મણિનગરની એક સોસાયટીમાં પહેલું ઘર માંડ્યું હતું. આ એ જમાનાની વાત છે કે જ્યારે ફ્લેટ બધા મુંબઈમાં હતા અને સોસાયટીઓ બધી અમદાવાદમાં હતી. એક રિટાયર્ડ કાકા અને કાકીના ઘરમાં અમે અમારું નવું ઘર માંડ્યું હતું. એમના બંગલાના પાછળના ભાગમાં એમના એક રૂમમાં અમે દિવસે ‘દીવાનખાનું’ બનાવતા અને તે જ દીવાનખાનાને રાતે અમારો ‘બેડરૂમ’ બનાવતા. કોઈ મહેમાન આવ્યા હોય તો તે નીચે જમીન પરની પથારીમાં સૂએ. એટલે અમારા પલંગ પરથી નીચે જોઈએ તો ‘ગેસ્ટરૂમ’ દેખાય. કાકાના ‘બાથરૂમ’માં, અમે અમારું ‘કિચન’ બનાવ્યું હતું. જ્યારે નહાવું હોય ત્યારે કિચનને, બાથરૂમમાં ફેરવી નાખતા.
હવે આ મગનકાકા અને શાંતાકાકી અમારાં પાડોશી. એ પાછા અમારાં મકાનમાલિક. અમારા આ પાડોશીનાં પરાક્રમ ઓછાં નહોતાં. એમના મકાનમાં રહેવા ગયાને પહેલે જ અઠવાડિયે મેં મારી મિલમાં કામ કરતા એક પેપર વેચતા છોકરા પ્રવીણ પાસે પેપર ચાલુ કરાવ્યું. વહેલી સવારે પ્રવીણ ‘ગુજરાત સમાચાર’ અમારી બારીમાંથી નાખી જાય. સાત વાગ્યે ચા સાથે પેપર વાંચીને હું મિલમાં નોકરી પર જાઉં. આમ થોડો વખત ચાલ્યું. તેમાં એક દિવસે બારીમાંથી પેપર ન પડ્યું. પરંતુ જ્યારે ઊઠીને બહારનું બારણું ખોલ્યું, ત્યારે જોયું તો પેપર ત્યાં પડ્યું હતું. ઉપર પાણીના છાંટા પણ હતા. તે દિવસે તો હશે, કહીને વાત પતાવી. બીજે દિવસે પણ પેપર ત્યાં મળ્યું. તે દિવસે મારે પ્રવીણને કહેવું પડ્યું કે, ‘ભાઈ, પેપર બારીમાંથી નાખ. આવું ચૂંથાયેલું છાપું ન લાવ.’ પ્રવીણ કહે કે, ‘એ તો તમારા મકાનમાલિકે મને કહ્યું છે કે મારે છાપું પહેલાં તેમને ઘેર નાખવું.’ ‘અલ્યા, છાપું મારું અને પાડોશી તને ઓર્ડર કરે? છાપું તો મારે ત્યાં જ નાખવાનું.’
બીજે દિવસે છાપું બારીમાંથી મારા રૂમમાં પડ્યું. હું એનો આનંદ અનુભવું, તે પહેલાં તો આગલા બારણામાંથી કાકા પ્રવેશ્યા. સાથે હતો પ્રવીણ. હું મારું આશ્ચર્ય વ્યકત કરું તે પહેલાં કાકાએ ચાલુ કર્યું, ‘આ બે પૈસાનો પેપરવાળો, મારે ત્યાં પેપર નાખવાની ના પાડે છે. મેં એને સમજાવ્યું કે હરનિશભાઈ પછી વાંચશે. મને પેપર પહેલાં આપવાનું. કેમ મારી વાત ખરી કે નહીં?’
હવે આ પ્રશ્નના જવાબનો ડાયલોગ જ હું ભૂલી ગયો. કાકાએ મને હુકમ કર્યો : ‘કહી દો આ છોકરાને, કે દલીલો કર્યા સિવાય પેપર મારે ત્યાં નાખે.”
મને ન ગમતું કામ મારી પાસે કાકાએ કરાવ્યું. પ્રવીણ મારી સામે દયા ભાવનાથી જોતો હતો અને દૂર ખૂણામાં પત્નીના મોઢા પર હાસ્ય હતું. પાછળથી મને ખબર પડી કે કાકા ટૉયલેટમાં મારું પેપર વાંચતાં ત્યારે તેમને ખુલાસો થતો. હવે મને પેપર પરના પાણીના છાંટાનું રહસ્ય પણ સમજાયું. થોડો વખત ગાડું બરાબર ચાલ્યું.
એક દિવસે સવારના પહોરમાં મેં બારણાં પાસે ‘ગુજરાત સમાચાર’ને બદલે ‘સંદેશ’ પેપર જોયું. આશ્ચર્ય તો થયું! પરંતુ ચલાવી લીધું. બીજે દિવસે પણ એ જ દશા. તે દિવસે મિલમાં પ્રવીણને મારે પૂછવું પડ્યું કે, ‘ગુજરાત સમાચારનું શું થયું?’
જવાબ મળ્યો. ‘કાકાને એ નથી ગમતું.’ તે દિવસે કાકા જ મારી પાસે આવ્યા. બોલ્યા કે, ‘તમે બહારગામના, તમને પેપરમાં બહુ સમજ ન પડે. મારું માનો ‘સંદેશ’ રાખો. ‘સંદેશ’ વાંચો. તમને ટેવ પડી જશે.’ કહેવાનું મન તો થયું કે, પાડવી હોય તો કોઈ પણ ટેવ પડે. પણ ન બોલાયું. હવે કાકાની કૃપાથી, હું ‘સંદેશ’ વાંચતો થઈ ગયો.
વાત આટલેથી નહોતી અટકી. અમારી પાસે રેડિયો હતો. અમારા ઘરમાં વાગે તે એમના ઘરમાં સંભળાય. કારણ કે અમારું ‘ઘર’ એટલે એમનો બીજો ‘રૂમ’ હતો. કાકાએ એમના ઘરમાંથી બેઠા બેઠા ફરમાન કર્યું, ‘આ શું? આખો દિવસ સિનેમાના ગાયનો સાંભળો છો! અમદાવાદ– વડોદરા સ્ટેશન પર હસમુખ બારાડીના ન્યુઝ લો.’ ‘ના’ પાડવાની મારી હિંમત નહોતી. ઓછા ભાડાનાં ઘર મળવાં મુશ્કેલ હતાં. પછીથી કાકાના ન્યુઝના સમય પણ મેં સાચવવા માંડ્યા.
હવે આ ન્યુઝની મુસીબત એ હતી કે એ સાંભળવા કાકા અમારા ઘરમાં જ બેસી પડતા. અમારે બે હાથ જોડીને કહેવું પડતું કે અમે નવાં પરણેલાં છીએ. માબાપથી દૂર છીએ. અમારે ‘ભાડૂતી ઘર’ સાથે ‘ભાડૂતી માબાપ’ નથી જોઈતાં.
એક રવિવારે સવારના પહોરમાં કાકા આવ્યા. મને લાગ્યું કે જરૂર રેડિયો સાંભળવા આવ્યા છે. એમણે જ શરૂઆત કરી :
‘આજે શું કરો છો?’
મેં પાણી પહેલાં પાળ બાંધવા માંડી : ‘ઓહ, આજે અમે બહાર જઈએ છીએ.’
‘તો તો બહુ સારું. મારે તો રેડિયો સાંભળવો છે.’
હું કાંઈ બોલું તે પહેલાં કહે, ‘તમે રેડિયો લઈને થોડા જવાના છો? તમે મોટેથી મૂકી દેજો. હું આગલા રૂમમાં સાંભળીશ.’ હવે આ પાડોશીને તે કેમ પહોંચી વળાય?
બીજા પાડોશી તે પાછળના બંગલા માલિક એક કાકી અને તેમની વહુ. ઘરના પુરુષોની તો હાજરી પણ ન દેખાતી. બીચારાં નિરુપદ્રવી હતાં. કાકીને અમે બે વરસમાં ક્યાં ય જતાં નથી જોયાં. આખો દિવસ તેમના બંગલાની પાળી પાસે ઊભા રહીને પીળા દાંત પર છીંકણી ઘસ્યાં કરે અને છીંકણી ન ઘસતાં હોય તોય દાંત પીળા જ લાગે. કહેવાની જરૂર નથી કે છીંકણી ઘસતાં ઘસતાં થુંક્યા કરે. તેટલું ઓછું હોય તેમ છીંકણી ઘસતાં ઘસતાં આપણી સાથે વાતો ચાલુ કરી દેશે. તમારે સાંભળવી હોય કે નહીં. તે અગત્યનું નહોતું.
આ કાકી અમારાં માથાંની દવા હતાં. અમારે કૂતરાની જરૂર નહોતી પડી. અમારે પોપટની જરૂર નથી પડી. અમારા બારણાંથી તેમની પાળી માંડ દશ ફૂટ દૂર હતી. અમે સાંજે બારણું બંધ કરતાં હોય તો પહેલું પૂછે, ‘કેમ, બહાર જાઓ છો?’ આ સવાલ પાછળ એમનો ઉદ્દેશ તો એ હોય કે, તમે ક્યાં જાવ છો? આપણે કહીએ કે, ‘હા, જરા બહાર જઈએ છીએ.’ તો બીજો સવાલ એ આવે કે, ‘સિનેમા જોવા જતા હશો?’ આપણે કહીએ કે, ‘એક જગાએ જઈએ છીએ.’ તો પાછી ઇન્કવાયરી આવે કે, ‘સાસરે જતા હશો.’ તેમને ખબર હતી કે મારું સાસરું અમદાવાદમાં જ હતું. જો આપણે કહીએ કે સિનેમા જોવા જઈએ છીએ તો પછી જાણવા માંગશે કે, ‘કઈ ફિલ્મ જોવા જાવ છો?’
આમ ઓછું હોય તેમ એ સાસુ–વહુ અમારે ત્યાં આવતા–જતાની દેખભાળ રાખે. અમારા મહેમાનને હું આવજો કહેવા બહાર નીકળું અને મહેમાન માંડ પાંચ ડગલાં દૂર જાય કે તો તુરત જ સવાલ આવે કે, ‘તમારાં ભાઈ–ભાભી હતાં?’ આ તો આપણે હેન્ડલ કરી શકીએ. પરંતુ જ્યારે પત્ની ઘેર ન હોય અને કોઈ અમારે ઘેર આવ્યું હોય એનો રિર્પોટ એ માજી મારાં પત્નીને આપે એવો રિપોર્ટ તો કોઈ ‘રાજકારણી’ પણ ન આપી શકે.
‘પેલાં નિશાબહેનનો સ્વભાવ બહુ માયાળુ.”
‘કોણ નિશાબહેન?” પત્ની પૂછશે.
‘પેલાં, ગઈકાલે તમારે ઘરે આવ્યાં હતાં તે.”
‘ઓહ, ગઈ કાલે નિશા મારે ત્યાં આવી હતી?’
‘હા, જ્યારે તમે નહોતાં ત્યારે.’
‘હશે કાંઈ કામ, હરનિશ મને પછી કહેશે.’
હવે આ ડાયલોગ હું અંદરથી સાંભળતો હોઉં. એટલે મારે માજીને કહેવું પડે કે, ‘જ્યારે નિશા અને એનો પતિ હવે પછી અમારે ઘેર આવશે તો તમને પણ ચા પીવા બોલાવીશ.’ આ બધાંનું મૂળ જ ‘બે આંખોનું મિલન’ છે. બહાર જતી વખતે મને ખબર હોય કે કાકી બહાર ઊભાં છે, તો તેમને અવગણીને પત્ની અને હું ખોટી ખોટી ગુસપુસ ચાલુ રાખીને, એમના તરફ જોયા સિવાય નીકળી જઈએ. જેથી ઇન્ક્વાયરીમાંથી બચી જવાય.
નજરની વાત કરીએ તો જગતમાં ‘દરેક વાતની મ્હોંકાણ જ નજર’ છે. નજરની ભાષામાં જ પ્રેમ થયા છે અને પાણીપત પણ થયાં છે.
અતુલ પ્રોડક્ટ્સ(વલસાડ)માં કામ કરતો હતો ત્યારે હું બેચલર હતો. મારા પાડોશી ગુણવંત દેસાઈ. માણસ બહુ મીઠ્ઠા, નિરુપદ્રવી. પરંતુ એ નોકરી પરથી આવતા હોય અને મારા ખુલ્લાં બારણાંમાંથી, મને અંદર ખુરશી પર બેઠેલો જૂએ અને અમારાં નયનો મળે, કે પોતાના ઘરમાં ન જતાં; સીધા મારા ઘરમાં ઘૂસી જાય. પછી કલાક બે કલાક ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઈના પોલિટિક્સની વાત ઉપાડે. અને બે કલાક પછી જમીને જાય. મારે ત્યાં મારો નોકર અંબુ રાંધતો. એમની બેબી બીચારી, બેચાર વાર બોલાવવા આવે. એમને પત્ની નહોતી. મા હતાં. ગુણવંતભાઈએ મારા પર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો એ કે, એમને લીધે હું પોલિટિક્સને ધીક્કારતો થઈ ગયો. આમ, જીવનના કેટલા ય કલાકો નિરર્થક ચર્ચાઓમાંથી બચી ગયા, જે મેં ટેનિસ રમવામાં વાપર્યા. જો ગુણવંતભાઈ આવતા હોય અને એમને પહેલાં જો હું જોઈ જઉં, તો હાથમાં ન્યુઝ પેપર લઈને, ખોલીને, તેમાં મોં છુપાવી દઉં અને અંદરથી જોઉં તો ગુણવંતભાઈ મારા ઘર તરફ પાસે આવી, ઘર તરફ જોઈ સ્હેજ ઊભા રહે અને મારા તરફથી કાંઈ રિસ્પોન્સ ન મળતા ચાલ્યા જાય. પણ આ કાંઈ ઝાઝું ન ચાલ્યું. ગુણવંતભાઈને મારી વિકનેસ ખબર હતી. બપોરે હું નોકરી પર જાઉં, ત્યારે એક કૂતરું ઓટલા પર ચઢી આવે અને ઓટલા પર જ સૂઈ જાય. સાંજે આવું તો એ કૂતરાને પણ માનથી નીચે ઉતરવાનું કહેતો. ગુણવંતભાઈએ મને તેમ કરતાં જોયો હતો. હવે હું મારા પેપરમાંથી માથું ન કાઢું તો ય, ગુણવંતભાઈ સીધા મારા ઘરમાં ધસી આવે.
‘તમારાં ઇંદિરાજી, હવે કાકાને જંપવા દે તો સારું’થી ચાલુ કરી દે. ગુણવંતભાઈ મોરારજીની નાતના હતા. નસીબ જોગે હું ઇંદિરા ગાંધીની નાતનો નહોતો. નહીં તો અમારા મતભેદ રાજકીય બનવાને બદલે સામાજિક બનત. ગુણવંતભાઈ ઘરમાં ભલે ધસી આવે; પરંતુ એમના તરફ ન જોઉં. એમને અવગણું. તોયે એમનું બોલવાનું ચાલુ રાખે. મારી ધીરજની પરીક્ષા કરે. કલાક અડધા કલાકે હું બોલું કે, ‘ઓહ, તમે આવ્યા છો?’ ઘણી વખતે હું કહું કે, ‘ગુણવંતભાઈ, તમારું ઘર બાજુમાં છે. અહીં નથી.’ આ રોજની રામાયણ થઈ ગઈ. કારણ એક જ હતું કે, અમારા બન્નેના ઘરમાં ‘સ્ત્રી’ નહોતી. એમનાં મા હતાં. પણ મા સ્ત્રી ન ગણાય.
મારા ઘરની બરાબર સામે ગોવિંદભાઈ કોંટ્રાક્ટર રહે. અને ગોવિંદભાઈને મારી દશા પર હસવું આવતું. એ મારો અને ગુણવંતભાઈનો ખેલ જુએ. મારી મશ્કરી કરે, ‘જાની, ગુણવંતભાઈ આવતા દેખાય છે. પેપર વાંચવા માંડો.’ હવે ઘણી વખતે ગુણવંતભાઈની સાથે સાથે ગોવિંદભાઈ પણ ઘરમાં ઘૂસી આવે. ગોવિંદભાઈને ‘દેશ’ના પોલિટિક્સ કરતાં ‘કંપની’ના પોલિટિક્સમાં રસ. ‘કેમ જાની, તમારી લૅબમાં તમારા બોસ, ભટ્ટ સાહેબ શું કરે છે? સાંભળ્યું છે કે કંપની તેમને અમેરિકા મોકલવાની છે?’ એ એમની વાત પૂરી કરે તે પહેલાં ગુણવંતભાઈ બોલે કે, ‘ભટ્ટને મારો ગોલી, મોરારજીકાકા વડાપ્રધાન બનવા જોઈએ.’ આમાં એક ખાનગી વાત એ હતી કે ગોવિંદભાઈને પીવાની આદત હતી. ગુણવંતભાઈને અને મને એ સમજાતું નહોતું કે નાનકડી ‘અતુલ કૉલોનીમાં એમને દારુ ક્યાંથી મળતો હશે!’ જે હોય તે; પણ ગોવિંદભાઈ કાયમ ‘રાજાપાઠ’માં આવી જાય. એટલે ગુણવંતભાઈ એમની સાથે કદી દલીલ ન કરે. તેમાં રાતે તો હું પણ તેમને છંછેડતો નહીં. ગોવિંદભાઈ, પોતાની પત્ની સાથે, આ પીવાની ટેવને કારણે કાયમ ઝઘડતા હોય અને ઘણી વખતે એ ઝઘડી, ઘર છોડીને નીકળી જતા અને સીધા આવતા મારે ત્યાં. એમની હાલત, એટલી ખરાબ હોય કે સીધું ચલાય પણ નહીં. એ હાલતમાં ચાર કદમ દૂર મારું ઘર નજીક પડતું. સીધા મારા ઘરમાં ઘૂસી આવતા. જેવા ગોવિંદભાઈ મારા ઘરમાં આવે કે ગુણવંતભાઈ પણ ખેલ જોવા પાછળ આવી ચઢે. હવે માણસને જો ચઢી હોય તો ક્યાં તો તે હસે અથવા તો રડે. જો હસે તો ગાયનો ગાવા બેસી જાય અને જો રડે તો તે ફિલોસોફર બની જાય, પોતાની જાતને ધિક્કારે, પત્નીને ધિક્કારે. તે કાળે સામે જે કોઈ બેઠું હોય તો તે એનો મિત્ર બની જાય. તો તેને પોતે ‘હવેથી નહીં પીએ’ એવું વચન આપે. કહેવાય છે કે પીધેલો માણસ હંમેશાં સાચું જ બોલે. જે દિલમાં હોય તે તેની જીભ પર આવી જ જાય. તેમ છતાં ગોવિંદભાઈના વચનનું, નશો ઉતરતામાં, બાષ્પીભવન થઈ જતું.
અમારો આ શિરસ્તો ચાર વરસ સુધી ચાલ્યો. આ બધાંનું કારણ સ્ત્રી હતી. ગુણવંતભાઈને સ્ત્રી નહોતી, એટલે સમય મારે ત્યાં ગાળતા. ગોવિંદભાઈને ત્યાં સ્ત્રી હતી, તેથી તે સમય મારે ઘેર ગાળતા હતા અને મારા ઘરમાં સ્ત્રી નહોતી એટલે આ બંધુઓ સાથે હું સમય ગાળતો. પાડોશીની વાત જવા દો. પરમાત્માને ભૂલી જાવ. ધ્યાનથી વિચારશો તો લાગશે કે જગત આખાનું નિયંત્રણ સ્ત્રી કરે છે.
•••••••
લંડનસ્થિત વિપુલ કલ્યાણી તે કાળે લંડનથી ‘ઓપિનિયન’ નામનું ગુજરાતી માસિક પ્રકાશિત કરતા. તે ‘ઓપિનિયન’ના 5મી એપ્રિલ, 2008ના અંકમાં છપાયેલો આ લેખ, સ્વર્ગસ્થ હરનિશ જાનીના અને વિપુલ કલ્યાણીના સૌજન્યથી … ..ઉ.મ..
(2009માં પ્રકાશિત થયેલા એમના બીજા હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુશીલા’માં આ જ લેખ, ‘મેરે સામનેવાલી ખીડકી મેં ..’ શીર્ષક હેઠળ છપાયો છે. ..ઉ.મ..)
લેખક હવે સદેહે આપણી વચ્ચે નથી; પણ તેઓ વિપુલ હાસ્યસાહિત્ય સર્જી ગુજરાતી હાસ્યજગતને સમૃદ્ધ કરી ગયા છે.
હાલ સમ્પર્ક : હંસા જાની – 4 Pleasant Drive, YARDVILLE, NJ 08620, U.S.A.
અને છેલ્લી વાત :
એમનો પહેલો હાસ્યવાર્તા સંગ્રહ, ‘સુધન’, હવે ‘ઈ.બુક’ સ્વરૂપે, તમે મફત ડાઉનલોડ કરી તેમનું નિર્મળ હાસ્ય માણી શકો છો. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી ડાઉનલોડ કરો :
https://www.gujaratilexicon.com/ebooks/humour/sudhan/
♦●♦
સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 464 – October 25, 2020