અવલોકન :
શ્રીજિત મુખરજીની બંગાળી ફિલ્મ “ઉમા” લોકભોગ્ય અને રસપ્રદ છે. તેમ છતાં થોડા ફેરફાર સાથે મુખરજી આને હજી વધારે સુગઠિત અને અસરકારક બનાવી શક્યા હોત.
સ્વિટઝર્લેન્ડમાં રહેતા હિમાદ્રિ સેનની 11 વર્ષની દીકરી ઉમાને અસાધ્ય રોગ છે, અને ડોક્ટરે માત્ર છ-આઠ માસ વધુ જીવવાની મુદ્દત આપી છે. આ ખબર સાંભળીને બાપ ભાંગી પડ્યો છે, પણ દીકરી ગજબની હિમ્મતવાળી છે. ઉમા સ્થિતપ્રજ્ઞ છે, અને અનિવાર્ય સંજોગનો સામનો કરવા તૈયાર છે.
દુર્ગા પૂજા
અંતિમ ક્ષણને ભેટવા પહેલાંની ઉમાની એક માત્ર ઈચ્છા છે દુર્ગા પૂજા જોવાની. દુર્ગા પૂજા બંગાળીઓનો સૌથી વધુ મહત્ત્વનો અને ખૂબ ઉત્સાહ-ઉમંગપૂર્વક મનાવાતો પ્રસંગ છે. (બંગાળીઓ દુર્ગા પૂજાને સામાન્યતઃ ‘પૂજા’ અથવા ‘પૂજો’ કહે છે.) પણ ઉમાની આ અંતિમ ઈચ્છા પૂરી કરવા આડે મોટો અવરોધ છે : પૂજા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થાય, જ્યારે બાપ-દીકરીને ડોકટર આ સમાચાર આપે છે ત્યારે હજી એપ્રિલ મહિનો છે. પણ ઉમાની આ ઈચ્છા પૂરી કરવા હિમાદ્રિ બધું કરી છૂટવા તૈયાર છે — બનાવટી પૂજા સુધ્ધાં.
પણ આ બનાવટી પૂજા યોજવાનું કામ સહેલું નથી, અને હિમાદ્રિ તેના આયોજન માટે આકાશ-પાતાળ એક કરે છે. “ઉમા”નું મુખ્ય કથાનક આ વિશે છે.
પડકાર કોણ ઉપાડશે?
આ કામ પાર પાડી શકે એવી “કુશળ” વ્યક્તિની શોધમાં હિમાદ્રિ ઉમા સાથે કોલકાતા આવે છે અને કેટલાક નિષ્ફળ પ્રયત્નો પછી એક ફિલ્મ દિગ્દર્શકને મળે છે. એક વખતનો સફળ ફિલ્મો બનાવનાર, પણ હાલ બેકાર બેસી રહેલ બ્રહ્માનંદ ચક્રવર્તિ આ પ્રસ્તાવ સાંભળીને પહેલાં તો ખીજે ભરાઈને ચોકખી ના પાડી દે છે, પણ એની ફિલ્મ કારકિર્દી પુનઃસ્થાપિત થવાની શક્યતા જોતાં — જો કે ફિલ્મ દ્વારા નહિ — છેવટે આ બનાવટી પૂજા યોજવા તૈયાર થાય છે.
હવે આ પ્રકારનું આયોજન કરવા માટે ઘણા મોરચા સર કરવા પડે એમ છે, અને ઘણા લોકોના સહકારની, તેમ જ ઘણી સરકારી, અર્ધસરકારી અને ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓની પરવાનગીની જરૂર છે. આ બધી ય મુશ્કેલીઓ પાર કરીને છેવટે, શહેરના કેટલા ય વિસ્તારોમાં ફેલાય એ રીતે આ પૂજા યોજાય છે, અને ઉમા, હિમાદ્રિ, તેમના સગાંવહાલાં, મિત્રો અને બીજાં અનેક “ઊભા કરાયેલાં” શ્રદ્ધાળુઓ અને ઉત્સાહીજનો આ પ્રસંગ માણે છે. ઉમાની અંતિમ ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ હિમાદ્રીને છે, અને ઉમાને પોતાને પણ છે. આ છે ફિલ્મની વાર્તા.
કૃત્રિમ વરસાદ
હવે “ઉમા”ના આ મુખ્ય કથાનકના પ્રવાહમાંના કેટલાક પ્રસંગો જોઈએ. એક બાજુએથી બ્રહ્માનંદ ચક્રવર્તિ આ આયોજન માટે તડામાર તૈયારી માંડે છે, તો બીજી બાજુએ એક જૂથ ભેગું મળીને એવો પ્રયાસ કરે છે કે ઉમા હજી ય જો માની જતી હોય, અને આ પૂજાની હઠ જ છોડી દે તો બધી ખટપટ જ પતી જાય. એ હેતુથી, ઉમા અને હિમાદ્રિ કોલકાતામાં જ્યાં રહે છે તે ઘરની બહાર જંગી ખર્ચના ભોગે કૃત્રિમ વરસાદ વરસાવે છે –કે હવે આવી વરસાદની ઋતુમાં ઉમા ક્યાં વળી પૂજા જોવા જશે?
પણ આ તુક્કો કારગત નીવડતો નથી; પૂજાનું આયોજન કરવા હિમાદ્રિ દૃઢનિશ્ચયી છે. જે વાડીમાં પૂજાનો મુખ્ય પંડાલ (મંડપ) બાંધવાનો છે ત્યાંની હાઉસિંગ સોસાઈટીની પરવાનગી લેવાની છે. તે માટેની સભામાં એક સભ્ય આ આખી ય બાબતનો જુસ્સાપૂર્વક વિરોધ કરે છે. તેની અડગતા અને જુસ્સો જોતાં એક વખત તો એમ જ લાગે છે કે ઉમાની ઈચ્છાપૂર્તિ ક્યારે ય નહિ થાય. પણ અનેક સમજાવટ પછી, છેવટે આ વિરોધ નોંધાવનાર મોહીતોષ સુર માની જાય છે, અને તેનાથી બનતી બધી મદદ કરી છૂટે છે.
ફિલ્મનો અંત સુખદ છે. ખરી પૂજા જેટલા, અથવા તેથી પણ કાંઈક વધારે ઉત્સાહથી શહેરના કેટલા ય વિસ્તારોમાં ફેલાઈને ઉમા માટેની આ પૂજા યોજાય છે. (હવે આ તબક્કે આ અવલોકનમાં પણ જાણે કે “બનાવટી પૂજા” કહેવાનું ગમતું નથી!)
પ્રાણવાન અભિનય
“ઉમા” ફિલ્મમાં જમા પક્ષે સૌથી વધુ સ્પર્શી જતી બાબત છે મોહિતોષ સુરના પાત્રમાં અનિરબાન ભટ્ટાચાર્યનો અભિનય. એનો અભિનય એટલો પ્રાણવાન છે કે પ્રેક્ષકોને એક વાર તો એમ લાગ્યા વગર રહે નહિ કે આ માણસ જો આપણી હાઉસિંગ સોસાઈટીની કમિટીમાં હોય તો બધા પ્રશ્નો ઉકલી જાય. શરૂઆતના પ્રબળ વિરોધ પછી જ્યારે તેનો હૃદયપલટો થાય છે ત્યારનો તેનો અભિનય પણ ખૂબ સબળ છે.
ઉમાના પાત્રમાં સારા સેનગુપ્તા નોંધપાત્ર અભિનય કરે છે. ચોક્કસ મૃત્યુ ભણી ધકેલાતી કાચી વયની કન્યાનું પાત્ર તે ભજવે છે, અને તેના પાત્ર પર જ આખી ય ફિલ્મનું મંડાણ છે. પાત્રને વધુ પડતું કરુણ કે રોતલ બનાવ્યા વગર જ સેનગુપ્તા સંયમિત અભિનયથી તેને દિપાવે છે.
“ઉમા”માં પિતા-પુત્રીનાં પાત્રો ભજવનાર જિશુ સેનગુપ્તા અને સારા સેનગુપ્તા ખરા જીવનમાં પણ પિતા-પુત્રી છે. જો કે અભિનય ક્ષેત્રે સારા તેના પિતાથી ક્યાં ય આગળ નીકળી જાય છે.
મર્યાદા
દિગ્દર્શક મુખરજીનો અતિ ઉત્સાહ “ઉમા”ની મુખ્ય મર્યાદા છે — અને તે એ રીતે કે ઘણા ય પ્રસંગોમાં જરૂર વગરનું લંબાણ તે નિવારી શક્યા નથી. મુખ્ય કથાનકના પ્રવાહમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવાના લોભને કારણે કેટલાક પ્રસંગો બિનજરૂરી રીતે લંબાઈ ગયા છે. તેને કારણે ફિલ્મની ગતિ ધીમી અને અસર થોડી ફિસ્સી થઈ જાય છે. એક ઉદાહરણ : હિમાદ્રિ એના મિત્રો સાથે બ્રહ્માનંદ ચક્રવર્તિ સમક્ષ આ પૂજાનો પ્રસ્તાવ મૂકવા જાય છે ત્યારે, ચક્રવર્તિની નિરાશાવાદી માનસિક સ્થિતિની ભૂમિકા સમજાવવા, તેની પત્ની સાથેના તેના ક્ડવાશભર્યા સંબંધોનું નિરૂપણ છે. આ પ્રસંગનું જે રીતનું લંબાણ અહીં છે, તેને બદલે તે અંગેનો થોડોક જ ભાગ દર્શાવીને વધુ અસરકારકતા ઊભી કરી શકાઈ હોત.
ઉપરાંત, કૃત્રિમ વરસાદવાળો પ્રસંગ પણ સારો એવો લંબાઈ ગયો છે.
આવા લંબાણભર્યા પ્રસંગો મુખરજી નિવારી શક્યા હોત તો ફિલ્મ વધુ સુગઠિત થાત, અને તેટલી જ તેની અસર પણ વધત. મુખરજી તેમની હવે પછીની ફિલ્મમાં આ બાબતનો ખ્યાલ રાખશે એવી આશા વધુ પડતી નથી. ફિલ્મકારે જો કે એ વાતની કાળજી રાખી છે કે 11 વર્ષની કન્યાના નિશ્ચિત અકાળ મૃત્યુ અંગેની આ વાત હોવા છતાં “ઉમા” ગંભીર કે નિરાશાવાદી નથી, અને લાગણીવેડામાં સરી પડતી નથી, અને તેથી તે માણવાલાયક થઈ છે.
e.mail : surendrabhimani@gmail.com