આપણે ક્યારે મળ્યા’તા યાદ છે,
કોલ દીધો’તો પ્રણયનો, યાદ છે.
હાથમાં દઈ હાથ, સાથે ઉપડ્યા,
આદરી લાંબી સફર, એ યાદ છે.
ચોતરફ પરિમલ હતો આંનદનો,
ધન્ય જીવનની ક્ષણો એ યાદ છે.
છૂટા પડીશું ના કદિયે લાગતું,
એક એ વિશ્વાસ મનનો યાદ છે.
જોજનો કેડી વટાવી માર્ગમાં,
રાહના કાંટા ને પથ્થર યાદ છે.
એક-બીજામાં થઈ ગ્યાં લીન, ને
બાકી સઘળું વિશ્વ ભૂલ્યાં, યાદ છે.
રે, પરંતુ આ અચાનક શું થયું?
આપની બદલી નજર, એ યાદ છે.
આંગળા ભીડી દીધા’તા આંગળે,
તો ય છોડ્યો હાથ, એ પણ યાદ છે.
શું થઈ ગઈ ભૂલ કંઈ મારી? કહો.
કે અચાનક મન બદલિયું આપનું ?
પ્રેમના સૌ કોલનું કહો શું થયું?
આમ છેવટ મુજને છોડ્યો, યાદ છે.
રાહ જીવનની હવે બસ કાપવી
એકલાં, બાંધીને ભાથું યાદનું.
તો ય ના અંધાર વ્યાપે ચિત્તમાં,
યાદ છે, એ યાદ છે, એ યાદ છે.
e.mail : surendrabhimani@gmail.com