સોનેટ
(વસંતતિલકા છંદ)
ઉત્કટ અતીવ મનમાં કંઈ ભાવ જાગે,
જોઉં સમીપ પ્રિયને જ્યહીં મારી પાસે.
દિવસો વીત્યા છ કંઈ કેટલા શૂન્યતામાં,
વેરાન ભૂમિ મનની ય પડી’તી સૂની.
બાળે બપોર રણના પટ શુષ્ક જેમ,
ઘીખી રહ્યું’તું મન એમ જ હાય મારું.
એમાં થઈ વીરડી એ મમ ઈષ્ટ આવ્યા,
છાઈ બધે શીતળતા પટ શુષ્કમાં એ.
હાયે, પરંતુ સખ્ય સધાય ના કંઈ,
સામીપ્ય એ થઈ રહ્યું મન બાળનારું.
છે આટલા નજીક, અંતર તો ય કેવું!
સંતાપ તેથી ઉરમાંહી થઈ રહ્યો છે.
ના દૈશ રે કદી ય અંતર દુઃખ, દાતા,
સામીપ્ય હોય, પરંતુ ન સખ્ય સાથે.
e.mail : surendrabhimani@gmail.com