મને જો રાજાની સન્મુખ આવવાની તક મળે, અને સલામત પાછા ફરવાની બાંયધરી પણ મળે, તો હું રાજાને શું કહું — અને રાજાને મારી કનેથી શું જાણવા મળે — તે જાણો છો?
“હે રાજા, મારા માલિક, તું જો મને આ ફાટેલા વસ્ત્રોમાં જોઈ રહ્યો છે, તો તેનું કારણ જાણે છે? તારા વિકરાળ કૂતરા મારા પર છોડવામાં આવે છે, અને તારા જાસૂસો પગલે પગલે — મારા નસીબની જેમ — મારો પીછો કરતા હોય છે. તેઓ મારી પત્નીને લંબાણપૂર્વક પ્રશ્નો પૂછે છે, અને મારા દરેક મિત્રની વિગતો નોંધી લે છે. તારા સૈનિકો મને લાતો અને મુક્કા મારે છે, અને મને મારા જોડામાંથી ખાવાની ફરજ પાડે છે. અને આ બધું એટલા માટે કે હું તારી સન્મુખ આવવા તારા મહેલ ભણી આવવાની કોશિશ કરવાની ધૃષ્ટતા કરું છું.
હે રાજા, તું અત્યાર સુધીમાં બે યુદ્ધો હારી ચુકયો છે, પણ તેનું કારણ કોઈએ તને કહ્યું નથી. ક્યાંથી કહે? તારી અર્ધી પ્રજાને તો જીભ જ નથી, તો પછી તેમના નિસાસા તને સંભળાય જ શી રીતે? બાકીની અર્ધી પ્રજા તારા રાજની આ દીવાલોની અંદર કીડી અને સસલાંની જેમ અહીંતહીં, ચૂપચાપ દોડી રહી છે.
તારા શસ્ત્રધારી સૈનિકો મારા પર હુમલો નહિ કરે એવી મને જો ખાતરી મળે તો, હે રાજા, હું તને કહું કે, સામાન્યજનની અનેકવિધ જરૂરિયાતોને અને તેમના સમગ્ર અવાજને તેં તારી આ દીવાલોના કવચમાંથી અંદર નથી આવવા દીધા, અને તેથી તેં આ યુદ્ધોમાં હાર ખાધી છે.”
———————-
(વર્તમાન સદીની શરૂઆતમાં કેટલાક અરબ દેશોમાં થયેલ વિદ્રોહોના અહેવાલના ઉપલક્ષ્યમાં)
e.mail : surendrabhimani@gmail.com