મારી કબર કદાચ ભૂલાઈ ગયેલી અને કશી પણ નિશાની વગરની હશે,
અને તે સામાન્ય અવરજવરના રસ્તાથી ઘણી દૂર હશે.
આસપાસના વેરાન વિસ્તારમાં ક્યારેય કોઈ પગલાં સંભળાશે નહીં –
સિવાય કે નજીકના કોઈ ગામડામાંથી કોઈક રમતિયાળ બાળા હિમ્મત કરીને, ગામ છોડીને એકલી જ જંગલી ફૂલોની શોધમાં આ બાજુ આવે.
અળતો લગાડેલા તેના નાજુક પગલાં બેધ્યાનપણે જ તેને કદાચ મારી કબર સુધી દોરી જશે
અને ધડકતા હૃદયે અચાનક ત્યાં ઊભી રહી જશે.
તેના પાલવમાંથી ફૂલો નીચે પડશે,
પણ બેધ્યાન મન
અને મનમાંના કશાક અણપ્રીછ્યા દુ:ખને કારણે પાછું જોયા વગર જ તે ચાલી જશે.
તે રાત્રે કદાચ તેને, તે જાણતી જ ન હોય એવી વ્યક્તિ સ્વપ્નમાં દેખાશે,
અને તેનું કોમળ હૃદય અજાણ્યાઓના દુ:ખોની સહાનુભૂતિમાં અને તેને પોતાને અજાણ્યા એવા દુ:ખથી રડી ઊઠશે.
મારી કબર પર સાંજનો દીવો પ્રગટાવવા કોઈ નહીં આવે;
ઘરનો સાદ દેતું સાંધ્યતેજ પછી મને ક્યારેય સાદ નહીં પાડે.
શિયાળુ આકાશમાં હું, ઝાડવાંમાંથી કરુણ ધ્વનિ કરીને પસાર થતા ઠંડા પવનનો અવાજ સાંભળીશ,
અને, જ્યારે તેનાં ફૂલો અને ગીતો લઇને, અને ભૂમિ પર વનશ્રી વિખેરતી વસન્ત પાછી આવશે,
ત્યારે મારી કબરમાંથી પણ હું, ઘેરા થતા જતા અંધકારમાં, ખીલતી ચમેલી માટે
અને, માત્ર રાતભરમાં જ મૃત્યુશરણ થઈ જતા બકુલને માટે ઝૂરીશ.
——————————————-
સ્વ. હુમાયું કબીરના અંગ્રેજી કાવ્ય After Deathનો અનુવાદ • અનુવાદક : સુરેન્દ્ર ભીમાણી
e.mail : surendrabhimani@gmail.com