સ્ટેશન આવતાં ટ્રેઇનમાંથી ઊતરીને સૌ પોતપોતાના સ્થાને જવા રવાના થાય છે. હું પણ આ સૌમાંનો એક છું.
બહાર રસ્તા પર આવીને જોઉં છું તો બધું સુમસામ દેખાય છે, ક્યાંય કશી હલચલ નથી, ક્યાંય કોઈ દેખાતું નથી. ટ્રેઇનમાંથી મારી સાથે ઊતરેલા બીજા પ્રવાસીઓ અચાનક ક્યાં અદૃશ્ય થઈ ગયા?
“નહીં કોઈ પ્રાણી ગિરિમહીં હજી જાગ્રત દિસે” એ પંક્તિ અનાયાસે યાદ આવી જાય છે. પણ આ તો શહેર છે, ગિરિ નથી, તેની શું શહેરને જાણ નહીં હોય?
થોડું આગળ જતાં – અને હજી હું એકલો જ છું – એક રમતગમતનું મેદાન આવે છે. હા, ત્યાં બાળકો રમતા લાગે છે, પણ પાસે જઈને જોઉં છું તો ત્યાં પણ કશી હલચલ નથી; બાળકો તેમની રમતના જે તબક્કામાં હતા તેમાં જ સ્થિર થઈ ગયા છે. આ તે કેવું કૌતુક!
એક બસ ઊભેલી જોઉં છું. તેમાં ડ્રાઈવર, કન્ડક્ટર, પ્રવાસીઓ છે, પણ ચિત્રમાં દોર્યા હોય તેવા, તદ્દન ગતિવિહીન.
નજીકના એક થિએટરમાં નજર કરું છું. ત્યાં પણ લોકો દેખાયા, પણ જાણે પૂતળા; હલનચલન જ નહીં! એટલું જ નહીં, પડદા પરનું દૃશ્ય પણ freeze frame બનીને જડાઈ ગયું છે.
મૂંઝાઈને થિએટરમાંથી બહાર નીકળું છું અને ફરી ચાલવા માંડું છું, અને ત્યાં બીજું કૌતુક બને છે: થોડે દૂર કશી હલચલ થતી જણાય છે. એ ઘટનાનો પર પામવા હું મારી ઝડપ વધારું છું, ત્યાં જ ઓચિંતું મારું ધ્યાન પડે છે કે મારો પડછાયો જ મારી સાથે નથી!
હું ચમકું છું, અને આ સુમસામ, વેરાન, છેતરામણા નગરમાં, બીજી બધી વસ્તુઓની ખોળ છોડી દઈને મારા પડછાયાની શોધમાં નીકળી પડું છું.
————————————————
e.mail : surendrabhimani@gmail.com