મનુષ્યજાતિના વર્તમાનમાં કુદરતી બુદ્ધિ અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચે – નેચરલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વચ્ચે – સંઘર્ષ મંડાયો છે અને તે મહા સંઘર્ષ છે. એટલું જ નહીં, એ બન્ને વચ્ચે સાયુજ્ય ઊભું કરવું એ પણ એક મહા સંકુલ સંઘર્ષમાં ઊતરવા-સમું દુરુહ છે.
એથી વિકસી રહેલી અદ્યતન ટૅક્નોલોજિની મનુષ્યજીવન પર થઈ રહેલી ઘાતક સુખદ અસરો પણ એટલી જ મહા અભૂતપૂર્વ છે.
મને આ મુદ્દો આ લેખમાળામાં મૂકવો અને ક્રમે ક્રમે ચર્ચવો જરૂરી લાગે છે.
હરારી એમની શૈલીના ભવિષ્યવાદમાં આ મુદ્દાને જુદી જુદી રીતે આવરી લે છે. એ વાત પ્રસંગ પડશે ત્યારે કરીશ.
પરન્તુ જરાક ફંટાઈને મારે એ કહેવું છે કે એ અસર હાલ ચાલુ છે ને ક્યારનીયે ચાલુ થઈ ગઈ છે. એટલું જ નહીં, બહુ ઝડપી ગતિએ બધું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે.
જેમ કે, મોટો બદલાવ આ : ઔદ્યોગિક ક્રાન્તિ પછીની પુશબટન ટૅક્નોલૉજિ અને તે પછીની ક્લિક્-બટન ટૅક્નોલૉજિ. એ વિકાસના ફળ રૂપે મનુષ્યને લાધેલો, ભલે નિ:સામાન્ય ભાસતું દૃષ્ટાન્ત છે, સ્માર્ટ ફોન. એણે પેલા કાળિયા ફોનને કાળગ્રસ્ત કરી દીધો. વાતચીતની આપણી રીત લઢણ ગરજ જરૂરિયાત બદલાઈ ગયાં. ઘણાને થાય છે કે લોકો નિરાંતે વાત નથી કરતા, ઘણાને થાય છે કે ફોન પતાવતા જ નથી, બોલ્યા કરે છે. કારણ એ છે કે સ્માર્ટ ફોન એ બન્ને પ્રકારના લોકોની જરૂરિયાતને તોષે છે. લાગે કે મફતમાં તોષે છે. ખરેખર તો માણસ એ માટે શું ચૂકવે છે તેની એને ખબર નથી, પણ ટૅક્નોલૉજિ એનો રજે રજનો પળે પળનો હિસાબ કરતું હોય છે. એને ખબર નથી કે જીવનનો કેટલો સમય એની પાછળ ખરચાઈ રહ્યો છે. અને, કેટલો શક્તિવ્યય? જેનો કશો અંદાજ પણ નથી આવતો.
મારી એક પોસ્ટમાં મેં પુસ્તકાલય અંગેના મારા વ્યાખ્યાન-લેખમાં “ચૅટજીપીટી”ની વાત કરેલી. એના આગમન પછીના બહુ જ ટૂંકા ગાળામાં એના ઍક્ટિવ યુઝર્સની સંખ્યા દિન પ્રતિ દિન વધીને કરોડોએ પ્હૉંચી છે. એના શીર્ષકમાં જ ‘ચૅટ’-નો નિર્દેશ છે. આપણે બે કે વધુ મનુષ્યો વાત કે સંવાદ કરીશું કે તમારી જોડે મશીન સંવાદ કરશે? આપણે અનુવાદ કરશું કે એ કરી દેશે? સવાલો છે? ના, સવાલો નથી, એ થઈ રહ્યું છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ભૂમિકાએ વિકસાવાયેલું એ એક નૂતન મૉડેલ છે. ગૂગલ સર્ચ અને ચૅટજી,પી,ટી,માં ફર્ક એ છે કે ગૂગલ હનુમાનજીની જેમ આખો પર્વત ઉપાડી લાવશે, જ્યારે આ તો સંજીવનીનો માત્ર છોડ જ લાવશે. તમે માગ્યું એ જ આપવું અને એના કેન્દ્રમાં રહીને સંવાદના વર્તુળને વિકસાવવું એ એની વિશેષતા છે.
વ્યાખ્યાનમાં મેં દાખલો આપેલો : હું જો એને પૂછું કે ગુણસુંદરીના ઘરસંસારમાં માનચતુર અને ધર્મલક્ષ્મી એની સાથે કેવોક વર્તાવ રાખે છે, તો એ મને ‘સરસ્વતીચંદ્ર’-માં જોઈને યોગ્ય ઉત્તર આપશે. હું એને કંઈક બીજું પૂછીશ કે ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન કયા કયા વિદ્વાનોએ ચર્ચ્યો છે તો એ મને સુરેશ જોષી સુધી લઈ જશે. અમારી વચ્ચેના એવા સંવાદમાં એની કશીક ભૂલ હશે તો, સુધારશે.
એટલું જ નહીં, ખોટી સ્થાપનાઓને ચૅલેન્જ પણ કરશે. એને હું પૂછું કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉમાશંકર જોશી અને સુરેશ જોષી પછી કોની વિચારસરણી પ્રભાવક નીવડી છે, તો એ કહેશે કે, સુરેશ જોષીની. હું પૂછું કે એ હકીકતને મચડવાનો પ્રયાસ કોણે કર્યો તો એનું નામ અને જેમાં એ મચડાટ છે એ લેખને હાજર કરશે. એવાં એવાં ઉપજાવી કાઢેલાં જેટલાં જૂઠાણાં હશે, ‘પોસ્ટ ટ્રુથ’, એ તમામ વિશે રહસ્યસ્ફોટ કરશે. પરિણામે, હવે ખોટા ઇતિહાસ નહીં લખી શકાય.
સામે, ચૅટજી.પી.ટી. મારી અનુચિત માગણીઓને પણ ફગાવી દેશે.
હું આને એક સુલક્ષણા અને પરિશુદ્ધ વિદ્વાનનું વર્તન ગણું છું. કુદરતી બુદ્ધિવાળો આપણો કહેવાતો વિદ્વાન, બની બેઠેલો મોટાભા, અંગત રાગદ્વેષ ભેળવીને જે પ્રકારની ગરબડ-સરબડ કરે, એ આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હન્ડ્રેડ પરસૅન્ટ વસ્તુલક્ષીતામાં શક્ય જ નથી.
ચૅટજી.પી.ટી. હાલ ગુજરાતી ભાષા શીખી રહ્યું છે એની નૉંધ લેવી જોઈએ.
પણ આ પ્રકારના આર્ટફિશ્યલ આધારિત અનેક સૉફ્ટવેઅર આવી ગયા છે, આવી રહ્યા છે. એથી મળનારાં ઍલગોરિધમ્સની મદદ વધતી જશે અને એથી સમજાતું જશે એમ કે અમુક કામો માટે મનુષ્યોની જરૂર નથી. એ લોકોને નવરા કરી દેવાશે, કરી દેવાયા છે, કરી દેવાય છે. નવરાશ માટે ‘લેઇશર’ શબ્દ પ્રચલનમાં છે. આમેય આજે આપણે પૂછવું પડે છે, હું તો પૂછું જ છું, આર્યુ ફ્રી, તો ફોન કરું. કહું છું, મને તમારી પાસે પૂરતી લેઇશર હોય ત્યારે ફોન કરજો. આ નવરાશ તમારા સમ્બન્ધની ગાંઠને મજબૂત કરે છે, ઢીલી પણ કરે જ છે. એ અર્થમાં એ ઘાતક સુખદ છે.
પરન્તુ એનો મોટો ઘા તો એ છે કે એથી વ્યક્તિની સર્જનાત્મક શક્તિ, સમીક્ષાત્મક શક્તિ ક્ષીણ થઈ જાય. મને એકડે એકથી ઊઠા સુધીના આંક આવડતા’તા પણ આજે ચાર-પાંચ આંકડાના સરવાળા બાદબાકી કે ભાગાકાર ગુણાકાર માટે મને કૅલ્ક્યુલેટર વિના ચાલતું નથી, દલીલબાજો એમ કહેતા હોય છે કે એથી મળેલા સરળતા-સુખને અંકે કરી લો. મારો સવાલ એ છે કે, એ પછી શું.
જેમ કે, બીજો મોટો બદલાવ આ : ખાસ તો, સોશ્યલ મીડિયાનો આવિષ્કાર, અને તેનો ગુજરાતી સાહિત્ય માટે થઈ રહેલો ઉપયોગ. એણે કેટલા લાભ સંપડાવ્યા અને એણે સાહિત્યકારને તેમ જ એની સાહિત્યિક માનસિકતાને કેટલી બદલી એ વિચારવાને પલાંઠી લગાવીને બેસવું પડે એમ છે.
લાભ એ કે સ્વપ્રકાશન માટે સ્થાન શોધવાની જરૂર ન રહી. કોઈ તન્ત્રીની શેહ ભરવાની કે એને સલામ ભરવાની જરૂર ન રહી. કશી લાગવગ લગાડવાની કે લાલચ આપવાની જરૂરત ન રહી. લેખક તરીકેનો મિજાજ જેવો હોય તેવો સાચવીને ખુશ રહેવાની સગવડ થઈ કેમ કે વિવેચક નામના પ્રાણીની નુક્તેચિનીથી પણ બચી જવાયું.
પણ, સૌથી મોટી હાનિ થઈ છે રુચિની. રુચિ ધોવાઇને નિર્માલ્ય થઈ ગઈ છે. સાદામાં સાદી ઉક્તિ પણ પોતાને સાહિત્યરસિક કહેવડાવતા જનને પણ નથી પ્હૉંચતી.
બીજું, સાહિત્યની આડપેદાશ રૂપે ભાવક / વાચકનું વિચારજગત ખીલતું હોય છે, પણ તે આજે વેરવિખેર છે. સમાજના સામાન્યજનોના વિચારજગતને પ્રેરવા માટે તો વિચારોની અંદર સાહિત્યરસ અને બીજા અનેક રસને બરાબર ભેળવીને મોટિવેશન ટૉક્સનાં આયોજન કરવાં પડે છે. સામાન્ય વાચન પણ અઘરું પડે છે, વિદ્વદ – ભોગ્યને તો કોઈ સૂંઘવાય તૈયાર નથી.
ત્રીજું, નુક્સાન છે નીવડેલી સાહિત્યપરમ્પરાનો અનાદર, ઉત્તમ ગ્રન્થો, ઉચ્ચ આદર્શો ઉપકારક સિદ્ધાન્તો કે શાસ્ત્રો વિશે બેપરવાઈ. અને, તે જ માનસિકતા અનુસાર, અધિકૃત વ્યક્તિઓ વિશે પણ બેફીકરાઇ અથવા તેમનો ખપ પૂરતો ઉપયોગ.
ચૉથું, સ્વસ્થ સમીક્ષા કે મૂલ્યાંકનને સ્થાને વાહ-વાહી અને લાઇક્સની સંખ્યાથી રાજી રહેવાનું વલણ. સ્વસ્થ સમીક્ષાને અભાવે હું મોટો તું નાનો, હું ઍવૉર્ડી તું સામાન્ય, જેવી હૂંસાતૂંસી અને તેમાંથી જનમેલું સાહિત્યપરક રાજકારણ.
પાંચમું, જેને મેઇન સ્ટ્રીમ ગુજરાતી લિટરેચરના મોવડી કહેવાય એ મહાજનોની ગુજરાતી સાહિત્યના આ સોશ્યલ મીડિયા વિશેની ઉદાસીનતા, ક્યારેક સૂગ પણ ખરી.
ગુજરાતી સાહિત્યકારોની આ સોશ્યાલિટી એટલી તો સંકીર્ણ છે કે એને રીયલ સોશ્યલ મીડિયાની ખબર જ નથી. કેમ કે, ટૅક્નોલૉજિને એનાં ઉપકારક-અનુપકારક સતમાં ન પામ્યા હોઈએ તો કૂવામાંનાં દેડકાંના રાજીપાનું કિંચિત્ સુખ મળે છે, સાથોસાથ, લુચ્ચા શિયાળની ચતુરાઈથી ફુલણજી કાગડાને થયેલી હાણ પણ થઈ શકે છે.
આમાં, સાહિત્યિક સંસ્કૃતિ – લિટરરી કલ્ચર – પ્રગટે અને તે સર્વસામાન્ય સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાથરે અથવા તો સાહિત્યકલા શાસન કે ધર્મ જેવાં જીવનનિર્ણાયક પરિબળોને ટકોરે એમ થવું હાલ તો અસંભવિત દીસે છે.
હરારીએ પોતા તરફથી ચાર C આગળ કરેલા છે, બહુ જાણીતા છે. એ છે, critical thinking, creativity, collaboration, communication. હું એને ચાર ‘સ’ કહું છું : સમીક્ષાપરક વિચાર. સર્જકતા. સહયોગ. સંક્રમણ.
જાણી શકીશું કે આ ચારનો વૈયક્તિક અને સાહિત્યિક કારકિર્દીના ઘડતરમાં આજે, વર્તમાનમાં, અને આપણા અચૉક્કસ ભાવિમાં, કેવોક વિનિયોગ કરી શકાય એમ છે.
હાલ આ લેખમાળા મેં વૉર્મિન્ગ-અપની રીતે અથવા નેટ-પ્રૅક્ટિસની રીતે શરૂ કરી છે, ધીમે ધીમે અન્તરાલમાં ઊતરવામાં ડહાપણ છે એમ માન્યું છે.
= = =
(05/27/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર