કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું, પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું.
ભારતે G20ની અધ્યક્ષતાનું જે બીડું ઝડપ્યું હતું તે કદાચ સારા ચોઘડીએ થયેલી ઘટના હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ના માર્ચમાં જ્યારે વૈશ્વિક મુદ્દાઓ માટે કોઇ એક મંચ શોધવાની વાત કરી હતી, ત્યારે એ જ આખા મુદ્દાને આગળ ધપાવવાના આશયથી થર્ડ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપે શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બેઠક કરી. આ બેઠક રંગેચંગે પૂરી પણ થઇ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ આખા આયોજનની બહુ મોટા પાયે નોંધ લીધી. પાકિસ્તાનને આ અંગે વાંધો ઉઠાવ્યો તો ભારતે એવો અભિપ્રાય રાખ્યો કે ભારતની આંતરિક બાબતોમાં પાકિસ્તાનના ચંચૂપાતને કોઇ સ્થાન નથી.
ગોઆમાં જ્યારે શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક થઇ હતી, ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ શ્રીનગરમાં આ સમિટના આયોજન કરવા માટે ભારતને જાણે ધમકી જ આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન આ નિર્ણયની ટીકા કરે છે અને અમે આ બેઠક શ્રીનગરમાં થશે ત્યારે એવો જવાબ આપીશું કે લોકો તે યાદ રાખશે. જો કે ત્યાર બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એવી ચોખવટ કરી હતી કે બિલાવલ ભુટ્ટો ઝરદારી આ પ્રકારનું કંઇ બોલ્યા નહોતા પણ તેમના વિધાનને ફેરવી તોળવવામાં આવ્યું હતું. આપણા વિદેશ મંત્રી જયશંકરે ભુટ્ટોને આતંકી ઉદ્યોગના પ્રતિનિધિ ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનને G20 સાથે કંઇ જ લેવાદેવા નથી. આ બધા ઉગ્ર માહોલ વચ્ચે ડાલ સરોવરના કાંઠી શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં 22મી મે-એ બેઠક થઇ અને ટુરિઝમ, ડિજીટલાઇઝેશન, સ્કિલ્સ, એમ.એસ.એમ.ઇ. અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ ચર્ચાયા. સિંગાપોર, સાઉથ કોરિયા, નેધરલેન્ડ, ફ્રાંસ જેવા દેશોના પ્રતિનિધિઓએ ભારતની આ પહેલ અને આયોજનના ભારે વખાણ કર્યા.
કાશ્મીરમાં આ આયોજન થવું શા માટે અગત્યનું ગણાય અને તેને લગતા વિવિધ પ્રતિભાવો શું છે તે સમજવું જરૂરી છે. 2019માં ભારતીય જનતા પાર્ટીની સંઘીય સરકારે મુસલમાન બહુમત ધરાવતા જમ્મુ અને કાશ્મીરના બે મુખ્ય રાજ્યોને સંઘ પ્રશાસિત પ્રદેશમાં વહેંચ્યા હતા – જમ્મુ અને કાશ્મીર તથા લદાખ. લદાખ સીમા પરનો એવો પ્રદેશ છે જે ભારત અને ચીન વચ્ચેની લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલની સમાનાંતર છે – ભારત અને ચીન બન્ને તેની પર દાવો માંડીને બેઠા છે. કાશ્મીરમા થયેલા G20ના કાર્યક્રમને અમુક રાષ્ટ્રો, મીડિયા વગેરેએ ભારે બિરદાવ્યો. આ કાર્યક્રમના આયોજન પહેલાં આકરી સિક્યોરીટી ડ્રિલ્સ પણ થઇ જેથી કોઇ અરાજકતા કાર્યક્રમ દરમિયાન ન ખડી થાય. 1989ની સાલથી વિરોધ પક્ષો, સામાજિક કાર્યકરો, માનવાધિકાર પર કામ કરનારાએ કેન્દ્રમાં આવેલી ભારતીય સરકારો પર માનવાધિકારના હનનના આક્ષેપો મુક્યા છે પણ કેન્દ્રમાં જેની પણ સરકાર હોય તે પક્ષે આવા કોઇ આક્ષેપો સ્વીકાર્યા નથી.
આ કાર્યક્રમના આયોજન માટે થઇને સલામતીના કડક પગલાં લેવાયાં. સ્થાનિક વિરોધ પક્ષો જ નહીં પણ પૂર્વ કાશ્મીરી મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આટલા મોટા પાયે કરાયેલી સલામતી વ્યવસ્થાની ટીકા કરી એમ કહ્યું કે આ બધામાં સામાન્ય જનજીવન વધારે મુશ્કેલ બન્યું છે અને આ પ્રકારની સલામતી વ્યવસ્થા તો અમેરિકાના ગ્વાન્ટાનામો બેના કારાગારની યાદ અપાવે તેવી છે. જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ આ અંગે કોઇ પણ પ્રતિભાવ નથી આપ્યો. સ્થાનિક લોકોએ અમુક મીડિયામાં આ બધી વ્યવસ્થાઓને કારણે પોતે કેટલા હેરાન થાય છે તેવી વાત કરી છે અને આ પ્રદેશમાં કાયમી શાંતિ હશે તો જ વિકાસ શક્ય છે બાકી આવા કાર્યક્રમોના આયોજનથી કંઇ ફેર નથી પડવાનો તેવું ત્યાંના લોકોએ પોતાની અન્ય મીડિયા સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યું છે.
વ્યવસ્થાને મામલે બધું શ્રેષ્ઠ રીતે જ કરાયું હશે તેમાં કોઇ બે મત નથી પણ શું આ પ્રકારના આયોજનથી ભારત સરકાર કાશ્મીર પર પોતાની પકડ અને કબજાને વધુ સ્પષ્ટ અને મજબૂત કરે છે તેવું ચિત્ર નથી ખડું થતું? શ્રીનગરમાં થઇ રહેલું શહેરી વિકાસનું કામ પણ ત્યાંના લોકોને કઠે છે કારણ કે તેમને માટે એ શહેરના એવા હિસ્સાઓને બદલે છે તે તેમને માફક આવે તેમ નથી. આ ખૂબસૂરત પ્રદેશના લોકો એ હદે સંવેદનશીલ છે કે સરકાર જે નામકરણનાં કામ કરે છે તેનાથી તેમને જાણે પોતે એ સ્થળથી અલગ પડી ગયા હોય તેવો અનુભવ થાય છે. ભારતીય શાસન હેઠળ કાશ્મીરીઓને થોડા ટેરિટોરિયલ અને સાંસ્કૃતિક અધિકારો મળ્યા છે અને કાશ્મીર પાસે પોતાનું ભવિષ્ય નક્કી કરાવનો અધિકાર પણ છે. ભા.જ.પા. સરકારે કાશ્મીરના સ્પેશ્યલ સ્ટેટસનો લાંબો સમય સુધી વિરોધ કર્યો અને બાદમાં 2019માં કાશ્મીર સંબંધિત ફેરફાર કરવામાં આવ્યા. વળી કાશ્મીરમાં ટુરિઝમને વેગ આપવા માટે હાલની સરકારે બહુ કામ કર્યું છે, પણ તેનાથી સ્થાનિકો બહુ ખુશ છે એમ પણ નથી. કાશ્મીરની મુલાકાત લેનારાઓએ તેનો ઇતિહાસ સમજવો પણ જરૂરી છે. આ પ્રદેશનો મુદ્દો હજી પણ ચૂકાદાની રાહમાં છે ત્યારે ત્યાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય બેઠક કરવી કાયદા વિરોધી ગણાય તેવું પણ આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સે કહ્યું છે. કાશ્મીરમાં બધું ‘સબ સલામત’ છે એમ બતાડવાનો આશય પણ આ કાર્યક્રમના આયોજન પાછળ છે તેવા અભિપ્રાય પણ છે.
કાશ્મીરમાં આ પહેલાં એંશીના દાયકામાં બે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી તે પછી આ પહેલું આંતરરાષ્ટ્રીય આયોજન થયું. ત્યારે પણ 1983માં થયેલી મેચમાં લંચ બ્રેકમાં કેટલાક તોફાની ટોળાંએ પિચ ખોદી નાખી હતી તો બીજી મેચ વખતે દર્શકોએ ભારતની હારને વધાવીને પાકિસ્તાન તરફી નારેબાજી કરી હતી. આ બન્ને ઘટનાને કારણે કાશ્મીનો મુદ્દો એ વખતે જરા પ્રકાશમાં આવ્યો હતો. આ વખતે ચીન, સાઉદી અરેબિયા, ઇજીપ્ત અને ટર્કી G20ની આ ઇવેન્ટથી દૂર રહ્યા. પણ ચીને તો અરુણાચલ પ્રદેશમાં પણ G20ની ઇવેન્ટમાં ભાગ નહોતો લીધો. ટર્કીના વડાએ ભારતનું કાશ્મીર પ્રત્યેનું વલણ હંમેશાં વખોડ્યું છે કારણ કે તેમનો એજન્ડા મુસ્લિમ વિશ્વના નેતા તરીકે ઓળખ સ્થાપવાનો છે. સંયુક્ત રાષ્ટ્રીય સંઘની જનરલ એસેમ્બલીની બેઠકમાં તેમણે એમ કહ્યું હતું કે ભારતે કાશ્મીરમાં નીતિ બદલી તે પછી સમસ્યાઓ ઓછી થવાને બદલે વધારે જટિલ બની છે.
કાશ્મીરમાં કરાયેલા આ આયોજન અંગે અમેરિકન શિક્ષણવિદ્ નોઆમ ચોમસ્કીએ આ અંગે સવાલ ઉઠાવ્યો. તેમના મતે કાશ્મીરમાં આવી બેઠક યોજનારાઓએ પોતાના અંતરાત્માને સવાલ કરવો જરૂરી છે. ભાગલાનો ભોગ બનેલા કાશ્મીરે જે વેઠ્યું છે તે બહુ આકરું છે અને 2019માં આવેલા પરિવર્તનો પછી કદાચ કાશ્મીર એવો પ્રદેશ છે જ્યાં સૌથી વધારે સૈન્ય તૈનાત છે, ત્યાં લોકોને જેલ ભેગા કરાય છે, તે ગાયબ થાય છે, તેમને મૂળભૂત અધિકારો ભોગવવાનો મોકો પણ નથી મળતો ત્યારે કાશ્મીરમાં બધું ‘નોર્મલ’ છે, એવું બતાડવાનો પ્રયાસ સુધ્ધાં કરવો અયોગ્ય છે.
બાય ધી વેઃ
જગન નાથ આઝાદે કાશ્મીર વિશે લખેલી આ પંક્તિ ઘણું બધું કહી જાય છે, ‘તાસીર વો એક તેરી હાવઓં કો મિલી હૈ, જો ખાક કો તિર્યાક કરે ઝહેર કો અકસીર’. કાશ્મીરને સ્વર્ગ અમસ્તા જ નથી કહેવાયું પણ આ પ્રદેશ રાજકારણીઓ માટે એક ‘પિંગપોંગ’ બની ગયો છે. કંઇ ન મળે તો જમ્મુ-કાશ્મીરના મુદ્દાને આગળ ધરવો, તેમાં કંઇક ‘બ્યુટિફિકેશન’ કરી નાખવું કે પછી ક્યારેક કંઇ તેનાથી પણ વરવું. ત્યાં વસનારાઓ પણ વિચારમાં હશે કે કઇ તરફ જવું, વળી ત્યાં આતંકવાદનો ઓછાયો તો છે જ અને અલગાવવાદીઓ પોતાની શતરંજ રમ્યા કરે છે. 75 વર્ષથી કાશ્મીર નામનું સ્વર્ગ હેરાન થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના ઇરાદા ચોક્કસ સારા હોઇ શકે પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે તેને સ્વીકારનારાઓનો આંકડો મોટો થાય તે જરૂરી છે. જે અમુક સ્તરના હકારાત્મક પરિવર્તનો આવ્યા છે તેનો વિસ્તાર વધે, તેની પહોંચ વધે તેવી જ સમજ પર સત્તાધીશો વધુ ધ્યાન આપે એ જ દુઆ કરવી રહી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 મે 2023