સત્તા અને અર્થશાસ્ત્ર :
ભાગ – ૯ અને છેલ્લો
વિજ્ઞાપન એટલે કે જાહેરખબરો વિશે પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં આ જ પ્રકારની વાત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ગ્રાહકો હરીફાઈવાળા બજારમાં પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે જ ખરીદી કરે છે. આ પ્રકારના મોડેલમાં તો વિજ્ઞાપનની જરૂર રહેતી જ નથી. વિજ્ઞાપન સત્તા કે તાકાતની અભિવ્યક્તિ છે તે બાબતને તો અદૃશ્ય બનાવી દેવાઈ છે. તેને માટે એવી દલીલ કરવામાં આવે છે કે વિજ્ઞાપન ગ્રાહકોની પસંદગીઓને માત્ર સમર્થન આપે છે અથવા તો તે ગ્રાહકોને માહિતી આપે છે.
આજે cloud storageને નામે કોમ્પ્યુટર નેટવર્ક ઊભું થયું છે કે જેની માલિક ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ છે. આ કંપનીઓ તમારી રુચિ, વિચારો અને ખરીદી પર ખબર ન પડે તે રીતે પ્રભાવ ઊભો કરે છે. તેઓ મુખ્યત્વે યુવાન ગ્રાહકોને નિશાન બનાવે છે. આ ઘટનાને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે અવગણે છે.
ત્રીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્ર પ્રભાવક સત્તા વ્યવસ્થાને ટેકો આપે છે. તેને માટે તે પોતાના સંશોધનમાં ગ્રાહકોની પસંદગીઓને બજારમાં કેવી રીતે આકાર આપવામાં આવે છે એનો સમાવેશ કરતું જ નથી. ઉપરાંત, તે રાજકીય કાર્યક્રમોને વૈજ્ઞાનિક ટેકો પણ આપે છે. આજના સમયનું એનું એક મોટું ઉદાહરણ આ છે : અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા ઓછી કરવા માટેના રાજકીય કાર્યક્રમમાં મુખ્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર સામેલ થઈ જાય છે.
મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એક બાબત ખાસ કહેવામાં આવે છે કે બજાર વ્યવસ્થા જ એવી છે કે જેથી ઉદ્યોગપતિઓને તેમની લાયકાત કે મહેનતથી વધુ કશું નહિ મળે. તેમાં એમ પણ કહેવામાં આવે છે કે વૈશ્વિકીકરણથી જેઓ નોકરી ગુમાવી છે તેમને પણ ફાયદો થાય છે, મંદીમાં જો સરકાર બજેટમાં ખાધ ઊભી કરે તો પરિસ્થિતિ બગડે છે, અને ધિરાણ એ તો પોતે કંઈ કર્તા નથી પણ આર્થિક વ્યવસ્થામાં માત્ર મધ્યસ્થી તરીકે જ કામ કરે છે.
આ બધી બાબતો સંપૂર્ણપણે કે આંશિકપણે સાચી હોઈ શકે છે. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ તે બધી બાબતોમાં બધો સમય લાગુ પાડવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે.
નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન વિજ્ઞાન અને વિચારધારા વિશે બહુ જ સરસ રજૂઆત કરે છે :
“મારી આખી કારકિર્દી દરમ્યાન હું મારી જાતને કંઇક schizophrenic સમજતો રહ્યો છું …. એક તરફ હું શુદ્ધ વિજ્ઞાનમાં રસ ધરાવતો રહ્યો અને મને લાગે છે કે મારી વિચારધારા મારા વૈજ્ઞાનિક કામને પ્રદૂષિત ન કરે તે જોવામાં હું સફળ થયો છું. બીજી તરફ, મને આસપાસની ઘટનાઓ વિશે ભારે ચિંતા થાય છે અને મનુષ્યની સ્વતંત્રતા વધે તે માટે હું તેમની પર પ્રભાવ પાડવા ઈચ્છું છું. સદ્દનસીબે મારા રસના આ બે વિષયો મને એકબીજા સાથે સુમેળ સાધતા લાગ્યા છે.”
એમ લાગે છે કે મિલ્ટન ફ્રીડમેન સીધા રસ્તે ચાલે છે પણ પછી પાછા હટી જાય છે. પરંતુ તેમનું બઘું વૈજ્ઞાનિક કામ એમ દર્શાવવામાં જ થયું છે કે અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી નકામી છે. જો કે, વિજ્ઞાન અને મૂલ્યો વચ્ચે સુમેળ સાધવામાં સમસ્યા આવી શકે છે એ ફ્રીડમેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ખરું. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એને અવગણે છે.
વિચારધારા અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ જટિલ છે. એવું નથી કે વિચારધારા કોઈ દલીલમાંથી નીકળતા તારણને વિકૃત કરે છે. પરંતુ તે તો દલીલ કેવી રીતે આકાર લે તેમાં જ ઘૂસે કરે છે. એટલે કે, તે મહત્ત્વની સમતુલા અને ઇષ્ટ સ્થિતિની ધારણા, અભ્યાસ માટે પ્રશ્નની પસંદગી, તે માટે વિવિધ પરિબળોની પસંદગી, માહિતીની પસંદગી, અમુક મોડેલની પસંદગી વગેરે બાબતો તે નક્કી કરે છે. આમ, અર્થશાસ્ત્રીઓ જે સંશોધન કાર્યક્રમ નક્કી કરે છે તેમાં જ વિચારધારા ઘૂસે છે. આ રીતે અર્થશાસ્ત્ર વૈજ્ઞાનિક તપાસના સિદ્ધાંતોને વળગી રહીને પણ મજબૂત વિચારધારા રજૂ કરી શકે છે. તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેને તે સત્તાની સેવામાં કામ કરે છે અથવા તેમાં વિચારધારાની છાંટ છે એવા આક્ષેપથી બચાવે છે.
અર્થશાસ્ત્ર સત્તાનાં મોડેલ તૈયાર કરવાના માર્ગો શોધી શક્યું નથી. પરંતુ એનાથી પણ ખરાબ બાબત બની છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર નવ-ઉદારમતવાદી રાજકીય કાર્યક્રમ માટેનો બૌદ્ધિક ટેકો પૂરો પાડે છે. જો એરલે, કેહાલ મોરાન અને ઝેક વાર્ડ પર્કિન્સ જેને econocracy કહે છે તેને જોડે છે. તેમાં કેન્દ્રીય બેંકો, મોટી બેંકો અને મહાકાય કંપનીઓ જેવી ટેકનોક્રેટિક સંસ્થાઓએ સરકારોના જ્ઞાનતંતુ વિનાના હાથમાંથી અર્થતંત્ર પરનો કાબૂ પોતાની પાસે લઈ લીધો છે. આને કારણે જ અર્થશાસ્ત્રમાં સુધારાની જરૂર છે.
સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્ર નબળું પડે છે. વાસ્તવિકતાના નકશાને તે પોતાનો અંતર્ગત ભાગ ગણતું નથી. અર્થશાસ્ત્રના નકશામાં તો માત્ર વ્યક્તિ છે કે જે મહત્તમ સંતોષ કે મહત્તમ નફો મેળવવા જ કામ કરે છે. યોગ્ય અર્થશાસ્ત્ર સમાજના વર્ગો, સંગઠનો અને સામાજિક ધોરણો જેવી સંસ્થાઓથી શરૂઆત કરે. પછી તે આ સંસ્થાઓ કેવી રીતે વ્યક્તિઓની પસંદગીઓને આકાર આપે છે તે જણાવે. વાંધો ત્યાં છે કે આવો અભિગમ ગાણિતિક મોડેલમાં બેસાડી શકાય જ નહિ. ગાણિતિક મોડેલ માટે તો તમારે પહેલેથી નિશ્ચિત બાબતો જ જોઈએ, કે જેથી જથ્થાત્મક તારણો કાઢી શકાય. ગાણિતિક સિવાયનો બીજો કોઈ પણ અભિગમ અપનાવો તો તમારે રાજકીય અર્થતંત્રની વાત કરવી જ પડે. આ સંદર્ભમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે મને યોગ્ય લાગે છે : “જાહેર નીતિઓની બાબતમાં તદ્દન ખોટા હોવા કરતાં અંદાજે સાચા હોવું વધુ સારું.”
સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર