સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ-૮
વિચારોનું જે ઉપરી માળખું ઊભું થાય છે તે માર્ક્સવાદીઓ કહે છે તેવું એક જ સ્વરૂપનું હોતું નથી. વ્યવહારમાં તે સામાન્ય રીતે પરસ્પર વિરોધી એવાં હિતોમાં વહેંચાયેલું હોય છે : આર્થિક જીવનમાં તે નિકાસકારો અને આયાતકારો, દેણદારો અને લેણદારો, ધિરાણ અને ઉદ્યોગ એમ વહેંચાયેલું નજરે પડે છે. અમેરિકાની એક ઘટના નોંધનીય છે : ઉદ્યોગપતિઓની વિચારધારા સરકાર સાથે મેળ ખાતી નથી. પરંતુ તેમને સરકારના સંરક્ષણ સામગ્રી અને સંશોધન અંગેના કોન્ટેૃક્ટ મળે છે અને તેઓ સમૃદ્ધ થાય છે એટલે તેઓ સતત સરકારને તાબે થાય છે.
મહત્ત્વની બાબત તેથી એ છે કે સત્તા કેવી રીતે વહેંચાયેલી છે. રાજ્ય અને સ્થાપિત હિતો વચ્ચે, રાજકીય અને સામાજિક જૂથો વચ્ચે તેમ જ મૂડીપતિઓ અને કામદારો વચ્ચે સત્તાનું સંતુલન કેવું સધાયેલું છે તે અગત્યનું છે. આ બળો વચ્ચે જેટલું સમાન રીતે સંતુલન સાધાયેલું હોય તેટલા ઓછા પ્રમાણમાં અર્થતંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે તેને વિશેની એક જ વાર્તા અર્થશાસ્ત્રીઓ પાસેથી સાંભળવા મળે.
લગભગ ૧૯૨૦ના દાયકાથી ૧૯૭૦ના દાયકા સુધી મૂડી અને શ્રમનાં બળો વચ્ચેનું સંતુલન એવું હતું કે સામાજિક સમાધાનની નીતિ અપનાવી શકાતી હતી. છેલ્લાં ૪૦ વર્ષમાં સત્તા જૂના કામદાર વર્ગથી ખસીને એવા વર્ગ તરફ ગઈ છે કે જેઓ જન્મ, સંપત્તિ અને શિક્ષણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ છે. વળી, જૂના ધંધાદારીઓ પાસેથી સત્તા ખસીને નવા નાણાકીય ભદ્ર વર્ગ પાસે જતી રહી છે.
આ કારણોસર આર્થિક દલીલ અને રાજકીય દલીલ વચ્ચે કદી પણ સમાનતાનો સંબંધ નથી રહ્યો. એ અર્થશાસ્ત્રને અન્ય સમાજવિદ્યાઓની સાથે સાથે રાજકીય બળોની તુલનાએ થોડી સ્વાયત્તતા બક્ષે છે, કારણ કે રાજકીય બળોમાં તો અધિકારિતા પડેલી હોય છે.
અર્થશાસ્ત્ર તેની પાસે તુલનાત્મક રીતે સ્વાયત્તતા હોવા છતાં, ત્રણ રીતે ધંધાદારીઓ કે ઉદ્યોગપતિઓનાં હિતો સાચવે છે :
પ્રથમ રીત એ છે કે, અર્થશાસ્ત્ર વિજ્ઞાન જેવી અધિકૃતતા સાથે ઉદ્યોગપતિઓનાં હિતોને પોષે છે; અને એ રીતે તે પોતાનું સ્વહિત સાધે છે અને એમ સમજે છે તે વધુ પ્રબુદ્ધ થયું છે. વ્યવહારુ લોકોને તો વૈજ્ઞાનિક ભાષામાં તેમના પૂર્વગ્રહોને વાઘા પહેરાવવામાં આવે એ બહુ ગમે છે. આવી ભાષામાં જે ખરેખર એક અભિપ્રાયની બાબત છે તેને પ્રકૃતિની હકીકતમાં બદલી નાખવાની તાકાત ધરાવે છે.
બીજો પ્રભાવ આવે છે તેની અધિકર્તા સત્તા(agenda power)માંથી. જ્હોન કેનેથ ગાલબ્રેથ લખે છે કે, “આધુનિક કંપનીઓના બચાવમાં સત્તાનું અસ્તિત્વ જ નથી એવી દલીલ સૌથી વધુ અગત્યની બની જાય છે. એમાં તો એમ કહેવામાં આવે છે કે બધી જ સત્તા બજારની અવૈયક્તિક રમતને ચરણે ધરી દેવામાં આવી છે. યુવાન લોકોના દિમાગમાં આ બાબત એવી ઘૂસાડી દેવામાં આવી છે કે વાત ના પૂછો!”
ગાલબ્રેથ વધુમાં એમ કહે છે કે, “આધુનિક કંપનીઓના ઉદયને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે કે જે રાજકીય સત્તા સાથે સ્પર્ધા કરી શકે છે …… રાજ્ય કોઈક રીતે કંપનીઓ પર નિયમન કરવા ઈચ્છે છે, પરંતુ કંપનીઓ સતત વધુ ને વધુ તાકતવર બનતી જ જાય છે; અને તેઓ આવાં નિયમનોને અતિક્રમી જવાનો દરેક પ્રયત્ન કરે છે. જ્યાં કંપનીઓનાં પોતાનાં હિતો સાથે છેડછાડ થતી હોય ત્યાં તેઓ રાજ્ય ઉપર પણ વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે.”
આર્થિક જીવનને સ્પર્ધાત્મક બજારમાં પ્રાપ્ત થતા વ્યક્તિગત સંતોષને ધ્યાનમાં લઈને અર્થશાસ્ત્રમાં મોડેલ બનાવાયાં છે. એમ કરીને અર્થશાસ્ત્ર દેખીતા ઇજારા સિવાય જે સત્તા પ્રવર્તમાન છે તેને અદૃશ્ય બનાવે છે. દા. ત. શ્રમની સીમાંત ઉત્પાદકતા કરતાં જે વેતન ઓછું છે તે કામદારનું શોષણ કરનારું છે એમ તે કહે છે. પરંતુ બજારમાં સ્પર્ધા છે એમ ધારી લેવામાં આવે છે. તેવે સમયે શ્રમને તેની સીમાંત ઉત્પાદકતા જેટલું વેતન મળશે જ એવું તારણ કાઢવામાં આવે છે. એટલે કાર્લ માર્ક્સ કહે છે તેમ શોષણ બજાર વ્યવસ્થામાં અંતર્નિહિત નથી રહેતું પણ એક પ્રકારની પેથોલોજી બની જાય છે!
સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર