ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી, પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી
દુબઇ મૉલથી ભરપૂર પણ વરસાદથી દૂર શહેર ગણાયું છે. ડેઝર્ટ સિટી – રણનું નગર કહેવાતું દુબઇ અત્યારે, આ લખાઇ રહ્યું છે ત્યારે વરસાદમાં ધમરોળાયું છે. યુનાઇટેડ આરબ એમિરાટ્સ જળબંબાકાર છે, તેમાં ય દુબઇ તો ઓળખાય એવું નથી રહ્યું. ઓમાનમાં 20 જણા આ જળ તાંડવમાં મોતને ભેટ્યા અને યુનાઇટે આરબ એમિરાટ્સમાં એક જણનું મોત થયું. દુબઇનું એરપોર્ટ થંભી ગયું કારણ કે વરસાદને કારણે ફ્લાઇટ્સ મોડી પડી, રૂટ્સ પણ બદલવા પડ્યા અને કેન્સલ સુધ્ધાં કરવી પડી. દુબઇના રસ્તા પર પણ પાણી ફરી વળ્યું અને પાણીમાં ડુબેલાં વાહનો, લાંબે સુધી ખોટકાયેલા વાહન વ્યવહારને કારણે ખડી થયેલી વાહનોની કતાર અને પાણીમાં ફસાયેલા લોકોની તસસવીરો તો આપણે જોઇએ જ છીએ. છેલ્લા 75 વર્ષમાં પહેલીવાર યુ.એ.ઇ.એ આવો નાશકારક વરસાદ અનુભવ્યો.
ક્લાઇમેટ ચેન્જ – આબોહવાના પરિવર્તનનો અભ્યાસ કરનારા વિશેષજ્ઞોનું કહેવું છે કે માણસે કુદરત સાથે જે ચેડાં કરવાની છૂટ લીધી છે, એમાંને એમાં આ તાંડવ જોવાના દિવસો આવ્યા છે. વળી આ માત્ર એક જ સ્થળની વાત નથી, દુનિયા આખીમાં આ જ હાલત કાં તો થઇ રહી છે અથવા થવાની છે. યુ.એ.ઇ. જેવા દેશો જે સૂકા પ્રદેશ ગણાય છે, ત્યાં ભારે વરસાદનો સામનો કરવાની ડ્રેનેજ સિસ્ટમ પણ નથી કારણ કે તેમને તો સ્વપ્ને પણ કલ્પના ન હોય કે આવાં વાવાઝોડાં – ઝંઝાવાતનો અનુભવ ક્યારે ય કરવાનો આવશે.
રણ પ્રદેશ જેવા સૂકા શહેરોને તો એમ હોય કે જેટલો વરસાદ આવે એટલું સારું પણ દુબઇ જેવું માનવ સર્જિત, અત્યાધુનિક શહેર પણ આ ઝંઝાવાત સામે ટકી જવા, સલામત રહેવા માટે સજ્જ નહોતું. અત્યાધુનિક એવા યુ.એ.ઇ.માં તો વરસાદ કૃત્રિમ રીતે લાવવામાં આવે છે. હજી ગણતરીના દિવસો પહેલાં નેશનલ સેન્ટર ફોર મિટીરિયોલૉજીએ વાદળોમાં કેમિકલ્સ ઇન્જેક્ટ કરવા માટે વિમાનો ઉડાડ્યા હતા, જેથી વાદળોમાં ભેજ આવે અને વરસાદ પડે. કમનસીબે આ વખતે માળું જોઇતું હતું તેના કરતાં વધારે જ મળી ગયું. વરસાદનાં ઝાપટાં વાવાઝોડાં અને પૂરમાં ફેરવાઇ ગયાં અને શહેર થંભી ગયું. આખા વર્ષમાં જેટલું પાણી મળવું જોઇએ એટલું દુબઇમાં એક જ દિવસમાં વરસી ગયું. ક્લાઉડ સીડિંગ – કૃત્રિમ રીતે વરસાદ લાવવાની રીત પર સૌથી પહેલાં આંગળી ચિંધવામાં આવી. સોશ્યલ મીડિયા પર તો યુ.એ.ઇ.એ મોસમ બદલવા માટે જે કાર્યક્રમ અમલમાં મુક્યો હતો, તેનો ઉલ્લેખ કરીને પૂછવામાં આવ્યું કે વાદળોમાં જબરદસ્તીથી ભેજ ઇન્જેક્ટ કરીને વરસાદ લાવવાની ટેક્નોલૉજીને કારણે તો આ તોફાનનો સામનો નથી કરવો પડી રહ્યોને?
આધુનિકીકરણના ગેરફાયદાઓ ગણાવવાની જરૂર નથી કારણ કે પુરાવા નજર સામે છે અને આવતા રહે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ક્લાઉડ સીડિંગથી વરસાદના પ્રમાણમાં વધારો થયો હોય એમ બને પણ આવો ખતરનાક વિનાશકારી વરસાદ માત્રને માત્ર ક્લાઉડ સીડિંગથી થઇ શકે એવું માનવું ભૂલ ભરેલું છે. ક્લાઉડ સીડિંગ પર પૂરનો ઓળિયો ઘોળિયો ઢોળવો એ તો વેતાં વગરની ‘કોન્સપિરસી થિયરી’ છે – એને માની ન લેવાય એમ ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ એનર્જી એન્ડ ડિઝાસ્ટર સોલ્યુશનના વડાએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. આ પહેલાં કેલિફોર્નિયામાં પણ જ્યારે તોફાન આવ્યું ત્યારે ક્લાઉડ સીડિંગ પ્રોગ્રામ પર કામ કરનારાઓને દોષી ઠેરવવામાં આવ્યા હતા – જો કે ત્યારે તો હજી ક્લાઉડ સીડિંગ ત્યાં અમલમાં પણ નહોતું મુકાયું. ઑસ્ટ્રેલિયામાં આવેલા વરસાદને લઇને 2022માં ક્લાઉડ સીડિંગનો વાંક કાઢવામાં આવ્યો હતો પણ બાદમાં ફેક્ટ ચેકર્સે એ દાવાને ખોટો ઠેરવ્યો હતો.
ક્લાઉડ સીડિંગ એક એવી પ્રક્રિયા છે જે કરવાથી વરસાદ અને હિમ વર્ષા કુદરતી રીતે લાવી શકાય. પાણીનાં અત્યંત સુક્ષ્મ ટીપાં – બાષ્પ રૂપે – સિલ્વર આયોડાઇડ – સ્પેશ્યલ પ્રકારના એરક્રાફ્ટ અને જમીન પર કામ કરતાં જનરેટર્સથી અમુક વાદળોની અંદર અને આસપાસ ઇન્જેક્ટ કરવામાં આવે છે, આ તત્ત્વ બાષ્પીભવનની પ્રક્રિયાને વેગ આપે છે. કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મના સીનના વિવરણ જેવી લાગતી આ પ્રક્રિયા 1940ના દાયકામાં શોધવામાં આવી હતી અને આખી દુનિયામાં ઘણી જગ્યાએ તેનો વપરાશ કરવામા આવે છે – યુ.એ.ઇ.થી માંડીને ચીન અને યુ.એસ.એ.માં પણ આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરાયો છે. ખાસ કરીને જ્યારે દુકાળનો સામનો કરવો પડ્યો હોય અતવા તો બેઇજિંગ ઓલિમ્પિક્સ વખતે આકાશને સાફ રાખવાનું હતું અને વિયેતનામમાં યુદ્ધ દરમિયાન યુ.એસ.ના દુંશ્મનોની હિલચાલને અવરોધવા માટે (બાદમાં યુ.એને. યુદ્ધમાં આબોહવામાં ફેરફાર કરવાની પ્રક્રિયાનો રણનીતિ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો.) અને ચર્નોબિલને કારણે થયેલા પ્રભાવમાં પણ તેનો ઉપયોગ કરાયો હતો. યુ.એ.ઇ.એ દાયકાઓથી ક્લાઉડ સીડિંગમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જો કે હજી સુધી ક્લાઉડ સીડિંગ કેટલી હદે પ્રભાવશાળી નીવડી શક્યું છે તેના કોઇ નક્કર દસ્તાવેજો ન હોવા છતાં તેની અસરકારકતાને તો માન્યતા મળી જ છે કારણ કે તેનાથી યુ.એ.ઇ.ના વરસાદમાં 10થી 30 ટકાનો વધારો નોંધાયો છે. કેલિફોર્નિયાની સત્તાધીશોને મતે તેમના વરસાદમાં ક્લાઉડ સીડિંગને કારણે 5થી 10 ટકા વધારો થયો છે. ટૂંકમાં ક્લાઉડ સીડિંગથી એવો વરસાદ પડવો શક્ય નથી જેને કારણે તારાજી સર્જાય. આ તો કુદરતે માનવજાત સામે કરેલી લાલ આંખનું જ પરિણામ છે. ક્લાઉડ સીડિંગથી વરસાદી સાંજ મેળવવામાં વાંધો નથી પણ જીવવું હોય તો ક્લાઇમેટ ચેન્જની ભૂલો સુધાર્યા સિવાય છૂટકો નથી.
ટેક્નોલૉજી નહીં પણ ક્લાઇમેટ ચેન્જ – આબોહવામાં આવેલા આત્યંતિક ફેરફારોને કારણે દુનિયા આખીમાં અણધારેલી કુદરતી આફતો સર્જાય છે. ગ્લોબલ વૉર્મિંગનો પ્રશ્ન આપણી જિંદગીમાં આપણે ધારીએ છે એના કરતાં કંઇક ગણો વધારે પ્રભાવ ધરાવે છે. ક્લાઉડ સીડિંગની ચિંતા કરવાને બદલે માણસજાતની વિકાસભૂખી પ્રવૃત્તિઓ કુદરતી વાતાવરણમાં, માહોલમાં કેટલું પ્રદૂષણ અને અવરોધો ખડા કરે છે તેની ચિંતા કરવી વધારે અગત્યની છે. યુ.એ.ઈ.માં પણ જે થયું તેનું ખરું કારણ તો ક્લાઇમેટ ચેન્જને કારણે સામાન્ય હવામાનમાં જે અસંતુલન થતું આવ્યું હશે તેનું પરિણામ છે. જમીન પરનું ઊંચું તાપમાન અને ઉપર જતાં ઓછું તાપમાન એટલે કે લો-પ્રેશર સિસ્ટમ અને તાપમાનના વિરોધભાસને કારણે આ વાવાઝોડું આવ્યું હોવાનું મનાય છે. માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જને કારણે દુનિયામાં દુકાળથી માંડીને પૂરની પરિસ્થિતિઓ ખડી થઇ રહી છે અને આવા સંજોગો વધુને વધુ સર્જાવાની વકી છે.
વાત માત્ર યુ.એ.ઇ.ની નથી પશ્ચિમ આફ્રિકામાં જીવલેણ હીટ વેવ ચાલે છે, જેનું કારણ પણ માનવસર્જીત ક્લાઇમેટ ચેન્જ હોવાનું સિદ્ધ કરતો રિપોર્ટ બહાર પડ્યો છે. 110 ડિગ્રી ફેરનહીટ પહોંચેલા તાપમાને હજારો લોકોના જીવ લીધા છે. જંગલોના નાશ અને અશ્મિગત ઇંધણને બાળવાની ઘટનાઓને કારણે જ આબોહવાની આ હાલત થઇ છે. આખા દિવસ દરમિયાન પેદા થયેલી ગરમીમાં રાત પડ્યે તાપમાનમાં પુરતો ઘટાડો થતો જ નથી કારણ કે એટલાં જંગલો પણ નથી બચ્યાં જે આ સંતુલન આણવામાં મદદ કરી શકે. નાઇજિરિયા અને સિરિયામાં વીજળીની અછતમાં પંખાઓ અને એર કન્ડિશનનો વધુ પડતો ઉપયોગ કારણભૂત છે.
અતિશય આકરી આબોહવા અને ક્યારે ય ન અનુભવ્યા હોય એવા તાપમાન માટે માણસ જાત અને ચક્રીય હવામાની ઘટના અલ નીનો જવાબદાર છે. ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો ન થાય તો હીટ વેવ, પૂર, દુકાળ જેવી આત્યંતિક હવામાની ઘટનાઓનું પ્રમાણ વધવાનું જ છે. અલ નીનો ત્યારે થાય છે જ્યારે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ગરમ સપાટીનું તાપમાન અસાધારણ રીતે વધે જેનો પ્રભાવ આખી દુનિયાના હવામાન પર પડે છે. વિસ્તારની તાસીર પ્રમાણે ત્યાં કુદરતી આફતો ત્રાટકતી હોય છે અને જે-તે પ્રદેશ કે દેશ કે નગરમાં માણસ જાતે આબોહવાના સંતુલનને ખોરવવામાં કોઇ કચાશ ન છોડી હોય ત્યાં તેની અસર પણ એટલી જ ઊંડી પડે છે.
બાય ધી વેઃ
અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જને કારણે જ એમઝોનના રેનફોરેસ્ટમાં દુકાળ પડ્યો તો આખી દુનિયામાં કોરલ્સનું બ્લીચિંગ થવા માંડ્યું. તાપમાનમાં અસાધારણ અસંતુલન બધે જ જોવા મળી રહ્યું છે તે કોઇ ખતરાની ઘંટીથી કમ નથી. ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાની જવાબદારી આપણે જ ઉપાડવી પડશે, નહીંતર આપણે આપણા ‘કુદરતી’ મોતને બદલે કુદરતના પ્રકોપનો કોળિયો બની જવા તૈયાર રહેવું પડશે. અલ નીનોની આ વર્ષની સાઇકલ તો પૂરી થઇ છે પણ તેની અસરો 2024માં આખા વર્ષ દરમિયાન દુનિયાના હિસ્સાઓમાં વર્તાવાની છે. હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે અને વાગશે એ હકીકત આપણે સમજીશું તો કદાચ કંઇક ફેર પડશે. મામલો એટલો બિચક્યો છે કે તેને સુધારવા જતાં કેટલો સમય લાગશે એ કળવું અઘરું છે. પીગળતાં ગ્લેશિયર્સ, વધતી ગરમી, જંગલોના દાવાનળ, દુકાળ, પૂર જેવી ઘટનાઓથી થતાં નુકસાન ધાર્યા કરતાં વધારે અને ઝડપથી થઇ રહ્યા છે અને તેની અસર સદીઓ સુધી બદલી ન શકાય તેવી હોવાની પૂરી શક્યતા છે. ઔદ્યોગિક યુગમાં માણસ જાતે દોડવાનું શરૂ કર્યું તે પહેલાંથી જ વૈશ્વિક તાપમાન 2 ડિગ્રી ફેરનહીટ જેટલું ગરમ તો કરી જ દીધું હતું. આપણું ભવિષ્ય શું હશે તે આપણે કેટલું ઉત્સર્જન કરીએ છીએ, કેટલી આગ અને પ્રદૂષણ ઓકીયે છીએ તેની પર આધાર રાખે છે. જો એ ઘટશે તો કદાચ ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવાનો કોઇ માર્ગ મળી શકશે બાકી તો શેકાઇ જઇને કે તણાઇ જઇને મરી જવાની તૈયારી રાખવી પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024