બીજા વિશ્વયુદ્ધ પછી બે દેશોની સ્થાપના કરવામાં આવી અથવા રચના કરવામાં આવી. જે રીતે કેટલાક લોકો સાથે મળીને કંપનીની સ્થાપના કરે એ રીતે બે દેશોની રચના કે સ્થાપના કરવામાં આવી હતી. દેશની સ્થાપના કરવામાં આવી હોય એવી જગતના ઇતિહાસમાં આ પહેલી બે ઘટના હતી અને આગળ-પાછળની તરતની ઘટના હતી. એક દેશ હતો ઇઝરાયેલ અને બીજો પાકિસ્તાન. આમાંથી પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં આવે છે અને ઇઝરાયેલને સફળ રાષ્ટ્ર તરીકે.
એક બીજી સમાનતા પણ છે. આ બન્ને દેશોની સ્થાપના પ્રજાકીય આંદોલનના ભાગરૂપે સહજ અને સ્વાભાવિક એવી સેન્દ્રીય (ઓર્ગેનિક) નહોતી, પણ લોબિંગ દ્વારા નેતાઓની મુત્સદીજન્ય હતી. બીજા શબ્દમાં કહેવું હોય તો લોબિંગનું પરિણામ હતું. ઇઝરાયેલના સ્થાપક નેતાઓએ જગતભરમાં અનુકૂળ અભિપ્રાય પેદા કરવા માટે જગત આખામાં લોબિંગ કર્યું હતું. ગાંધીજીનો ઇઝરાયેલની સ્થાપના માટે ટેકો મેળવવા ગાંધીજીના પરમમિત્ર અને દક્ષિણ આફ્રિકાના તેમના સાથી હરમન કેલનબેકને તેમણે ખાસ ભારત મોકલ્યા હતા. ગાંધીજીએ જો કે ઇઝરાયેલની સ્થાપનાનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનના સ્થાપકો(સ્થાપકો પણ નહીં, એક માત્ર સ્થાપક મહમ્મદઅલી ઝીણા)ને ભારતની બહાર લોબિંગ કરવાની જરૂર નહોતી પડી. તેમને ખબર હતી કે અંગ્રેજો હિંદુઓને અને કાઁગ્રેસને કમજોર સ્થિતિમાં જોવા માગે છે એટલે હિંદુ અને કાઁગ્રેસને કમજોર કરવામાં જે મદદ કરશે તેમને અંગ્રેજોનો ટેકો મળી રહેશે. બન્યું પણ એવું જ.
ઇઝરાયેલ અને પાકિસ્તાનની રચનામાં એક ત્રીજી સમાનતા પણ હતી. યહૂદીઓનો અલગ દેશ સ્થાપાય એમાં પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓને રસ હતો. સૌથી વધુ ઉત્સાહી એ લોકો હતા, યહૂદીઓ કરતાં પણ વધુ. જો ઇઝરાયેલની સ્થાપના થાય અને યહૂદીઓ ઇઝરાયેલ જતા રહે તો ટાઢે પાણીએ ખસ જાય. પ્રાચીન યુગથી યહૂદીઓને અને ખ્રિસ્તીઓને ક્યારે ય ભળ્યું નથી. યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે કોઈ મોટી દુ:શ્મની હતી જ નહીં. યુરોપ અને અમેરિકામાં વસતા યહૂદીઓના કેટલાક અપલક્ષણ પણ હતાં. અલગ રહે, બીજા લોકો સાથે હળેભળે નહીં, વેપારધંધામાં ખડૂસ વગેરે પ્રકારની અણગમો પેદા થાય એવી તેમની જીવનશૈલી હતી. એટલે જર્મનીમાં હિટલરે સતાવેલા બાપડા યહૂદીઓને તેમનું અલાયદું વતન આપી દેવું જોઈએ એવી માગણીને પશ્ચિમના દેશોનો ટેકો મળ્યો હતો. હકીકતમાં ઈરાદો યહૂદીઓને પોતાને ત્યાંથી રવાના કરવાનો હતો. તેમણે તકનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાનની વાત કરીએ તો પશ્ચિમના દેશોના ખ્રિસ્તીઓની જેમ ભારતમાં પણ કેટલાક હિંદુઓ એમ માનતા હતા અને ઈચ્છતા હતા કે જો પાકિસ્તાન બને તો આ મુસલમાન નામની બલાથી મુક્તિ મળે. કેટલાક ખ્રિસ્તીઓ જેટલી નફરત યહૂદીઓ માટે ધરાવતા હતા એટલી નફરત કેટલાક હિંદુઓ મુસલમાનો માટે ધરાવતા હતા. લાલા ચમનલાલે ૨૦મી સદીના પહેલા દાયકામાં દેશના કોમી વિભાજનની વાત કરી હતી. મુસલમાનોને અલગ દેશ આપી દેવાથી હિંદુઓ લાભમાં રહેશે એવી તેમની દલીલ હતી. ૧૯૨૪માં બીજા હિંદુવાદી નેતા લાલા લાજપત રાયે તો લાંબો લેખ લખીને ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે અને તે થવું જોઈએ એમ કહ્યું હતું. ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ ૧૯૨૮માં ભારતનું કોમી વિભાજન હિંદુઓના હિતમાં હશે એમ એક પત્રમાં લખ્યું હતું. નજરકેદમાંથી મુક્ત થયા પછી ૧૯૩૭માં વી.ડી. સાવરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મળેલા હિંદુ મહાસભાના અધિવેશનમાં હિંદુ અને મુસલમાન એ બે અલગ રાષ્ટ્રીયતા છે અને તેમની વચ્ચે કશું જ સમાન નથી અને તે સાથે રહી શકે તેમ નથી એવો ઠરાવ કર્યો હતો. અને ભારતીય જનસંઘ(વર્તમાન બી.જે.પી.)ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી? તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું કે ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું કોમી વિભાજન થવું જોઈએ. મુસ્લિમ લીગ તો ભારતના કોમી વિભાજનની માગણી લઈને બહુ પાછળથી આવી હતી.
મહમ્મદઅલી ઝીણાને ખબર હતી કે હિંદુવાદી હિંદુઓ તેમની સામે વારાફરતી બેટિંગ અને બોલિંગ કરવાના છે, એટલે ભારતની બહાર લોબિંગ કરવાની તેમને જરૂર નહોતી પડી. કોમી વિભાજનની માગણી કરનારા હિન્દુત્વવાદી થનગનભૂષણો મોરચો સંભાળી લેશે. તેમને એ વાતની પણ જાણ હતી કે મહાત્મા ગાંધી ભારતનું વિભાજન થવા નહીં દે અને તેમની સામે હિંદુવાદીઓનું કાંઈ ચાલવાનું નથી. પ્રજા ગાંધીજીની સાથે છે. આ સ્થિતિમાં પાકિસ્તાન માટે હાર્ડ બાર્ગેનિંગ કરવામાં કોઈ નુકસાન નહીં થાય. છેવટે એવું સમાધાન થશે જેમાં તેમને અવિભાજિત ભારતના પહેલા વડા પ્રધાન બનવાનું માન મળી જાય. આયેશા જલાલ નામની વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકારના મતે ઝીણાના “કમનસીબે” ગાંધીજી દેશની એકતા જાળવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા અને હિંદુવાદી કાઁગ્રેસીઓએ પાકિસ્તાન ઝીણાના ગળામાં પહેરાવી દીધું. દેશની કુલ વસ્તીમાં ૨૫ ટકા મુસલમાનો હોય અને સાતથી આઠ રાજ્યો મુસ્લિમ બહુમતીવાળાં હોય તો તેમની વાત સાંભળવી પડે. આ તો ટાઢે પાણીએ ખસ ગઈ. મુસલમાનોની દાદાગીરી તો બાજુએ રહી, કોઈ વાતનો આગ્રહ પણ ન કરી શકે એ હદે તેઓ લઘુમતીમાં ફેરવાઈ ગયા.
તો વાતનો સાર એ કે ઇઝરાયેલની સ્થાપનામાં ખ્રિસ્તીઓને રસ હતો એમ પાકિસ્તાનની સ્થાપનામાં કેટલાક હિંદુઓને રસ હતો. બન્ને ન ગમતી કોમથી જાન છોડાવવા માગતા હતા. આ રીતે જગતના ઇતિહાસમાં પહેલી વાર જેમ કંપની સ્થાપવામાં આવે એમ બે દેશોની સ્થાપના કરવામાં આવી. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે પાકિસ્તાનને નિષ્ફળ રાષ્ટ્ર માનવામાં આવે છે તો શું ઇઝરાયેલ સફળ રાષ્ટ્ર છે? આઠ દાયકા થવા આવ્યા, ચોવીસે કલાક ફાળમાં જીવવું એ સફળતા કહેવાય? ભૌતિક સફળતાની શી કિંમત જો ઇઝરાયેલના કેટલાક પ્રદેશોમાં જન્મેલું યહૂદી બાળક જુવાની સુધી જીવશે કે નહીં તેની જન્મ દેનાર માતાને ખાતરી ન હોય! બીજી દરેક રીતે સુખી યહૂદી માતાઓ સતત ફાળમાં જીવે છે. ૧૯૧૬ની સાલમાં બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના વખતે યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવા આવેલા ભારતના ગવર્નર જનરલની સલામતીનો તાયફો જોઇને ગાંધીજીએ કહ્યું હતું કે આમ ડરીને જીવવા કરતાં વતન પાછા જતા રહો. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? અને પાછી ફાળ પણ સામેથી વહોરી લીધેલી! પેલેસ્તીનીઓને તેમનો હક નહીં આપવાની જીદના કારણે વહોરી લીધેલી ફાળ. મારા મતે ઇઝરાયેલ પણ નિષ્ફળ રાષ્ટ્ર છે, જેમાં પ્રજા ઉલ્હાસની જગ્યાએ ભય અનુભવે છે અને તે બંદૂકની ગોળીથી ટકી રહ્યું છે. હવે ઈરાને ઊંઘ હરામ કરી નાખી છે. સૌહાર્દ, ગુડવિલ, પરસ્પર વિશ્વાસ, સહકાર વિનાનું જીવન એ જીવન નથી. જો વર્ષોનાં વર્ષો સુધી ઊચક જીવે જીવવાનું આવે તો પ્રજા સાંસ્કૃતિક રીતે કરમાઈ જાય.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ઍપ્રિલ 2024