![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/06/rameshoza-300x271.jpg)
રમેશ ઓઝા
ગયા સપ્તાહનો મારો લેખ વાંચીને એક વાચકે સવાલ કર્યો કે જો નકશો, ધ્વજ અને રાષ્ટ્રગીતનો ઉપયોગ પ્રજાને બરડ બનાવવા માટે, આગ્રહી બનાવવા માટે, આક્રમક બનાવવા માટે થતો હોય તો પછી તેની જરૂર જ શું હતી? શા માટે તેને વિકસાવવામાં આવ્યાં અને ભારતે અપનાવ્યાં? શિવાજી મહારાજે અપૂર્વ બહાદુરી બતાવી ત્યારે તેમની પાસે ક્યાં કોઈ નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત હતાં? સિકંદર પણ હાથમાં ધ્વજ અને કોઈ ગ્રીક રાષ્ટ્રગીત લઈને દુનિયાને જીતવા નહોતો નીકળ્યો. તેમની વાત સાચી છે. શિવાજી મહારાજના હાથમાં ભગવો ધ્વજ અને મુસ્લિમ આક્રમણકારોના હાથમાં ચાંદવાળો લીલો ધ્વજ પાછળથી જે તે સમુદાયોની વર્તમાન રાજકીય જરૂરિયાતના ભાગરૂપે પકડાવવામાં આવ્યા છે.
માત્ર નકશા, ધ્વજ અને રાષ્ટ્રગીત જ નહીં, આખેઆખો રાષ્ટ્રવાદ જ આધુનિક યુગની પેદાશ છે અને એની પાછળનું પ્રેરકબળ આ જગતમાં “આપણા” માટે જગ્યા બનાવવાનું હતું. યુરોપની પ્રજાને પુનર્જાગરણના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીની સહાય મળી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સહેલું બનવા લાગ્યું ત્યારે ત્યાંની પ્રજાએ વધારે વિસ્તારમાં જગ્યા બનાવવાનું શરૂ કર્યું. જેમ જેમ જગતની ભૂમિ જડતી ગઈ તેમ તેમ ધીરે ધીરે તેમની વચ્ચે હરીફાઈ શરૂ થઈ. હવે એ તો દેખીતી વાત છે કે હરીફાઈને ઉત્તેજના સાથે સંબંધ છે એટલે એશિયા અને આફ્રિકાની જમીન શોધાનારા સાહસિકોને અને લાભાર્થી પ્રજાને કેફ ચડાવો, નશો કરાવો, લલકારો વગેરે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે રાષ્ટ્રવાદનાં મૂળ આમાં છે. જગતનાં સાંસ્થાનિકરણ(કોલોનાઈઝેશન)માં આગળ નીકળી જવા માટે અને હરીફને પાછળ ધકેલવા માટે રાષ્ટ્રવાદ પેદા કરવામાં આવ્યો હતો અને તેને માટે ધ્વજ અને રાષ્ટ્રગીત હાથવગાં અને સહેજે નજરે પડે એવાં પ્રતિકો હતાં. નક્શાનું વિજ્ઞાન પાછળથી વિકસ્યું. ગઈ સદીમાં થયેલાં બે વિશ્વયુદ્ધો પશ્ચિમના સ્પર્ધાત્મક રાષ્ટ્રવાદનાં પરિણામ છે. ટૂંકમાં આ લૂંટનાં સાધનો હતાં અને આજે પણ છે. દસ ફૂટ મોટો રાષ્ટ્રધ્વ લહેરાતો જોઇને પ્રજા ગેલમાં આવી જાય અને તેના ધ્યાન બહાર પાછળ ઘણું બધું થતું રહે!
અહીં પેલો સવાલ ઉપસ્થિત થાય છે કે પ્રજાને ગુલામ બનાવનારાં, પ્રજાને કેફમાં રાખનારાં અને પ્રજાને છેતરનારાં સાધનોને ભારત જેવા આઝાદ થયેલા દેશોએ શા માટે અપનાવ્યાં? જવાબ છે, ગુલામીથી મુક્ત થવા માટે. સાંસ્થાનિક યુગમાં આઝાદ થવા માગતા દેશોના નેતાઓને પણ લાગ્યું કે પ્રજાને જાગૃત કરવા માટે એવાં કોઈ સાધનો હોવાં જોઈએ જે જોઇને પ્રજામાં ગરમી પેદા થાય, ઉત્તેજના પેદા થાય, પ્રજા બેઠી થાય. પ્રજાની અંદર આઝાદ થવાનાં અરમાન પેદા કરવા માટે અને તેને આંદોલિત કરવા માટે કોઈક અવલંબન જરૂરી હતાં અને તેમણે તે માટે રાષ્ટ્રગીત, ધ્વજ અને નકશાઓનો ઉપયોગ કર્યો. આ ઉપરાંત સગુણ અને સાકાર એવા રાષ્ટ્રની એક કલ્પના પણ વિકસાવવામાં આવી જે લોકોને પોરસ ચડાવે. સાચી-ખોટી અને ચકાસ્યા વિનાની મહાનતાનાં વરખ ચડાવવામાં આવ્યાં, જેને જાણીતા સમાજવિજ્ઞાની બેનેડિક્ટ એન્ડરસન “ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ” તરીકે ઓળખાવે છે. આ બધું સંસ્થાનોની પ્રજાને ગુલામીથી મુક્ત થવા જરૂરી લાગ્યું હતું.
આ જ્યારે કરવામાં આવતું હતું ત્યારે પણ રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ વગેરેને આનાં જોખમની જાણ હતી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચે રાષ્ટ્રવાદને લઈને મોટી ચર્ચા થઈ હતી અને કવિની તાકીદને ગાંધીજીએ “કવિની ચોકી’ (ચોકીદારી) તરીકે ઓળખાવી હતી. એક તો પોતાની (એટલે કે બહુમતી કોમની) મહાનતાના કલ્પનાવિલાસનો કોઈ અંત નથી અને બીજું પોતાની મહાનતા કે સર્વોપરિતા સિદ્ધ કરવા માટે બીજાને હલકા ચીતરવા પડે. ઈમેજીન્ડ કોમ્યુનિટીઝને કોઈ ઈમેજીન્ડ એનીમીઝની પણ જરૂર પડે. એમાં જો કોઈને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝ આધારિત રાષ્ટ્રવાદના મહાનાયક બનવું હોય તો તે શું ન કરે? એક તરફ બહુમતી કોમને ખોટાં પોરસ ચડાવવામાં કાંઈ બાકી ન રાખે અને બીજી તરફ લઘુમતી કોમને ધીકારવામાં કાંઈ બાકી ન રાખે. બન્ને તરફ જૂઠાણાં અને જૂઠાણાંમાં અતિશયોક્તિ.
રાષ્ટ્રવાદનું આ જોખમ તો હતું જ અને દેશમાં કેટલાક લોકો, ખાસ કરીને ઉપર જેમનાં નામનો ઉલ્લેખ કર્યો એ ત્રણ જણ આ જાણતા હતા. આ વાત ધ્યાનમાં રાખીને ગાંધીજીનું મુખ્યત્વે ‘હિન્દ સ્વરાજ’ નામનું નાનકડું પુસ્તક વાંચવું જોઈએ. એમાં તેમણે આપણી શક્તિ (ખરી શક્તિ, ઈમેજીન્ડ નહીં) અને મર્યાદા બતાવી આપ્યાં છે. જવાહરલાલ નેહરુનાં ભારતનાં અને વિશ્વનાં ઇતિહાસનાં બન્ને પુસ્તકો અને રવીન્દ્રનાથ ટાગોરનાં નિબંધો, ભાષણો અને ‘ઘરે બાહિરે’ જેવાં પુસ્તકો વાંચવા જોઈએ. તેમનું ૧૯૧૮માં પ્રકાશિત થયેલું પુસ્તક ‘નેશનાલીઝમ’ ખાસ વાંચવું જોઈએ. આ ત્રણમાંથી ગાંધીજી અને નેહરુ વિવેકી રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હતા અને રવીન્દ્રનાથ ટાગોરને તેમાં જોખમ નજરે પડતું હતું. જે સ્વભાવત: જોખમી છે અને માનવ સમાજને બરબાદ કરી નાખવાની પ્રચંડ સંહારક ક્ષમતા ધરાવે છે તેમાં વિવેકની અથવા મર્યાદાની અપેક્ષા રાખવી એ વધારે પડતું નથી? રવીન્દ્રનાથ ટાગોરે ચિંતા વ્યક્ત કરી હતી. આજે આપણે અને વિશ્વસમાજ ઓછાવત્તા પ્રમાણમાં આનો અનુભવ કરી રહ્યા છીએ.
જતા જતા અહીં એક ફરક નોંધી લો : યુરોપની પ્રજાએ વિશ્વદેશો કબજે કરવા માંડ્યા ત્યારે તેમની પાસે વિજ્ઞાન, ટેકનોલોજી, સાહસ, ઉત્સાહ, કુતૂહલ, વધુને વધુ સુખ તેમ જ સમૃદ્ધિ માટેનો પુરુષાર્થ વગેરે ઐશ્વર્ય મેળવવાનાં તમામ ગુણો અને સાધનો હાથવગાં હતાં. માત્ર હરીફાઈ માટે અને આગળ નીકળી જવા માટે પોરસ ચડાવવાનો હતો અને એટલા પુરતો જ રાષ્ટ્રવાદનો તેમને ખપ હતો. તેઓ વર્તમાનમાં ઐશ્વર્ય ભોગવતા હતા એટલે તેમને ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર નહોતી. જૂઠી કે વરખ ચડાવેલી આપઓળખની જરૂર નહોતી. જેમને મુક્ત થવું હતું તેમને ઐશ્વર્ય શોધવા ઈમેજીન્ડ કોમ્યુનિટીઝની જરૂર પડી અને અત્યારે તે તેની ચરમસીમાએ છે. ચરમસીમાએ એટલા માટે છે કે કેટલાક લોકો રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને મુક્ત થયેલી પ્રજાને અમલ પીવડાવીને પાછી ગુલામ બનાવવા માગે છે. જે ફિલ્મો અને સિરિયલો બની રહી છે તેનાં પર એક નજર કરો. ઇતિહાસના નાયકોનાં સાચાખોટા ઐશ્વર્યને વેચવામાં આવી રહ્યું છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 ઍપ્રિલ 2024