સળંગ ત્રીજીવાર સત્તામાં વાપસી કરવાના સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના સ્લોગન ‘અબકી બાર ચારસો પાર’માં, આ વખતે તમિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યો પર વિશેષ ફોકસ છે. દક્ષિણના સાથ વગર ચારસોનો સાથ શક્ય નથી અને પાર્ટી દક્ષિણના મતદારોને રીઝવી શકી નથી તે બંને હકીકતથી ભા.જ.પ. અજાણ પણ નથી. લોકસભાની પ્રથમ તબ્બકાની ચૂંટણીમાં, 19મી એપ્રિલે અન્ય રાજ્યો સહિત તમિલનાડુની 39 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.
2019માં એન.ડી.એ.એ 543 બેઠકોમાંથી 350 બેઠકો જીતી હતી. ભા.જ.પ.ને એકલા હાથે 303 બેઠકો મળી હતી. આ 350 બેઠકોમાંથી 10 રાજ્યોમાં ભા.જ.પે. સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ 11 રાજ્યોમાં ભા.જ.પ.ને એક પણ બેઠક મળી નથી. ભા.જ.પે. તમિલનાડુ, કેરળ, પુડુચેરી, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, આંધ્ર પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ અને દાદરા અને નગર હવેલીમાં ખાતું ખોલાવ્યું નથી.
ભા.જ.પ. આ ચૂંટણીમાં 400નો આંકડો પાર કરવા માટે આ 11 રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આંધ્ર પ્રદેશ (25 બેઠકો), તમિલનાડુ (39 બેઠકો), કેરળ (20 બેઠકો), મેઘાલય (2 બેઠકો) અને મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દાદરા અને નગર હવેલીમાં 1-1 લોકસભા બેઠકો સાથે ભા.જ.પ.ના નિશાના પર છે. આ 11 રાજ્યોમાં કુલ 93 બેઠકો છે. જો લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 93 બેઠકો દૂર કરવામાં આવે તો 450 બેઠકો બાકી રહે છે, તેથી ભા.જ.પ. માટે 400નો આંકડો પાર કરવો પડકારજનક લાગે છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં, દક્ષિણમાં ભા.જ.પ.નો દેખાવ કંગાળ રહ્યો હતો, અને 2024માં પણ જો તેનું પુનરાવર્તન થાય તો, દક્ષિણ ભારત અને ઉત્તર ભારત વચ્ચેની ખાઈ વધુ પહોળી થશે, જ્યાં પાર્ટી અભૂતપૂર્વ વર્ચસ્વ ધરાવે છે.
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભા.જ.પે. પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી. દેશનો રાજકીય નકશો જુઓ તો દેખાય છે કે ભા.જ.પ. દક્ષિણ ભારતના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવી શક્યું નથી, જ્યારે તમે જ્યારે ઉત્તર તરફ જોશો, ત્યારે તમને મોટા ભાગના રાજ્યો ભગવા રંગથી રંગાયેલા જોવા મળશે.
ભા.જ.પ. ઉત્તર ભારતની પાર્ટી છે તેવી છાપનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે આજ તક ન્યૂઝ ચેનલના કાર્યકમમાં દાવો કર્યો હતો કે ઉત્તર-દક્ષિણ વિભાજનની ચર્ચા 2024ની ચૂંટણી પછી સમાપ્ત થઈ જશે. આ જ કારણથી જ ભા.જ.પ.ના ટોચના નેતાઓ તમિલનાડુ અને દક્ષિણના અન્ય રાજ્યોની અવારનવાર મુલાકાત લેતા રહે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ 10 વખત તમિલનાડુમાં પ્રચાર કરી આવ્યા છે તે બતાવે છે કે પાર્ટીની 2024ની વ્યૂહરચનામાં દક્ષિણ કેટલું મહત્ત્વનું છે.
2019ની પ્રચંડ જીત છતાં, ભા.જ.પ.ને દક્ષિણના પાંચ રાજ્યોની 129 બેઠકોમાંથી માત્ર 29 બેઠકો મળી હતી. આ 29 બેઠકોમાંથી 25 બેઠકો એકલા કર્ણાટકમાં અને બાકીની ચાર બેઠકો તેલંગાણામાં હતી. આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભા.જ.પ.ને એક પણ બેઠક મળી નથી. પાર્ટીને કેરળમાં ક્યારે ય એક પણ બેઠક જીતી નથી.
2014માં ભા.જ.પે. દક્ષિણની 21 બેઠકો, 2009માં 19, 1999 અને 2004માં 18 અને 1998માં 20 બેઠકો જીતી હતી. તે પહેલાંની ચૂંટણીઓમાં આ રાજ્યોમાં તેની સંખ્યા સાતથી ઓછી રહી હતી. દક્ષિણ ભારતમાં લોકો ભા.જ.પ.ને હિન્દી, હિંદુ અને હિંદુત્વના પક્ષ તરીકે જુએ છે અને આ ધારણાએ તેને ચૂંટણીમાં નુકસાન પહોંચાડ્યું છે.
તમિલનાડુ અને દક્ષિણ ભારત પરંપરાગત રીતે ભા.જ.પ.ની છાપ ધરાવતા ધર્મ-સંચાલિત રાજકારણથી મુક્ત રહ્યું છે. તમિલનાડુની રાજનીતિએ દાયકાઓથી બ્રાહ્મણ વિરોધી લાગણીઓએ આકાર આપ્યો છે. તમિલનાડુની સત્તાધારી ડી.એમ.કે. પાર્ટીનો જન્મ દ્રવિડ ચળવળમાંથી થયો હતો. રાજ્યનું રાજકારણ પણ એક હદ સુધી પેરિયાર આંદોલનની આસપાસ ફરતું રહ્યું છે અને ભા.જ.પ.ની કટ્ટર હિંદુત્વવાદી રાજકારણ રમી રહેલા પક્ષ તરીકેની છબી પણ તમિલનાડુમાં અવરોધ બની છે.
કર્ણાટકને બાદ કરતાં, આ પક્ષો, વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં, રાષ્ટ્રીય મુદ્દાઓ કરતાં પ્રાદેશિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ભા.જ.પ. માટે તેની હાજરી સ્થાપિત કરવાનું અઘરું બનાવે છે. કર્ણાટકમાં ભા.જ.પ.ના અપવાદરૂપ પ્રદર્શનનું શ્રેય પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાને જાય છે, જેમણે લિંગાયત મતને ભા.જ.પ.ની ઝોળીમાં સાચવી રાખ્યા છે.
કર્ણાટક અને તેલંગાણાના કેટલાક શહેરી વિસ્તારોમાં નરેન્દ્ર મોદીની અપીલ છે. પરંતુ, મજબૂત રાજ્ય એકમો અને કાર્યકર્તાઓના અભાવે ભા.જ.પ. પાછળ હટી ગયું છે. ઉપરાંત, દક્ષિણના દરેક રાજ્યમાં એક કે બે પ્રબળ પ્રાદેશિક પક્ષો રહ્યા છે – જેમ કે ડી.એમ.કે., એ.આઈ.એ.ડી.એમ.કે., ટી.ડી.પી., વાય.એસ.આર.સી.પી. અને બી.આર.એસ.
તમિલનાડુને લઈને ઘણાં મીડિયા ગૃહોએ સર્વેક્ષણ એજન્સીઓના સહયોગથી સર્વેક્ષણો બહાર પાડ્યા છે. એન.ડી.ટી.વી.એ તમામ પોલનો અભ્યાસ કરીને આગાહી કરી છે કે રાજ્યમાં કૉંગ્રેસની આગેવાની હેઠળનું ઇન્ડિયા ગઠબંધન સરસાઈ મેળવશે, જેમાં મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (ડી.એમ.કે.) પાર્ટીને ને 33 બેઠકો મળશે. ઓપિનિયન પોલ્સના અનુમાન મુજબ એ.આઈ.એ.ડી.એમ.કે.ને માત્ર ચાર બેઠકો મળી શકે છે. એ.આઈ.એ.ડી.એમ.કે. અગાઉ ભા.જ.પ.ની છાવણીમાં હતું, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેણે છેડો ફાડી નાખ્યો હતો, જે ભા.જ.પ. માટે એક ફટકા સમાન હતું.
રાજ્યમાં ભા.જ.પ.ના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓથી એ.આઈ.એ.ડી.એમ.કે. નેતૃત્વ નારાજ હતું. ભા.જ.પ. નેતૃત્વ દ્વારા આ નેતાઓને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આનાથી એ.આઈ.એ.ડી.એમ.કે. ગુસ્સે થઈ ગયું હતું. 2019ની ચૂંટણી પછી ઘણા પક્ષોએ એન.ડી.એ. છોડી દીધું છે. એ.આઈ.એ.ડી.એમ.કે. એન.ડી.એ.માંથી બહાર નીકળનાર ચોથો પક્ષ છે.
એ.આઈ.એ.ડી.એમ.કે.ના નિર્ણયની અસર તમિલનાડુના રાજકારણ પર પડશે. પક્ષ હવે તેની વોટ બેંક સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ કરશે. આમાં લઘુમતીઓનો પણ સમાવેશ થશે, જેમનાથી પાર્ટીએ 2019ની લોકસભા અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં અંતર જાળવ્યું હતું. એન.ડી.એ.માંથી નીકળી જવાનું બીજું એક કારણ ભા.જ.પ.નું કટ્ટર હિન્દુત્વ પણ છે, જેણે એ.આઈ.એ.ડી.એમ.કે.ના લઘુમતી મતોને અસર કરી હતી.
એ.આઈ.એ.ડી.એમ.કે. અલગ થવાથી, રાજ્યમાં ત્રિપક્ષીય લડાઈ થઇ છે; ઇન્ડિયા ગઠબંધન તરફથી ડી.એમ.કે., એ.આઈ.એ.ડી.એમ.કે. અને ભા.જ.પ. જાણકારો કહે છે કે મતો વહેંચાઇ જવાથી ડી.એમ.કે.ને ફાયદો થશે અને ચૂંટણી પછી જો ગઠબંધન કરવાની સ્થિતિ આવે તો એ.આઈ.એ.ડી.એમ.કે. ફરી એન.ડી.એ.માં જશે.
તમિલનાડુમાં નાના પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી ભા.જ.પ. એ.આઈ.એ.ડી.એમ.કે.ની નબળાઈનો ફાયદો ઉઠાવવા માંગે છે. ભા.જ.પ.ને લાગે છે કે રાજ્યનાં લોકપ્રિય મુખ્ય મંત્રી જે. જયલલિતાના અવસાનને કારણે ઊભા થયેલા વેક્યુમને તે ભરી શકે છે. તમિલનાડુમાં ભા.જ.પે. બે વર્ષ પહેલા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હતી.
2022માં મોદી સરકારે ‘કાશી તમિલ સંગમમ’ની શરૂઆત કરી હતી. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, મોદી સરકારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવા માટે ‘કાશી તમિલ સંગમમ’નું અભિયાન શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ તમિલનાડુના લોકોને પ્રધાન મંત્રી મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી સાથે ભાવનાત્મક રીતે જોડવાનો હતો.
28 મે 2023ના રોજ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં, વડા પ્રધાન મોદીએ સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કર્યા પછી મંત્રોના જાપ સાથે અધ્યક્ષની બેઠક નજીક પવિત્ર સેંગોલ સ્થાપિત કર્યું હતું. તે પણ તમિલ મતદારોને રીઝવવા માટેની જ કવાયત હતી. મોદીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી વખત તમિલનાડુની મુલાકાત લીધી છે અને રાજ્યના લોકો સમક્ષ ઘણી મહત્ત્વપૂર્ણ યોજનાઓ રજૂ કરી છે.
2019માં 350 બેઠકો મેળવ્યા પછી ભા.જ.પ. પાસે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિસ્તરણ માટે બહુ ઓછા વિકલ્પો છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર જીત મેળવી હતી. હરિયાણામાં પણ ભા.જ.પ. પાસે તમામ 10 બેઠકો છે.
તે જ રીતે, મધ્ય પ્રદેશની 29 બેઠકોમાંથી ભા.જ.પે. 28 બેઠકો જીતી હતી. મહારાષ્ટ્રમાં ભા.જ.પે. 25માંથી 23 બેઠકો પર જીત મેળવી હતી. પાર્ટીએ રાજસ્થાનની 25 બેઠકોમાંથી 24 બેઠકો જીતી હતી. ઉત્તર પ્રદેશમાં 80 બેઠકોમાંથી ભા.જ.પ.ને 62 બેઠકો મળી હતી. ઝારખંડની 14 બેઠકોમાંથી ભા.જ.પે. 11 અને કાઁગ્રેસે 13 બેઠકો જીતી હતી. છત્તીસગઢમાં 11માંથી 9 બેઠકો પર ભા.જ.પ.ને જીત મળી છે.
ભા.જ.પે. મણિપુર અને મેઘાલયમાં પણ એક-એક બેઠક જીતી હતી. ભા.જ.પે. નાગાલેન્ડ અને મિઝોરમમાં એક-એક બેઠક જીતી હતી. એ જ રીતે હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, દિલ્હી અને ઉત્તરાખંડની તમામ લોકસભા બેઠકો જીતી હતી. આ સ્થિતિમાં ભા.જ.પ. પાસે હવે વિસ્તરણ માટે દક્ષિણના રાજ્યોનો એક માત્ર વિકલ્પ છે.
એ વિકલ્પ કેટલો કારગત નીવડશે એ 4થી જૂને મતગણતરી પછી ખબર પડશે.
લાસ્ટ લાઈન :
“તમિલનાડુ દક્ષિણ ભારતનું ઉત્તર પ્રદેશ છે.”
– પ્રશાંત કિશોર, રાજકીય વ્યૂહરચનાકાર
(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 21 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર