લોકસભાની ચૂંટણી લોક’ખભા’ની ચૂંટણી બની રહી હોય એવું લાગે છે. કોઈ ખભો આપીને તો કોઈ ખભે ચડીને ચૂંટણી જીતવા જીવ પર આવી ગયા હોય તેવું વાતાવરણ છે. હાઇકમાંડ, કમાન છટકાવીને ટિકિટો આપી રહ્યા છે, તો જૂના જોગીઓની ટિકિટો કાપી પણ રહ્યા છે. જે વિપક્ષ તરીકે ગાળ દેતાં થાકતા ન હતા તે હવે પક્ષ બદલીને, ટિકિટ મેળવી લઈ મલકાઈ રહ્યા છે, તો ટિકિટ ન મળતાં કેટલાંક છણકાઈ પણ રહ્યા છે. જે પોતાના પક્ષને વફાદાર ન રહ્યા તે હવે નવા પક્ષમાં નફાદાર થવા દાખલ પડી ગયા છે ને પ્રજા બધું ભૂલીને તેમને મત આપે એવી ભોળી છે કે કેમ તે તો ચૂંટણીનાં પરિણામો જ કહેશે. જો કે, આ વખતે એક કૌતુક એવું પણ થયું છે કે ટિકિટ મળી હોય છતાં ઉમેદવારો મત મેળવવાના મતના નથી. ગુજરાતમાં જ સાબરકાંઠાના અને વડોદરાના ભા.જ.પ.ના બે ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ એક કાઁગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી છે. આ ચૂંટણી વૈરાગ્ય કેમનોક આવ્યો તે તો ખબર નથી, પણ કેટલાક આક્ષેપો જીરવવાનું અઘરું થયું હોય એમ બને. એ તો ઠીક, પણ, ચૂંટણી લડવાના પૈસા ન હોય ને કોઈ ચૂંટણી લડવાનું નકારે ને એમ નકારનાર બીજું કોઈ નહીં ને કેન્દ્રીય નાણાં મંત્રી પોતે હોય ત્યારે એક સાથે હજારો વૉલ્ટનો ઝાટકો ઘણાંને લાગે ને તેઓ આઘાતથી બેવડ વળી જાય એમ બને.
બન્યું એવું કે ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્ને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી લોકસભાની ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો, તો નાણાં મંત્રીએ એમ કહીને ના પાડી કે તેમની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા નથી. હવે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય તો લોકો તો ગરીબ જ હોયને ! એવું તો કેવી રીતે હોય કે રાજા ભિખારી હોય ને રાજ્ય એશ કરતું હોય? સીતારામન્ને પૂછવામાં આવ્યું કે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય એ કેવું? તો, એમનો જવાબ હતો – મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પરંતુ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. નાણાં મંત્રી ખોટું તો ન બોલે. જો કે, ખોટું તો હવે કોઈ બોલતું જ નથી. એ જે હોય તે, પણ સીતારામન્ના જવાબ પરથી એટલું તો ફલિત થાય છે કે ભારતના નાણાં મંત્રીનું પોતાનું ફંડ એટલું નથી કે તે લોકસભાની ચૂંટણી લડી શકે. કમાલ છે ને કે જીતનારા 543 સાંસદો ને સેંકડો બીજા વિધાનસભ્યો ને હજારો કોર્પોરેટરો ચૂંટણીઓ લડી શકે છે. એનો અર્થ એ થયો કે એ બધા નાણાં મંત્રી કરતાં વધુ સમૃદ્ધ છે. સાચું તો એ છે કે ભારતની ચૂંટણીઓ અત્યંત મોંઘી થઈ છે. સીતારામને એમ પણ ઉમેર્યું કે ચૂંટણીમાં સમુદાય ને ધર્મ પણ ભાગ ભજવે છે. જાતિ-જ્ઞાતિ વગેરે બાબતો વિજયી બનાવનારાં પરિબળો છે એય ખરું. આ બધું જ જો સક્રિય હોય તો નિષ્પક્ષ ચૂંટણી ક્યાં લડાય છે તે પ્રશ્ન જ છે.
સવાલ તો એ પણ છે કે ચૂંટણી બોન્ડમાંથી ભા.જ.પે. 6,986.5 કરોડ સમેટ્યા હોય તો એ ચૂંટણી માટે નહીં ને ચટણી માટે છે, એવું? આમ તો બધા જ પક્ષોએ ચૂંટણી ભંડોળ ભેગું કર્યું છે, તે એ કૈં પત્તાં ટીચવાં તો નહીં જ હોય ! એ જુદી વાત છે કે નાણાં મંત્રીના અર્થશાસ્ત્રી પતિ પરાકલા પ્રભાકરને રોકડું કર્યું છે કે ચૂંટણી બોન્ડ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને તેને લીધે ભા.જ.પ.ને મોટું નુકસાન થશે. આ વિધાન કોઈ વિપક્ષી નેતાનું નથી, પણ અર્થશાસ્ત્રીનું છે. તેમનું માનવું છે કે આ મુદ્દો હજી વધારે ચગશે અને મતદારો સરકારને મત દ્વારા તેનો જવાબ પણ આપશે. સીતારામન્નું કહેવું છે કે બધા જ સંડોવાયેલા છે એટલે કોઈને કોઇની વિરુદ્ધ બોલવાનો નૈતિક અધિકાર જ નથી. મતલબ કે કૈંક તો એવું છે જે નૈતિક નથી. વારુ, ખોટું કોઈ એક કરે તો જ ખોટું, એવું નથી, ઘણાં કરે તો પણ ખોટું તો ખોટું જ રહે છે.
એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચૂંટણી 75,000 કરોડથી વધુ કિંમતની પડે છે. એમાં ઇલેકટોરલ બોન્ડથી છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ વીસેક હજાર કરોડ આવ્યા. મતલબ કે વર્ષના 4,000 કરોડ. તો, બાકીના પૈસા ક્યાંથી આવે છે? એ રોકડથી આવે છે. બીજા અર્થમાં ચૂંટણી પણ એક કારણ છે જે કાળું નાણું ઘટવા ન દે. ઘટે તો ય નાબૂદ થવા દે એ શક્ય નથી, કારણ રાજકીય પક્ષોને ચૂંટણી ઉપરાંત પણ અનેક કામો માટે ફંડની જરૂર પડે જ છે ને તે ખાઈ ઘણુંખરું કાળાં નાણાંથી જ પુરાતી હોય છે. વર્ષમાં અંદાજે 37 જેટલી ચૂંટણીઓ થતી હોય છે. એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે ચૂંટણી પાછળ થતો ખર્ચ અતિશય છે. એ સંદર્ભે નાણાં મંત્રી ચૂંટણી લડવાનું પડતું મૂકે તે સમજાય એવું છે. આવનાર સમયમાં ઘણાં એ રીતે ચૂંટણી લડવાનું જતું કરે એમ બને. આમાં સાધારણ માણસ માટે તો કોઈ અવકાશ જ નથી. બીજા શબ્દમાં ચૂંટણીનો ખેલ અમીરોનો જ ખેલ છે. એ જ ચૂંટાય, એ જ રાજ કરે ને એ જ નીતિઓ ઘડે. એ નીતિઓ ગરીબો માટે કેટલીક હોય તે સમજી શકાય એમ છે.
એમ લાગે છે કે ચૂંટણી ન લડી શકે એવા ગરીબોનો નવો વર્ગ ભવિષ્યમાં ઊભો થશે. એક વર્ગ એવો જેને સરકાર વર્ષોથી મફત અનાજ આપે છે. એવા પશ્ચિમ બંગાળના ગરીબો માટે વડા પ્રધાનને એવો અભૂતપૂર્વ વિચાર આવ્યો કે ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભ્રષ્ટાચારીઓને ત્યાં દરોડા પાડીને 3.000 કરોડ જેટલી રકમ જપ્ત કરી છે, તો તે ત્યાંનાં ગરીબોને આપવી. આવું ચૂંટણી પ્રચાર અંગેની ટેલિફોનિક ચર્ચામાં ભા.જ.પ.ના કૃષ્ણાનગરના ઉમેદવાર અમૃતા રૉયને વડા પ્રધાને કહ્યું ને ભારપૂર્વક ઉમેર્યું પણ કે આ વાત તેઓ બધાંને જણાવે. પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે આનાથી વધુ રૂડું બીજું શું હોય? એ તો જે કરવું હોય તે વડા પ્રધાન ભલે કરે, પણ ચૂંટણી લડવા ઇચ્છુક આર્થિક ગરીબો માટે એવી યોજના પણ વિચારાવી જોઈએ, જેમાંથી ચૂંટણી લડવા જોઈતું ફંડ મળી રહે. ઇલેકટોરલ બોન્ડ તો દરિયામાં ખસખસ ગણાય. ઇ.ડી. દરોડા દ્વારા જપ્ત થતી રકમનો જેમ ગરીબો માટે ઉપયોગ થઈ શકે એમ જ ચૂંટણી લડવા ઇચ્છનાર ઉમેદવાર માટે પણ થઈ શકે. એને માટે વિપક્ષો ભલે ટાર્ગેટ થાય, શાસક પક્ષને ય ન મૂકવા. એમાં કેટલાક ખરેખર સન્માનનીય છે જ, પણ બધા જ દૂધે ધોયેલાં નથી.
દૂર ક્યાં જવું? આસામની શાસક ભા.જ.પ. સરકારની સહયોગી પાર્ટી બોડોલેન્ડ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુ.પી.પી.એલ.)ના નેતા બેંજામિન બાસુમતારીની એક છબી ચર્ચામાં છે. એ છબીમાં બાસુમતારી 500ની ચલણી નોટોના પથારા નીચે ફેલાઈને પડેલા દેખાય છે. બાસુમતારી પર પી.એમ. આવાસ યોજનામાં ગરીબો પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. જો કે, પાર્ટીએ તો તેમને 10 ફેબ્રુઆરીથી બરતરફ કરી દીધા છે. એક તરફ પૈસાને વાંકે ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા ભા.જ.પ. સરકારનાં નાણાં.મંત્રી નિર્મલા સીતારામન્ છે ને બીજી તરફ બાસુમતારી જેવા ભા.જ.પ. સરકારના સહયોગી પાર્ટીના સભ્ય છે જે ચલણી નોટોનો બીભત્સ દેખાડો કરી છીછરી માનસિકતા પ્રગટ કરે છે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી તો મોંઘી છે જ, પણ તે ઘણી મોંઘવારીનું કારણ પણ છે, એટલું જ નહીં, ચૂંટણી જીતનારા અનેક રીતે પૈસા ઊભા કરીને તેનો દેખાડો પણ કરતા રહે છે. અપવાદ રૂપે કેટલાક સ્વચ્છ રાજકારણીઓ હશે જ, પણ તે અપવાદોમાં જ હશે એ ભૂલવા જેવું નથી. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે, પણ તે એટલી મોંઘી હોય કે લડવાનું જ મન ન થાય તો એ આખું પ્રકરણ પુનર્વિચારણાને પાત્ર છે. અહીં વાત ચૂંટણી નકારવાની નથી જ નથી, પણ તે સાધારણ માણસનો જ જો બધી રીતે છેદ ઉડાડતી હોય તો એ સ્થિતિ બદલી શકાય કે કેમ તે અંગે વિચારવાનું રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2024