
સીધીકભાઈ
ગઈ મધરાતે અબ્દુલનો ફોન આવેલો જોઈ ધ્રાસ્કો પડ્યો. સામેથી ધ્રુજતા અવાજે અબ્દુલે કહ્યું, ‘સાહેબ , પપ્પા રજા કરે વ્યા !’ અચાનક જ એક સાવ પોતીકા સ્વજન સાથેનો સંગ છૂટી જતાં અનુભવાતો શૂન્યાવકાશ બંને તરફ છવાઈ ગયો. ફોન તો પૂરો થયો પણ આંખ બંધ થવાનું નામ ન્હોતી લે’તી. આંખ સામે એક સામટા સાવ અજાણ્યા જણમાંથી પોતીકા સ્વજન બની ગયેલા સીધીકભાઈ દેખાતાં રહ્યાં .. મન અતીતના એ સઘળાં ખૂણા ફરી આવ્યું કે જ્યાં જ્યાં એમનો ભેટો થયેલો.
સાવ પહેલી વખત વિદ્યાર્થીઓની જાન લઈને અમે ગામડાં ખૂંદવા નીકળેલાં ને અબ્દુલના ઘરે જમવા ધામા નાખેલા ત્યારનું તેમનું પ્રથમ દીદાર આંખ સામે આવી ગયું. અબ્દુલના પરિવારે બહુ જ પ્રેમથી લાડુનું જમણ બધાને કરાવેલું. એ ઘર, એ આંગણું, એ ખાટલા પર બેસવું, એ આનંદની છોળો ને રકાબીમાં પીવાતી ચાની ચુસ્કીઓ – બધું હજુ એકદમ તાજું છે. આ બધી વેળાએ એમનો સ્મિત વરસાવતો ચેહરો. ઓછું બોલે પણ મજાનું બોલે.
પછી તો અબ્દુલ એવા પોતીકા થઈ ગયા કે સોનટેકરી રહેવા જ આવી ગયા. એમના આખા ઘરને માટે હું અબુકાકાનો સાહેબ. એટલો પ્રેમ ને આદર આપે કે મને સંકોચ થઈ આવે. અબ્દુલના જીવનના દરેક પ્રસંગે ઘરના સભ્ય જેમ સહજ હાજર રહેવાનું થયું. અબ્દુલના લગ્ન મારી ચૂંટણીની ડ્યુટીને કારણે પરિવારે એક દિવસ પાછળ કરી દીધેલ. ચૂંટણીની ડ્યુટી પૂરી કરીને અડધી રાતે હું ગેડી પહોંચેલો ને પછી સવાર સુધી બધા સાથે નાચેલો. એ લગ્નમાં જાણે મેં જ અબ્દુલને ભણાવી ગણાવીને મોટો કર્યો હોય તેમ જે મળે એમને મારો પરિચય કરાવી સીધીકભાઈ ફૂલ્યા ન્હોતા સમાતા. તેમની તબિયત ત્યારથી જ નબળી પડવા લાગી ગયેલી. અબ્દુલ એમની સાથે ફોટો પડાવતી વખતે આંખમાં પાણી ભરી ગયેલા ને પછી કચરો પડી જવાનો ડોળ કરીને પોતાનું દુઃખ છુપાવી લીધેલું. અબ્દુલની તીવ્ર સંવેદનશીલતા મેં વર્ગથી માંડીને જીવનની આ નાજુક ક્ષણ સુધી અનુભવી છે.
વસુંધરાની વાણી ગેડીમાં ગોઠવેલી તે રાતે હું અબ્દુલના ઘરે જ રોકાઉં એવો એમના આખા ઘરનો પ્રેમાગ્રહ હતો. અમારી સાથે વાણીનો આનંદ લેવા પણ તેઓ આવેલા ને ઘરે મારી નાની નાની કાળજી લેતાં એમણે પોતાની પાસે જ મારી પથારી કરાવેલી. બીજી સવારે સીધીકભાઈ, એમના પત્ની ને હું એમનાં નાનકડાં રાંધણિયામાં બેઠેલાં. શિયાળાની સવારે ચૂલા પાસે હાથ શેકતા અમારી પાસે બા ચા બનાવી રહ્યાં હતાં. ચા પીતાં પીતાં એમણે જે વાક્ય કહેલું એ મારે મન બહુ મોટું વિધાન હતું. એ બંને દંપતીએ સહજભાવે એવું કહ્યું કે, ‘અમે અબ્દુલને કહ્યું છે કે અમારું ઘડપણ પાડવા તો બીજા ત્રણ દીકરા ને આટલા બધા પોતરા છે, તું અમારા તરફથી મુક્ત છો, તારે સાહેબના દીકરા બની એમનું ઘડપણ પાડવાનું છે.’ અબ્દુલ તમને સાંપ્યો એવા વાક્ય તો તેઓ ઘણીવાર બોલેલા પણ આ વિધાનમાં એમના મા-બાપ તરીકેના દિવ્ય ત્યાગની અનુભૂતિ મને થયેલી. હું તો સ્તબ્ધ જ થઈ ગયેલો કે કોઈ વાલી શિક્ષકને આ કક્ષાએ પણ ચાહી શકે ? પોતાના સૌથી વધુ ભણેલા, ગણેલા હોનહાર દીકરાને આટલો સહજ રીતે કોઈનો કરી શકે ? ગામડાના તદ્દન સામાન્ય દેખાતાં આ સીધીકભાઈ ને તેમના પત્ની તે ક્ષણે મારા હૈયાના એવા ઊંચા આસને બેસી ગયેલાં કે જ્યાં ભાગ્યે જ કોઈ પહોંચી શકે !
સીધીકભાઈની ઉદારતા માત્ર મારા જેવા સુધી સીમિત ન્હોતી. ગામમાં આવતા નવા શિક્ષકો, કોઈ અન્ય કર્મચારીઓ બધાને એમનું ઘર પોતાનું જ લાગે. બધાને ખવડાવે, પીવડાવે ને લ્હેર કરાવે. કેટલા ય ઘરવિહોણાને એમણે સાચવ્યા હશે. એમનો સર્વ ધર્મ પ્રત્યેનો લગાવ ને આદર પણ એવો. અમે ગેડીમાં હિંગળાજ માતાજીની શરણમાં પૂનમસભા કરેલી એમાં તેઓ ખાસ આવેલા ને આગળ જ બેઠેલા. નાતજાતના વાડાથી તેઓ જોજનો દૂર હતા. પોતે નેક નમાજી ને ધર્મને સાચી રીતે સમજવાવાળા.
અબ્દુલ સાથે સોનટેકરી પણ આવી ગયેલા. એમને સંસ્થાનું વાતાવરણ બહુ ગમતું. અબ્દુલ મારી સાથે હોય ત્યારે તેઓ સંપૂર્ણ નચિંત રહેતા. અબ્દુલના લગ્નમાં હું સતત એમની સાથે હતો. દીકરો પરણાવવાની ખુશી બંને એકબીજાની આંખોમાં વાંચી રહ્યા હતા.
પ્રેમાળ પિતા, વત્સલ દાદા ને સૌના પ્રિય એવા સીધીકભાઈને વર્ષો પહેલાં ટી.બી. થયેલો, એની અસરથી કે અન્ય કોઈ કારણથી એમનું એક ફેફસું બહુ જ ખરાબ થઈ ગયેલું. ક્યોર થવાનો કોઈ ચાન્સ ન્હોતો. પણ તેમ છતાં એમના બાળકોએ સારવારમાં કોઈ કસર ન મૂકી. સારામાં સારા ડોક્ટરને બતાવ્યા. જ્યાંથી સારી સારવારની વાત મળે ત્યાં લઈ જાય. મને ખબર પડી એટલે મિત્ર ડોક્ટર નવુભા સોઢાને બતાવવા લઈ ગયા. હું સાથે ગયો. મારા સાથે હોવા માત્રથી એમના જીવમાં જીવ આવી ગયેલો. મારા જાણીતા ડૉક્ટર છે એટલે એમને સારું થઈ જશે એવી એમને શ્રદ્ધા. અમે પણ હસતા હસાવતા ને વાતો કરતા ગયા ને એ હળવાશ એમને સ્પર્શી ગઈ. અબ્દુલ કહે, ‘સાહેબ, પપ્પાએ બહુ મન પર લઈ લીધું છે, સરખું ખાતા પીતા પણ નથી. તમે કહેશો તો એ માનશે.’ બન્યું પણ એવું નવુભા સાહેબની દવા પણ કામ આવી ને થોડી અમારી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ. એ દિવસે મસ્ત હોટેલમાં જમ્યા. ધીરે ધીરે ચાલતા પણ તેઓ આવ્યા. વળતે તો ગીતો ને રાસડા ગાતાં ગાતાં આવ્યા. તબિયત સુધરી પણ ખરી. પણ સમય જતાં એમાં અપડાઉન આવ્યા કર્યું. અબ્દુલે પિતાની સેવા માટે નોકરી પણ છોડી દીધી. પિતાથી અગત્યનું બીજું શું હોય ? એમ કહેતાં એ દીકરા પરનું માન ઓર વધી ગયેલું. પણ અબ્દુલની ચિંતા કરતાં તેમણે મને ફોન કરેલો. ‘સાહેબ અબ્દુલ કાંઈ કામ નથી કરતો, તમે કંઈક સમજાવો.’ એમને રાજી કરવા ફોન પર મેં અબ્દુલને લાંબુ ભાષણ પણ આપ્યું. પણ છેલ્લે તેમને મળવા ન જઈ શકાયું એનો અફસોસ સદાય રહેશે. તેઓ તો એટલા પ્રેમાળ પિતા કે પરિવારની ઈદ પણ ન બગાડી. બધાએ ઈદ માણી લીધી એના બીજા દિવસની રાતે એક વાગે પોતાનું આયુષ્ય સંકેલાતું જોઈ બધાને પાસે બોલાવી લીધા. ને પોતાની લીલી વાડીને આંખ સામે જોઈ નિરાંતે ચિરનિદ્રામાં પોઢી ગયા.
જનાજામાં એમના અંતિમ દીદાર કરતી વેળાએ પાસે બેઠેલા અબ્દુલને હું આશ્વસ્ત કરી રહ્યો હતો, પણ હું પોતે અંદરથી ધ્રુજી રહ્યો હતો આવા વત્સલ સ્વજન ગુમાવીને. એમને કાંધ આપતી વેળા એમના પિતૃત્વને પણ ખભ્ભે લઈ લીધું.
મારી એમને એ જ અંજલિ.
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર