સોનબાઈ એવું લખું છું ને મન કાળની શેરીઓમાં ફરતું ફરતું સત્તર વર્ષો પહેલા મને મુન્દ્રાની નવી શરૂ થયેલી કૉલેજના જૂની પ્રાથમિક શાળાના મકાનમાં લઈ જાય છે.
કબૂતરોના ઘૂ ઘૂ ઘૂ વચ્ચે અમારા વર્ગો ચાલતા ને તેમાં કવિતા, મૂકેશ, અરવિંદ, હંસા જેવાં વિદ્યાર્થી મિત્રો સાથે હું મરીઝની ગઝલનો સૂર મેળવવા મથતો. આ બધામાં ઝરપરા ગામની એક સાવ સાદી-સીદી દેખાતી નાનકડી છોકરી પણ ભણવા આવતી. બહુ ઓછું બોલે ને બોલે તો પણ ધીમું ધીમું. તેલ નાખીને કસોક્સ વાળેલા બે ચોટલામાં બેઠી દડીની આ દીકરી નોખી તરી આવતી. એનો મુખ્ય વિષય હિન્દી. ગૌણ વિષય તરીકે ગુજરાતી ભણે. ભણવામાં બહુ રસ પણ અભિવ્યક્ત બહુ ન થઈ શકે. હું કૉલેજમાં જોડાયો ત્યારે એ બીજા વર્ષમાં એટલે મેં તો એમને એક જ વર્ષ ભણાવ્યાં; પણ તોયે હૈયે કાયમ માટે વસી ગયેલા કેટલાંક વિદ્યાર્થીઓમાં સોનબાઈ પણ ખરાં.
છેલ્લાં વર્ષમાં અમે સૌ કૉલેજના નવા મકાનમાં આવ્યા. એ વર્ષની એક સવારનું પ્રાયશ્ચિત પણ આ ક્ષણે કરવું છે. કૉલેજમાં જોડાયો ત્યારથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન ચાંદનીબહેન ગોસ્વામી અને હું સંભાળતા. એક દિવસ કૉલેજના મસ મોટા હોલમાં અમે વિદ્યાર્થીઓની માંગ મુજબ અંતાક્ષરીનો કાર્યક્રમ ગોઠવ્યો. એ સમયના ત્યાંના છોકરાને સાચવવા જરા અઘરા. એ પરિસ્થિતિમાં સોનબાઈ સ્ટાફ રૂમમાં આવી. એમના આગવા સ્મિત સાથે મને કહે, ‘સર ! હું અંતાક્ષરીની સૂત્રધાર બનું ?’ જે બોલે તો બે બેન્ચ આગળ ન સંભળાય એ આખાં ટોળાંને કઈ રીતે સાચવી શકશે એવો સવાલ મારા મનમાં સળવળ્યો. મેં વિચારીને જવાબ આપવા કહ્યું. પણ મારા મનમાં એવું કે આ કામ સોનબાઈ ન કરી શકે. ચાંદનીબહેન મારી સાથે સંમત ન થયાં ને એમણે કહ્યું કે, ‘એની ઈચ્છા છે તો પ્રયત્ન કરવા દો.’ મારા મનમાં એમ થાય કે જો એ બધાને સાચવી નહિ શકે તો કાર્યક્રમ વિખેરાઈ જશે. પણ મેં મારો આગ્રહ ન રાખ્યો ને સોનબાઈને એ તક ચાંદનીબહેન થકી મળી. સોનબાઈએ મારા આશ્ચર્ય વચ્ચે સરસ રીતે પોતાની કામગીરી નીભાવી. હું મારા ખોટા પૂર્વગ્રહ માટે ત્યારે માફી ન્હોતો માંગી શક્યો કદાચ; તે આજની ક્ષણે માંગુ છું. દીકરી સોનબાઈ, તમે મારી ધારણાઓને બદલી દઈને મને શિક્ષક તરીકે ક્યારે ય કોઈને ઓછા આંકવાના પાપમાંથી સદાયને માટે બચાવી લીધો છે. પણ એ ક્ષણનું પ્રાયશ્ચિત કરવાની આ તક હું કઈ રીતે ગુમાવી શકું ? મને એ એક નબળા વિચાર માટે માફ કરજો, બેટા !
સોનબાઈ તો કૉલેજમાંથી સરસ રીતે ઉત્તીર્ણ થઈ બાજુમાં જ બી.એડ. કરવા આવ્યાં. મારાથી પહેલા પ્રાથમિક શાળામાં સરકારી નોકરીએ લાગ્યાં. એમ.એ.નો એક્સ્ટર્નલ અભ્યાસ કર્યો. એક સફળ શિક્ષિકા તરીકે ગામમાં ને આસપાસના વર્તુળમાં સ્થાન મેળવ્યું. એટલું જ નહિ, તેઓ પોતાની માતાના એકમાત્ર આધાર બન્યાં. પોતાની મહેનતથી કમાવેલા પૈસે સપનાંનું ઘર બનાવ્યું. એમાં મજાની ફૂલવાડી રચી. એક મજાના ફોટોગ્રાફર બન્યા. જયંતભાઈ મેઘાણી, મહેન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, હિમાંશુ પ્રેમ વગેરે જેવા મહાનુભાવોના હૃદયમાં સ્થાન મેળવ્યું. કવયિત્રી બન્યાં. આપણી પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં વક્તવ્ય આપ્યું. હિમાલયની યાત્રા કરી. લખતાં ને બોલતાં થયાં. આ બધું હોવા છતાં મૂળિયાં સાથે જોડાયેલા રહ્યાં …. એમણે ભણી લીધા પછી પણ અનુબંધ જાળવી રાખ્યો ને આપણા ઘરમાં પણ સૌનાં પોતીકાં બની ગયાં.
આવાં સોનબાઈએ તાજેતરમાં તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ આદિપુરના આચાર્યશ્રી ડૉ. સુશીલ ધર્માણીસાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છી, ગુજરાતી અને હિંદીની કહેવતો અને રૂઢિપ્રયોગો વિશે શોધકાર્ય કરી કચ્છ યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની પદવી હાંસલ કરી.
ઝરપરાની આ ચારણ કન્યા સ્હેજ પણ અવાજ કર્યા વગર ચૂપચાપ વિસ્તરતી રહી અભ્યાસમાં, સમાજમાં ને એક વિદ્યાર્થી તરીકે મારા મનમાં …. સોનબાઈના આ મૌન વિકાસ માટે એમને અને એમની પડખે ઢાલ બનીને ઊભેલાં એમના બાને લાખ લાખ વંદન કરું છું.
અભિનંદન માટે શબ્દો વામણા લાગતાં માથે હાથ મૂકી મારો ભાવ મૌનમાં વિસ્તરવા દઉં છું બેટા … મને આટલું જ આવડે છે ….!
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર