બે સમર્થ શક્તિઓ, ઉર્જાના બે સમર્થ સ્રોત જો એક થાય તો શું થાય ? પ્રચંડ તાકાત ધરાવતા આ બંને તત્ત્વો જો એકબીજાના પૂરક બને તો શું ચમત્કાર સર્જાય ? એમ વિચારી અનંત શક્યતાઓથી ભરેલા શક્તિપુંજ સમાન યુવાનો અને યુગો સુધી જેમનું જીવન-કાર્ય અખંડપણે તપ્યા કરશે એવા અકાલપુરુષ ગાંધીને એકબીજા સાથે મેળવવાનું ને એકબીજામાં ભેળવવાનું કામ ગ્રામ સ્વરાજ સંઘ નીલપર ખાતે કાર્યરત ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર દ્વારા ગત ૪-૫-૬ સપ્ટેમ્બર દરમિયાન ‘યુવાપથ પર ગાંધી’ નામે આયોજિત શિબિરના માધ્યમથી કરવામાં આવ્યું. રમેશભાઈ સંઘવીની પ્રેરણાથી આયોજિત આ શિબિરનું સંપૂર્ણ સંચાલન મહેન્દ્રસિંહજી પરમારે કર્યું.
(ડાબેથી) રમજાન હસણિયા, કોકિલાબહેન વ્યાસ, રમેશભાઈ સંઘવી અને મહેન્દ્રસિંહજી પરમાર
સોનટેકરી નામે પ્રસિદ્ધ સંસ્થાના પરિસરમાં કેટલાંક મિત્રો આગળના દિવસે આવી જઈ આયોજન ને વ્યવસ્થાઓમાં ભળી ગયાં હતાં. ચોથી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાંથી આવેલા યુવા મિત્રોને સંસ્થાનાં બાળકોએ ભાવથી આવકાર્યા હતા. રજિસ્ટ્રેશન આદિ વિધિ પૂર્ણ કરી સવારની ઉદ્ઘાટન બેઠક માટે સૌ ‘પરમ સમીપે’ એકત્ર થયા. કોકિલાબહેન વ્યાસના કંઠે મંગળ પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું. સંસ્થાની થોડી વાત કહી દિનેશભાઈ સંઘવીએ સૌને આવકાર્યા હતા. શિબિરના આરંભે ‘એકવીસમી સદીના ત્રેવીસમાં વર્ષમાં ગાંધી ‘વિષય પર રમેશભાઈ સંઘવીનું બીજભાષણ ગોઠવાયું હતું, જેમાં રમેશભાઈએ ગાંધીને વ્યક્તિ ને બદલે વિચાર તરીકે જોવાની વાત કરી એની વર્તમાન સમયમાં તેની પ્રસ્તુતતા વિશે વાત કરી હતી. ગાંધીને મથામણનો માણસ ગણાવી રમેશભાઈએ તેને વિશ્વપુરુષ ગણાવ્યો હતો. જગતના વર્તમાન સંકટોનો જવાબ પણ ગાંધી આપશે એમ કહી ગાંધીની આચારનિષ્ઠાની વાત ભારપૂર્વક કરી હતી. ગાંધીના વિચારના કેન્દ્રમાં માણસ છે એમ કહી એમને વાંચવા યુવાનોને તેમણે અપીલ કરી હતી. અત્યારની સમસ્યાઓ અને ગાંધી વિચારમાં પડેલા એના ઉપાયોની વાત કરી રમેશભાઈએ વર્તમાન સાથે ગાંધીનું જોડાણ કરી આપ્યું હતું. ગાંધીને એક જીવનશૈલી બનાવી જીવવાની હિમાયત તેમણે કરી હતી.
ત્યારબાદની બેઠકમાં મોટાભાગના શિબિરર્થીઓએ ‘મને કેવા ગાંધી ગમે ?’ એ વિષય પર પોતાના મનોભાવો વ્યક્ત કર્યા હતા. કોઈને ગાંધીની સાદગી સ્પર્શી ગયેલી તો કોઈને એમની પદયાત્રા, કોઈને ‘હિન્દ સ્વરાજ’ અને ‘સત્યના પ્રયોગો’ના ગાંધી ગમ્યા હતા તો કોઈને સત્યનિષ્ઠ ગાંધી ગમ્યા. કોઈને બધા માટે સદાય અવેલેબલ સહજપ્રાપ્ય એવા ગાંધી ગમ્યા તો કોઈને સુખસાહેબી છોડી પોતડીભેર ફરતા ગાંધી ગમ્યા. કોઈને તેમની સરળતા સ્પર્શી ગઈ તો કોઈને ગાંધીની બધામાં ભળી જવાની વૃત્તિ ગમી ગયેલી. કોઈનું આકર્ષણ તેમની પ્રયોગશીલતા બની તો કોઈને હૈયે તેમણે આપેલા રચનાત્મક કાર્યક્રમો વસી ગયેલા. આ યાદી હજુ લાંબી છે, પણ એ એટલે આપી કે યુવાનોને ગાંધી ગમતાં હોય એ ઘટના જ રોમાંચક છે. આ બેઠકની સમીક્ષા કરતા મહેન્દ્રસિંહ પરમારે કહેલું કે, ગાંધી એક ધૂન છે, તરંગ છે. એમણે નોંધ્યું હતું કે જો આપણે મેકિંગ ઓફ મહાત્મા જોવું હોય તો આફ્રિકા જવું પડે. વર્તમાન સમયના અનુસંધાનમાં તેમણે ઉમેરેલું કે, ‘યુવાનો માટે ગાંધી એક ધૂંધળી પ્રતિમા બની ગયા છે. એમને સમજવા એમના અંતરાત્માને સમજવો પડે એમ કહી આ શિબિર એ માટેનો એક નાનકડો યત્ન છે એમ તેમણે જણાવ્યું હતું.
બપોરના ભોજન અને નાનકડા વિશ્રામ બાદ ‘જોડકણાં’ રચવાની તાલીમ પાર્થ તારપરાએ આપી હતી. સૌ પ્રથમ કક્કો જુદી રીતે સમજાવી તેમણે સૌને ‘ગાંધીના જોડકણાં’ રચતા કરી દીધાં હતાં. વિષયવસ્તુ તરીકે ગાંધીને વિચારી એના સંદર્ભે જે શબ્દ મનમાં આવે તે નોંધી એમાંથી કોઈ ગમતા ચાર પાંચ શબ્દો પસંદ કરી એના પરથી જોડકણાં બનાવવાની કળા પાર્થભાઈ દ્વારા સૌને શીખવવામાં આવી હતી. બપોરની અલસવેળામાં આ પ્રવૃત્તિએ સૌને ચેતનવંતા કરી દીધા હતા. સૌએ સાથે મળીને કેટલાંક જોડકણાં રચ્યાં હતાં ને પછી પણ દરેકને ઓછામાં ઓછું એક જોડકણું રચવાનું ઘરલેશન અપાયું હતું.
ત્યારબાદ ગાંઘીના પગલે ચાલીને ધરમપુરના જંગલના આદિવાસીઓ માટે જીવન ખર્ચી દેનારાં કોકિલાબહેન વ્યાસ દ્વારા ગાંધી ગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. સુમધુર કંઠે ગવાયેલાં આ ગીતો થકી વાતાવરણ ગાંધીમય બની ગયું હતું. રૂંધાતા શ્વાસે પણ ગાંધીનાં ગીતોને ન છોડતાં કોકિલાબહેનનો જુસ્સો પણ સૌને સ્પર્શી ગયેલો. જેના આંગણે આ શિબિર યોજાયેલી એ સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ’ના વ્યવસ્થાપક અને સંસ્થા માટે જીવન ન્યોછાવર કરી દેનાર વ્યવસ્થાપક નકુલભાઈ ભાવસારે ભાવપૂર્વક સૌને સંસ્થા દર્શન કરાવ્યું હતું. ગાંધીના પગલે ચાલતી આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓથી સૌને અવગત કરવામાં આવ્યા હતા. સંસ્થાની પ્રવૃત્તિઓના પ્રત્યક્ષ દર્શન કરી શિબિરાર્થીઓએ ગાંધી વિચારને જીવાતો અનુભવ્યો હતો. ત્યારબાદ સૌએ સાથે મળીને થોડી રમતો રમવાનો આનંદ લીધો હતો. નકુલભાઈ ભાવસાર દ્વારા રમાડાયેલી આ રમતો રમવાની સૌને મજા પડી હતી. સાંજના ભોજન બાદ સૌએ બબલભાઈ મહેતાના નામ સાથે જોડાયેલી ‘બબલ ટેકરી’ પર સમૂહ પ્રાર્થના કરી હતી. તારામઢ્યા આકાશ તળે થતી સર્વધર્મ પ્રાર્થનામાં સહજપણે સાત્ત્વિકતાનો સંચાર થતો સૌએ અનુભવ્યો હતો. પ્રાર્થના બાદ સૌએ રચેલા પોતપોતાનાં ગાંધીનાં જોડકણાં રજૂ કર્યા હતા. હળવી ક્ષણોને માણતા માણતા ને ભીતર ગાંધીને મમળાવતાં મમળાવતાં સૌ શયનની શરણે થયા હતા.
બીજા દિવસના મંગળ પ્રભાતે સવારે સાડા પાંચ વાગે જાગીને સૌ છ વાગે સમૂહ પ્રાતઃ પ્રાર્થના માટે એકત્રિત થયા હતા. પક્ષીના સુમધુર કલરવના નેપથ્ય સંગીતમાં સૌએ ભાવભેર પ્રાર્થના કરી હતી. પ્રાર્થના બાદ જ્યોતિબહેન મોતાના માર્ગદર્શન હેઠળ સૌએ યોગાભ્યાસ કર્યો હતો. ગાંધીની કેળવણીના પાયારૂપ શ્રમયજ્ઞમાં સૌ થોડી વાર જોડાયા હતા. સ્નાનાદિ બાદ સૌ બીજા દિવસની પ્રથમ બેઠક માટે એકત્ર થયા હતા.
આ શિબિરમાં ગાંધી વિચારની ચાર કૃતિઓ પસંદ કરાઈ હતી, જેમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈને આવેલા ને પોતાની ગમતી કોઈ એક કૃતિ વિશે વાત કરે એવું ગોઠવેલું. બીજા દિવસની પ્રથમ બેઠકમાં પ્રભુદાસ ગાંધીના પુસ્તક ‘જીવનનું પરોઢ’ વિશે કાગ રામે વિગતે વાત કરી હતી. રામે નોંધ્યું હતું કે આ પુસ્તકમાં મને ત્રણ પરોઢ દેખાયાં છે : લેખકનું બાળપણ, ફિનિક્સ આશ્રમનું પરોઢ એટલે કે આરંભના દિવસો ને ગાંધીનું સત્યાગ્રહી તરીકેનું પરોઢ. બાળક પ્રભુદાસ પર મગનકાકા દ્વારા કરવામાં આવતી સખ્તીની સખેદ નોંધ લેનાર સર્જકે એમનામાં આવેલો બદલાવ પણ નોંધ્યો છે એ વાત એક યુવાન પામી શક્યા એ ઘટના સૌને મોટા આનંદની લાગી હતી. રામે કૃતિમાં છૂટેછૂટે આલેખાયેલાં રેખાચિત્રોની વાત કરી એમાંથી ઉપસતી ગાંધીની છવિની કેટલીક રેખાઓ ઉપસાવી આપી હતી. આ જ કૃતિ વિશે તજજ્ઞ તરીકેનું વક્તવ્ય આપતા મહેન્દ્રસિંહ પરમારે કૃતિને ઘણી બધી રીતે વિશિષ્ટ ગણાવી હતી. ગાંધીને સમજવા તેમની આસપાસના ગદ્યકારોને ઉકેલવાની આવશ્યકતા પર મહેન્દ્રસિંહે ભાર મુક્યો હતો. જોગાનુજોગ શિક્ષક દિને પ્રભુદાસના શિક્ષણ વિશે વાત કરવાની થતાં એ સમયે ને વર્તમાને શિક્ષણ સંદર્ભે બાળક પર થતાં અત્યાચારોની વાતને માર્મિક રીતે વણી લઈ આવા માહોલમાં પણ કેવું પુષ્પ ખીલ્યું છે એની વાત કરી હતી. તેમણે આ કૃતિનો મનોવૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ કરવા હિમાયત કરી હતી. કૃતિના ઉત્તમ અંશોનું પઠન કરીને તેમણે સૌને એના વાચન ભણી અભિમુખ કર્યા હતા.
બપોર પછીની બેઠકમાં કાકાસાહેબ કાલેલકરની યશોદા કૃતિ ‘ઓતરાતી દીવાલો’ વિશે મહત્તમ વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કોળી મૂળજી, કુંભાર અબ્દુલ, જરુ શીતલ, સોલંકી ઈશ્વર અને કરણસિંહ પરમારે પોતપોતાના આગવા અંદાજમાં પોતાને સ્પર્શી ગયેલી ઓતરાતી દીવાલોની વાતો કરી સૌને રોમાંચિત કરી દીધાં હતાં. સર્જક તરીકે કાકાસાહેબની વિશેષતાઓને આલેખતા આ યુવા વકતાઓએ પોતીકી શૈલીમાં રજૂઆત કરી કૃતિ સમીક્ષાની એક આગવી તરાહ જાણે સૌને આપી હતી. આ બેઠકમાં કૃતિ વિશે રમજાન હસણિયાએ વિસ્તારપૂર્વક વાત કરી કાકાસાહેબને વિધાયકતાના દૂત ગણાવ્યા હતા. એમણે નોંધ્યું હતું કે જે અરાજકતા પશ્ચિમના સર્જકોને નકારાત્મકતા તરફ લઈ ગઈ એવી જ થોડા જુદા પ્રકારની અરાજકતામાં ભારતીય દર્શન ને ગાંધીનાં મૂલ્યોને આત્મસાત કરનાર કાકાસાહેબ જેવા સર્જકોએ વિધાયકતાની ટોચ પર બેસીને જીવનને આનંદથી છલોછલ ભરી દીધું. કાકાસાહેબના જેલજીવનના અનુભવોને આલેખી એમાં છલકાતો સર્જકનો જીવનપ્રેમ, પ્રકૃતિપ્રેમ ને એનું લલિત ગદ્યમાં થતું રૂપાંતર કોઈપણ ભાવકને અભિભૂત કરનાર બની રહે તેવું બન્યું છે એમ નોંધ્યું હતું. આ બેઠકમા સૌએ કાકાસાહેબ પાસેથી જીવનને આનંદભેર જીવવાની ગુરુ ચાવી મેળવી હતી.
ભોજન અને વિરામ બાદની બપોરની બેઠકમાં ગાંધીના અગિયાર મહાવ્રતો વિશે મહેન્દ્રસિંહ પરમારે થોડી ભૂમિકા બાંધી આપી સૌને ભાગે આવેલા કોઈ એક વ્રત અને પોતાની જાત વિશે એટલે કે ‘સત્ય અને હું’ કે ‘અહિંસા અને હું’, ‘અપરિગ્રહ અને હું’ વગેરે પર સર્જનાત્મક લેખન કરવા પ્રેરિત કર્યા હતા. આપેલા નિર્ધારિત સમયમાં સૌએ પોતાની જાત સાથે વ્રતને જોડી પોતે એ સંદર્ભમાં ક્યાં છે એની વાત લખી હતી. આ સંદર્ભમાં એક પ્રકારે આત્મનિરીક્ષણ કરી સ્વને વ્રત સાથે જોડવાનો ને સર્જનાત્મક શૈલીમાં આલેખન કરવાનો આ પ્રયોગ ઘણે અંશે સફળ રહ્યો હતો. સૌએ પોતપોતાનું લેખન રજૂ કર્યું હતું. રમેશભાઈ સંઘવીએ અગિયાર વ્રતોની વાત વધુ સ્પષ્ટ કરી હતી. રમેશભાઈએ આ વ્રતોને સમજવા ગાંધીજીનું પુસ્તક ‘મંગળ પ્રભાત’ વાંચવાની ભલામણ કરી હતી. મહેન્દ્રસિંહ પરમારે આ વ્રત નમ્રપણે છતાં દ્રઢતાપૂર્વક આચરવાની વાતને હળવી શૈલીમાં સમજાવી હતી.
નાનકડા અલ્પવિરામ બાદ ‘નઘરોળ’ – લેખક સ્વામી આનંદ વિશેની બેઠક યોજાઈ હતી, જેમાં ડાંગર રાધાએ વિસ્તારપૂર્વક કૃતિની સમીક્ષા રજૂ કરી હતી. સર્જકના જીવનમાં આવેલાં ચિત્ર-વિચિત્ર પાત્રોનું સર્જકે કરેલું આલેખન ને એમાંથી પ્રગટતા કરુણ, બીભત્સ આદિ રસની વાત તેમણે કરી હતી. કૃતિના ભિન્ન ભિન્ન પાત્રોને સર્જકે કઈ રીતે તાદૃશ કર્યા છે એનું આબેહૂબ આલેખન રાધાએ કર્યું હતું. આટલા બધા નકારાત્મક અનુભવોમાંથી પસાર થયા પછી પણ સર્જકને એનું દુરીત સ્પર્શયું નથી એ વાત તેમણે ખાસ નોંધી હતી. આ બેઠકના તજજ્ઞ વક્તા શક્તિસિંહ પરમાર અનિવાર્ય કારણસર હાજર ન્હોતા રહી શક્યા. તેમણે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
કૃતિ-સમીક્ષાની ત્રણ બેઠકો બાદ સૌએ ગાંધી થિયેટર કરવાની મજા લીધી હતી. વિદ્યાર્થીઓએ દાંડીકૂચ કરી મીઠું જ્યારે રમેશભાઈના હાથમાં મૂક્યું ત્યારે રમેશભાઈનું સ્મિત મોનાલીસા કરતાં પણ ચડી જાય એવું થઈ ગયેલું. મહેન્દ્રસિંહભાઈએ સૌના ચેહરે ગાંધીનું સ્મિત આવે તો કેવું લાગે એના પ્રયોગ પણ કરાવ્યા હતા. ગાંધીની લાકડી, ચશ્માં વગેરે લઈને જુદી જુદી ઈન્સ્ટન્ટ ટાસ્ક આપવામાં આવી હતી જે વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે પાર પાડી હતી. મહેન્દ્રસિંહ પરમારે શિબિરાર્થીઓની બે ટુકડી પાડી તેમને અગિયાર મહાવ્રત વહેંચી દીધા હતા. સૌને પોતપોતાના ભાગે આવેલા મહાવ્રતને એક નાનકડી સ્કીટના માધ્યમથી રજૂ કરવાની ટાસ્ક આપવામાં આવી હતી. એ માટે જરૂરી સૂચનો કરી સૌને પૂર્વતૈયારી માટે સમય આપવામાં આવ્યો હતો. દરેકને મળેલા એ મર્યાદિત સમયમાં પોતાની સ્ક્રીપ્ટ જાતે જ લખવાની, ફટાફટ તૈયાર કરી નાટક રજૂ કરવાનું હતું ને તે પણ ટીમમાં રહીને. રાત નાની ને વેશ ઝાઝા જેવી સ્થિતિ થઈ હતી સૌની. પણ આ ટાસ્કની તૈયારી કરતા શિબિરાર્થીઓને જોવાની બહુ મજા પડી હતી.
સાંજનું ભોજન લઈ સૌ ‘પરમ સમીપે’માં ફટાફટ ગોઠવાઈ ગયેલા. આજે તો આખા પરિસરના સૌ કાર્યકર મિત્રો બાળકો સહિત ગાંધી થિયેટરની મજા માણવા હાજર હતા. આટલા ટૂંકા ગાળામાં યુવાન મિત્રોએ અગિયાર સ્કીટ તૈયાર કરી ને અસરકારક રીતે રજૂ કરી. આ ટાસ્ક ઉપરાંત પણ વિશાલ ઈટાલિયા, અક્ષર જાની, ડાંગર રાધા આદિએ મહેન્દ્રસિંહજીની વિશિષ્ટ તાલીમ લઈ લાભશંકર ઠાકરની ગાંધી વિષયક એક વિશિષ્ટ રચના રજૂ કરી હતી. પ્રવીણ, ઈશ્વર, રામ, અબ્દુલ, હરિ, મૂળજી, સંજય, દક્ષેશ વગેરે મિત્રોએ પણ ગાંધી જીવનના પ્રસંગોને આલેખતા નાનાં નાનાં નાટક રજૂ કર્યાં હતાં. ટૂંકા ગાળામાં યુવાન મિત્રોએ તૈયાર કરેલ આ સઘળી પ્રસ્તુતિઓ બધાને ગમી ગઈ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ગરબા રમવાની મોજ માણી હતી ને એટલું ઓછું હોય તેમ મોડી રાત સુધી અંતાક્ષરી રમી ને ગુજરાતી ગીતોની રમઝટ સૌએ બોલાવી હતી. એમાં વિશાલ, કરણ અને પ્રવીણ સૌના હૈયે વસી ગયા હતા.
ત્રીજા દિવસની મંગળ પ્રભાતે વહેલા ઊઠી આગળના દિવસની જેમ જ પ્રાર્થના, યોગ, શ્રમ આદિમા સૌ જોડાયા હતા. ત્રીજા દિવસની પહેલી બેઠકમાં ‘સત્યના પ્રયોગો’ વિશે સંજયભાઈ, મોહનભાઈ માતા, દક્ષેશભાઈ, ધનજીભાઈ અને રમીલાબહેને પોતાના વિચારો રજૂ કર્યા હતા. જગતભરમાં વિસ્તરેલી આત્મકથા વિશે યુવાન મિત્રોએ પોતપોતાને સ્પર્શી ગયેલી વાતો કરી હતી. ગાંધી પ્રત્યેનો સમજણપૂર્વકનો આદર આ બધા મિત્રોની વાતોમાંથી છલકાતો સૌએ અનુભવ્યો હતો. ગાંધીજીની આત્મકથા વિશે તજજ્ઞ તરીકે વક્તવ્ય આપતા ડૉ. દર્શનાબહેન ધોળકિયાએ ‘સત્યના પ્રયોગો’ને ચિકિત્સકની અદાથી લખાયેલી કૃતિ ગણાવી હતી. ગાંધીને સત્યના પ્રતાપે આત્મસાત થયેલી શક્તિ, અભયત્વ અને પારદર્શિતાની સદૃષ્ટાંત છણાવટ કરી દર્શનાબહેને ગાંધીના માતૃપ્રેમને બિરદાવ્યો હતો. ગાંધીજીના લેખનમાં મુખરતા નથી એમ નોંધી તેમણે ગાંધીજીના આત્મસંયમની ભારોભાર પ્રશંસા કરી હતી. આત્મકથામાં આવતી વાતોની વચ્ચે ગાંધીને જે બીટવીન ધ લાઈન કહેવું છે એ પકડી લઈ તેમણે રોચક શૈલીમાં સૌની સમક્ષ મૂક્યું હતું. રામાયણ અને મહાભારતના સંદર્ભોને ટાંકીને દર્શનાબહેને સત્યએ ગાંધીમાં આશ્રય લીધાની વાત ભાવસભર રીતે કરી હતી.
સમાપન બેઠકમાં દરેક શિબિરાર્થીએ પોતપોતાના મનોભાવો નિરાંતે વ્યક્ત કર્યા હતા. બધા મિત્રોએ ઝીણામાં ઝીણી વાતની નોંધ લઈ આવી શિબિર વધુમાં વધુ થાય તેવો ભાવ વહેતો કર્યો હતો. સૌ વડીલોએ પણ પોતપોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. નકુલભાઈની આંખના ઝણઝણિયાં એમનો ભાવ વ્યક્ત કરી જતા હતા. એમણે સંસ્થામાં જ ઊગતું ઓર્ગેનિક શાકભાજી સૌ માટે ભેટ સ્વરૂપે તૈયાર રાખેલું. ત્રણેય દિવસની બધી જ સભાઓના આરંભે એક મધુરું ગીત શિબિરાર્થીઓ સ્વેચ્છાએ ગાઈ બેઠકની મધુરી શરૂઆત કરાવતા હતા તો દરેક બેઠકનું સંચાલન પણ શિબિરાર્થી મિત્રોએ જ કર્યું હતું. ભોજન પછી પોતાનાં વાસણ જાતે ઉટકવાનો આનંદ પણ સૌએ લીધો હતો. ભોજન આદિની વ્યવસ્થાઓની જવાબદારી મુક્તાબહેન ભાવસાર, અમૃતભાઈ પવાર, કુસુમબહેન પવાર, નિયામત હસણિયા આદિએ સંભાળી હતી. સમગ્ર શિબિરની વ્યવસ્થાઓ નકુલભાઈ ભાવસારે સંભાળી હતી. ધારાબહેન તેમાં સહાયક બની રહ્યાં હતાં. રમેશભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શિબિરનું સમગ્ર આયોજન થઈ શક્યું હતું.
‘ઓતરાતી દીવાલો’ કૃતિમાં વારંવાર એક શબ્દ આવે છે ને તે છે ‘દોસ્તી’. આ શિબિર વિશે જો એક જ વાક્ય કહેવું હોય તો એટલું કહી શકાય આ શિબિરમાં યુવાન મિત્રો અને ગાંધીજીની પાક્કી ભાઈબંધી થઈ ગઈ. યુવાપથ પર ગાંધી આવ્યા ને દોસ્તીનો હાથ લંબાવ્યો ને યુવાનોને આ દોસ્તી કેવી ગમી ગઈ એની વાતો એમના જ શબ્દોમાં વાંચજો. યુવાનો અને ગાંધીજીની આ ભાઈબંધીનો વિસ્તાર થતો રહે એવા મંગળ ભાવ સાથે શિબિરની કથા સંકેલું.
સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર