‘શેઠ, હું ભિખારી નથી, મને કંઈ કામ આપો તો મોટી મહેરબાની’
આમ કહેનાર જીવલો કઈ રીતે બન્યો શેઠ જીવરાજ બાલુ
સ્થળ : મુંબઈનું બંદર. સમય : ઈ.સ. ૧૭૮૪નો એક દિવસ
પાત્રો : ચૌદ વરસનો છોકરો નામે જીવો, પારસી મુકાદમ, આપણી ભાષાના મોટા ગજાના ગદ્યકાર સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.
જીવો : શેઠ, મને …
પારસી મુકાદમ (એક પાઈનો સિક્કો તેની તરફ ફેંકે છે) ચાલતો થા અહીંથી સા … ભીખારા!
જીવો : (પાઈનો સિક્કો પાછો આપતાં) શેઠ, હું ભિખારી નથી. તમારી આ પાઈ મને ન ખપે. મને કંઈ કામ આપો તો મોટી મહેરબાની. પરદેશી છું. અહીં કોઈ ઓળખતું નથી.
પારસી મુકાદમ : કામ જોઈએ છ? (જરા વાર વિચારીને) મારા હાથ નીચે સવા સો-ડોર સો મજૂરો કામ કરે છ. ગરમીમાં પરસેવે રેબઝેબ થાય છ. તેમને પાણી પીવડાવવાનું કામ કરીશ? રોજના બે આના આપીશ.
જીવો : બહુ સારું. અત્યારથી જ કામ શરૂ કરી દઉં છું.
પારસી મુકાદમ (સાંજે બે આનાનો સિક્કો આપતાં) : છોકરા, તું ખાય છે સું, રહે છ ક્યાં?
જીવો : આ તમે બે આના આપ્યા તેમાંથી બે પૈસાનો આટો લઈને રોટલો ઘડીને ખાઈ લઈશ. અને રાતે તો ગમે ત્યાં ટૂંટિયું વાળીને પડ્યો રહીશ.
પારસી મુકાદમ : જો, આ બંદરમાં મને બધા ઓળખે છ. તું રાતે અહીં બંદરમાં જ સૂઈ જજે. કોઈ પૂછે તો મારું નામ કહેજે.
(થોડા દિવસ પછી)
પારસી મુકાદમ (મનોમન) આય જીવલો કામમાં કાબેલ છે, કહ્યાગરો છે, કરકસરિયો છે, ખંતીલો છે, જોતજોતામાં મજૂરોમાં માનીતો થઈ પડ્યો છે. પાણી પાવા કરતાં એની લાયકી વધારે છે. (બૂમ પાડે છે) : અરે જીવલા, અહીં આવ તો!
જીવલો : જી શેઠજી. હુકમ?
પારસી મુકાદમ : આ મજૂરો વહાણમાં માલની ગુણો ચરાવે છે ને, એ ગણવાનું કામ તને આવરશે?
જીવલો : હા જી, શેઠ. ઝાઝું ભણ્યો નથી, પણ મારી ગણતરી પાક્કી છે.
પારસી મુકાદમ : તો કાલથી તારે આ ગુણો ગણવાનું કામ કરવાનું. મહિને પાંચ રૂપિયા પગાર.
જીવલો : (ખુશ થતો) આભાર શેઠ સાહેબ. તમારો આ ઉપકાર કદિ નહિ ભૂલું.
*
સ્વામી આનંદ
સ્વામી આનંદ : અને પછી તો દિવસના બે આનાના પગારથી શરૂ કરનાર આ જીવો જોતજોતામાં ‘જીવરાજ શેઠ’ બની ગયો. (વાછા શેઠ તરફ જોઇને) : આપ કોણ? ‘મુંબઈનો બાહાર’વાળા રતનજી ફરામજી વાછા તો નહિ?
વાછા શેઠ : આપે તો મને બરાબર ઓળખી કાઢ્યો. પણ આપની ઓળખાણ?
દી.મ. : તેઓ છે સ્વામી આનંદ. આપણી ભાષાના બહુ મોટા ગદ્ય લેખક. તેમનું એક અદ્ભુત પુસ્તક છે, ‘કુળકથાઓ.’ મુંબઈમાં આવી વસેલા કેટલાક ખ્યાતનામ ગુજરાતી કુટુંબોની અજાણી ને અવનવી વાતો તેમાં તેમણે પોતાની આગવી રીતે કહી છે. પણ સ્વામી દાદા પોતાને વિષે નહિ બોલે કે નહિ બોલવા દે. એટલે વાડીલાલ ડગલી નામના નિબંધકારે તેમને વિષે લખ્યું છે તે વાંચી સંભળાવું છું :
“ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો, જિંદગીના વાવાઝોડામાં હિમાલયની ટોચ સુધી ઊછળેલું અને વસઈની ખાડીમાં પછડાયેલું પણ સારી પેઠે સાચવેલું રિટાયર્ડ રાજવી જેવું બાંધી દડીનું સોહામણું શરીર. એક ચાંપ દાબે તો મોંમાંથી ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ દાબે તો જીભમાંથી ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે નહીં. ટીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા બેઠા હોય તો ય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધાણીની જેમ ફટફટ ફૂટવા માંડે. માણસ એકલો; પણ સ્ટેઈજ વિના, લાઇટ વિના, ડ્રેસ વિના અને બીજાં ઍક્ટર ઍક્ટ્રેસો વિના ગાંધી મહાત્માના નાટકનાં દૃશ્યો દેખાડતો જાય. કામ પતાવી વિદાય થાય તે પછી પણ ઓરડામાં બાંયો ચડાવેલી ચેતનાના લિસોટા મેલતો જાય.”
સ્વામી આનંદ : અરે ભલા આદમી! આપણે જીવરાજ બાલુ વિષે વાત કરવા ભેગા થયા છીએ, કે હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવે વિષે?
વાછા શેઠ : આય લાંબા લચક નામ વાલા બાબતમાં હું તો કંઈ બી જાનતો જ ના.
દી.મ. : એ તો આ સ્વામી આનંદનું ‘સ્વામી’ બન્યા પહેલાનું નામ.
સ્વામી આનંદ : જીવરાજ બાલુ હતા જાતના ભાટિયા. આ ભાટિયાઓ મૂળ જેસલમેરના. ત્યાંથી કચ્છ આવી વસ્યા. શ્રમજીવી કોમ. ખેતી અને ખેતમજૂરી કરનારી ગરીબ કોમ. એ કોમનો ચૌદ વરસનો એક મુફલીસ છોકરો, નામ જીવલો. ઘરમાં કારમી ગરીબી. એ વખતે કચ્છથી કપાસ ભરીને કોટિયા વહાણ મુંબઈ આવે. આવા એક વહાણમાં ઓળખદાવે ચડી મુંબઈ આવ્યો. એ વખતે કંઈ કેટલીયે અંગ્રેજ વેપારી પેઢીઓએ પોતાની શાખા મુંબઈમાં ખોલેલી. ઇંગલન્ડ જોડે આયાત-નિકાસનો ધમધોકાર ધંધો ચાલે. એટલે કોંકણ, ઘાટ, કચ્છ, કાઠિયાવાડનાં કંઠાળનું લોક હમાલી કે મજૂરી રળવાની આશાએ ટોળેટોળે મુંબઈ બંદર પૂગી રહ્યું હતું.
દી.મ. : ભાટિયાઓમાં મુંબઈ આવનાર એ પહેલો આદમી?
સ્વામી આનંદ : હા, એમ કહેવાય છે. પણ તેમના પહેલાં મોનજી ભાણજી મુંબઈ આવેલા. જૂના દસ્તાવેજોમાં એમની સહી પહેલી અને જીવરાજ બાલુની સહી બીજી મળી આવે છે. અને બીજા બે ભાઈઓ, રામજી ચતુર અને કાનજી ચતુર પણ જીવરાજ બાલુ આવ્યા તે જ સાલ, સને ૧૭૭૦માં, મુંબઈ આવેલા.
વાછા શેઠ : અને સામીજી, હાલારથી ધારશી મોરાર અને મૂળજી વૈદ પણ એ જ વરસે મુંબઈ આવેલા. પન તેમના કામ બાબત કશી માહિતી મળતી નથી. અટક પરથી કહી શકાય કે મૂળજીભાઈ અહીં આવીને પણ વૈદકનો ધંધો કરતા હોસે.
શઢવાળાં વહાણોમાં ભરવા તૈયાર રૂની ગાંસડીઓ
સ્વામી આનંદ : આપની એ વાત સાચી. પણ જીવરાજ બાલુ પહેલાં આવનાર કોઈ ભાટિયાના કામ-ધંધાની કે બીજી કોઈ માહિતી મળતી નથી. એ જીવાએ પછી તો પોતે નાના-મોટા પેટા કન્ત્રાટો પણ લેવા માંડ્યા. રળતર, બચત, બધું પેલા પારસી શેઠ કને રાખે. હવે એક વાર પારસી શેઠને કંપનીના ગોરાઓ જોડે કશીક અણબન થઈ. કંપનીએ પારસીની મુકાદમી લઈ લીધી. મજૂરોમાં જીવો ભારે પ્રિય છે એમ જોઈ કંપનીએ તે જીવાને આપી. અને જીવો થયો જીવરાજ! પછી તો મોટાં મોટાં વહાણો ભરવા ઉતારવાના કન્ત્રાટ લેવા માંડ્યા. ૨૧ વરસની ઉંમર થઈ ત્યાં તો ઘરનાં ગાડી ઘોડો, ઘરનો માળો (ચાલ) થયાં. પરણ્યો. માબાપને કચ્છથી બોલાવી લીધાં. જીવરાજ શેઠ લખપતિ થયા.
વાછા શેઠ : વાત સાચી છે કે ખોટી, એ તો ખોદાયજી જાને, પન કેહે છ કે આ જીવો નાનો બાળક હૂતો તે વારે તેનો ટપકો – તમે સું કેહો એને?
સ્વામી આનંદ : જન્માક્ષર કે કુંડળી.
વાછા શેઠ : હા, તો એવનનો ટપકો બનાવવા એક ગોરજીને ઘેરે બોલાવેલા. ટપકો બનાવીને એવને તો કીધું કે આ છોકરો બડો ભાગશાળી છે. દેશાવર ખેડશે, ધન-દોલત કમાશે, અને કોઈ મોટા શહેરમાં પાંચમાં પૂછાતો થશે. આય સમજીને જીવલાનાં માય-બાપને તો એ જ ખબર નહિ પરી કે આય સમજીને હસવું કે રડવું? ઘેરમાં હાલ્લાં કુસ્તી કરતાં હુતાં ને આય પોરિયો દેશાવર તે કેમ કરી જાય, અને ધન-દોલત તે કેમ કરી કમાય? એટલે ઝાઝું કંઈ પૂછ્યા વગર ટપકો બનાવાનો અધેલો આપીને તેને વદાય કરી દીધો. ઘરનાં મોટેરાં પાસેથી આય વાત સાંભળી હોસે તે જીવલાને યાદ રહી ગયેલી. મુંબઈમાં પંદર વરસ રહી સારી એવી પૂંજી એકઠી કરી, ઈ.સ. ૧૭૯૯માં પાછો વતન ગયો તે વારે ખાસ યાદ રાખીને આય ગોરજીને સોધીને બોલાવિયા અને એવનને શાલ, શ્રીફળ અને સારી એવી રોકડ રકમ આપીને નવાજિયા.
દી.મ. : જીવરાજ શેઠ ઝાઝું ભણ્યા તો નહિ હોય?
મુંબઈની ગોદીમાં અંગ્રેજ સાહેબો અને ‘દેશી’ મજૂરો
સ્વામી આનંદ : ભણેલા નહિ, પણ ગણેલા બહુ. મુંબઈ આવ્યા પછી ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી પણ શીખી લીધેલું. ગોરાઓના માનીતા થઈ પડેલા. એના હાથ નીચે હજારો મજૂરો ગોદીમાં કામ કરે. બહોળી કમાણી. દાન-ધરમ સખાવત પણ મોટી. અને નાતજાતના વહેરાવંચા વગર. છેક ગવન્ડરની ‘લેવી’(દરબાર)માં પણ આમંત્રણ મળે. સમાન શીલ અને વ્યસનવાળાઓ વચ્ચે દોસ્તી જલદી થઈ જાય. મુંબઈના વિખ્યાત સર જમશેદજી જીજીભાઈ સાથે ઘરોબો બંધાયો. બન્ને એકબીજા સાથે તું-તામાં વાતો કરે.
વાછા શેઠ : એ બેઉ માલેતુજાર જણની દોસ્તી કેવી હુતી તેની વાત તમોને કેહું. બંને બેઠા હોય ને અલકમલકની વાતો કરતા હોય તે વારે જમશેદજી કહેતા : અરે, જીવરાજ! તું તો બંદર પર માલની ગુણો ગણતો એ ભૂલી ગિયો?’ ‘ના રે બાવા. પણ તું એક વેલા બાટલીઓ વેચતો હતો તે બી ભૂલ્યો નહિ હોય.’ અને આવી મજાક-મસ્કેરી બીજા દોસ્ત-યારો બેઠા હોય તે વારે બી થયા કરતી.
સ્વામી આનંદ : પણ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની વેપારની મોનોપોલી બંધ થઈ. સાથે જીવરાજ શેઠની મુકાદમી પણ ગઈ. એ વખતે એમની વરસની આવક હતી બે લાખ રૂપિયા જેટલી. ૧૮૪૩માં ૭૩ વરસની ઉંમરે ગુજરી ગયા ત્યારે પાછળ અડધા કરોડની મૂડી મૂકતા ગયેલા.
દી.મ. : પણ જીવરાજ શેઠ પછી?
સ્વામી આનંદ : પોતાની પાછળ બે દીકરા મૂકતા ગયેલા, મોટા વસનજી અને નાના વલ્લભદાસ. વલ્લભદાસ પાસે કિલિક નિકસન નામની એ જમાનાની ખૂબ જાણીતી કંપનીની જનક નિકસન સીજવિક કંપનીની મુકાદમી હતી. જ્યારે મોટા વસનજીએ પોતાના ફોઈયાત ખટાઉ મકનજીની ભાગીદારીમાં વેપાર ચાલુ રાખ્યો. પણ ધંધો બધો ખટાઉએ જ સંભાળ્યો. વસનજી શેઠ તો ઠાકોરજીની સેવામાં જ જીવ્યા. છેલ્લે ગોકુળ-વનરાવન જઈ વસેલા. ૪૪ની ઉંમરે ગુજર્યા.
વસનજીના દીકરા દ્વારકાદાસે જીવરાજ બાલુ મિલ કાઢી ખાસું નામ મેળવેલું. કન્યા કેળવણીના જબરા હિમાયતી. સુધારાવાળાઓના ટેકેદાર. દ્વારકાદાસનો દીકરો સુંદરદાસ. પ્રખ્યાત દાની શેઠ ગોકળદાસ તેજપાલે તેને દત્તક લીધો. તે પછી એનું નવું નામ ગોરધનદાસ. બીજા દીકરા નારણજીએ જામ રણજીતને જામનગરની રાજગાદી મેળવવામાં મોટી મદદ કરેલી.
દી.મ. : ઓહો! એક બાજુ જીવરાજ બાલુનો વંશ અને બીજી બાજુ શેઠ ગોકળદાસ તેજપાલનો વંશ! આપ બંને પાસેથી ગોકળદાસ શેઠ અને તેમના કુટુંબ વિશેની વાતો તો જાણવી જ પડશે. પણ એ માટે આવતા શનિવારે ફરી મળવું પડશે.
સ્વામી આનંદ : જુઓ ભાઈ! સાધુ તો ચલતા ભલા. એટલે આવતા શનિવારની વાત અત્યારથી શી કરવી? અવાશે તો આવીશ. નહીંતર ઝાઝા જુહાર તમને બંનેને.
*
નોંધ : સ્વામી આનંદનાં પુસ્તકો કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતાં. અમદાવાદના નવજીવન ટ્રસ્ટે એ બધાં ફરી છાપવાનું શરૂ કર્યું છે. તેમનાં જે પાંચ પુસ્તકો હાલમાં પ્રગટ કર્યા તેમાં ‘કુળકથાઓ’નો સમાવેશ થાય છે.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 07 ઓક્ટોબર 2023)