સ્મૃતિવંદના
લોકભારતી – સણોસરામાં સિત્તેરના દાયકામાં ચંદ્રશેખર ધર્માધિકારી (૨૦-૧૧-૧૯૨૭ • ૩-૦૧-૨૦૧૯) સંસ્થાની મુલાકાતે અને મનુભાઈ પંચોળી (દર્શક)ને મળવા આવેલા. તેઓ બે દિવસ રોકવાના હતા. તેમની સાથે મારે સંસ્થા-દર્શનમાં અને મહેમાનગૃહમાં સતત જોડાઈ રહેવાનું બન્યું. તેઓ દાદા ધર્માધિકારીના પુત્ર તેમ જ મુંબઈ હાઇકૉર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે, તે જાણીને ખૂબ આનંદ થયો.
તેમણે સંસ્થાના ખેતી-ગૌશાળા, બાગાયત, પુસ્તકાલય, છાત્રાલય વગેરે વિભાગો ખૂબ બારીકાઈથી જોઈ-જાણીને પ્રશ્નોત્તરી કરી. પ્રસન્નતા પણ વ્યક્ત કરી. વિદ્યાર્થીઓ સાથે તેમ જ કાર્યકરો સાથે મુલાકાતો – બેઠકો કરી. રોજ બે-ત્રણ કલાક મનુભાઈ અને બુચભાઈ સાથે વાર્તાલાપો કર્યા. દરેક વખતે મારે તેમની સાથે જ રહેવાનું બન્યું. ખૂબ નવું જાણવા – સમજવાનું મળ્યું. આનંદ થયો.
ગૌશાળા અને ચારાખેતીમાં વિદ્યાર્થીઓ કેવી રીતે જોડાયેલા રહે છે, અને તેમાં તેનું શિક્ષણ કઈ રીતે થાય છે. તેને લગતા અનેક પ્રશ્નો પૂછી તેઓ જવાબો મેળવવા પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ આનંદ તેમ જ સંતોષ મેળવતા હોય, તેવું મને લાગેલું. લોકસેવા મહાવિદ્યાલયમાં ત્રણ વર્ષ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની શિક્ષણ ફી (ટ્યુશન ફી) લેવામાં નથી આવતી, પરંતુ તેના બદલે વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓ ૨૦૦થી ૩૦૦ કલાકનો શારીરિક શ્રમ કરે છે તે બાબત તેમને ખૂબ જ ગમી સંસ્થામાં લોક-૧ નામની ઘઉંની નવી જાતનું સંશોધન થયેલું. તેની ઉપજ સામાન્ય પ્રચલિત અને સંશોધિત અન્ય ઘઉંની જાતના કરતાં ૧૫થી ૧૭ ટકા વધુ આવે છે. ભારત સરકારે અનેક કૃષિ સંશોધન કેન્દ્રો પર તેની ચકાસણી કરી. અને માન્યતા આપી. વળી, પશ્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ – રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ ભલામણ કરેલી તેથી આ પ્રદેશોમાં પચાસ ટકા જમીનમાં લોક-૧ ઘઉંનું વાવેતર થતું રહ્યું અને આ બધું સંશોધન-કામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સંશોધકો દ્વારા થયેલું તે ચંદ્રશેખરજીએ પ્રત્યક્ષ જોયું-જાણ્યું.
ગૌશાળાની મેના નામની ગાયે એક દિવસમાં ૩૬ લિટર દૂધ આપી વિક્રમ નોંધાવેલો. મેનાએ અખિલ ભારતીય ધોરણે દ્વિતીય નંબર અને ગુજરાત રાજ્યકક્ષાએ પ્રથમ ઇનામ મેળવેલું તે ગાયનું તેમણે રસપૂર્વક નિરીક્ષણ કરી ગાય અને ગોવાળોને અભિનંદન પાઠવેલા.
છેલ્લે દિવસે મને મહેમાનગૃહમાં એકલાને બોલાવ્યો. તેમણે જમનાદાસ બજાજ ઍવોર્ડ માટે મનુભાઈ પંચોળી(દર્શક)ની લાયકાત વિષે એક ન્યાયાધીશની હેસિયતથી મને વેધક પ્રશ્ન પૂછ્યો. ધારો કે તમે આ સંસ્થાના કાર્યકર નથી, છતાં મનુભાઈના કાર્યક્ષેત્ર વિષે જે કાંઈ જાણો છે, તેને આધારે એક તટસ્થ વ્યક્તિ તરીકે મનુભાઈને બજાજ ઍવોર્ડ માટે લાયક ગણો કે કેમ? મેં થોડું વિચારીને હા પાડી. અભિપ્રાય માટે આભાર માની મેં તેમની સાભાર વિદાય લીધી.
ચંદ્રશેખર ધર્માધિકારીના બૌદ્ધિક વ્યક્તિત્વ અને માનવીય અભિગમને વંદન.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 16