ઇ.સ. ૧૯૫૨માં મુંબઈ રાજ્યની વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં મોરારજીભાઈ કૉંગ્રેસનો પ્રચાર કરવા અમરેલી આવેલા, ત્યારે તેમને પ્રથમ વાર જોયાનું અને સાંભળ્યાનું યાદ આવે છે. મારી તે વખતની સોળ વર્ષની ઉંમરે મહાન નેતા મોરારજીભાઈને જોવા કરતાં તેઓ જે હેલિકૉપ્ટરમાં આવેલા તેને જોવાનું વધુ આકર્ષણ હતું. તેમણે ભાષણમાં કૉંગ્રેસપક્ષના ઉમેદવાર જીવરાજ મહેતાને મત આપવા બે બળદની જોડીના નિશાન પર સિક્કો મારવા જાહેરસભામાં બધાને વિનંતી કરેલી. સ્થાનિક અખબાર ‘પ્રકાશ’માં પાંખોવાળો મોર અને મોઢું મોરારજીભાઈનું તેવું કાર્ટૂન છપાયું : નીચે લખાણમાં ‘મોરલો મુંબઈથી અમરેલી આવીને ઊડી ગયો’ લખ્યું હતું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાતની ચળવળ વખતે અમદાવાદમાં બીજી વખત મોરારજીભાઈને જાહેરસભામાં સાંભળવાની તક મળી જેમાં, સામાન્ય બહુમતી લોકોની ઇચ્છા વિરુદ્ધ પણ પોતાનો મત વ્યક્ત કરતા મોરારજીભાઈને સાંભળેલા. તેઓ ગુજરાત-મહારાષ્ટ્રનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય રહે તેની તરફેણમાં હતા. આર્થિક સામ્રાજ્ય ધરાવતું મુંબઈ શહેર મહારાષ્ટ્રમાં જાય અને ગુજરાતનું અલગ રાજ્ય બને, તે ગુજરાતની પ્રજાને નુકસાનકારક નીવડે, તેમ તેઓ માનતા હતા. તેની સામે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાતનું આંદોલન જોરશોરથી ચાલતું હતું. લાંબો સમય લડત ચાલી અને આખરે મોરારજીભાઈની ઇચ્છા વિરુદ્ધનું અલગ ગુજરાતનું રાજ્ય ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું.
૧૯૭૮માં મોરારાજીભાઈ વડાપ્રધાન હતા, તે વખતે ગોવધબંધીનું આંદોલન પૂરજોરમાં ચાલતું હતું. વિનોબાજીએ આ મુદ્દે ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરેલી, તેથી કેન્દ્ર સરકારે ગોપ્રેમીઓની તથા ભારતના દરેક રાજ્યના મુખ્ય પ્રધાનો અને નિષ્ણાતોની બેઠક દિલ્હીમાં બોલાવેલી. દરેક રાજ્યમાંથી ૫-૭ પ્રતિનિધિઓ આવેલા, તેમાં હું મુંબઈની કાંદિવલી ગૌશાળાના મૅનેજર તરીકે ગયેલો. જુદાં જુદાં રાજ્યોના પ્રતિનિધિઓ જૂથવાર ઊભેલા અને તે વખતના કૃષિપ્રધાન સૂરજીતસિંહ બરનાલા, મોરારજીભાઈને પ્રાંતવાર પ્રતિનિધિઓનો પરિચય કરાવતા હતા. તેમાં મને મહારાષ્ટ્રમાંથી આવેલા પ્રતિનિધિમંડળમાં જોઈ સીધો ગુજરાતી ભાષામાં પ્રશ્ન પૂછ્યો, ‘તમે લોકભારતી – ગુજરાત છોડી ક્યારના મહારાષ્ટ્રના પ્રતિનિધિ બની ગયા ?’ મેં વિગત સમજાવી કે હું અહીં બે વર્ષ માટે લોન સર્વિસ ઉપર મુંબઈ કાંદિવલી ગૌશાળાની માંગણી હોવાથી આવેલો છું. મને આશ્ચર્ય એ વાતનું થયું કે આટલા બધા વિશાળ જનસમૂહ વચ્ચે, મોરારજીભાઈ વડાપ્રધાન હોવા છતાં, મને વર્ષો પહેલાં લોકભારતીમાં પાંચ-સાત મિનિટ માટે મળેલા છતાં ઓળખી ગયા કે આ માણસ મહારાષ્ટૃીયન નહીં, પરંતુ ગુજરાતી છે. મેં તેમની યાદ શક્તિ અને સ્મૃિતને મનોમન વંદન કર્યા.
લોકભારતી-સણોસરામાં નાનાભાઈ ભટ્ટની સ્મૃિતમાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં ‘ભગવદ્દગીતા’ ઉપર મોરારજીભાઈ પ્રવચન કરવા આવેલા ત્યારે બે દિવસ સંસ્થામાં રોકાયેલા અને વહેલી સવારે તેમની સાથે ફરવા જવામાં મારું નામ દર્શકે સૂચવેલું. સવારે પાંચેક વાગ્યે હું મહેમાનઘરે મોરારજીભાઈને લેવા ગયો ત્યારે તેઓ રાહ જોઈને બહાર ઊભા હતા. સમયસર પહોંચવા બદલ ધન્યવાદ આપી તેઓ ઝડપથી ચાલવા માંડ્યા. સંસ્થાના મુખ્ય દરવાજેથી પાકી સડક ઉપર સાંઢીડા મહાદેવના રસ્તે એકાદ કિલોમિટર ચાલ્યા પછી, પાછા ફરતાં મેં ટેલિયાવડ પાસેના ટૂંકા રસ્તે સંસ્થામાં જઈ શકાય છે અને તે કાચો રસ્તો છે, પણ શૉર્ટકટ છે, તેમ સૂચવ્યું, એટલે તેમણે ઉપદેશ આપતાં હોય તેમ કહ્યું. ‘જીવનમાં શૉર્ટકટ કદી ન અપનાવો, આપણે હંમેશાં રૉયલ રોડ ઉપર જ ચાલવાનું રાખવું !’ હું ચૂપચાપ તેમની સાથે પાકે રસ્તે – રૉયલ રોડ પર ચાલવા માંડ્યો.
૧૯૭૯માં વડાપ્રધાન મોરારજીભાઈ લોકભારતીમાં એક વિશાળ ખેડૂત સંમેલનમાં આવેલા. તે વખતે એક ખાસ કાર્યક્રમ યોજાયેલો, જેમાં ગોવિકાસ અને ગ્રામવિકાસના ભાગ રૂપે સંસ્થાની ઉત્તમ અને સારી વંશાવળીવાળી ગાયનો વાછરડો (ધણખૂંટ) બાજુના પીપરડી ગામની ગ્રામપંચાયતને ગોસુધારણા માટે અર્પણ કરવાનો કાર્યક્રમ ગોઠવાયેલો. મોરારજીભાઈના શુભહસ્તે ગામના ગોવાળને ખૂંટઅર્પણનો વિધિ પતી ગયો, પછી દર્શકે પ્રાસંગિક શબ્દો કહેવાનું સૂચવ્યું. મને આ બાબતની તૈયારી વિના મોરારજીભાઈની હાજરીમાં બોલતા થોડો સંકોચ થયો, પરંતુ દર્શકના સૂચનને ધ્યાનમાં લઈ ગ્રામવિકાસ અને ગોવિકાસમાં ધણખૂંટ(આખલા)નું મહત્ત્વ સવિશેષ રહેલું છે, તે વાત સમજાવી, હળવાશથી કહ્યું કે સ્વરાજપ્રાપ્તિ પછીથી ગામડાનો વિકાસ કરવા માટે ગ્રામસેવક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લામાં જિલ્લા અધિકારી જેવા અનેક અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, છતાં ગામડાંઓનો જોઈએ, તેવો વિકાસ થયો નથી. આ બધા વિકાસ અધિકારીઓને બદલી જો ગામડે-ગામડે સાચી જાતના ધણખૂંટની નિમણૂક કરવાની વ્યવસ્થા કરી હોત, ગાયોનો અને તે થકી, ગામડાંઓનો વિકાસ વધારે સારી રીતે થઈ શક્યો હોત ! આ સાંભળી ગંભીર મુખમુદ્રાવાળા મોરારજીભાઈ હસી પડ્યા. મોરારજીભાઈને આ રીતે જાહેરમાં હસાવવા બદલ દર્શકે મને અભિનંદન આપેલ તે યાદ રહી ગયું છે.
મોરારજીભાઈ લોકભારતીમાં બે દિવસ રોકાયેલા. તે વખતે તેમને નજીકના ૧૦ કિલોમિટર દૂર ભાવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા અને ફરવા લઈ જવાની વિચારણા ચાલતી હતી ત્યારે મોરારજીભાઈએ પૂછ્યું કે મંદિરમાં હરિજનોને આવવાની છુટ્ટી છે ? દર્શકે ખાતરી કરવા મને પૂછ્યું. મેં કહ્યું, મંદિરના પૂજારી દલપતગિરિને હું સારી રીતે ઓળખું છું, ત્યાં હરિજન-પ્રવેશની છુટ્ટી છે. મંદિરે ગયા પછી મોરારજીભાઈએ પૂજારીને ફરી પૂછી ખાતરી કરી લીધી અને હરિજનો ત્યાં મંદિરમાં દર્શને આવી શકે છે, તે જાણી ખુશી વ્યક્ત કરેલી.
પૂર્વઅધ્યાપક, લોકભારતી, સણોસરા
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૃ. 18