રાજકારણી નહીં, રાજનીતિજ્ઞ
સનતભાઈ મહેતાને, એકાણું વર્ષનું આયખું ધરાવનાર સનતભાઈ મહેતાને, મેં અમરેલી મુકામે ૧૯૫૨ની સાલમાં તેમની ઉંમર ૨૭ વર્ષની હતી તે વખતે પ્રથમ વાર જોયેલા અને જાહેરસભાને સંબોધન કરતાં સાંભળેલા. તે વખતે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. તે વખતે તેમનાં વ્યક્તિત્વ અને વક્તવ્યથી ખૂબ પ્રભાવિત થયાનું સ્મરણ થઈ આવે છે. છેલ્લે ૨૦૧૪માં મહેસાણા મુકામે તેમની ૯૦ વર્ષની ઉંમરે દૂધ-ઉત્પાદકોની વિશાળ જાહેરસભામાં સાંભળેલા. વચ્ચે ૬૨ વર્ષનાં વહાણાં વીતી ગયાં હતાં, છતાં તેમના શારીરિક દેખાવ અને વક્તા તરીકેની છટા અને જોશમાં કોઈ ફેરફાર ન લાગ્યો, ઊલટાના ઉંમરમાં વૃદ્ધ સનતભાઈ દેખાવમાં અનો બોલવામાં વધુ જુવાન લાગ્યા. મહેસાણાની એ જાહેરસભામાં ‘દૂધની ખેતી-ચારાખેતી’ અંગે વાર્તાલાપ આપવા સનતભાઈએ મને ખાસ બોલાવેલો.
સનતભાઈ ગુજરાત રાજ્યના નાણાંપ્રધાન હતા, તે વખતે મનુભાઈ પંચોળી (દર્શક) સાથે તેમના નિવાસસ્થાને મળવાનું બનેલું. બંને વચ્ચે ગુજરાતના અને રાષ્ટ્રનાં રાજકારણ અને જાહેરજીવનની રસપ્રદ ચર્ચાઓ સાંભળવાની મજા પડેલી. ઊઠતાં-ઊઠતાં મનુભાઈએ ટકોર કરી, “મારી દૃષ્ટિએ તો ગુજરાતનો મુખ્યપ્રધાન તું જ હોવો જોઈએ.” અને સનતભાઈએ હસતાં-હસતાં જવાબ આપેલો, “તમારા જેવા આદર્શવાદી લેખકોનો એ અભિપ્રાય-મંતવ્ય હોઈ શકે.”
સનતભાઈ સ્થાપિત અને સંચાલિત ‘શ્રમિક વિકાસ’ નામની સંસ્થા વલ્લભીપુર આસપાસનાં ૩૦-૩૫ ગામોમાં ગ્રામવિકાસની પ્રવૃત્તિ કરતી હતી. તેમાં ભાવનગરની લાયન્સ ક્લબનો સહકાર મળી શકે તે માટે એક દિવસની બેઠકનું આયોજન ભાવનગરમાં થયેલું. આ બેઠકમાં ભાલ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા શું-શું કરવું જોઈએ તે અંગે સંશોધનપત્રો તૈયાર કરવાનું કામ મને, સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોષી તથા રમણીકભાઈ ભટ્ટીને અલગ-અલગ રીતે સોંપેલું. મેં જણાવ્યું કે સંશોધનપત્ર રજૂ કરતાં પહેલાં મારે એ વિસ્તારનાં કેટલાંક ગામડાઓની રૂબરૂ મુલાકાત લેવી પડે. સનતભાઈએ તેમના કાર્યકર નાનકભાઈ ભટ્ટ દ્વારા મને એક જીપ અને ડ્રાઇવર મોકલી આપ્યાં. બે દિવસમાં ૮-૧૦ ગામોનો સોંપેલ સર્વે કરવાથી માલૂમ પડ્યું કે તે વિસ્તારમાં જમીનની ખારાશને કારણે માત્ર ચોમાસામાં જુવાર-કડબની ખેતી થાય છે. કુલે રૂપિયા એક કરોડની કિંમતની ચારા માટેની જુવાર વેચાય છે, જે ભાવનગર-રાજકોટ કે ગૌશાળા-પાંજરાપોળમાં જાય છે. અમે લોકભારતીની ગૌશાળા માટે પણ તે વિસ્તારની કડબ ખરીદતા હતા, આથી કેટલાંક ગામો અને ખેડૂતોનો પરિચય પણ હતો. મેં વિચારીને સંશોધનપત્ર તૈયાર કર્યું કે આ જુવારની રૂ. એક કરોડની કડબ-નીરણ ત્યાં સ્થાનિક ગાયો-ભેંસોને ખવડાવીને તેમાંથી દૂધ પેદા કરી ‘ભાવનગર-અમદાવાદમાં વેચવાનું આયોજન કરવામાં આવે’ તો ખેડૂતોને તેમાંથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય, ઉપરાંત પશુઓનાં છાણ-પેશાબનું સેન્દ્રિય ખાતર મળી રહેતા ઘાસચારાનું ઉત્પાદન પણ વધે. સનતભાઈને આ વિચાર એટલો બધો ગમી ગયો કે તેમણે ડેરીઓનો સંપર્ક સાધી તે વિસ્તારમાંથી દૂધ ભેગું કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. સનતભાઈ ભાવનગર-તળાજા-મહુવા બાજુ આવવાના હોય, તો સણોસરા મનુભાઈ પંચોળીને મળવા આવવાનું ખાસ ગોઠવે, મને ટેલિફોનથી અગાઉ જાણ કરી મનુભાઈ સંસ્થામાં તે તારીખે હાજર છે કે નહીં, તેની ખાતરી કરી વરસમાં એકાદ વાર આવવાનું ગોઠવે. કહે પણ ખરા કે ‘હું મનુભાઈ પાસે બૅટરી ચાર્જ કરવા આવ્યો છું.’
એક મુલાકાતમાં સનતભાઈને ગૌશાળા જોવા લઈ જવા મનુભાઈએ મને સૂચવ્યું. તેમણે ગૌશાળાની ગાયોની તંદુરસ્તી તથા તેનું ઉત્પાદન અને વ્યવસ્થા જોઈ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપેલા. કોઈ પણ જાતનાં દાન, સહાય કે ખોટ ખાધા વિના સરભરના પાયા પર ગૌશાળા થકી સસ્તું દૂધ વિદ્યાર્થીઓ-કાર્યકરોને પૂરતા પ્રમાણમાં આપી શકીએ છીએ, તે જાણી તેમણે આનંદ વ્યક્ત કર્યો. સફળતાની ચાવીઓ અંગે પૂછ્યું, તો હું તેમને ચારાખેતીના પ્લૉટમાં નેપિયર ઘાસ જોવા લઈ ગયો. છ-સાત ફૂટ ઊંચું લીલુંછમ ઘાસ બતાવી તેનું ઉત્પાદન સાત-આઠ વાઢમાં એક એકર જમીનમાંથી વર્ષે દહાડે ૧૦૦ ટન લીલો ઘાસચારો મળે છે વગેરે માહિતી આપી મહાન વિચારક જૉનાથન સ્વિફ્ટનું એક સુવાક્ય ટાંક્યું : ‘He who arranges to grow two ear-heads or grain of two blades of grasses, where one grew before, his services to the nation and man-kind is more than whole race of politician put to-gather’. અર્થાત્ ‘જે માણસ એક અનાજના ડૂંડાની જગ્યાએ બે અથવા ઘાસના એક તણખલાની જગ્યાએ બે તણખલાં પેદા કરે છે, તેની રાષ્ટ્ર માટે તેમ જ માનવજાત માટેની સેવાઓ બધા રાજકારણીઓની સેવાના સરવાળા કરતાં વધુ છે.’ આ વાક્ય સાંભળીને સનતભાઈએ તરત જ કહેલું કે, મને આ વાક્ય મારી ડાયરીમાં લખી આપો.’ તેમણે ગાડીમાંથી ડાયરી મંગાવી, મેં તેમાં લખી આપ્યું. તેમણે હસતાં હસતાં કહ્યું, ‘આ વાક્ય મને સંભળાવવા તો તમે નથી કહ્યું ને!’ મેં કહ્યું, તમે આ સામાન્ય કોટીના રાજકારણી નથી, પરંતુ રાજનીતિજ્ઞ છો, ખૂબ જ અભ્યાસુ છો, એટલે તો તમે તમારી ડાયરીમાં આ સુવાક્ય લખાવી લીધું!’
આ પછી હું તેમને ગોચરમાં ઘાસની વીડી જોવા લઈ ગયો. એક હજાર વીઘાની વીડીમાં ૫૦૦ વીઘા જમીન ગાયોના ચરિયાણ માટે અને ૫૦૦ વીઘા જમીન ઘાસ વાઢવા અનામત રાખેલ છે. ડુંગરાળ-પથરાળ જમીન પર દોઢ-બે ફૂટ ઊંચું શણિયાર-રાતડ-ધરપડા વગેરે ઘાસ લીલુંછમ લહેરાતું જોઈ તેમણે પ્રસન્નતા અનુભવી. આસપાસના બીજા ડુંગરમાં વધુ પડતા ચરિયાણને કારણે ટાલિયા ડુંગર પર કશું ઘાસ ન હતું, રહસ્ય સમજાવતા મેં કહ્યું, અમે સારી જાતના ઘાસમાં બી એકઠાં કરી છાણ-માટીમાં નાની ગોળીઓ વાળી લાડુ પરના ખસખસ માફક બિયારણનો ચાંદલો કરી ચોમાસામાં છૂટી ગોળીઓ નાખીએ છીએ. આ રીતે ‘ખડની ખેતી’ કરીએ છીએ. ચરિયાણ વિસ્તારમાંથી છાણ કે પોદળા લોકોને લેવા દેતા નથી, જેથી કુદરતી ખાતર ઘાસને મળી રહે છે. આ બધું સાંભળી તેમણે પ્રતિભાવ આપેલો કે, ‘તમને મળવામાં હું મોડો પડ્યો છું, મારી પાસે સત્તા અને પૈસા હતા, તે વખતે જો આપણે મળ્યા હોત, તો સૌરાષ્ટ્રના ઘણા ડુંગરાઓ ઘાસથી હરિયાળા બનાવી શક્યા હોત. ૫૦૦ વીઘાને બદલે ૫૦,૦૦૦ વીઘામાં વધુ ઘાસ ઉગાડી શક્યા હોત.’ તેમણે કહ્યું, ‘તમારા જ્ઞાન-અનુભવનો લાભ અમે વહીવટકર્તાઓ વધુ લઈ શક્યા નહીં, તેનો મનમાં રંજ છે.’
સનતભાઈનો ભૌતિક દેહ તો આ પૃથ્વી પર રહ્યો નથી, પરંતુ તેમનાં લખાણો અને વિચારો તો આપણી પાસે છે, આપણે યથાશક્તિ તેનો અમલ આપણા સૌનાં જીવનમાં સમજવા અને ઉતારવા કોશિશ કરીએ.
વસ્ત્રાપુર, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2015; પૃ. 11