લોકભારતી – સણોસરા, ભાવનગરના પૂર્વઅધ્યાપક – કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની એવા યશવંતભાઈ ત્રિવેદીનું ૯૨ વર્ષની જૈફ ઉંમરે તાજેતરમાં અવસાન થયું. તેઓ નોંધ લેવા જેવા માણસ હતા, તેવું તેમની સાથેના મારા પંચાવન વર્ષના નિકટના સહવાસથી બેધડક કહી શકાય તેમ છે.
અમેરિકન પૂર્વ પ્રમુખ કૅનેડીનું એક વાક્ય યાદ આવે છે : ‘કોઈ પણ દેશ કે પ્રદેશમાં મોટા કે મહાન કહી શકાય એવા માણસો કેટલી સંખ્યામાં અને કેવા થઈ ગયા તે મહત્ત્વનું નથી, પરંતુ આવા માણસોની ગેરહાજરીમાં, તેમને પરિચિતો કે અપરિચિત લોકો કેટલા અને કેવી રીતે યાદ કરે છે અને માન આપે છે, તે મહત્ત્વનું છે.’ આને માટે તેમણે અંગ્રેજીમાં ‘remember’ અને ‘respect’ એવા બે શબ્દો વાપરેલા છે. યશવંતભાઈ મારા માટે અને તેમના ચાહકો-સ્નેહીઓ અને વિદ્યાર્થીઓ માટે યાદ રાખવા જેવા અને માન આપવા જેવા માણસ હતા, તેમ ખાતરીપૂર્વક કહી શકાય છે.
મનુભાઈ પંચોળી(દર્શક)ના તેઓ પ્રીતિપાત્ર હતા. એટલું જ નહીં, પરંતુ ‘દર્શક’સેનાના તેઓ આગલી હરોળના સૈનિક પણ હતા. મનુભાઈએ પાછલાં વર્ષોમાં પાલિતાણા પાસેના ઊંડાણના ગામ માયધારમાં અવિધિસરના શિક્ષણની સંસ્થા શરૂ કરી, તેમાં મોટી ઉંમરે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં યશવંતભાઈ મનુભાઈ સાથે જોડાયા અને ત્યાં સહકુટુંબ રહેવા પણ ગયા. ત્યારે મેં તેમને પૂછેલું કે ‘લોકભારતી’ છોડી તમે પ્રતિકૂળ પરિસ્થિતિમાં માયધાર કેમ જવા વિચારેલ છે, ત્યારે તેમણે આપેલો જવાબ આ હતો : ‘જીવનમાં કેટલાક માણસો સાથે સ્વર્ગમાં રહેવા જવાને બદલે, મને પસંદ માણસો સાથે નરકમાં પણ રહેવા જવાનું કરું. મનુભાઈ મારા મનપસંદ માણસ છે. તેમની ઇચ્છાને હું આજ્ઞાસમાન ગણું છું આમ છતાં, સ્પષ્ટ વક્તા યશવંતભાઈ મનુભાઈની વાત સાથે અસંમત હોય, તો પણ મુક્ત મને વ્યક્ત કરતા મેં જોયા છે.
મનુભાઈની ઇચ્છાને માન આપી તેઓ મહુવા પાસેની કળસાર સંસ્થાના નિયામક તરીકે પણ ગયેલા. મૂળે તેઓ હિન્દી વિષયના અધ્યાપક, પરંતુ મુખ્ય ગૃહપતિ ઉપરાંત તેઓએ ‘લોકભારતી’ના ઉપ-નિયામક તરીકે ફરજ બજાવેલી. મૂળશંકરભાઈ ભટ્ટ ‘લોકભારતી’ છોડી, ભાવનગર રહેવા જતા રહ્યા, ત્યારે યશવંતભાઈ, તે ભાઈવાળા મકાનમાં રહેવા ગયેલા અને નિવૃત્તિ સુધી તે મકાનમાં રહ્યા. ભાઈના વિચારોને તેઓ વ્યવહાર તેમ જ વહીવટમાં યથાશક્તિ અમલમાં મૂકતા રહ્યા. સંસ્થા-વહીવટમાં મહત્ત્વના પ્રશ્નોમાં પોતાનો અભિપ્રાય કે નિર્ણય લેતાં પહેલાં મૂળશંકરભાઈને યાદ કરી તે મુજબ નિર્ણય લેતા.
૧૯૭૧માં હું અને યશવંતભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સેનેટ સભ્ય તરીકે સાથે જતા, ત્યારે રાષ્ટ્રીય શાળામાં વજુભાઈ શાહ અને જયાબહેનને અવશ્ય મળવા જતા અને દોઢ-બે કલાક દેશ-દુનિયાના સાંપ્રત પ્રશ્નોની બુદ્ધિગમ્ય ચર્ચાઓ થતી, તેમાં યશવંતભાઈનાં વાચન અને વિચારોનાં ઊંડાણના દર્શન થતાં. એક વખતે રાજકોટમાં મારા સસરાને ઘરે રાત્રિરોકાણ કરવાનું થયું. મારા વૃદ્ધ સસરાએ યશવંતભાઈની પથારી પાસે પીવાનું પાણી અને સવાર માટે દાતણ મૂક્યાં, ત્યારે યશવંતભાઈએ પ્રતિભાવ આપેલ કે એક અજાણ્યા અતિથિ માટે આટલી ઝીણવટભરી કાળજી અને ચિંતા કરનાર માણસો હવેની પેઢીમાં જોવા મળશે કે કેમ ?
૧૯૭૮માં હું મુંબઈ કાંદિવલી ગૌશાળામાં લોનસર્વિસ પર ગયેલો, તે વખતે યશવંતભાઈએ દસેક વિદ્યાર્થીઓ સાથે શ્રીલંકાના પ્રવાસે જવાનું ગોઠવેલું. તે બધાના વિઝા તેમ જ દરિયાઈ સફરની ટિકિટ વગેરેની બધી જ જવાબદારી હક્કપૂર્વક મને સોંપી, તેનો મને ખૂબ આનંદ થયો અને સાત-આઠ ધક્કા પછી એ જવાબદારી પાર પાડ્યાનો આનંદ થયો. યશવંતભાઈએ આભાર સાથે અભિનંદન તો આપ્યા, પરંતુ ત્યાર પછી પણ કહેતા રહ્યા કે ‘જો પંડ્યાભાઈ મુંબઈ ન હોત, તો અમે સિલોન – પ્રવાસ કરી ન શકત સિલોનમાં તેઓ આર્યરત્ન આર્યનાટયકમ્’ની ગાંધીવિચારની સંસ્થામાં અઠવાડિયું રોકાયા હતા અને તે સંસ્થાના ત્રણ યુવાન કાર્યકરોને પશુપાલનની વૈજ્ઞાનિક તાલીમ લેવા સણોસરા આવવાનું આમંત્રણ આપી આવેલા. તે મુજબ ત્રણ યુવાનો એક વર્ષ માટે સણોસરા ગૌશાળામાં પ્રત્યક્ષ તાલીમ માટે આવેલા. તેના બૌદ્ધિક વર્ગોમાં રોજ બે કલાક અંગ્રેજી ભાષામાં ભણાવવાની જવાબદારી મને યશવંતભાઈએ સોંપેલી અને તે મેં સહર્ષ પૂરી કર્યાનો આનંદ છે. મને એ તક મળી, તે યશના ભાગીદાર યશવંતભાઈ જ હતા.
યશવંતભાઈના અવસાનના સમાચાર સાંભળી તેમને યાદ કરતાં તેમના પુત્ર નિખિલને કહ્યું,’Oh, Yeshvantbhai ! This world would be a better place to live in, if there were few more persons like you.’. ‘અરે ! યશવંતભાઈ ! તમારા જેવા થોડાક વધુ માણસો જો આ દુનિયામાં હોત, તો આ દુનિયા રહેવા માટે વધુ સારું સ્થળ બની શકે.’
વસ્ત્રાપુર, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 17