રંગવાળા શેઠમાંથી રંગીલા બાપુ બનવામાં નવનીતલાલની આંખોનું યોગદાન બહુ જ મોટું હતું!
પાંસઠ વર્ષની ઉંમરે માણસ પ્રભુ ભજનમાં ખોવાઈ જાય. પણ આ નવનીતલાલ તો બીજે જ રવાડે ચઢી ગયા હતા. રસ્તે આવતી-જતી ફકત આઘેડ વયની જ સ્ત્રીઓમાં જ નહીં, પરંતુ બાલ્ય અવસ્થામાંથી યૌવન કાળમાં પ્રવેશલ કન્યાના ફ્રોકને ફૂટેલાં સ્તન પર કાળી ફ્રેમનાં ચશ્માંમાંથી સૂરમો આંજેલ નવનીતલાલની આંખો એકાદ બે ક્ષણ માટે નેત્ર-સુખનો લ્હાવો માણી લેતી.
ઘરમાં ચાર જન વચ્ચે બે નોકર હોવા છતાં નવનીતલાલે શાક્ભાજી લાવવાનું કામકાજ પોતાના માથે રાખ્યું હતું. દિવસમાં બે વાર શાક્ભાજી લેવા આવતા નવનીતલાલને મન શાકભાજીની ખાસ કોઈ કીંમત ન હતી. તેમને તો બસ, બટક-બટક બોલતી, નેણ ઊલાળતી, યૌવનથી છલકાતી મદ મસ્ત કાયાવાળી શાકવાળી દેખાણી એટલે ગંગા નાહ્યા. શાકવાળીનું ત્રાજવું કેટલું ઉપર-નીચે જાય છે એ જોવા કરતાં, તેમના કાળાં ચશ્માંની ફ્રેમમાં ડોકાતી ટગર ટગર જોતી આંખ ને શાકવાળીના પાતળા પાલવ હેઠળ દરિયાના મોજાની જેમ ઊછળતી ઘડકન જોવામાં વઘારે સુખ મળતું.
કયારેક દીકરાની વહુ નંદિની બપોર ટાણે કોઈ એકાદ બહેનપણી સાથે ભરતકામ કરવા એના બેડ રૂમમાં બેઠી હોય, ત્યારે હિંચકે બેઠા સોપારી વેતરતા નવનીતલાલ રાહ જોઈને જ બેઠા હોય, કે ક્યારે મહારાજ રસોડામાંથી ચા-નાસ્તાની ટ્રે લઈને વહુના રૂમ તરફ જવા નીકળે. જેવા મહારાજને રસોડામાંથી ચા-નાસ્તો લઈને આવતા જુએ એટલે નવનીતલાલ સફાળા હિંચકેથી ઊભા થઈ મહારાજને કહેશે, ‘તમે મારી એક કપ ખાંડ વિનાની ચા જલદીથી બનાવી નાખો તો. લાવો હું જ નંદિની અને તેની બહેનપણી ભાવનાને ચા નાસ્તો આપી આવું.’ આમ ચા નાસ્તાને બહાને બે બહેનપણીઓ વચ્ચે ટપકી પડેલ નવનીતલાલ ઘીમે રહીને સામે પડેલ ખાલી ખુરશી પર લંબાવતા, ઘોતિયાના છેડે ચશ્માંને લુંછતા ભાવનાના નવા પંજાબી ચૂડીદારના વખાણ કરતા કહશે,’ દીકરા ભાવના, આ ગુલાબી રંગ તારી કાયાને કેટલો આબેહૂબ શોભે છે. બાકી તને શું કહું!’ કાકાના આ વખાણમાં ખુશ થતી ભોળી ભાવના શરમાઈ પડે અને જો ભૂલથી તેની પાતળી ઓઢણી છાતીએથી સરી ગઈ તો ઘબકતી ભરાવદાર છાતી પર નવનીતલાલની બે આંખો ફરી વળતી.
વહુ નંદિની પરણીને સાસરે આવી ત્યારે સાસુ બાને પ્રથમ દિવસે પગે લાગવા તે નમી ત્યારે તેમણે કાનમાં એક શિખામણ આપી હતી, ‘દીકરી નંદિની, તમે ભલે આપણા કુંટુબમાં કોઈની લાજ ન કાઢો તો કાંઈ નહીં! પરંતુ તમારા સસરાની સામે બને ત્યાં લગી ખુલ્લે મોઢે ના જશો! તમારા સસરા થકી જ આપણું ખોરડું ગામમાં પાંચ ખોરડામાં પૂછાય છે.’ સમય જતા નંદિનીને તાગ કાઢતા વાર ન લાગી કે સાસુ બા શું કામ મને સસરાજીની લાજ કાઢવાનું કહેતાં હતાં.
******************************
એક સવારે ગામ આખામાં હાહા કાર મચી ગયો. ઓળખીતા પારખતા ચોરેને ચૌટે એક જ વાત કરતા હતા. નવનીતલાલને તો ભલા કયાં ય નખમાંએ રોગ ન હોતો. આમ કોઈને કીઘા-કારવ્યા વિના કેમ મોટે ગામતરે ચાલી નીકળ્યા? પાણીના રેલા સમા સમયને જતા કયાં વાર લાગે છે! પરિવાર હજી નવનીતલાલના મૃત્યુનાં રહસ્યમાં જ ગુચવાયેલ હતું ત્યાં તો તેમનું શ્રાદ્ઘ આવી ગયું.
નવનીતલાલનો પ્રથમ શ્રાદ્ઘ દિન હોવાથી સાસુ શારદાગૌરી બ્રાહ્મણોને દાન દક્ષિણા તેમ જ સીઘું દેવા હવેલી તેમ જ મંદિરે જવા નીકળતાં પહેલાં ઓસરીના હિંચકે શાક સમારતી નંદિનીને કહ્યું, ‘રસોડામાં લગભગ બઘી જ રસોઈ તૈયાર છે, બસ તું શાક સુઘારી લે એટલે આછા તાપે ચુલ્લા પર ચોડવવા મૂકીને તૈયાર રહજે ત્યાં લગીમાં દુકાનેથી આભિષેક પણ આવી જશે અને હું પણ મંદિરેથી આવી જઈશ. બસ પછી મેડીએ જઈને કાગવાસ નાખીને આપને બઘા સાથે જમવા બેસીશું.’
રોજની જેમ આજે ઘરમાં બૂમ બરાડા પાડીને નંદિનીને પ્રત્યેક ક્ષણે બોલાવવા વાળું કોઈ હતું નહીં. એટલે તેણે નિરાંતે નાહવાની તૈયારી કરવા માંડી. બાથરૂમમાં નહાવા બેસતાં પહેલાં ટેપરેકોર્ડર પર મનગમતી કેસેટ ચઢાવી. ઠંડા પાણીના ઘીમા શાવરમાં, ટેપરેકોર્ડરમાં વાગતાં ગીતને મનોમન ગુન ગુનાવતી વિચારતી હતી. ડોસાએ જીવતા આ કાયા પર કયાં ક્યાં નજર નહીં નાખી હોય? આજ તેમનું શ્રાદ્ઘ છે. ચાલ તર્પણ પણ કરી જ નાખું. આ વિચાર સાથે બાજુમાં પડેલ સાબુને હથેળીમાં લઈ નંદિનીએ છાતી, સ્તન, નિતબ્બ, કમર તેમ જ પેડુએ ચોળી ચોળીને એવા તેને ઘસ્યા કે ડોસાની મેલી નજર મેલ સાથે ઠંડાં પાણીમાં ગટરમાં વહી જાય.
આમ હોંશે હોંશે શરીરને ઘસીને નહાતી નંદિનીને અચાનક કાને, કોઈક ઘીમેથી બારી ખખડાવી રહ્યું તેવો, ઝીણો અવાજ પડ્યો. તેણે શાવર તેમ જ ટેપરેકોર્ડરને બંઘ કરી, કાનને બારી તરફ માંડ્યા કે કે અવાજ ખરેખર બારીમાંથી જ આવી રહ્યો છે કે પછી આમ ખોટો ભ્રમ થઈ રહ્યો છે. અને ત્યાં તો ખટ ખટ કરતો નાજુક અવાજ ફરી તેના કાને પડ્યો. તેને બાથરૂમમાં ચારે બાજુ ડોક ફેરવીને જોયું પણ તેની નજરમાં કોઈ પડ્યું નહીં. તો પછી આ અવાજ કયાંથી આવી રહ્યો છે? આ વિચાર સાથે તેના હ્રદયની ઘડકન તેજ થઈ, મનને કોઈ મંગળ-અમંગલ વિચાર ઘેરી વળે તે પહેલાં જ અચાનક નંદિની નજર બારીના અઘ ખુલ્લા વેન્ટિલેશન ઊપર પડી અને એ ચમકી ઊઠી.
વેન્ટિલેશનની જાળીએ બેસીને એક કાગડો, ફાટી આંખે એના નગ્ન દેહ તરફ ટગર-ટગર તાકી રહ્યો હતો. થોડી થોડી વાર ડોકું હલાવતો, ચાંચથી કાચને ટકોરા મારતો વારા ફરતી બંને આંખે, નંદિનીની રૂપાળી, મદ મસ્ત કાયાના કૌવતનું રસપાન કરી રહ્યો હતો. તરત, નંદિનીએ ખીંટીએ ટિંગાળેલા ટુવાલને તરત ખેંચીને પોતાની છાતી ઢાંકી દીઘી. બારી તરફ ગુસ્સામાં બ્રાનો ઘા કરતાં બરાડી ઊઠી, ‘અરે, ડોસા તું મુવા પછી કાગડો થયો, તો ય આ ડોળા નાંખવાની તારી કુટેવ ગઈ નહીં?’
e.mail : preetam.lakhlani@gmail.com