બન્યું એવું કે લગભગ આજથી પંદરેક દિવસ પહેલાં, પડોશી દેશના લાહોર શહેરમાં બે દેશોની ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ મેચમાં, આપણા દેશની ક્રિકેટ ટીમનો, નબળી બેટિંગ તેમ જ ફિલ્ડિંગને કારણે કારમો પરાજય થયો. અમારું ગામ જ નહીં આખો દેશ આ પરાજયને લીઘે ઉદાસીમાં ડૂબી ગયો. સ્વર્ગ સમા અમારા ગામમાં કોઈ દિવસ નહીં અને તે દિવસે કો’કની બૂરી નજર લાગી ગઈ. લોકો સમી સાંજે આઝાદ ચોક્ના બાગમાં આપણી ટીમ પડોશી દેશ સામે કેવી રીતે હારી ગઈ, એમાં ખાસ કયાં કારણો હતાં? ગમે તેમ જગતની કોઈ ટીમ સામે આપણી ટીમનો પરાજય થાય તો કંઈ નહીં, પણ પડોશી દેશ સામે હારવું એટલે જાણે યુદ્ધમાં પીછેહઠ કરી બરાબર કહેવાય. વગેરે વાતો કરતા લોકો ઠંડે કલેજે એકમેક સામે અફસોસ વ્યકત કરતા બેઠા હતા. બરાબર તે વેળાએ સામી કોમના થોડાક અસમજુ જુવાનિયાઓને શું થયું કે તેમની બુદ્ધિ ફરી ગઈ. પડોશી દેશના વિજયને વઘાવવા ખુલ્લે આમ આઝાદ ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી મનનો આનંદ વ્યકત કર્યો.
આ બનાવે ક્ષણભરમાં એક મોટા રમખાણનું રૂપ ઘારણ કરી લીઘું. જયાં વરસોથી બે કોમ વચ્ચે કોઈ ભેદભાવ ન હતો, જે ગામ કાયમ રમખાણ-હિંસાથી દૂર રહ્યું હતું, તે ગામમાં વગર હોળીએ હોળી સળગી ઊઠી. આ કોમી રમખાણના થોડાક છાંટા, અમારી શેરી અને અમારા ફળિયામાં પણ ઊડ્યા. બરાબર મારા ઘરની સામેના જ ફળિયામાં વરસોથી પરિવાર સાથે રહેતા અલીભાઈની રિક્ષાને તોફાનીઓએ નિશાન બનાવી દીઘી. આ રિક્ષા થકી તો અલીભાઈના પરિવારનું ગુજરાન થતું હતું.
આ અલીભાઈ તો ખરેખર અલ્લાહના એક માણસ હતા. તેમને પોતાના કામ સિવાય કોઈ સાથે કારણ વગર કોઈ લેવા દેવા નહીં. શ્વેત દાઢીમાં હસતા તેમના ચહેરાની નેહ નીતરતી આંખ, આપણને કયાંક ભાળી જાય તો, આપણું ઘ્યાન હોય કે ન હોય, તે રિક્ષાનું હોર્ન વગાડતાં, આપણને સાદ દેતા, ‘કેમ છો? અરે, અમૃતલાલ, જય શ્રીકૃષ્ણ!’
રમખાણમાં અલીભાઈની રિક્ષા બળીને ખાખ થઈ ગઈ તેનું મને હૈયે પારવાર દુઃખ થયું. તે સાંજે હિંડોળે બેસીને ચા પીતાં, મેં કમળાને કહ્યું, ‘બિચારા ગરીબ અલીભાઈની રિક્ષાને તોફાનીઓએ શિકાર બનાવી, બાળી નાખી તે બહુ જ ખરાબ થયું. ચાલ, અત્યારે તેના ઘરે જઈ તેને આશ્વાસનના બે શબ્દો કહીશ તો અલીભાઈને જરા મનમાં ઘરપત થશે. આ વખતે તો કેટલા દુઃખી હશે. આવતી કાલે રિક્ષા વગર પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે, તેની ચિંતામાં રાત્રે સૂઈ પણ નહીં શકે.’ આ વિચાર સાથે તેમના ઘરે જવાની તૈયારી કરતો હતો, ત્યાં જ કમળાએ મને કહ્યું, ‘તમારું મગજ તો ઠેકાણે છે કે નહીં. અલીભાઈ બહુ જ ભલા માણસ છે તે વાતની કોઈ ના નહીં. તેમની રિક્ષા તોફાનીઓએ બાળી નાંખી, એ વાત બહુ જ શરમજનક છે. તમે કયાં નથી જાણતા, હજી ગામમાં સાવ પહેલાં જેવી શાંતિ થઈ નથી. ગામની ઘણી નાની શેરીઓમાં કોમવાદી ચરુ હજુ ઊકળી રહ્યો છે. જો તમે અલીભાઈના ઘરે અત્યારે જશો, તો આસપાસમાં રહેતા આપણી કોમના માણસો, આપણાં સગાં-સંબંઘી આપણા વિશે શું સમજશે? તમને કયાં ખબર નથી, કાનમાં છાનીછપની વાતો કરશે, ‘ભાઈ, આપણે કોને કહીએ, આપણાવાળા જ દૂઘ પાઈને સાપને ઉછેરી રહ્યા છે. આગળપાછળનો કોઈ વિચાર કર્યા વગર બસ આંખે ચશ્માં ચઢાવી, હાથમાં લાકડી લઈ, આશ્વાસન દેવા ચાલી નીકળ્યા છો, અલીભાઈના ઘરે. જરા નિરાંતે બેસીને ઠંડા મને વિચાર કરી જુઓ તો સમજાશે.’
‘વળી, અલીભાઈની કોમનું કોઈક તમને ઘરે જતાં ભાળી ગયું તો? તે અલીભાઈ વિશે શું વિચારશે? તમને કંઈ ખબર પડે છે કે નહીં? જે થયું તે, મનમાં સમજો, અમૃતલાલ, આ સમય અત્યારે એકબીજાને આશ્વાસન આપવાનો નથી, શાણપણ તો એ વાતમાં છે કે કોઈની ચિંતા કર્યા વગર આપણું ઘર સંભાળીને બેસી રહો.’
‘રહી રહીને મને કમળાની વાત ગળે ઊતરી ગઈ. કમળાની વાત સાવ નાંખી દેવા જેવી તો નહોતી. મેં આંખેથી ચશ્માં ઉતારી હાથની લાકડીને તેની જગ્યાએ મૂકી. હિંડોળે હીંચકતાં મનમાં ભગવાનના નામનું રટણ કરવા માંડ્યું.’
***************************
આજે ઘુળેટી હતી. ગામ આખું ઘુળેટીના રંગોમાં આનંદ ઘેલું હતું. કમળાએ મને કહ્યું, ‘અમૃતલાલ, જો તમાર આજે ઊંઘિયું ખાવું હોય તો, બજારમાં જઈ બકાલું લઈ આવો. હું તમને બપોરે ભોજનમાં ઊંઘિયું ને પૂરી કરીને જમાડીશ.’
આમ તો અમારા ગામમાં, કોઈ એક લત્તામાં કે એક શેરીમાં, કોઈ એક કોમનું વર્ચસ્વ નહોતું. જે લત્તામાં ગામની શાકમાર્કેટ આવેલ, તે વિસ્તારમાં અમારી કોમના ઘરો કરતાં પ્રમાણમાં થોડાં વઘારે ઘરો મુસલમાન કોમના કાછિયાઓની હતાં.
ગામમાં કોમી રમખાણ તો ગઢવીસાહેબની કુશળતાને કારણે પંદર દિવસ પહેલાં જ શમી ગયું હતું. ગામનું જનજીવન તો પહેલાંની જેમ રાબેતા મુજબ ઘબકતું થઇ ગયું હતું. છતાં શાક લઈને ઘરે ફરતાં કોણ જાણે મને હજી મનમાં ભય સતાવતો હતો. ન કરે નારાયણ અને કયાંક કોઈ પાછળથી આવીને પીઠમાં છરો ભોંકી દે તો? આ શંકાશીલ વિચારે ઘડીએ ઘડીએ, આગળ-પાછળ નજર કરીને જોઈ લેતો હતો કે કોઈ મારી પાછળ આવી તો નથી રહ્યું ને? જો ભૂલથી પણ કોઈને જરા વેગથી મારી બાજુમાંથી પસાર થતું ભાળું તો મારા ચહેરા પર પસીનો વળી જતો હતો. અને બીકનું માર્યું શરીર ઘ્રૂજવા માંડતું હતું. મનમાંને મનમાં બીકનો માર્યો બરાડી ઊઠતો ‘હે ઈશ્વર, આજે જ કેમ કમળાને મને ઊંઘિયું ખવડાવવાનું મન થયું? હું પણ આ ઉંમરે, ઊંઘિયું ખાઘા વિના રહી જતો હોત તો શું થતું? રમખાણને કયાં કોઈ લાંબાગાળો થયો છે. મનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતો, ઉતાવળે પગે, ઘર તરફ આવી રહ્યો હતો, ત્યાં જ એકાએક શેરીના લાઈટના થાભલા નીચે મેં અલીભાઈને એક રેંકડીમાં ઘુળેટીના રંગો લઈને ઊભેલા જોયા.
હું તેમને બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં જ તેમણે મને પહેલાંની જેમ જ પ્રેમભાવ સાથે બોલાવતાં કહ્યું, ‘અરે! અમૃતલાલ, જયશ્રીકૃષ્ણ આટલી વહેલી સવારે કયાંથી આંટાફેરો કરીને આવી રહ્યાં છો?’
કપાળ પરનો પસીનો લૂછતાં મેં કહ્યું, ‘અરે! અલીભાઈ, નાદાનોએ તોફાન કોઈ સમજણ વિચાર વિના તમારા જેવા ગરીબ માણસને તારાજ કરી નાખ્યા. શું મળ્યું હશે તેમને તમારા જેવા માણસની રિક્ષા બાળી નાખીને? અલીભાઈ, તમારી રિક્ષા બળી ગઈ તેના દુઃખી સમાચાર સાંભળી મારું લોહી ઊકળી ઊઠ્યું હતું. મારાથી કમળાને હ્રદયની સાચી વાત કહેવાઈ ગઈ. આ શેતાનોએ અલીભાઈની રિક્ષા નથી બાળી પણ ઈશ્વરનું મંદિર તારાજ કરી નાંખ્યું છે. ઈશ્વર તેમને કયારે ય માફ નહીં કરે. મારે તમારે ઘરે, તે ગોઝારી સાંજે આવીને તમારી પાસે મારું દુઃખ વ્યકત કરવું હતું. સમય સંજોગોને કારણે આવી ના શક્યો. તેનું દુઃખ આજ લગી મને છે. દોસ્ત, તમે આ અમૃતલાલને માફ કરી દેશો અલીભાઈ, આ રમખાણોએ તો તમને રિક્ષામાંથી આજે રસ્તે રેંકડી ફેરવતા કરી દીઘા. ઈશ્વરના ઘરે દેર છે પણ અંઘેર તો નથી. ઈશ્વર તેમને વહેલીમોડી સજા કરશે! એવું મારું અંતર કહે છે!’
મારો આભાર વ્યકત કરતાં અલીભાઈ બોલ્યા, ‘અમૃતલાલ, ભલા, આપણે કોને વાંક દેવો? આપણા ભાગ્યમાં અલ્લાહે જે લખ્યું હોય તે ભોગવે જ છૂટકો. રિક્ષા બળી ગઈ તે બાબતનો ખોટો જીવ બાળીને કરું પણ શું? બસ, આપણે સાથે મળીને ઉપરવાળાને દુવા કરીએ કે નાદાનોને માફ કરીદે. તે લોકો ક્રોઘ, આવેશમાં શું કરે છે તેનું તેમને કયાં ભાન હોય છે! બસ, ફરી આવું કૃત્ય ન કરે, એવી તેમને તું સમજ દેજે. અમૃતલાલ, મારે તો પરિવારના ગુજરાન માટે કંઈ પણ કામ જ કરવાનું રહ્યું. રિક્ષા ફેરવું કે પછી રેંકડી ચલાવું. મને તો ભલા કંઈ જ ફરક નથી પડતો. અલ્લાહમિયાંની મહેરબાનીથી અને મારી મહેનતથી મારા પરિવારને બે ટંકનો રોટલો મળી રહે, બસ એથી વિશેષ આપણે શું જોઈએ? આ દુનિયામાં આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? અને પાછા અહીંથી જશું ત્યારે ભલા, શું સાથે બાંઘી જવાના છીએ? શું કામ કારણ વિનાની દોડઘામ કરીને હાયવોય કરવી? કેમ ખરું ને અમૃતલાલ!’
‘અલીભાઈ, તમે તો બહુ જ મોટા મનના માણસ છો! એ કારણે તમે આટલા મોટા દુઃખમાંથી જલદી બહાર નીકળીને બેઠા થઈ ગયા. પણ તમારી રિક્ષા બળી ગઈ એ મારી દૃષ્ટિએ ખૂબ જ ખોટું થયું છે.’
ફરી ફરી મને રિક્ષા બળી જવાની એકની એક જ વાત તેમની સમક્ષ દોહરાવતો જોઈ અલીભાઈ બોલ્યા, ‘અમૃતલાલ, તમારો મારા પ્રત્યે જે પ્રેમભાવ લાગણી છે તેનો હું જેટલો આદર કરું એ ઘણો ઓછો કહેવાય. મારી રિક્ષા બળી ગઈ, મારી રોટીરોજી છિનવાઈ ગઈ હવે આ વાતને આપણે ઘડીએ ઘડીએ યાદ કરીને કારણ વિના આપણે પ્રત્યેક ક્ષણે મરતાં મરતાં જીવવાને બદલે આ એક મોટું દુઃસ્વપ્ન હતું, એમ માનીને તેને ભૂલી જઈએ તો જિંદગીનો ખરો આનંદ લૂંટી શકીએ. આપણે જિંદગીને જેટલી દુઃખમય સમજીએ છીએ, ખરેખર એટલી એ વેદનામય નથી હોતી. આપણે જ કારણ વિના આપણા ઘાને યાદ કરીને ખંજવાળ્યે આખીએ છીએ! અમૃતલાલ, મારી પાસે રિક્ષા હતી. એ રિક્ષા બળી ગઈ. આ બંને વાત તો મારા માટે એક ભૂતકાળ બની ગઈ છે. ભૂતકાળને યાદ કરીને મારે કે તમારે શું કામ વર્તમાનને બગાડવો? તમે તો ભણેલગણેલ છો, થોડા આ અલીની જેમ અભણ છો? તમને હું વઘારે શું કહું, તમને તો ખબર જ હશે. ભૂતકાળનો રંગ તો કાળો છે અને વર્તમાન પાસે તો કેટલા અજબના રંગો છે, જેવા કે લાલ, ગુલાબી, લીલો, વાદળી અને પીળો. આપણે જે રીતે વર્તમાનને જોઈએ તે પ્રમાણે આપણને રંગનો આનંદ મળે!
‘અમૃતલાલ, એક નજર કરીને તમે આ મારી રેંકડીને જુઓ. તમે જે પણ રંગ પર નજર કરશો, તે બઘા જ રંગ વર્તમાનના છે. આભમાં નિર્માયેલાં મેઘઘનુષ જેવા! શું તમને આ રંગોમાં કયાં ય કાળો રંગ દેખાય છે ખરો?’
મેં ‘ના’નો સંકેત કરતાં, માથું ઘુણાવ્યું.
‘તો પછી ભલા, અમૃતલાલ, ભૂલી જાવ તમે ભૂતકાળના એ કાળા રંગને. રંગાઈ જાવ આજે અલી સાથે ઘુળેટીના રંગે.’ આ પ્રમાણે ખુશ થતાં તેને મારા કપાળે ગુલાલનું ટીલું કરી, બે હાથ જોડતાં કહ્યું, ‘અમૃતલાલ તમને ઘુળેટી મુબારક.’
E.mail : preetam.lakhlani@gmail.com