ઝરમર વરસતા ટહુકે ટહુકે રે હું તો
ભીંજાતી જાઉં ને હરખાતી જાઉં…
ઘેરેથી ખેતરિયે આવતાં ને જાતાં
નદી- નાળાંએ હું લજવાતી જાઉં…
લીલ્લેરા લીમડાનો લીલ્લેરો છાંયડો
મારી રે સંગ સંગ ચાલે!
ઝાંઝરના ઝણકારે વમળાતો વાયરો
લહેરાતી ચૂંદડીને ઝાલે!
કમખાના મોર ભેગી હસી કૂદીને હું
વાત્યુંનાં વ્હેણમાં ખોવાતી જાઉં…
ઘેરેથી ખેતરિયે આવતાં ને જાતાં
નદી- નાળાંએ હું લજવાતી જાઉં………
સાંજ ઢળ્યે રે મુંને સખીયું કહેશે કે
હાથમાં તું મહેંદી મુકાવ!
એક એક નજરુંમાં ઊઘડશે આભ પછી
હેતાળું છલક્યું તળાવ!
મનના માંડવડે હું સાત સાત ફેરામાં
સાજનનાં ગીતડાઓ ગાતી જાઉં…
ધેરેથી ખેતરિયે આવતાં ને જાતાં
નદી-નાળાંએ હું લજવાતી જાઉં……….
65 Falcon Drive, West Henrietta NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com