-1-
આકાશ કેમ આપું?
પાંપણથી દડતું આકાશ કેમ આપું?
સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું!….
આવતા ને જાતા ચણું સમણાંની મેડી!
મનગમતી વેળા લઉં હરખથી તેડી!
લાંબા ટૂંકા પડછાયે સૂરજને માપું! …
સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….
મધરાતે ખોલું હું તો નીંદરની ડેલી!
સુખની સવાર કેવી કરતી રે કેલી!
સોનેરી દહાડા કંઈ આમ જ હું કાપું! …
સવાર ને સાંજ કે બપ્પોરે દેખાતાં નિતનવા રંગભર્યા અજવાળે વ્યાપું! ….
•
-2-
આભમાં ચાંદો ઊગ્યો
મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!
રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …
આંખ્યું ચોળીને જોયું મુખડું એનું રે સખી!
અમથી જ્યાં બારી મેં ખોલી!
વરસો પછી આ મારી ભીનેરી પાંપણ પર
સુખની ખેલાઈ રહી હોલી!
રાત પડખાં ફેરવતા જાગી ‘ને મનડાંમાં સૂરજ ઊગ્યો!
રે સખી! મારા મનડાંમાં સૂરજ ઊગ્યો! …
મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….
ધોળે દિવસે રે જાણે દીવો કર્યો રે મેં તો
મનડાંનાં એક એક ગોખે!
મને જોવાને આવ્યો ત્રિભુવનનો નાથ એવું
આંગણિયે લોક મને પોંખે!
લીમડાની ડાળ ડાળ મ્હોરી કે બાવરો ચાંદો ઝૂક્યો!
કે સખી! મારો બાવરિયો ચાંદો ઝૂક્યો! …
મારે મોભારે મોરલો ટહુક્યો કે આભમાં ચાંદો ઊગ્યો!…….
રે સખી! મારા આભલિયે ચાંદો ઊગ્યો! …
•
-3-
ઉઘાડે માથે ..
ઉઘાડે માથે હું શેરીમાં નીકળું ને ખોંખારો ખાય ચોરો ઈચ્છું એવું!…
ખોંખારે ખોંખારે ઠેસ મને લાગે ને સૈયર કહે રે મને કેવું કેવું?…
ઓસરીની થાંભલીના ટેકે ઊભી ને જોઉં જર્જર ભીડાયેલી ડેલી!
હમણાં આવીને મને કહેશે રે સૈયર કે માણીગર આવ્યો થા ઘેલી!
આંખ્યુંમાં એક્કેયે આંસુ નથી ને તો ય કાજળ લૂછું રે કેમ જેવુંતેવું….
ખોંખારે ખોંખારે ઠેસ મને લાગે ને સૈયર કહે રે મને કેવું કેવું?…
ચિઠ્ઠી લખીને ભૂંસુ, ભૂંસીને ફરી લખું એવું કાં અંદરથી થાતું?
આડી પડું તો મારું મનડું ખિલખિલ થૈ વ્હાલમનું ગીત અહીં ગાતું!
એકલડી ઝૂરુ ને લાજી મરું રે મારે કોઈથી કશુંય નથી લેવું દેવું!…
ખોંખારે ખોંખારે ઠેસ મને લાગે ને સૈયર કહે રે મને કેવું કેવું?…
•
-4-
ઊંડતા પારેવડાની પાંખો
સખી! તારી આંખોને લોકો સહુ કહેતા હતા કે,
એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો
હું તો કહું છું તારી આંખો છે મારે મન,
ઊડતા પારેવડાની પાંખો!
મળવાના કૉલ તારે દેવા જો હોય
તો મેના-પોપટથી કહાવજો
શેરીમાં મળવાનું થાય તો આ આંખોથી
છાનાં ઈશારા વહાવજો
સખી! તને મારા સોગંદ અગર મનની વાતોને
ગળે ટૂંપો દઈને હવે રાખો રે રાખો
એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો
છલકાતી ગાગર ને ભીંજાતી ચોળીઃ
તમે એવી તે કેવી લાજ કાઢી
કે ખેતરને શેઢે તમને જોતાં રે વેંત અમે
નજરું ઢાળી ને દીધી વાઢી
આંખોના ચેનચાળા સમજી ન શકીએ કંઈ
મનડાને મીઠા રે બોરાંની જેમ તમે ચાખો..
એ તો ગુલમ્હોરની લીલીછમ્મ સાખો
•
-5-
એક છોકરી
એક રૂપાળી છોકરી મને ફૂલ ધરી ગઈ
ભૂલભૂલમાં કે વ્હાલમાં
એની ખબર ક્યાં છે?…
લાભેશુભેથી ભીંતે લખેલા રેલાણા રે
ઘર બધાએ નદીઓના રે વેશે!
શ્વાસોમાં ઊછળતો દરિયો હાંફતો
ખેંચી જાય છે મને પરીઓના
કોઈ દેશે!..
હૈયા સરસું ફૂલને સૂતા જાગતા રાખ્યું
મદમાતી હર ચાલમાં
એની ખબર ક્યાં છે?…
ઝાંઝરિયુથી રણકે સૂની શેરીયું એ
પનિહારીઓના હર પગલે પગલે
તળાવ જાગે!
ઝાકળ જેવા સમણાઓ બેચાર
સરકતા જળમાં ત્યારે કમળથી કાં
વમળ ભાગે?
મારામાંથી મુજને લઈ જાય છે ક્યાં
આજ – કાલમાં
એની ખબર ક્યાં છે?…
•
-6-
એક પાન લીલું
આંગણની ડાળમાં છે એક પાન લીલું!
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…
ચારેકોર ઊભું છે લીલુંછમ વન હું તો એકલડું સુક્કું રે ઝાડ!
દૂર દૂરથી મુંને તાકીને સંતાતા વાદળમાં કેવા પહાડ!
આસપાસમાં અહીં કોઈ નથી બાઈ! હું તો સપનાં જોઈને રે ખીલું!..
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!…
ખળખળતા ઝરણાંને કાખમાં લિયે છે રે અહીં તહીં ઊભું આકાશ!
વૈશાખી વાયરાના વેગીલા તોરમાંથી ઝંખું હું હરપળ ભીનાશ!
આષાઢી લાગણીના એકાદા વરતારે જીવતર થઈ જાયે રંગીલું!…
અંબરથી ધોધમાર વરસે તે ટહુકાને તોય હું તો હરખાતી ઝીલું!….
•
-7-
કરવી નથી રે જાતરા …
શિયાળુ સવારના કુમળા આ તડકાઓ લાગે છે કેમ અહીં આકરા?
ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…
ચકાનો હાથ ઝાલી ચકી આવી છે મારા ફળિયામાં ચણવાને ચણ!
આભે અકારો થઈ વેરે સૂરજ એની ખફગીની સહુને સમજણ!
મનમાં ને મનમાં હું મલકું ને ખેરવે છે માથા પર કેસુડો વાયરા!…
ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…
ટપટપ ટપ એક પછી એક ખર્યાં પાંદડાંને લિલ્લેરી ડાળ કેમ સાંધે?
ક્રાઉં ક્રૌઉં વચ્ચે ક્યાં એકકેયે ટહુકો મારી ચૂંદડીના છેડલાને બાંધે?
ઉંબરા ભરોસે ઘર રેઢું મૂકીને ક્યાંય કરવી નથી રે મારે જાતરા!…
ઓસરીની કોરે હું વીણું છું ઘઉં તોયે આંખોમાં અટવાતા કાંકરા!…
•
-8-
કરશું રે પ્રીત
ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!..
બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને
કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…
કલબલતી ડાળોમાં ઝાકળ આવીને આજ
કળીઓની પાંપણને ખોલે!
એક પછી એક એક ડોલંતી પાંદડીઓ,
પવન સાથે રે કૈંક બોલે!
ખળખળતાં ઝરણાં પર ભૂરા રે આભનું
વરસે છે હેત એની નોખી રે રીત!…
બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને
કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…
આખીયે રજનીમાં ચાંદનીથી વાત કરી
નેવાં સૂરજ ને જગાડતા!
ઓસરીમાં ગોટમોટ પોઢ્યા અંધારને તો
ટમટમતા દીવડા ભગાડતા!
બારીએ બેઠેલું લહેરે પારેવડું રે
તરસે છે આજ ભીનું ભીનું સંગીત!…
બાઈ! હવે આપણે તો ઊજવી એકાંતને
કરશું રે પ્રીત અને ગાશું રે ગીત!…
ચારેપા ભીંતો છે ભીંતો છે ભીંત!…
•
-9-
કાનમાં કહેવું શું રે?
કાનમાં કહેવું શું રે સજન એટલા ક્યાં છો દૂર?
છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!…
ફળિયે બેસી એમ વિચારું તાકતી મને કેમ હવે આ ઓસરી પળેપળ?
અજવાળાની આંગળી ઝાલી નીકળી પડું સાવ રે ડેલી સોંસરી પળેપળ!
ભરબપોરે ઘેન ચડે ને નવરાશે હું લથબથ ભીનાં સપનામાં ચકચૂર!
છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!….
અંતરિયામાં વાંસળી સાથે હાથતાળી દઈ જાય છે કેવું સાંજલ ટાણું!
સાવ બસુરું તરબતર નભ હોય એમાં ક્યાં છેડવું મારે પ્રીતનું ગાણું?
આભલું પણ મલકીને અહીં કંઈ ન કહે કેવળ છેડે આતમ ભીના સૂર!
છલકાતી ગાગરમાં ભરું જમના સાથે પ્રેમનું હું તો પૂર!
•
-10-
કેમ હરિ ના બોલે?
બોલાવું પ્રેમે જો આજે કેમ હરિ ના બોલે?
મનડું મારું નાહકનું શું એમ મૌનમાં ડોલે!…
એના પગલે પગલે શોધે
મંઝિલ મારગ મારો!
હેતે હેતે સાંધું ડગલો
જીવતરનો પરબારો!
ઝાકળ ન્હાતી કળીકળીઓ ઊડવા પાંખો ખોલે!..
મનડું મારું નાહકનું શું એમ મૌનમાં ડોલે!…
લીલાં વનનાં સૂડાને શીદ
સૂનો વગડો લાગે?
પાન ખર્યાંની વેળા જંગલ
દઝાડતી કાં આગે?
સુખદુઃખની હર પળેપળો તો ચડી ગઈ છે ઝોલે!..
મનડું મારું નાહકનું શું એમ મૌનમાં ડોલે!…
•
-11-
કોરી પાંપણે વરસાદ
કોરી પાંપણે પડ્યો વરસાદી છાંટો!
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
એકલતા પજવે દિનરાત મને એવી કે
મેળો પણ લાગે અકારો!
પળે પળે વ્હાલમને યાદ કરી ઝૂરું શું
આમ જ આ વીતશે જન્મારો?
રોજ રોજ જોઉં મારી કોરી હથેળિયું તેં
સખીયું ને કેમ કહું મહેંદી રે વાટો?…..
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
ગાતાં પવનનું ગીત વાયરાના હોઠોથી
કેમ કરી આંચકું રે બોલો?
હું તો બજારે આજ નીકળી છું વેચવાને
દખનાં એંધાણ તમે તોલો?
કમખાના મોરલા જો ગમતીલું બોલે તો
પૂરો થૈ જાય મારા જીવતરનો આંટો!….
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
e.mail : preetam.lakhlani@gmail.com