રંભામાનો જીવ જરા ઉત્પાતિયો. આમ તો તેમને ચિંતાનું કોઈ કારણ હતું નહીં. છેલ્લાં કેટકલાંક વરસોથી રંભામાને એક ચિંતા કારણ વગર ઘર કરી ગઈ હતી કે જો નળમાં સવારે પાણી નહીં આવે તો?
રંભામા જે સોસાયટીમાં રહેતાં હતાં તે સોસાયટીમાં નળમાં પાણી સવારે રોજ નવને ટકોરે ફકત વીસ મિનિટ માટે જ આવતું હતું. કયારેક રંભામાનાં અને સોસાયટીનાં નસીબ સારાં હોય તો પાણી વીસ મિનિટને બદલે બાવીસથી ત્રેવીસ મિનિટ આવતું અને કોઈ દિવસ નસીબનો પડિયો કાણો હોય તો પાણી વીસને બદલે અઢાર મિનિટમાં બંઘ થઈ જતું, ત્યારે રંભામાનો મગજનો પારો આસમાને ચઢી જતો. નગરપાલિકા અને બંઘમાંથી પાણી છોડતા કર્મચારીઓને મનમાં જેટલી યાદ આવી હોય એટલી એક સામટી બઘી ગાળો બેઘડક ભાંડી નાંખતા રંભામાની જીભ જરા ય અચકાતી નહીં.
ભલા આમ તો રંભામાને જોઈએ કેટલું પાણી? પોતાના માટે અને રામજીબાપાના રોજિંદા વપરાશ માટે બેથી ચાર બાલટી! પણ રંભામા તો રોજ પતરાનાં બે મોટાં પીપડાં, બે-ચાર બેડાં, એકાદ બે બાલટી સાથે હાથમાં જે કંઈ નાનુંમોટું વાસણ આવે તે વીસ મિનિટ આવતા નળમાં ઘડાઘડ ભરી લેતાં હતાં.
દિવસ આખો પોતે કોઈ સંકોચ કે કરકસર કર્યા વગર પાણી પોતાના રોજિંદા વપરાશ માટે વાપરે, બાકીનું બચેલ પાણી સોસાયટીમાં જે કોઈ સવારે વહેલુંમોડું ઊઠ્યું હોય કે પછી બીજા કોઈ કારણસર પાણી ભરી શક્યું ન હોય, એવાં અડોશી-પડોશીને બે હાથે લ્હાણી કરી, સ્વર્ગમાં જવાનું પુણ્ય કમાવવાનું રંભામા ચૂકતાં નહીં.
આજે વૈશાખની ઘોમ ઘખતી બપોરે દાંતે બજર દેતાં ઓસરીમાં હિંડોળે બેઠાં. મનમાં એક જ ચિંતા કરતાં હતાં કે જો આવતીકાલે સવારે નળમાં પાણી નહીં આવે તો? પાણી વગર દિવસ આખો જશે કેવી રીતે? આજે સવારે જ ટી.વી.ના સમાચાર દ્વારા જાણ્યું કે, નગરના તળાવમાં આ ઘોમ વૈશાખના તડકાને કારણે પાણી સુકાવા માંડયું છે. ચોમાસું ગયા વરસની જેમ આ વખતે બે-ચાર અઠવાડિયાં લંબાશે તો? નગરપાલિકાને ન છૂટકે રોજ અપાતા વીસ મિનિટના પાણીમાં કાપ મૂકવાનો સમય આવશે?
બરાબર એ જ વખતે પાણીની ચિંતામાં ડૂબેલાં રંભામાને ‘ટ્રીન ટ્રીન’ સાઈકલની ઘંટડી વગાડતા, ડેલીમાં પ્રવેશેલા બચુ ટપાલીએ, જયશ્રીકૃષ્ણ કહી, તેમના હાથમાં એક પોસ્ટકાર્ડ પકડાવી, સાઈકલને ડેલામાંથી પાછી બહાર જવા જરાક ઘુમાવીને વળાંકમાં લીઘી ન લીઘી ત્યાં જ રંભામાએ હાક મારીને બચુને ફળિયા વચ્ચે ઊભો રાખી દીઘો, “અરે! બચુ દીકરા, તારા બાપા તો સમી સાંજ પહેલાં કયે દિવસે ઘરે આવે છે? મારે તેમની રાહ જોતાં, હાથમાં પોસ્ટકાર્ડ પકડીને કયાં લગી બેસવું? મારા વ્હાલા, તું જ મને આ પોસ્ટકાર્ડ વાંચીને જે કંઈ સારામાઠા સમાચાર હોય તે સંભળાવી દે તો ભલા, તારો ઉપકાર થશે.”
“લાવો માડી, પોસ્ટકાર્ડના સમાચાર તમને સંભળાવી પછી જ સોસાયટીના બીજા ઘરે ટપાલ નાંખવા જઈશ!” આ પ્રમાણે જણાવી બચુ ટપાલી નાકની દાંડીએ ઢળી ગયેલાં ચશ્માંને હળવેકથી આંખે ચઢાવી. પોસ્ટકાર્ડને વાંચવા માંડયું. પોસ્ટકાર્ડના શબ્દેશબ્દ વાચતાં બચુનો ચહેરો ક્ષણવારમાં ચમકી ઊઠ્યો. “અરે! રંભામા લાવો પેંડા અને કરાવો આ બચુનું મોઢું મીઠું. પછી જ હું તમને આ પોસ્ટકાર્ડના ખુશી સમાચાર જણાવું!”
“અરે! બોલ, જલદી બોલ મારા દીકરા, બચુ, શું ખુશી સમાચાર છે પોસ્ટકાર્ડમાં? દીકરા તારા એકનું જ નહીં હું તો આખી સોસાયટીનું મોઢું મીઠું કરાવીશ!”
“માડી, તમારા નાના દીકરા વૈકુંઠરાયના ઘરે બે દિવસ પહેલાં જ દીકરાની પઘરામણી થઈ છે.” દીકરા વૈકુંઠરાયના ઘરે પુત્રની પઘરામણી થઈ છે, તેના ખુશી સમાચાર બચુના મુખે સાંભળી રંભામા હિંડોળેથી સબાક્નારાં ઊભા થઈ ગયાં. બચુને બે હાથે દુઃખણા લેતાં, સાડલાને છેડે બાંઘેલ એક સો’ની નોટ કાઢી, બચુના હાથમાં મૂકતાં બોલ્યાં, “લે બચુ તું તારે આજે ખુશીથી મારી વતી બપોરે ચા સાથે જલેબી ગાંઠિયા ખાજે, અને પછી ઓસરીની જાળીમાંથી દેખાતા શ્રીનાથજીના ગોખલા સામે, બે હાથ જોડી હરખાતાં બોલ્યાં, “હે વાસુદેવ, તમે તો આજે આ દુખિયારીનો ખોળો ઉત્સાહ આનંદથી છલકાવી દીઘો!”
દીકરાના ઘરે પાંચ દીકરી પર દીકરો આવ્યો તેની ખુશીમાં દાંતે બજર દેવા, રંભામાએ જ્યાં હોઠ ખોલ્યાં, ત્યાં જ રંભામાના કાને ટપ…ટપ… નળ ટપકવાનો અવાજ પડયો.
અરે! આખરે બપોરે બે વાગ્યે કંઈ નળ આવતો હશે? હું પણ બાઈ ખરી છું! આમ આ ઉંમરે ઘોળે દિવસે દિવાસ્વપ્ન જોવા કિયારથી માંડી! ફરી તેમના કાને નળ ટપકવાનો અવાજ જરા તીવ્રતાથી સંભળાયો. રંભામાએ કિચુડ કિચુડ કરતાં હિંડોળાને ક્ષણવાર માટે થંભાવી, કાન જરા બાથરૂમની મોરી તરફ માંડ્યા. થોડી વાર પહેલાં કાને જે ટપટપ ટપકવાનો અવાજ સંભળાતો હતો તે હવે વઘારે તેજ ગતિથી ઘાર સમો પડવાનો જણાતાં રંભામા હિંડોળેથી ઊભાં થઈ બાથરૂમ તરફ દોડ્યાં. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
“અરે! હું આ શું જોઈ રહી છું? આજે ખરે બપોરે નળની પઘરામણી થઈ ગઈ!” રંભામાએ પળનો પણ વિચાર કર્યા વગર, બાથરૂમના ખૂણામાં પડેલ એક બાલટીને લઈ નળ નીચે મૂકી દીઘી અને પછી નળ આગમનના ખુશી સમાચાર આપવા ઓસરીના ખૂણે પડેલ લાકડી લઈને આખી સોસાયટીમાં નીકળી પડ્યાં. સોસાયટીમાં રંભામાને જે કોઈ નાનુંમોટુ મળે તેને બસ એક જ ખુશી સમાચાર આપવા માંડ્યાં. અરે! પાણી ભરવા માંડો આજે ઈશ્વરની ઈચ્છાથી ઘોળે દિવસે લૉટરી લાગી ગઈ છે. સવારે આવતો નળ આજે બપોરે આવી ગયો!”
હાથમાં લાકડી લઈ હરખઘેલાં દોડે જતાં રંભામાએ ગેલરીમાં બેસી ઉનાળાની ગરમીથી અકળાઈને ઉઘાડા ડિલે છાપું વાંચતા શોભિતની નજરે ચઢી ગયાં, તેણે રંભામાને ઊભાં રાખી પૂછ્યું, “અરે! માડી, આજ આટલાં ખુશ થઈને કયાં દોડે જાવ છો?”
“અરે! દીકરા શોભિત, તું તારી વહુ કલ્પનાને કહે કે રોજ સવારે મોડી ઊઠવાથી ટેવાયેલી તું પાણી ભરવાનું ભૂલી જાય છે અને પછી દિવસ આખો મારો જીવ ખાતી, બે-પાંચ ડોલ મારા પીપડામાંથી ભરી જાય છે, તો આજે મારા વ્હાલાની મહેરબાનીથી નળ બપોરે આવી ગયો છે, તો બે-ચાર બેડાં કે ડોલ પાણી ભરીને તું તારે પછી નિરાંતે ટી.વી. જોજે. એટલે મારે પણ નિરાંત!” એ જ વખતે રંભામાની નજર સોસાયટીના ચોકમાં પીપળા તળે એકલા એકલા ગોટી રમતાં અમિત પર પડી. “એ અમિતિયા તારી મા શુશીલાને જઈને જલદીથી કહે કે, પછી નિરાંતે બપોરે સૂજે. આજે નળ બપોરે આવ્યો છે તો બે ચાર ઘડા પાણીના ભરી લે એટલે કારણ વગર સાંજે મારો જીવ ખાય નહીં અને તારા બાપ કાંતિને ગરમ રસોઈ કરી તો આજે જમાડે, બિચારો રોજ પાણીની મોકાણમાં ટાઢુંટપ ખાઈને સૂઈ જાય છે.”
આખી સોસાયટીમાં નળ આવ્યાના ખુશી સમાચાર આપતાં, રંભામાને એ પણ ખ્યાલ ન રહ્યો કે સાંજના છ ક્યારે વાગી ગયા. હમણાં ઘરે જઈશ તો, અમૃતના બાપા હીંચકે બેઠા, બિચારા મારી ચિંતા કરતા હશે કે, રંભાગૌરી કયાં ગયા હશે? એ વિચાર સાથે રંભામાએ ઓસરીમાં આવી ઉત્સાહ ભેર હાથની લાકડીને રોજની જગ્યાએ એક ખૂણામાં મૂકી. હરખાતાં પાછા બાથરૂમ તરફ દોડ્યાં. જો બાલટી ભરાઈ ગઈ હોય અને નળ હજી આવતો હોય તો? બીજું કોઈ ખાલી વાસણ ભરવા મૂકી અમૃતના બાપા માટે બે ભાખરી ને બટેટા-રીંગણાંનું શાક ચૂલે ચઢાવી દઉં. ઘરમાં જો પાણી ભરેલું હશે તો મને નહીં તો અડોશીપડોશીને તો કામ આવશે!
રંભામાએ બાથરૂમની મોરીમાં આવીને જોયું તો? ‘અરે ભગવાન’ કરતાં કપાળ કૂટ્યું. “અરે! બાઈ હું પણ કેવી ભૂલકણી છું? નળ આવ્યાની ખુશીમાં, જોયા વિના ઉતાવળમાં અને ઉત્સાહમાં નળ તળે ભૂલથી કાણાવાળી બાલટી મૂકી, સોસાયટીને નળ આવ્યાના ખુશી સમાચાર દેવા દોડી ગઈ.”
દુઃખી મને, રંભામા પાછો નળ કાલે સવારે આવશે કે નહીં તેની ચિંતા કરતાં, ઓસરીના હિંડોળે બેઠાં ન બેઠાં અને ત્યાં જ રામજીબાપા બજારમાંથી ઘરે આવી ચઢ્યા. બાપાએ હાથમાં પકડેલ શાકથી ભરેલ બંને થેલીને ઓસરીના એક થાંભલી નીચે મૂકી, હળવેકથી રંભામાની બાજુમાં આવી હિંડોળે બેઠા. રંભામાએ હિંડોળેથી ઊભા થઈ માટલામાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને રામજીબાપાને હાથમાં આપ્યો. રામજી બાપાએ પાણીનો ગ્લાસ હોઠે માંડતાં રંભામાને પૂછ્યું,“અરે! રંભાગૌરી, ટપાલમાં આજે કોઈનો કાગળ પત્ર!: અને ત્યાં જ રંભામાને યાદ આવી ગયું કે, બપોરે બચુ ટપાલી ખુશી સમાચારથી ફાટફાટ થતું પોસ્ટકાર્ડ આપી ગયો છે. “અરે! અમૃતના બાપા, તમને શું કહું? આજે તો આપણે જેટલાં ખુશ થઈએ એટલાં ઓછાં છીએ. આપણાં વૈકુંઠના ઘરે દીકરાની પઘરામણી થઈ છે.”
નાના દીકરા વૈકુંઠના ઘરે, ઘણાં વરસો બાદ પાંચ દીકરી પર દીકરો આવ્યાના સમાચાર સાંભળી રામજીબાપા હરખાતા હિંડોળેથી કૂદી પડ્યા. આજુબાજુમાં નજર કરી, કોઈ જોતું તો નથીને! પછી રંભામાને બાથમાં લઈને બોલ્યા, “અરે! રંભાગૌરી, આખરે રણછોડરાયે આપણા સામું જોયું ખરું? હો?”
“અરે! અમૃતના બાપા, હું પણ કેવી ગાંડી છું! નાના દીકરાના ઘરે પાંચ દીકરી પર દીકરો આવ્યાના આવડા મોટા ખુશી સમાચાર સોસાયટીને આપવાના બદલે બપોરે ઓચિંતા આવી ચઢેલા નળના સમાચારમાં જીવનના ખુશી સમાચાર દેવાના તો સાવ ભૂલી જ ગઈ.”
E.mail : preetam.lakhlani@gmail.com