એકે સ્વરાજના ઉઘાડ અને બીજા સ્વરાજમાં લિબરલ ધારાનું અનુસંધાન જાળવ્યું તો બીજાએ અભ્યાસી ને તળ કાર્યકર વચ્ચે સંધાનની જયપ્રકાશોત્તર લોકાયત પરંપરા સેવી

સુકુમાર પરીખ
અલબત્ત, એ એક જોગાનુજોગ જ હતો, પણ બે પ્રસંગ લગભગ સાથે બની આવ્યા. પહેલી સપ્ટેમ્બરે સુકુમાર પરીખનું બેસણું હતું, અને બીજી સપ્ટેમ્બરે અચ્યુત યાજ્ઞિકની શ્રદ્ધાંજલિ સભા, સુકુમાર સુપ્રતિષ્ઠ નીલકંઠ ઘરાણાના. (માતા વિનોદિનીએ આગ્રહપૂર્વક પિતા રમણભાઈ નીલકંઠની અટક જાળવી રાખી હતી, એ ન્યાયે.) એમ.આઈ.ટી. ટ્રેઈન્ડ સુકુમાર છેલ્લે જાહેરમાં ક્યારે જણાયા હતા? વિનોદિની નીલકંઠની નવલકથા ‘કદલીવન’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો ત્યારની એમની વ્હીલચેર હાજરી આ લખતી વખતે નજર સામે તરે છે. દરિયો ખેડી નાતમાંથી કમી થનાર મહીપતરામ, ‘ભદ્રંભદ્ર’કાર રમણભાઈ, એ ગુજરાતની નવાચારી કુટુંબ પરંપરાના વારસ સુકુમાર. પ્રાર્થના સમાજની સાર્ધ શતાબ્દી નિમિત્તે એક ધોરણસરના પ્રકાશન અને ‘કદલીવન’નો અનુવાદ શક્ય બનાવવા સાથે એમણે અંતિમ વર્ષોમાં કિંચિત ઋણતર્પણનો સાર્થક અનુભવ કર્યો હશે.

અચ્યુત યાજ્ઞિક
અચ્યુતને છેલ્લે ક્યારે જોયેલા? વિશાળ પ્રાતિનિધિક હાજરીએ છલકાતી શ્રદ્ધાંજલિ સભામાં સામેલ થનારાઓ પૈકી ઘણાએ કદાચ વર્ષોથી નહીં જોયા હોય; કેમ કે વર્ષોથી એ ઘર ને દફતર સિવાય ખાસ બહાર નીકળતા નહોતા. પણ દફતર બેઠા એમના અને એમની સાથેના સંપર્કોનો સુમાર નહોતો.
સુકુમાર પરીખે કોઇ પુસ્તક નહોતું લખ્યું, જેમ અચ્યુત યાજ્ઞિકે (સુચિત્રા શેઠ સાથે) ગુજરાત અને અમદાવાદ પરનાં નોંધપાત્ર (અને બીજાં પણ) લખ્યાં છે. પણ શૈલજા કાલેલકર પરીખે ‘નીલકંઠ્સ ઇન ગુજરાત’ (‘એકલો જાને રે’) લખ્યું છે એમાંથી અમદાવાદ અને ગુજરાતના પલટાતા સમાજજીવનનું, પરિવર્તન માટેની મથામણનું, પોતાની તરેહના જે તે પેઢીના વિશ્વદર્શનનું ચિત્ર જરૂર મળે છે. આ ચિત્ર સુઘારક પરંપરાનું છે, આજના સમયમાં તે મવાળ પણ લાગે. પરંતુ જે તે સમયમાં નાતજાતમાં નહીં માનવાની પ્રાર્થના સમાજની ભૂમિકા કે વિધવા પુનર્વિવાહ માટેનો આગ્રહ વગેરે વાંચીએ ત્યારે એનો સ્પંદ જરૂર અનુભવાય.
ભોળાનાથ સારાભાઇ સ્તો એ ઇતિહાસનિમિત્ત હતા જેમના તેડાવ્યા દલપતરામ વઢવાણથી પગપાળા નીકળી ફાર્બસને અમદાવાદ મળવા પહોંચ્યા અને ગુજરાતની તવારીખમાં એ અંતર ગાઉઓમાં નહીં એટલું સદીઓમાં કપાઇ ગયું. દેશભરમાં ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિદ્યાપ્રેમ, વિધવાવિવાહ સહિતના એકંદર સુધાર અભિગમની વિશિષ્ટ સુવાસ પ્રસરેલી હતી. ભોળાનાથના કુટુંબને એવી હોંશ કે દીકરીને દીકરો જન્મે તો વિદ્યાસાગર ને દીકરી જન્મે તો વિદ્યા એવું નામ આપવું. આ વિદ્યાગૌરી તે લેડી વિદ્યાગૌરી નીલકંઠ. સર રમણભાઇનાં પત્ની અને 1932માં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના લખનૌ અધિવેશનના પ્રમુખ. એમનાં દીકરી વિનોદિની.
ઊલટ પક્ષે, અચ્યુત (કુટુંબ પરંપરાનું નામ જયેન્દ્ર) આવી કોઇ જાણીતી પરંપરાનું સંતાન નહીં. પણ આપ અભ્યાસે એણે ગુજરાતની પરંપરા સમસ્તની દમદાર વારસાઇ અભ્યાસગત ખસૂસ કરી. લિબરલ કુટુંબોનો જે સહજ, કદાચ કંઇક સીમિત વિકાસ એનીયે અનોખી રેન્જ એમ તો ક્યાં નહોતી? હીરાલાલ ભગવતી અને જયન્તિ દલાલ પાસે સાંભળ્યું છે કે એમને કોઇ નાટક સારુ મારવાડી લોકઢાળની રચના જોઇતી’તી તો વિદ્યાબહેને એમને ત્યાં હાથલારી ખેંચવા શ્રમિકોની મુલાકાત કરાવી આપી હતી. તેઓ એ શ્રમિકોનું હૂંફઠેકાણું હતાં. આછુંપાતળુંયે એમનું યુનિયન જેવું કાંક હશે.
અચ્યુત, સેતુ-સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનથી ઓળખાયા અને પંકાયા. નીલકંઠ ધારા થોડોક અપવાદ બાદ કરતાં એકંદરે શાલીન બંધારણીય પરંપરામાં વિલસી. સેતુની કામગીરીમાં જયપ્રકાશના આંદોલન અને કટોકટીઉત્તર નવસમજનો ફાળો હતો તે એ રીતે કે જે લોકો તળ સ્તરે કામ કરે છે એમને નવપ્રયોગપૂર્વક સાંકળવામાં સહભાગી થવું. અભ્યાસીઓ અને સંશોધકોએ એમના એકાંતકક્ષની બહાર આવી તળ હલચલ, માઇક્રો સ્ટરિંગ્ઝ સાથે સંકળાવું, નોલેજ અને એક્શનનું સાથેલગાં હોવું એ એનો વિશેષ હતો. નામ પાડવું હોય તો એ ‘લોકાયન’ હતું અને છે. એટલે જે ગુ જુદું પડ્યું તે આ : ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ (અખિલ હિંદ મહિલા પરિષદ) અને ‘સેવા’ વચ્ચેનો ભેદ પકડાય તો આ મુદ્દો પમાય. અભ્યાસી અને તળ કાર્યકરનું સંધાન, નારી શક્તિનું શ્રમિક સંધાન, એમ પણ કહી શકો તમે.
અલબત્ત, નોલેજ એન્ડ એક્શનનાં આ સહિયારાંમાં મળી રહેતો કર્મશીલ ને કાર્યકર કદાચ એક જુદી જ પ્રજાતિ છે. ગાંધીનો રચનાત્મક કાર્યકર, આપણે ત્યાં રવિશંકર મહારાજની બબલભાઇ લગીની નમૂનારૂપ પરંપરા એક જુદી જ મિસાલ હતી અને છે. અનામત વિરોધી ઉત્પાત વખતે બબલભાઇએ ગુજરાતનાં ગામોની પદયાત્રા કરી સંત્રસ્ત સૌને હૂંફ્યાં, એમનાં આંસુ લૂછ્યા. એમની યાત્રોનો હેવાલ, એમની સાથે પગે ચાલતાં વાતચીત વાટે મેં મેળવીને છાપામાં આપ્યો ત્યાર પછી એક વાર અચ્યુતે મને કહ્યું કે ભલે આપણાં વિશ્લેષણ ને ઝુકાવમાં છાયાભેદ હોય પણ તમે બબલભાઇ પાસેથી કઢાવેલી માહિતી ઇ.પી.ડબ્લ્યુ.ની મારી નિયમિત કટારમાં ખાસી સહાયરૂપ થઇ. બબલભાઇએ એ જ અરસામાં સભાન-સંકલ્પપૂર્વક ‘મહેતા’ અટક છોડી હતી. એ કોઇ સરવે કરવા વાસ્તે નીકળેલ જણ નહોતા.
વાતની શરૂઆત સુકુમાર પરીખ અને અચ્યુત યાજ્ઞિકને સાથે રાખીને પલટાતા અમદાવાદ-ગુજરાતને જોવાના પ્રયાસ રૂપે કરી હતી પણ જે કોશિશ અચ્યુત જેવા ‘જ્ઞાન અને કર્મનાં યથાસંભ સહિયારાં’ માટે મથનારાઓની સતત રહી તે છેલ્લાં વર્ષોની અમદાવાદ-ગુજરાતની કોમી તાસીરના સગડ દાબવાની. હમણાં જ વિદેહ થયેલા અમેરિકી અમદાવાદ-મિત્ર હાવર્ડ સ્પોડેકે જેની કોશિશ અમદાવાદને ‘શૉક સિટી ઓફ ટ્વેન્ટિયેથ સેન્ચરી ઇન્ડિયા’ એ ઉપશીર્ષકે હજુ થોડાં વરસ પર જ કરી હતી. એ વરસોમાં સ્પોડેક પહેલી જુલાઇએ ક્યારેક ક્યારેક વસંત-રજબ સ્મારક પર મળી જતા પણ તે આ વિષય પર કામ કરી રહ્યા હશે એનો ત્યારે મને અંદાજ નહોતો …
દરમ્યાન, હમણાં તો સુકુમાર અને અચ્યુતને અલવિદા.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 સપ્ટેમ્બર 2023