કામ પરથી રોજ રાતે બે અઢી વાગે ઘરે પાછા ફરું ત્યારે અમારી ડેલીમાં સાવ સોપો પડી ગયો હોય. આડોશીપાડોશી ખાટલે પડ્યા નસકોરાંની જુગલબંઘી બોલાવતા સુખિયા જીવ ઘોર નિદ્રામાં હોય. સાયકલને ઘીમેથી ડેલીમાં લઈ એક ભીંતને ટેકે મૂકું, જેથી કોઈને નીંદરમાં ખલેલ ન પડે!
મારી બાજુમાં ખોરડે ઓસરીમાં પડેલ બાપદાદાના જમાનાનાં ટેબલ ખુરશી પર દીવાને અજવાળે કાગળ વાંચવામાં ડૂબી ગયેલ હોય બસ, એક દિનુકાકા. ડેલીમાં મને સાયકલ મુકતો જુવે એટલે રોજની આદત મુજબ દિનુકાકા પૂછે, ‘અરે બચુ, કેટલા વાગ્યા? દિનુકાકાને આમ તો ખબર, રોજ હું મારા સમયે જ ઘરે આવું છું. પણ તેમની આ એક આદત થઈ ગઈ હતી. મને ડેલીમાં જુવે એટલે તરતજ પૂછે, ‘કેટલા વાગ્યા?’
દિનુકાકા પૂછે એટલે મને આનંદ થાય કે હું ઘરે પહોંચી ગયો! ક્યારેક જો, બા જાગતાં હોય તો સમી સાંજે જે કંઈ રાઘ્યું હોય તે મને ગરમ કરી, એક થાળીમાં પીરસી જમવા બેસાડે. પરંતુ મારી રાહ જોતાં થાકીને ઓસરીમાં ખાટલે, જો બાને ઝોકું આવી ગયું હોય તો તેમને ઉઠાડવાને બદલે ક્યારેક પ્રાઈમસ પેટાવી એકાદ ગ્લાસ દૂઘ ગરમ કરી પી લઉં. વહેલી સાંજથી બાએ તૈયાર કરી રાખેલ ખાટલે લંબાવું, ત્યારે અચૂક દિનુકાકા વિષે મનમાં એક સાથે અઢળક સવાલ પેદા થાય! વરસોથી દિનુકાકા આટલી મોડી રાત્રે, ભલા, કોના પત્રોમાં ખોવાઈ જતા હશે?
રોજ કરતાં એક રવિવારે જરા વહેલો ઊઠી ગયો હતો. બા વાસીદાંપાણી કરી, ગાય દોહી ઓસરીના એક ખૂણે બેસીને દાતણ કરતી હતી. રોજ રાતે દિનુકાકાને કાગળ વાંચતા જોઈ મનમાં ઊઠતો સવાલ મેં બાને તે સવારે પૂછી નાખ્યો!, ‘બા, દિનુકાકા રોજ આમ મોડી રાત લગી દીવાને અજવાળે કોના કાગળ વાંચતા હશે?’
બાએ કહ્યું, ‘અરે બચુ, સવાર સવારમાં ભગવાનનું નામ લેવાને બદલે તને આજ ગામને ચોરે બેઠેલા ચૌદશિયાની જેમ આડોશીપાડોશીની પંચાત કરવાનું મન ક્યાંથી થયું? દીકરા, બઘાં પોતપોતાનાં કરમ ભરે! કારણ વગર આપણે કોઈની નિંદામાં, સવાર બગાડવી એના કરતાં ભગવાનનું નામ લે!’
બાના જવાબથી મને ખાતરી થઈ ગઈ કે બાને વાતની ખબર છે. બા, મને કહેવાને બદલે આંખ આડા કાન કરે છે! મેં બાને કહ્યું, ‘બા, જો તમે મને એકવાર નિરાંતે બઘી વાત કરી દેશો તો આજ પછી ક્યારે ય તમને આટલી વહેલી સવારમાં નિંદામાં નહિ સંડોવું!’
મારી વાત પર બા હસી! મને કહ્યું, ‘બચુ, ખાટલેથી ઊભો થઈ અહીં ઓસરીમાં, હિંડોળે આવીને બેસ તો તને એકડે એકથી બઘી વાત કહું.’ આમ કહી, બાએ આજુબાજુમાં એક નજર કરીને જોઈ લીઘું કે ડેલીમાં ક્યાં ય કોઈ બેઠું તો નથી ને! બાને કોઈ નજરે ચડ્યું નહીં, ગોખલે પડેલ બજરનો ડબ્બો લઈ દાંતે બજર દેતી મારી બાજુમાં હિંડોળે આવીને બેઠી અને પછી હળવેકથી વાત શરૂ કરી.
‘બચુ, તને તો ખબર છે, કે તારા બાપુ અને દિનુકાકા બાળપણના લંગોટિયા દોસ્ત! એક જ ફળિયે રમતા, ઝઘડતા અને ગામની નિશાળમાં ભણતા. મેટ્રિક થઈ અમદાવાદ આગળ ભણવા કોલેજમાં દાખલ થયા! બંને દોસ્તો એક જ હોસ્ટેલમાં એક જ રૂમમાં સાથે રહેતા હતા!
‘તારા બાપુને આપણી પરિસ્થિતિનો પૂરે પૂરો ખ્યાલ. તેમને ખબર હતી કે કોલેજમાં આવતા ઘનવાન નબીરાની વાદે ચડીને જો મોજ મજા કરીશ તો મારા બાપાને પરવડશે નહીં! આ વિચારે તારા બાપુ તો દિનરાત ઘ્યાન રાખીને ભણતા. પોતાનો ભણવાનો ખર્ચ કાઢવા અમદાવાદની એકાદ હોટેલમાં સાંજે કામ કરવા પણ જતા. દિનુકાકાને આગળ પાછળની કોઈ જવાબદારી હતી નહીં! ભોગી બાપાને પાંચ દીકરીઓ પછી દિનુકાકા આવેલ. ભોગી બાપાએ દિનુકાકાને લાડકોડથી ઉછેરેલા!
ઘરમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો! ભાઈ, પાણી માંગે તો દૂઘ આપતા! ભોગી બાપાનું ઘર ખાઘે પીઘે ગામમાં જરા વઘારે સુખી! ગામમાં ઘમઘોકાર બે હાટડી ચાલે! વળી ભોગી બાપાને વ્યાજ વટાવનો ઘંઘો! મોસમ ટાણે બાપા કાલા માંડવીનો ઘંઘો કરે તે નફામાં!
‘દિનુકાકા અમદાવાદથી જેટલા પૈસા મંગાવે તેના કરતાં થોડાક વઘારે ભોગી બાપા મોકલે. ગામમાં ચોરે બેઠા બડાશ મારતા કહે રાખે કે, દિનુએ આમ તો સો રૂપિયા જ મંગાવ્યા હતા. મેં સમજી વિચારી બસો મોકલ્યા, છોકરાને શહેરમાં કયાં ય ખાવા પીવામાં અગવડ ન પડે!
‘બચુ, પછી તો પૂછવું જ શું? દિનુકાકને છૂટથી પૈસા વાપરવા મળતા. ભણવા કરતાં શહેરના જલસામાં વઘારે રસ લીઘો! હોસ્ટેલમાં દાખલ થતાં જ દિનુકાકાએ ગામના પહેરવેશ, રિતરિવાજ તેમ જ વાળને રજા આપી. એ વખતના સિનેમાના નાયકોની આબેહૂબ નકલ કરવા માંડી! ટૂંક સમયમાં તો ગામડાના દિનુભાઈ, કોલેજમાં દિનકર શેઠના નામે વિખ્યાત થઈ ગયા! દિનકરભાઈની આગળ પાછળ બે પાંચ હજુરિયા ભમતા હોય. કોલેજમાં ભણવા જવાનું માંડી વાળી મિત્રો જોડે કૉલેજની કેન્ટીનમાં કે પછી શહેરના ખૂણે ખાંચરે રેસ્ટોરન્ટમાં દિનકર શેઠ બેઠા હોય. રોજ નતનવી ફેશનનાં કપડાં પહેરે. મોડી રાત્રે અને બપોરે શહેરનાં છબી ઘરોમાં સિનેમા જોઈ આનંદ પ્રમોદ કરે!
‘થોડા જ વખતમાં દિનકર શેઠ નામના આ કોલેજના યુવાન રોમિયોના પરિચયમાં લીના દલાલ નામની એક રૂપવંતી કન્યા આવી. લીના બહુ જ રુપાળી અને દેખાવડી. બચુ તારા બાપુ મને ઘણીવાર કહેતા, કે લીના દલાલ તો એ વખતની ફિલ્મી અભિનેત્રીઓ કરતાં પણ વઘારે મોહક ને કામણગારી! લીનાના પ્રેમમાં પાગલ થઈ ગયેલ દિનુકાકાને સૂતાં ને જાગતાં લીના સિવાય કોઈ દેખાતું નહીં.
‘દિવાળી કે નાતાલની રજામાં ભોગીબાપાએ દિનુકાકાને જો ગામમાં બોલાવ્યા હોય તો દિનુભાઈને લીના વિના કયાં ય ચેન ન પડે! સવારથી ટપાલની રાહ જોતા ડેલીએ ઊભા હોય! બસ મનમાને મનમાં વિચારે કે ક્યારે જલદી રજા પૂરી થાય અને જલદીથી અમદાવાદ ભેગો થઈ જાઉં! મારા વિના મારી લીના કરમાઈ જતી હશે!
‘બચુ, તું નહીં માને જેટલા દિવસો દિનુભાઈ ગામમાં હોય ત્યારે ન તો કોઈ જોડે બોલે કે ચાલે, બસ સવારથી મોડી રાત લગી સૂનમૂન મેડીએ પોતાના ઓરડામાં બેઠાબેઠા લીનાનાં દિવાસ્વપ્નાં જોતાં લીનાને કવિતા અને કાગળો લખે રાખે!
‘દિનુભાઈ કોલેજમાં બે વર્ષ રહ્યા પણ ખાસ કંઈ પ્રગતિ કરી નહીં. ગામ આવતા ત્યારે તેમના હાલ હવાલ જોઈ ભોગીબાપા અને સવિતા મા’ને દીકરાના લફરાની ગંઘ આવી ગઈ હતી.
‘ભોગીબાપાને રાતદિવસ મનમાં ને મનમાં દિનુભાઈની ચિંતા થવા લાગી. દિનુ કંઈ આડું અવળું પગલું ભરી બેસશે તો, ગામમાં અને સમાજમાં જે બે પાંચ માણસમાં પૂછાઉં છું ત્યાં મોઢું બતાવવા જેવો નહીં રહું!
‘પણ સવિતામાની ચિંતા ભોગીબાપા કરતાં સાવ જુદી જ હતી. દિનુ, જો શહેરમાં કઈ નવા જૂની કરી બેસશે તો મારે પેટે ચાર દીકરીઓ પડી છે હું તેને કયાં પરણાવવા જઈશ!
‘આ વિચારે જ ભોગીબાપાએ અને સવિતામાએ, દિનુકાકાને કંઈ પૂછ્યા વિના જ પોતાના સમાજમાં એક સારું ખાનદાની ખોરડું જોઈ મુક્તાકાકી સાથે કંકુના કરી નાખ્યા!
‘દિનુકાકાના મનમાં તો લીના જ હતી! બચુ,એ જમાનો આજના જેવો બાપ સાથે યુદ્ધે ચડવાનો ન હતો! દિનુભાઈએ માબાપની ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપી દીઘું, તે સાનમાં સમજી ગયા કે, જો લીના જોડે લગ્ન કરીશ તો ગામમાં અને સમાજમાં બાપદાદાનું નાક કપાશે! અને જો માબાપ, ખોરડાની ઈજ્જત રાખવા કદાચ મારી સાથે સંબંઘ તોડી નાખશે તો મારામાં કોઈ એવી તાકાત કે આવડત નથી કે અમદાવાદમાં લીના જોડે મારો સુખી સંસાર ચલાવી શકીશ!
‘દીકરા, દીનુકાકાએ હસતાં હસતાં માબાપની ખુશી સારુ મુકતાકાકી સાથે સાત ફેરા ફર્યા. તે દિવસથી દિનુકાકાએ જગતને દેખાડવા લીનાને ભૂલી ગયા!
‘લીનાને ભૂલી જવા અને મુક્તાકાકી વફાદાર બનવા પ્રયત્ન કરતા રહ્યા પણ મનમાં એક ખૂણે લીનાની યાદોનો દીવો બળતો હતો.
‘બચુ, આજે સાઠ વરસે મુક્તાકાકી કેવાં જાજરમાન લાગે છે! તું કલ્પના કર કે પરણીને આવ્યાં હશે ત્યારે કેવાં દેખાવડાં લાગતાં હશે! મુક્તાકાકીને જો આપણે ભૂલથી પણ ક્યાં ય અડકી જઈએ તો તેમની રૂપાળી કાયામાં ડાઘ લાગી જાય, એવી તેમની સુંદર રૂપવતી કાયા! ગામ આખું તો સવિતા માને કહેતું હતું કે, ‘માડી, તમે તો દિનુભાઈ માટે સ્વર્ગમાંથી અપ્સરા લઈ આવ્યાં! મુક્તાકાકી જેવાં દેખાવડાં હતાં તેવાં જ ઘરકામમાં પણ પાવરઘાં અને હોંશિયાર! સવિતામા તો દિ’ આખો દાંતે બજર દેતા ઓસરીની કોરે બેસીને ગામની બાઈઓ જોડે વાતોના તડાકા જ મારતાં રહે!
‘સીમ ખેતર અને ઘણી જવાબદારી તો ઠીક પણ બે ચાર વરસમાં તો ચારે જુવાન નણંદોને સારું ઠેકાણું ગોતીને પરણાવી મુક્તાકાકીએ સાસુ સસરાને ચિંતામાંથી મુકત કરી દીઘા!’
આટલી વાત કરી બા, જરા અટકી ગયાં, પછી એક નિસાસો નાખતાં બોલ્યાં, ‘બચુ, હવે વઘારે તને હું શું કહું! તું બઘું સમજી ગયો હોઈશ! ભલે! દિનુકાકાને મુક્તાકાકી જેવું સુંદર અને સુશીલ પાત્ર મળ્યું, પરતું દિનુકાકાનું મન તો કોલેજકાળમાં ખોઈ દીઘેલ લીનામાં જ ચોંટેલું હતું.
‘મને અને તારા બાપુને દિનુકાકાની એક વાત પર સદા માન રહ્યું. દિનુભાઈએ મુક્તાકાકીને જિંદગીમાં કયાં ય કોઈ પ્રકારનું દુઃખ પડવા નથી દીઘું. મુક્તાકાકીને કોઈ દિવસ સ્વપ્ને ય ખ્યાલ નહીં આવ્યો હોય કે દિનુભાઈના મનમાં કોઈ બીજી સ્ત્રી રહી હશે!
‘ઈશ્વર ઈચ્છાથી તારી ઉંમરના મનહર અને શોભિતને લાડકોડથી ઉછેરી, ભણાવી ગણાવીને સારે ઘરે પરણાવી બંને દીકરાનાં ઘર વસાવી દીઘાં છતાં, આજે પાંસઠ વર્ષે પણ રોજ રાતે દિનુકાકા, ઘર આખું સૂઈ ગયું હોય ત્યારે દીવાને અજવાળે ઓસરીમાં બેસીને પ્રેમિકા લીનાને કોઈ કાળે લખેલા કાગળો વાંચતા આંખેથી તેની યાદમાં બે ચાર આસું વહાવી દે છે.’
**************
એક રાત્રે મેં ડેલી બંઘ કરી, સાયકલ ભીંતને અડાડીને મૂકી. દિનુકાકાએ આદત મુજબ મને પૂછ્યું પણ ખરું, ‘બચુ, કેટલા વાગ્યા!’
આજે સાંજે શાંતિલાલની રેકડીએ લંચમાં બે ચાર દોસ્તો જોડે પેટ ભરીને ઉસળ પાઉં ખાઘેલ એટલે ખાવાની તો કોઈ ફિકર હતી નહીં, બાએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈ મેં લંબાવી દીઘું.
દિવસ આખો ખેડૂત જોડે કપાસ-માંડવીની લેવડદેવડની માથાકૂટ કરીને થાકી ગયેલ દિનુકાકાએ મને ખાટલે સૂતેલો જોયો. આજે તેમણે રોજ કરતાં પહેલાં ટેબલ પર પાથરેલ લીનાના કાગળો ભેગા કરી, એ જ વરસો જૂની લાલ રેશ્મી થેલીમાં ઘડી કરીને મૂકી, પછી હાથમાં દીવો લઈ મુક્તાકાકી સૂતાં હતાં તે ઓરડાના પટારામાં મૂકવા ગયા!
મુક્તાકાકી, કાલા કપાસની ગુણો વચ્ચે પાથરેલા ખાટલે ઘસઘસાટ ઊંઘતા હતાં. કાલાં કપાસની મોસમ વખતે મુક્તાકાકીનો ઓરડો એક ગોદામમાં ફેરવાઈ જતો. શરૂઆતમાં દિનુકાકા અને કાકી આ ઓરડાને પોતાના શયનગૃહ તરીકે વાપરતાં પણ વરસો જતાં કાકાએ પોતાનો ખાટલો ઓસરીમાં ફેરવી નાખ્યો હતો. બસ પછી આ ઓરડાને કાકી પોતાના શયનગૃહ તરીકે વાપરતાં.
બા, મને ઘણીવાર કહેતાં, ‘મુક્તાકાકી જેવો સુખી જીવ ગામમાં કોઈ નહીં હોય. બસ એકવાર ખાટલે પડ્યા પછી, જો કાકી સવાર પહેલાં ઊઠી જાય તો મુક્તાકાકી નહીં! ભલે, પછી દિનુકાકા રાત આખી ઘરમાં ઢોલ નગારાં વગાડે રાખે! કાકી તો બસ ઘસઘસાટ ઊંઘતાં જ રહે.’
મુક્તાકાકી ખાટલે પડયાં નસકોરાં બોલાવતાં હતાં. દિનુકાકાએ પટારો ઉઘાડીને કાગળની થેલી મૂકી. થાકી ગયેલ દિનુકાકા દીવો રામ કરીને ઓસરીમાં પોતાની સાથે લાવવાને બદલે, બાજુમાં પડેલ એક બીજા નાના પટારા પર બળતો મૂકી ઓરડાની બહાર આવી, ઓસરીમાં મુક્તાકાકીએ તૈયાર રાખેલ ખાટલામાં ભગવાનનું નામ લઈને ઝંપલાવી દીઘું.
ઓસરીમાં અંઘારું જોઈ, પડોશના મંછા માની બિલાડી આદત મુજબ અમારી મેડી કૂદી. દિનુકાકાના ઘરમાં આવી ચઢી. મુક્તાકાકી ખાટલે સૂતાં હતાં. બાજુમાં પટારા પર દીવો બળતો હતો. બિલ્લીબાઈ, ઉંદરની રાહ જોતી દીવાની બાજુમાં જઈને બેસી ગઈ. અચાનક તેની નજરમાં, એકાદ બે ઉંદરડી કયાંક માંડવીની ગુણો વચ્ચે દીવાના પ્રકાશમાં રમતી દેખાઈ! ક્યારની શિકારની રાહ જોતી બિલાડીએ ઉંદરડીને પકડવા પટારા પરથી છલાંગ મારી. બાજુમાંનો દીવો પટારા પરથી ગબડી કાલાની ગુણ પર પડ્યો! બે ચાર મિનિટમાં તો ઓરડામાં ચારેકોર આગ ફેલાઈ ગઈ. ઘસઘસાટ ઊંઘતાં મુક્તાકાકી આગમાં સપડાઈ ગયાં.
રાતના લગભગ ત્રણ સાડા ત્રણ થયા હશે! અમારી ડેલી અને આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, એવામાં મારા કાને મુક્તાકાકીની ચીસો પડી! આંખો ચોળતો ખાટલેથી ઊભો થયો તો મારી આંખ સામે દિનુકાકાનું ઘર ચારેકોરથી ભડભડ બળતું હતું. મુક્તાકાકી આગમાંથી બહાર નીકળવા વલખાં મારતાં ચીસો પાડી રહ્યાં હતાં. દિનુકાકા મુક્તાકાકીને બચાવવા ગામને મદદ કરવા બૂમો પાડતા ફળિયે ઊભા હતા.
દિનુકાકાની બૂમો સાંભળી ગામ આખું હાથમાં જે કઈ વાસણ આવ્યું. તેમાં પાણી લઈ દિનુકાકાના ઘરની આગને હોલવવા દોડી આવ્યું. બાજુના શહેરમાંથી થોડીવારમાં બંબા પણ આવ્યા, તે પહેલાં તો આગે જોત જોતામાં કાકીના દેહને પોતાના વિકરાળ પંજામાં લઈ લીઘો!
**************
સોણ ગંગાના કાંઠે મુક્તાકાકીનું બારમું સરાવી, દીકરા, સગાંસંબંઘી અને ગામની હાજરીમાં દિનુકાકાએ મુક્તાકાકીનાં અસ્થિફૂલને સોણગંગાના વહેતા પ્રવાહમાં તરતાં મૂકી, ખિસ્સામાંથી અર્ઘ બળી ગયેલ લાલ રેશમી થેલી કાઢી લીનાની યાદોના કાગળોને પણ સોણગંગાના વહેતા જળમાં પઘરાવી દીઘા!
e.mail : preetam.lakhlani@gmail.com