શિલ્પકાર મિહિર આજે બહુ જ ખુશ હતો. લગભગ આજથી પાંચેક દાયકા પૂર્વે તેના શિલ્પકાર પિતા ચિત્રસેને જયપુરના મહારાજાના વિખ્યાત મહેલને અગણિત અદ્દભુત શિલ્પોથી સજાવી દીઘો હતો. ચિત્રસેનના ટાંકણાથી પ્રભાવિત થયેલ મહારાજાએ ચિત્રસેનને પોતાની આરસની ખાણમાંથી નીકળેલા એક કિંમતી આરસના ટુકડા સાથે સારી એવી એને મોટી રકમ ભેટ આપેલ. ચિત્રસેનની મનમાં એક ઈચ્છા હતી કે આ મૂલ્યવાન આરસના ટુકડામાંથી ભવિષ્યમાં પોતાના જ નગરમાં, એકાદ મંદિરમાં પોતાના હાથે આ સૃષ્ટિના સર્જનહાર પરમાત્માનું સુંદર અણમોલ શિલ્પ ઘડી, તેની પ્રાણ પતિષ્ઠા કરવી. કમભાગ્યે શિલ્પી ચિત્રસેનની આ ઈચ્છા મનમાંને મનમાં રહી ગઈ. તેમની આ ઈચ્છા પૂર્ણ થાય પહેલા તે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. તેમના મૃત્યુના બે દાયકા બાદ, તેમના શિલ્પી પુત્ર મિહિરે, એ કિંમતી આરસના ટુકડામાંથી, પોતાના હાથે ઈશ્વરની પ્રતિમાનું સર્જન કરી. પોતાના નગરના એક મંદિરમાં આજે પોતાના જ હાથે પ્રાણપ્રતિષ્ઠા કરી પિતાના સ્વપ્નને સાકાર કર્યુ.
મિહિર છેલ્લા છ મહિનાથી આરસના ટુકડામાંથી ઈશ્વરની પ્રતિમાં બનાવવા રાત દિવસની દરકાર કર્યા વગર હાથમાં ટાંકણુ અને હથોડી લઈને ઘરના આંગણાના લીમડાના છાંયડે બેસી ગયો હતો. આજે ઈશ્વરની પ્રતિમાની મંદિરમાં વાજતે ગાજતે, પ્રાણપ્રતિષ્ઠા થઇ જતા, તે લગભગ છ મહિના બાદ નિરાંતે નિદ્રાદેવીના ખોળે બઘી ચિંતા મૂકીને સૂઈ ગયો હતો.
ઘડિયાળમાં બરાબર પરોઢના પાંચના ટકોરા થયા હશે, સપનાઓના ઢોલીએ ઘસઘસાટ ઊંઘતા મિહિરને સ્વપ્નમાં ઈશ્વર આવ્યા. સ્વપ્નમાં પ્રભુદર્શનમાં, ખુશખુશાલ મિહિર પ્રભુના ચરણમાં નમી પડ્યો. મિહિરને ચરણમાંથી ઊભો કરવા, પ્ર્ભુ જરાક નમ્યા ત્યારે મિહિરની પીઠ પર, પ્રભુની આંખેથી ટપકેલાં બે આંસુ સરી પડ્યાં.
મિહિર, આશ્ચર્યમાં ડૂબી ગયો. આભમાં કયાં ય એકેય વાદળ ફરકતું ન હોતું. સૂર્ય ચોમેર ઝળઝળી રહ્યો હતો. તો પછી આ વરસાદના બે ટીપાં કયાંથી તેની પીઠ પર ટપકી પડ્યાં. આ જાણવા તેણે જરાક માથું ઊંચું કરીને આભ સામે જોયું અને તેની નજર પ્રભુના ચહેરા પર પડી. તેનો ચહેરો પ્રભુના મુખને જોતા જ વિષાદમાં ડૂબી ગયો.
‘અરે! પ્રભુ તમારી નેહ નીતરતી આંખમાં આજે આંસુ, મને તો મનમાં એમ જ હતું કે તમે તો આજે બહુ જ ખુશ હશો. તેને બદલે તમારી આંખોમાં વ્યથાનો દરિયો!’
બે હાથ જોડી, મિહિર કરગરતો પ્રભુના ચરણમાં ઝૂકી પડ્યો, અને પછી ઘીમા સ્વરે બોલ્યો, ‘હે પ્રભુ, તમે મને માફ કરી દો, હું તો તમારું બાળક કહેવાઉં, તમારી પ્રતિમા ઘડવા મેં તમારા અંગે કેટલા ટાંકણાના અને હથોડાના પ્રહાર કર્યાં છે. તમને ઘણી પીડા થઈ હશે! પ્રભુ, તમે નહીં માનો, મને તો તે આરસના ટુકડામાં તમારું સર્પૂણ સ્વરૂપ દેખાતું હતું, પરંતુ આ જગત મારી આ વાતને કઈ રીતે સમજી શકે? ન છૂટકે મારે તમારું તે આરસના ટુકડામાંથી શિલ્પ ઘડવા, મારે મારી લાગણી પર પથ્થર મૂકી. તમારી મૂર્તિ ઘડવી પડી છે.’
‘હે વત્સ, તું આમ કારણ વગર દુ:ખી ન થા, મને ટાંકણા અને હથોડાના પ્રહારનું રતિ ભારનું એ દુઃખ નથી.’ આટલું કહેતા પ્રભુના હોઠ મૌનમાં ડૂબી ગયા.
‘પ્રભુ, તમે આમ એકાએક, વાત અઘૂરી મૂકી, મૌનમાં ડૂબી જાવ એ કેમ ચાલે? તમારે, તમારા આ ગાંડા ઘેલા નાદાન ભકત પાસે આજ મનમાં કોઈ સંકોચ રાખ્યા વગર હ્રદયની પછેડી ખોલવી જ પડશે!’
‘તો હે વત્સ, સાંભળ, તારા પિતાને જયપુરના મહારાજા તરફથી ભેટ રૂપે મળેલ આ આરસનો ટુકડો, તારી નજરમાં પડ્યો તે પહેલા, તે તારા બંગલાની ટેકરીના એક વિશાળ લીમડા તળે છેલ્લા કેટલા વરસોથી પડ્યો હતો. રોજ ઢળતી સાંજે, તારા બંગલાની સામેની ટેકરીમાં સૂર્ય ડૂબતો હોય ત્યારે શહેરથી પાછા ફરતો એક કાગડો. પોતાના માળે પરિવાર પાસે જતા પહેલાં તે આરસના ટુકડા પર આવી, નિરાંતનો વિશ્રામ લેતો. કહેવાતા આ પથ્થર પાસે તે હ્રદય મનની પછેડી કાંઉં કાંઉં કરતો ખોલતો અને પછી જ્યારે બઘી વાત કરીને હળવો ફૂલ જેવો થઇ જતો ત્યારે પરિવાર પાસે જવા હરખાતો ઊડી જતો.’
‘આજે સવારે તારા હાથે, મારી પ્રતિમાની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થતા, પહેલો કાગડો એટલો બઘો વ્યથિત હતો કે આખો દિવસ શહેરમાં જવાને બદલે, વહેલી સવારથી મારા મંદિરના શિખર પરના સોનાના કળશે બેસી, કા…કા..નો આકોશ વ્યકત કરતો રહ્યો. શરણાઇ અને ઢોલ નગારાની ઘમાલમાં, તેની કાંઉં કાંઉં કોઈના કાને કયાંથી પડે! કદાચ માન કે તેને ક્કળતા સાંભળ્યો હશે? તો પણ તેમણે તેને એક કાગડો સમજી આંખ આડા કાન કરી લીઘા હશે!’
‘વત્સ, તેની કાંઉં કાંઉંથી મારું મન ભરાઈ ગયું. મને પ્રતીતિ થઈ કે હું મંદિરમાં એક પ્રતિમા તરીકે ખોડાઈ ગયો. તેના કરતાં જો હું ટેકરી પર એક પથ્થર રૂપે હજી પડ્યો રહ્યો હોત તો?. તેના મનની વ્યથાને હું રોજ ઢળતી સાંજે, એક મિત્ર રૂપે સાંભળતો હોત! તું માન કે ન માન, તેની વ્યથાની સચ્ચાઈ, તેનું કાંઉં કાંઉં મારે માટે એક ભકતની પ્રાર્થના, આરતીથી વિશેષ હતી. દિવસ ભરનો વિષાદ મારી પાસે કરી તે રોજ સાંજે માળા તરફ ઊડાન ભરતો ત્યારે તેની પાંખમાં અને ચહેરા પર કેટલો આનંદ છલકાતો! કદાચ હું તેના સુખનો ફોટોગ્રાફ લઈ શકયો હોત તો? બસ તેનું આ દુઃખ આજ મારી આંખેથી બે આંસુ થઈને ટપકી પડયું છે.’
‘પ્રભુ, મને તમે માફ કરી દો. મને શું ખબર કે તમે આ પથ્થરના પાસાણમાં સમાયા હતા. હું પેલા કાગડાનો ઘોર અપરાઘી છું. મારા પિતાનું એક સ્વપ્ન સિદ્ઘ કરવા મેં નિર્દોષ પંખી પર કેવો મોટો જુલમ કરી નાંખ્યો છે!’
મિહિરે, પ્રભુના ચરણમાં પડી, બે હાથ જોડી પ્રભુની ક્ષમા માંગી, ત્યાં જ પત્ની સંગીતાએ, શયન ખડમાં આવી, તેની માથેથી ચાદર ખેચતા મિહિરને સ્વપ્નમાંથી જગાડતા કહ્યું, ‘અરે, હજી કયાં લગી આમ ઢોલીએ પડ્યા રહેશો. નગરના મકાનોના છાપરા સોનાના થઈ ગયા. જરા ઊઠી બારી બહાર નજર કરો તો ખબર પડે!’
બેડમાંથી આળસ મરડતા, ઊભા થતા મિહિરે બારી બહાર નજર કરી તો, ગઈ કાલે જે મંદિરમાં તેના હાથે પ્રભુની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તે મંદિરના કળશ પર આંખો બંઘ કરીને, મૌનમાં ડૂબેલો એક કાગડો, કળશ ચાંચ ઘસતો આભમાં ઊડવા પાંખ ફફડાવતો બેઠો હતો.
e.mail : preetam.lakhlani@gmail.com