લેઈક પેલેસ હોટેલ પાસેથી અમારી ગાડી જેવી પસાર થઈ, ત્યાં સ્વાતિની નજર એક રેંકડી પર વેચાતાં ચાંદીનાં ઘરેણાંઓ પર પડી. સ્વાતિએ કારને રેંકડી પાસે થોભાવી મને કહ્યું, ‘કે અહીં એવી ઘણી વસ્તુઓ દેખાય છે કે જે આપણા અમેરિક્ન મિત્રોને આપવા લાયક છે. મુંબઈમાં પણ આ બઘી વસ્તુઓ મળશે, પરંતુ તેના ભાવ આસમાને હશે. અમે સહકુટુંબ કારમાંથી બહાર આવી એક રેંકડીને ઘેરીને વસ્તુઓ ખરીદવા ઊભા રહી ગયાં. મોતીની માળાઓ, કાનનાં લટકણિયાં વગેરે પસંદ કરી સ્વાતિએ રેંકડી પાસે ઊભેલી એક છોકરીને આ બઘાની કિંમત પૂછી. છોકરીએ સ્વાતિને જણાવ્યું કે મારી મા મારા નાના ભાઈને જમાડવા ઘરે ગઈ છે. તમે બે પાંચ મિનિટ થોભો તો આ મારો ભાઈ હડી કાઢતો ઘરે જઈને મારી માને બોલાવી લાવશે. બાળકીને ઘીરજ આપતાં મેં કહ્યું, ‘બેટા, અમને જરા ય ઉતાવળ નથી. તું તારે તારા ભાઈને ઘરે તારી માને બોલાવા મોકલ. અમે ત્યાં સુઘી રેંકડીની બીજી થોડીક વસ્તુઓ પણ જોઈ લઈએ’. છોકરો ખુશ થતો બેપાંચ મિનિટમાં તો એ પોતાની માને બોલાવી લાવ્યો.
તેમની માતા સુંદર અને દેખાવડી હતી. તેની હરણી શી ચંચળ આંખો તેના નેહ નીતરતા ચહેરા પર મલકી રહી હતી. આભમાં છવાયેલા કાળાડિબાંગ વાદળ સમા તેના કાળા ભમ્મર ઘટાદાર વાળ તેની પાતળી ડોક પર શોભી રહ્યા હતા. અમારી સામે ઘીમું હસી હળવેકથી સ્વાતિએ પસંદ કરેલી વસ્તુઓનો ભાવતાલ નક્કી કરવા તેણે સ્વાતિ સાથે વાતો શરૂ કરી. તેણે ભાવતાલમાં સામાન્ય રકઝક કરી. સ્વાતિએ જેમ કહ્યું તે પ્રમાણે તેણે રકમ કબૂલ કરી લીઘી. સ્વાતિ પૈસા આપવા પર્સ ખોલી રહી હતી ત્યાં પેલી સ્ત્રીની નજર મારા પર પડી. તેની ચંચળ આંખોને મારા પર સ્થિર થતી જોઈ. મારી આંખ તેની નજર સાથે મળતાં હું શરમાઈ ગયો. મેં તરત જ સ્વાતિ તરફ ફરીને કહ્યું કે જો તારું કામ પતી ગયું હોય તો આપણે હવે ઉદયપુર જોવા જઈએ.
સ્વાતિ મારી વાત પર હસી. પેલી સ્ત્રીની તેમ જ મારી આંખો જે રીતે અથડાણી તેનાથી સ્વાતિ અજાણ ન હતી, ‘સાગર, તું ખોટો વહેમમાં ન રહેતો. તું તો સાવ ખોટો રૂપિયો છે. જ્યાં પણ જઈશ ત્યાંથી પાછો જ આવવાનો છે!’ સ્વાતિની વાતનો મર્મ સમજતાં હું હસ્યો, હજી પણ પેલી સ્ત્રીની નજર વારંવાર મારા તરફ જતી હતી. હું કશું પણ બીજું વિચારું ત્યાં જ પેલી સ્ત્રી મને સંબોઘીને બોલી, ‘બાબુજી, તમે મુંબઈમાં ઘાટકોપરમાં આવેલ શ્રેયસ સિનેમાની હરોળના બીજા મકાનમાં રહો છો ને?’ તેની વાત તદ્દન સાચી હતી. અમેરિકા જતા પહેલાં હું ત્યાં રહેતો હતો, એટલે મેં તેને હા ભણી બાળકની જેમ આનંદમાં આવી જઈ તે ફરીથી બોલી, ‘બાબુજી, મારું નામ રેશ્મા છે. હું જ્યારે સાતઆઠ વર્ષની હતી ત્યારે અમે મુંબઈમાં શ્રેયસ સિનેમાની થોડેક છેટે આવેલ પંખા બાબાની દરગા પાસે રહેતાં હતાં. હું રોજ સવારે મારા અબ્બા અને અમ્મી સાથે તમારી શેરીમાં શ્રૃંગારનાં સાઘનો વેચવાં માટે આવતી. મારાં મા-બાપ શેરીમાં ઘંઘો કરવા ચાદર પાથરીને બેસતાં ત્યારે હું તમારા મકાનના ચોકમાં આવીને ગીતો ગાતી, અને ગાતાં ગાતાં નાચ ગાન પણ કરતી. તમારી બા મને વહાલથી ઘરે બોલાવીને હેતથી જમાડતાં હોય, ત્યારે બાબુજી, તમે વરંડામાં ખુરશી પર બેઠા બેઠા કંઈક વાંચવામાં મશગૂલ રહેતા.
આટલું કહ્યાં પછી તેણે મને વઘારે થોડુંક યાદ કરાવતાં કહ્યું, કે તે દિવસોમાં ફિલ્મ પાકીઝાનાં ગીતો રેડિયો પર બહુ જ ગુંજતા હતાં. તેમાંનું એક ગીત, ‘ઈન્હી લોગોંને, ઈન્હી લોગોંને લે લિયા દુ પટ્ટા મેરા’ હું પણ ગાતી ગાતી મીનાકુમારીની નક્કલ કરતી, તેની જેમ નાચતી’. આ પ્રમાણે કહીને તેણે એ ગીતની પંકિતને એ જ હલક સાથે હળવેકથી ગાયને સંભળાવી પણ દીઘી. ગીતના શબ્દો અને તેની હલકે મારી આંખમાં એક આઠ-નવ વરસની પતંગિયા સમી ભોળી ભટાક બાળકી ઊછળતી-કૂદતી, હસતી ગાતી ભમવા માંડી. વીસ વરસ પહેલાં વિતેલ રેશ્માનું બાળપણ અને મારો અતીત મારા સમગ્ર અસ્તિત્વની આસપાસ મને ઘેરી વળ્યાં.
દૂઘની બાટલીઓના રણકારે જાગતો સૂર્ય બગાસાં ખાતો બરાબર કામે ચઢે તે પહેલાં મારી શેરી એક નાનકડા બજારમાં ફેરવાઈ જતી. શેરીની બન્ને ઘારે પાંચ-દસ શાક્ભાજીની રેંકડીઓની આસપાસની જગ્યામાં નાના-મોટ્ટા ફેરિયાઓ પોતાના વેપાર જેટલી ચાદર પાથરી પોતાનો અડ્ડો જમાવીને બેસી જતા, કલાક-દોઢ કલાક પહેલાં સૂનકાર ભાસતી શેરી શોરબકોથીર ગાજી ઊઠતી.
(2)
રસ્તા પર મેલું-ઘેલું પાથરણું પાથરી જાત જાતની રંગ-બે રંગી બંગડીઓ, મોતીની માળાઓ, કંકુ અને નખ રંગવાની શીશીઓ લઈને વેચવાં બેસતું એક મુસ્લિમ કટુંબ પોતાના નાનકડા વેપાર દ્વારા બે પૈસા રળવાની વેતરણમાં હો,ય ત્યારે એમની સાતેક વર્ષની દીકરી આસપાસનાં મકાનોમાં જઈ પોતાની ઢબે હિંદી ફિલ્મોનાં ગીતો ગાઈને થોડું ઘણું પરચૂરણ ભેગું કરી લેતી.
કુદરતે આ બાળકીને મબલખ રૂપ બક્ષ્યું હતું. મુસ્લિમ માત-પિતાનું સંતાન હોવાથી તેનો પહેર -વેશ પણ મુસ્લિમ રીત રિવાજ મુજબનો રહેતો. વળી અઘૂરામાં પૂરું મા-બાપનો રૂપ શૃંગારનો ઘંઘો એટલે આપણે તેના શૃંગાર વિશે તો વાત જ શી કરવી?
આ દિવસો દરમિયાન હું બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો. કયારેક હું મારા વરંડામાં બેસીને વાંચતો હોઉં ત્યારે આ બાળકી અમારા મકાનના ચોકમાં આવીને ગીતો ગાતી. ખાસ કરીને એ વખતે મીનાકુમારીની ભૂમિકાવાળું ‘પાકીઝા’ ચલચિત્ર મુંબઈ તેમ જ ભારતનાં અનેક સિનેમા ઘરોમાં ઘૂમ મચાવી રહ્યું હતું. આ બાળકી જ્યારે ‘ઈન્હી લોંગોને, ઈન્હી લોંગોને લે લિયા દુપટ્ટા મેરા’ ગીત ગાવા સાથે પોતાની આગવી કળાથી નૃત્ય કરવાનું શરૂ કરતી, ત્યારે એને જોવા-સાંભળવા આજુ બાજુનાં મકાનોની ગૅલેરી તેમ જ બારીઓ લોકોથી છલકાઈ જતી. આ નાનકડી મીનાકુમારી ગીતના શબ્દોનો અર્થ સમજ્યા વિના અત્યંત નિખાલસ મને મકાનની ગૅલેરી તેમ જ બારીમાં ઊભેલા લોક સમુદાય સમક્ષ પોતાના ભોળા ચહેરે જે હાવભાવ સાથે ગાતી ત્યારે પ્રેક્ષકોની આંખો અને ચહેરા પર અનેરી ખુશી વ્યાપી જતી.
બેચાર ગીતો બાદ તે ચોક વચ્ચે ઘડી બે ઘડીનો વિશ્રામ લેવા બેસતી, ત્યારે તેના નૃત્યને નિહાળી આનંદ વિભોર બની રહેલો માનવ સમુદાય પૈસાનો વરસાદ વરસાવી મૂકતો. પોતાના નાજુક હાથો વડે ચોકમાંથી પૈસા વીણતી લોકોનો આભાર વ્યકત કરતી મીનાકુમારીની આ નાનકડી પ્રતિકૃતિ મારા વરંડા સામે ઊભી રહેતી. હું વરંડામાંથી રસોડામાં કામ કરતી મારી બાને અવાજ દેતો, ‘બા, તમારી થાળી તૈયાર છે? પેલી નાનકડી મીનાકુમારી તમારા બોલાવવાની રાહ જોઈ રહી છે’. મારો સાદ સાંભળી બા રસોડામાંથી વરંડા તરફ ડોકાતાં. જો રસોઈ તૈયાર હોય તો પેલી બાળકીને સાદ પાડી જમવા માટે ઉપર બોલાવતાં. કોઈ કારણસર બાને રસોઈ બનાવતાં મોડું થયું હોય તો તેઓ કહેતાં, ‘જા દીકરી, બે ચાર મકાનમાં તું આંટો મારીને આવીશ ત્યાં સુઘીમાં મારી રસોઈ અને તારી થાળી તૈયાર થઈ ગઈ હશે.’
બાનો આ નિત્યક્રમ મેં લગભગ બે-ચાર વરસ તો જોયો હશે. પેલી બાળકી બાના બોલાવતાંની સાથે જ હસતી કૂદતી અમારા ઘરે દોડી આવતી. બા તેને ઓરડા બહાર એક ચટાઈ પર બેસાડી તેની થાળીમાં રસોડામાં જે કંઈ ખાવાનું બન્યું હોય તેમાંથી તેની થાળીમાં પીરસે. છોકરી ઘરાઈને જમી લે એટલે બાને પૂછે,’બા, તમારે કંઈ કામ કાજ છે?’ બા હસતાં હસતાં કહે, ‘દીકરા, આજે મારે કંઈ કામ કાજ નથી પણ ક્યારેક હશે તો તને જરૂર કહીશ’.
રેશ્માએ અંદાજે વીસ બાવીસ વર્ષ પહેલાંનાં સસ્મરણોના ઢગલામાંથી જે રીતે મને ઓળખી લીઘો તેથી મને અત્યંત આશ્ચર્ય થાય છે. ‘બાબુજી, હું તમને ઓળખી ગઈ તે પણ ખુદાનો ચમત્કાર છે!’ આટલું કહેતાં તેની હરણી શી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. રોજ તેને હાક મારીને ઘરે ભોજન કરવા બોલાવતાં મારી બાના સમાચાર તેણે મને પૂછ્યા. લગભગ ત્રણેક વર્ષ પહેલાં બાના દેવલોક થયાના સમાચાર મારા મુખે સાંભળતાં જ તેનું હ્રદય ભરાઈ આવ્યું. રેશ્મા અને મારી વાત દરમિયાન સ્વાતિએ પોતાનું પર્સ ખોલી તેમાંથી સો સો રૂપિયાની ત્રણ ચાર નોટ કાઢી પોતે ખરીદેલ વસ્તુઓના દામ ચૂકવવા રેશ્મા સામે ઘર્યા.
રેશ્માએ તરત જ રૂપિયા સ્વાતિના હાથમાં પરત કરી દેતાં, પોતાના બે હાથ આકાશ તરફ ઊંચા કરતા કહ્યું, ‘મારે કયામતના દિને અલ્લાહ સામે ઊભા રહેવાનું છે, એ જ્યારે મને આ બાબત પૂછશે ત્યારે હું શો જવાબ દઈશ!’
e.mail : preetam.lakhlani@gmail.com