
પ્રીતમ લખલાણી
‘અરે! આવો માસ્તરસાહેબ!’ મોહન પટેલે દાઢમાંથી આવકાર આપતાં કહ્યું, ‘માસ્તર, તમારો ભાઈ ગામમાં ભારે વટ છે, હોં! હમણાં બે ચાર છોકરાં પાદરથી દોડતાં આવી મને ખબર આપી ગયા કે તમે સરકારી ડૉકટરો સાથે હરિજનવાસની સેવા કરવા નિશાળને રેઢી મૂકીને ગયા છો! ઠીક છે, ભલા! સરકારી નિશાળ છે! એટલે તમને પૂછવાવાળું કોણ છે?’
‘ના, સરપંચસાહેબ, એવું કંઈ નથી! સરકાર ન પૂછે પણ તમે તો જરૂર પૂછી શકો છો, ખરેખર! અમે તો સરકાર કરતાં તમારા સેવક સાચા.’
‘ઠીક છે, એ બધી ઉપરછલ્લી વાત! બોલો ચૌહાણસાહેબ શું હુકમ પાણી છે?’
‘મોહનભાઈ, મારી સાથે આવેલ આ ભાઈ અને બહેન સરકારી ડૉકટર છે. ટાઈફૉડ, મેલેરિયા અને કૉલેરા જેવા રોગે આપણા જિલ્લાને ભરડામાં લીઘો છે. સદ્ભાગ્યે તેનાં દર્શન હજી આપણા ગામમાં દીઠાં નથી. સરકાર તરફથી રોગ પ્રતિકારક રસી મૂકવા માટે આવ્યાં છે. બસ તમે હુક્મ કરો કે ગામમાં કયાંથી ડોકટરસાહેબોએ કામની શુભ શરૂઆત કરવી!’
હુક્કાનો એક ઊંડો કસ લેતાં સરપંચ બોલ્યા, ‘ચૌહાણસાહેબ, હું તમને કશુંક કહું તે પહેલાં જ જો તમે મારા વતી આ ડોકટરોને જણાવી ઘો કે ગામમાં તમે જે પગલે આવ્યાં છો તે પગલે પાછા ફરી જાવ. નકામી કારણ વિના મારે ના કહેવા કયાં મારી જીભ બગાડવી.’
‘અમે એવો કયો ગુનો કર્યો છે કે તમારે અમારા માટે આવા શબ્દો વાપરવા પડે છે!’ જો તમે અમને આ બાબતમાં ખુલાસો કરીને જણાવો તો અમને અમારી ભૂલ સમજાય! ડૉ. નીતાએ જરા ગુસ્સો દબાવતાં સરપંચને પૂછયું.
ડૉ. નીતા સામું જોઈ ડૉ. કમલેશે જરા ગંભીર સ્વરે પૂછયું, ‘સાહેબ, તમારે જે કંઈ પણ કહેવું હોય તે છૂટથી સંકોચ વિના અમને કહી શકો છો. અમારે તો તમને પ્રેમપૂર્વક સાંભળવા જોઈએ! આમ તો અમે સરકારી નોકરચાકર છીએ! જો તમે અમારી ભૂલ સામું ઘ્યાન નહીં આપો તો બીજું કોણ આપશે?’
‘ડૉકટરસાહેબ, તમે ગામમાં પગ મૂકતાની સાથે જ ગામમાં સવર્ણોને બદલે આ માસ્તરની ચઢામણીએ હરિજન વાસમાં રસી મૂકવા ચાલ્યા ગયા. હવે તમારાં આ ઈન્જેકશનના પંપો અને આ સોયોથી રસી લઈને હું મારા દેહને અભડાવું! જો તમે એમ માનતા હો કે અમે તમારી મીઠી મીઠી વાતોમાં આવીને રસી મુકાવી અમારા દેહને અભડાવી લેશું તો, તમે એ વાતને ભૂલી જજો.’
‘સરપંચસાહેબ, શું આવી ફાજલ વાતો કરો છો? અમારે સરકારને જવાબ આપવાનો હોય છે! અમે સરકારી નોકરો કોઈ નાતજાતમાં ન માનીએ! અમારે મન તો બઘા માણસો સરખા!’
ડૉ. નીતા આવેશમાં આવીને વઘારે કયાંક કંઈક બોલી ન નાખે, એટલે ડૉ. કમલેશે તેમને વચ્ચે અટકાવીને સરપંચને બહુ જ વિવેકપૂર્વક કહ્યું, ‘સાહેબ, અમારાથી ભૂલ થઈ ગઈ છે એ વાત અમે કબૂલ કરીએ છીએ, પણ ભૂલને આમ કયાં લગી આપણે વળગીને બેસી રહેશું, બાપુ. ભૂલમાંથી બહાર નીકળવાનો ય કોઈક એકાદ માર્ગ તો હશે જ ને!’
‘ડૉકટરસાહેબ, આ વિષય તો બ્રાહ્મણ અને પુરોહિતોનો છે! હું તમને શુદ્ઘિ કરવાનો માર્ગ શું દેખાડું? આ બાબતમાં તો તમારે અમારા ગામના પુરોહિત પ્રભાશંકર જોશીની જ સલાહ લેવી પડશે. એ જેમ કહેશે તે પ્રમાણે જો તમે રાજી હો તો બોલો. હું હમણાં જ તેમને બોલાવવા તેમના ઘરે કોઈ છોકરાને મોકલું?’
‘જરૂર સરપંચસાહેબ, તમ તમારે જોશીને બોલાવવા છોકરાને મોકલો. અમને ભલા એમાં શો વાંઘો હોય.’ ડૉ. નીતાએ હસતાં હસતાં કહ્યું.
ચોરે પાનાં કૂટતા એકાદ બે છોકરાને સરપંચ, પુરોહિત પ્રભાશંકરને બોલાવવા મોકલે તે પહેલાં જ ખરે બપોરે અવાડેથી ભેંસને પાણી પાઈને ખભે ભીનું પંચિયું નાખીને પ્રભાશંકરને ઉઘાડે ડિલે ચોરા ભણી આવતા જોઈ સરપંચે હાક મારી, ‘અરે! ભૂદેવ, તમે જરા આમ આવો તો, આજ ખરા બપોરે ગામને તમારું કામ પડયું છે!’
‘અરે! બોલો મારા બાપ અમે તમારી સેવાચાકરી નહીં કરીએ તો કોની કરીશું?’
‘પુરોહિત બાપા, આ સરકારી ડૉક્ટરો આપણા ચૌહાણસાહેબના કહેવાથી ગામમાં સવર્ણોને પ્રથમ રસી મૂકવાને બદલે પહેલાં હરિજનવાસમાં ગયાં. હવે તમે જ કહો, આ હરિજનના દેહથી અભડાયેલ સોયો અને ઈન્જેકશનના પંપથી ભલા આપણે કઈ રીતે રસી મુકાવી શકીએ?’
‘અરે! અરે! ઈશ્વર હું આ શું સાંભળી રહ્યો છું. ગામમાં આ માસ્તરના પ્રતાપે તો પાપે લજ્જા મૂકી છે. મોહન પટેલ! જો ઘરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે.’
‘પુરોહિતબાપા, જે થયું તે ઈશ્વરની જ ઈચ્છા! આ ખરા બપોરે તમને ચોરે બોલાવવાનું કારણ એ જ કે તમે આ પાપમાંથી મુકત થવા અમને કોઈ એકાદ રસ્તો દેખાડો. અને જો કોઈ પ્રાયશ્ચિત્તનો માર્ગ જ ન નીકળે એમ હોય તો કહો એટલે આ ડૉકટરને બે હાથ જોડીને પાદર લગી વળાવી આવું!’
‘મોહન પટેલ, તમને આ જનોઈના સોગંદ ખાઈને કહું છું કે તમે ધારો છો એવડું આ કંઈ નાનું પાપ નથી! તમે કહો છો એટલે આ જીવતા જીવ ગામના ભલા માટે આ પાપમાં હાથ નાખી પ્રાયશ્ચિત વિઘિ કરાવું છું. આ તમામ ઈન્જેકશનના પંપો અને સોયને ગામની પંચકલ્યાણી ગાયોનાં ગોમૂત્રથી ઘોઈ, મંત્રો, પૂજાપાઠ કરી પવિત્ર તુલસીદળને માથે ચઢાવી, આપણે ડૉકતરસાહેબને રસી મુકાવવાનો આદેશ આપી શકીએ!’
‘શું કહ્યું! તમે પુરોહિતબાપા! ગોમૂત્રથી આ ઈન્જેક્શનની સિરિંજ અને સોયને પવિત્ર કરી, લોકોને રસી મુકાવવાની!’ ડૉ. નીતાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં તેમને પૂછ્યું.
ડૉ. નીતાને પુરોહિત બાપાના માર્ગદર્શનમાં સંકોચ અનુભવતી જોઈ, માસ્તર ચૌહાણ બાજી પોતાને હસ્તક લેતાં બોલ્યા, ‘પુરોહિત બાપા, ખરેખર તમારી વાતને જેટલી દાદ આપીએ એટલી મારી દૃષ્ટિએ ઓછી કહેવાય! બાપા, જો આ રીતે ઈન્જેકશનની સિરિંજ અને સોય ફરી પવિત્ર કરી શકાતી હોય તો તમે કયા શુભ ચોઘડિયાની રાહ જુઓ છો! મંગાવો તાબતોબ ગામની પંચ કલ્યાણી ગાયના ગોમૂત્ર અને કરી દો પૂજાપાઠ.’
આ પ્રમાણે પુરોહિતને પાનો ચઢાવી. બંને ડૉકતરોને એક બાજુએ લઈ જઈને કાનમાં કહ્યું, ‘ડૉકટર, એક વાર આ પૂજા પાઠથી ઈન્જેકશનની સીરિંજ અને સોય પવિત્ર થઈ જવા દો. પછી આપણે આગળ શું કરવું તે વિચારીશું.’
ચોરે પાનાં રમતાં છોકરાંવને સરપંચનો આદેશ મળતાં જ છોકરાઓ હડી કાઢતાં ગામમાં જઈ બેચાર મિનિટમાં જ ચારપાંચ ગાયોનું ગોમૂત્રને એકાદ ત્રાંસાના લોટામાં એકથું કરી ચોરે હાજર થઈ ગયા.
પુરોહિતે ખભેથી મેલાઘેલા પંચિયાને ઉતારી ચોરાના એક ખૂણામાં પાથરી અને ડૉક્ટરોને તેના પર ઈંજેકશનની સિરિંજ અને સોયને મૂકવા જણાવ્યું થોડી જ વારમાં ચોરે એક છોકરો થાળીમાં તુલસી, ઘીનો દીવો તેમ જ પૂજાપાની સામગ્રી લઈને આવી ચઢ્યો. પુરોહિતે સરપંચને સાદ પાડયો, ‘અરે! મોહન પટેલ જો હુક્કો પિવાઈ ગયો હોય તો બેચાર ઘડી આમ આવો. હું તમારા હાથે જ આ પવિત્ર પૂજાની વિઘિ આરંભ કરાવું.’
પુરોહિતનું આમંત્રણ મળતાં જ હરખપદૂડા મોહન પટેલ હાથનો હુક્કો બાજુમાં બેઠેલા રાઠોડને આપી પૂજા કરવા બેસી ગયા.
મોહન પટેલે દરેક ઈન્જેકશનની સિરિંજ તેમ જ સોયને પવિત્ર ગોમૂત્રથી ઘોઈ કરીને પુરોહિતે પાથરેલા પંચિયા ઉપર મૂકી, અબીલગુલાલનાં છાંટિયા કરી પ્રભાશંકર પુરોહિતે શુદ્ધિકરણના શ્લોકના જાપ કરી પ્રત્યેક સિરિંજ તેમ જ સોયને કૌતુકભરી નજરે જોતાં ડૉ. નીતાની હથેળીમાં મૂકી તેના ઉપર તુલસીદળ મૂકતાં બોલ્યા,’બહેનશ્રી, તમે આ ઈન્જેકશનના પંપો અને આ સોયને બે હાથમાં મૂકી ચોરાની ચારે દિશામાં એક આખું ચક્કર મારો. પ્રત્યેક દિશાના વાયુઓથી આ પંપો અને સિરિંજ પવિત્ર થઈ જશે.’
લોકોની અંઘશ્રદ્ઘા ઉપર મનોમન હસતાં હસતાં ડૉ. નીતાએ પુરોહિત તેમ જ સરપંચને ખુશ રાખવા ચોરાની ફરતું એક ચક્કર મારી તમામ ઈન્જેકશનની સિરિંજ અને સોયને ફરીથી પુરોહિતના હાથમાં મૂકી દીઘાં!
‘મોહન પટેલ, તમે એક વાર આ પંપો અને સોયને સાચવીને એક ડબ્બીમાં મૂકી ઘો અને એ તો ઠીક, પણ ભૂલથી પણ હરિજનનો પડછાયો સુઘ્ઘાં તેના ઉપર ન પડવો જોઈએ. પુરોહિતે સલાહ આપી.’
‘ડૉ. કમલેશ હવે અત્યારે ખરે બપોરે ગામને કયાં ચોરે ભેગું કરવું, એના કરતાં સાંજના ઠંડા પહોરે જો રસી મુકાવવાનું રાખીએ તો મારી દૃષ્ટિએ વિશેષ અનુકૂળ રહેશે. શું કહો છો સરપંચસાહેબ, તમે આ બાબતમાં?’ માસ્તર ચૌહાણે પૂછ્યું?
‘માસ્તર, કયારેક તમે ખરેખર લાખ રૂપિયાની વાત કરો છો. હું પણ તમને હમણાં કહેવાનો જ હતો, પણ તમે મારા મનની વાત કરી લીઘી. તમે એમ કરો …. આ બંને ડૉકટરોને નિશાળે લઈ જઈ એકાદ ખાલી વર્ગમાં તેમને આરામ કરાવી ફરી ડૉકટરોને લઈ સાંજના ચાર સાડા ચારે આવી જજો. ત્યાં સુઘીમાં હું ગામ આખાને અહીં ભેગું કરી નાખીશ. લ્યો ત્યારે રામ રામ.’
ચોરાથી નિશાળ તરફ પ્રયાણ કરતાં ડૉ. નીતાએ કહ્યું, ‘ડૉ. મહેતા આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયથી લોકોને રસી આપવી એ તંદુરસ્તી માટે કેટલી હાનિકારક નીવડે? મને પણ નથી સમજાતું કે તમે પણ આ ગામના ગમારની વાતોમાં આવી જઈને તેમના રંગે રંગાઈ ગયા. પણ હું એક વાત તમને ચોખ્ખીચટ કહી દઉં છું કે હું આ સિરિંજ અને સોયથી ગામના લોકોને કોઈ હિસાબે રસી આપી શકું નહીં. જો તમારે આ લોકોને આ સિરિંજ અને સોયથી રસી આપવી હોય તો તમે પ્રેમથી તેમ કરી શકો છો, પણ આ વાત મેડિકલની દૃષ્ટિએ તેમ જ મારા નૈતિક મૂલ્યની પણ વિરુદ્ધ છે.’
‘નીતા, તમે જરા મન પર ઘીરજ રાખો. આ ગામના લોકોને આપણે કોઈ પણ હિસાબે સમજાવી શક્યા ન હોત. આ ધાર્મિક મનના લોકોને તો પુરોહિતના માર્ગે જ સમજાવી શકાય.’ આમ કહી વાતને આગળ ચલાવતાં માસ્તર ચૌહાણ બોલ્યા, ‘ડૉ.નીતા મેં સમજીવિચારીને જ સરપંચસાહેબને જણાવ્યું કે અત્યારે ખરે બપોરે રસી મુકાવા ગામને ભેગું કરવું તેના કરતાં સાંજના નમતા પહોરે આ કાર્યક્રમ રાખવો. આ શા કારણે મેં આમ કહ્યું, લ્યો આ વાત તમને વિગતે સમજાવું. આપણે નિશાળે જઈ આ ગોમૂત્રવાળી સિરિંજ અને સોયને ગરમ પાણીમાં ઉકાળી સ્ટરિલાઈઝ કરી નાંખીશું. પછી સાંજે આ લોકોને આ સિરિંજ દ્વારા રસી મૂકવામાં શો વાંઘો છે? હવે તો તમે ડૉ. નીતા ખુશ ને?’
e.mail : preetam.lakhlani@gmail.com