થોડા સમય પહેલા એક વીડિયો જોયો હતો, જેમાં એક પત્રકાર કોલેજના વિદ્યાર્થી યુવક – યુવતીઓને ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ વચ્ચેનો ફરક પૂછી રહ્યા હતા. ખૂબ આશ્ચર્ય વચ્ચે મોટા ભાગનાણ યુવાનોને આ અંગે કોઈ સ્પષ્ટતા ના હતી! એમને બે તારીખ ખબર હતી જ્યારે એમને રજા મળે છે પણ બંનેનું આગવું મહત્ત્વ શું છે એ સમજવાની જરૂર એમને કદાચ ન લાગી. ભારત આઝાદ થયો એ વાત સમજવી સરળ છે પણ ભારતે પોતાનું આગવું બંધારણ અપનાવી લોકતાંત્રિક ગણતંત્ર જાહેર કર્યું એનો મતલબ ઘણાને નથી સમજાતો. લોકતંત્ર અને ગણતંત્ર બંને શબ્દો એકબીજાના પર્યાય લાગે પણ બંનેની વિભાવનામાં થોડો ફરક છે. બંને પદ્ધતિમાં પ્રતિનિધિને ચૂંટવાની રાજકીય સત્તા લોકોના હાથમાં હોય, પણ બંનેમાં પ્રતિનિધિઓના નિર્ણય લેવા માટે જરૂરી દાયરાની સમજ અલગ છે. ગ્રીક પરંપરામાંથી આવેલ ‘લોકતંત્ર’માં ચૂંટાયેલા પ્રતિનિધિ બહુમતી અભિપ્રાય પ્રમાણે નિર્ણય લે, જ્યારે રોમન પરંપરામાંથી જન્મેલી ગણતંત્ર પ્રથામાં પ્રતિનિધિ આડકતરી રીતે ચૂંટાયેલા હોઈ શકે જે દેશના બંધારણને આધીન નિર્ણય લે. ભારતના બંધારણ પ્રમાણે આપણે લોકતાંત્રિક ગણતંત્ર હોવાનું સ્વીકાર્યું છે.
આ ૨૬ જાન્યુઆરીએ જ્યારે સ્વતંત્ર ભારતને ગણતંત્ર જાહેર કર્યાં ને પંચોતેર વર્ષ પૂરાં થઇ રહ્યાં છે, ત્યારે, પ્રસંગે, આપણું લોકતંત્ર – ગણતંત્ર ક્યાં પહોંચ્યું એનું સરવૈયું કરવું પ્રાસંગિક છે. લોકોના, લોકો દ્વારા અને લોકો માટે ગોઠવાયેલ રાજતંત્ર સાચા અર્થમાં કેટલા અને કયા લોકો માટે લોકતાંત્રિક બન્યો છે એ સવાલ પૂછવો જરૂરી છે. ૧૯૪૭માં ૨૦૦ વર્ષની ગુલામી પછી સ્વતંત્ર થયેલા, 30 લાખ ચોરસ કીલોમીટરથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતા, ૩૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા, દેશ માટે લોકતંત્ર અપનાવવું અઘરું હતું. આપણે એ પડકાર ઉપાડ્યો અને ૭૫ વર્ષ સુધી લોકતંત્ર ફૂલ્યું ફાલ્યું. તેમ છતાં બંધારણમાં જે ગણતંત્રની જે વિભાવના છે તેના હાર્દ સુધી પહોંચવાથી આપણે જોજનો દૂર છીએ. એક રીતે જોઈએ તો ભારતમાં નાગરિકની ભૂમિકા ચૂંટણીમાં મત આપવા પૂરતી મર્યાદિત રહી ગઈ છે. કહેવા માટે તો ભારતનાં નાગરિકો ચૂંટણીમાં મત આપી પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. વાસ્તવિકતા એ છે કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી લોક પ્રતિનિધિઓના અભિગમમાં આસમાન જમીનનો ફરક હોય છે. ધન અને બળનું જોર ચૂંટણીનાં પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય ત્યારે ચૂંટાયેલ નેતા લોક હિતમાં નિર્ણય લેશે કે કેમ એ વિષે શંકા જ રહે. જો લોકોના હિતમાં બંધારણ આધારિત નિર્ણય લેવાતા હોત તો આર્થિક અસમાનતા આટલી વધી ના હોત. કુદરતી સંસાધનો પર લોકોનું નિયંત્રણ રહ્યું હોત. શિક્ષણના અધિકારને માન્યતા આપતી વખતે સૌને ગુણવત્તા સભર સમાન શિક્ષણ મળે એ વાત પર ભાર મુકાયો હોત, જેથી શિક્ષણની પ્રક્રિયા અસમાનતામાં વધારો ના કરે. આજે સામાન્ય લોકોને ખાતરી છે કે દેશના વિકાસનાં ફળ એમના સુધી પહોંચતા તો પેઢીઓની પેઢી નીકળી જશે, ત્યારે ચૂંટણી ટાણે રોકડ રકમ સ્વીકારી મત આપવામાં ખચકાતા નથી. કારણ કે લોકતાંત્રિક પ્રક્રિયાનો એટલો જ ફાયદો એમના સુધી પહોંચ્યો છે. આ વાત દરેક રાજકીય પક્ષ પણ સારી રીતે સમજી ગયા છે, એટલે જેમ હરિયાણા, મહારાષ્ટ્ર કે પછી આવનાર દિલ્હીની ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે એમ દરેક પક્ષ વચ્ચે મતદાતાને રીઝવવા બેથી ત્રણ હજાર રૂપિયા આપવાની જાણે હોડ લાગી છે! જેની અસર ચૂંટણીનાં પરિણામ પર દેખાતી હોવાનું વિશ્લેષકો માને છે. આ વાસ્તવિકતાને કારણે સવાલ થાય છે કે દરેક ચૂંટણીમાં ભારતીય નાગરિક મત તો આપે છે એટલે આપણે લોકતંત્ર તો છીએ. પણ શું લોકોના હાથમાં સાચી સત્તા છે? અને શું આ લોકતંત્ર બંધારણનાં આદર્શ એવા સમાનતા સિદ્ધાંત આધારે ચાલી રહ્યું છે?
ગણતંત્રનાં પંચોતેર વર્ષે એ પણ હકીકત છે કે મહિલાઓ માટે સલામતી ઊભી થઇ શકી નથી, જે કોઈ પણ વ્યક્તિના નાગરિકી અધિકારનો પાયો ગણાય. બળાત્કાર અને હત્યાની અવારનવાર બનતી ઘટનાથી આપણે એટલા તો ટેવાઈ ગયા છીએ કે કલકત્તાનો તાલીમી ડોકટરના બળાત્કારનો કેસ જજને રેરેસ્ટ ઓફ ધ રેર ન લાગ્યો. અહી મૃત્યુદંડની યોગ્યતા /અયોગ્યતા પર દલીલ કરવાનો ઈરાદો નથી. એ ચર્ચા અલગથી થઇ શકે. પણ, પોતાનું કામ કરી રહેલી તાલીમી ડોક્ટરને હોસ્પિટલ જેવી જગ્યાએ મળવી જોઈતી યોગ્ય સુરક્ષિત સુવિધા ઊભી કરવા જેવી જરૂરિયાતનો અહેસાસ કરવા માટે જઘન્ય બળાત્કારની રાહ જોવી પડે એ મહિલાઓના નાગરિક તરીકેના દરજ્જા માટેની સરકાર અને સમાજની ગંભીરતા પર પ્રશ્ન ઊભા કરે છે.
સરકારનો વિરોધ કરવાના અધિકારનો ઉપયોગ લોકો કરી શકે છે એટલું લોકતંત્ર – ગણતંત્ર ધબકતું છે. ખેડૂતોનું આંદોલન, સી.એ.એ. – એન.આર.સીના વિરોધમાં થયેલું આંદોલન, કોલકતામાં થયેલી બળાત્કારની ઘટના બાદ સડકો પર આવી ગયેલા લોકો એટલું આશ્વાસન આપે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ અભિપ્રાય રજૂ કરવાની સાંકડી બારી હજુ ખુલ્લી છે. અલબત્ત, સરકાર તમને દેશદ્રોહી જાહેર કરે, વર્ષો સુધી કેસ ચલાવ્યા વિના તમને જેલમાં પૂરી રાખી શકે, પોલીસ તમારી વાત સાંભળવાને બદલે લાઠી મારી શકે કે પછી ગોળીબાર પણ કરી શકે, એ જોખમ જરૂર છે. તમારી સામાજિક ઓળખાણ પ્રમાણે આ જોખમમાં વધારો ઘટાડો થઇ શકે.
ટૂંકમાં, આપણે સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે બનીશું જ્યારે સરકાર કોઈ પણ અપવાદ વિના દરેક નાગરિકના હકનો આદર કરતી હશે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર