છેવટે ગૃહ મંત્રાલય તરફથી લૉક ડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને પોતાના વતન પરત જવાની મંજૂરી આપવામાં આવી છે. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસે તે સૌના વળતા પ્રવાસની વ્યવસ્થાની શરૂઆત થઈ.
સમાચારપત્રો નોધે છે કે ભા.જ.પ.ની અંદરથી જ ગૃહ મંત્રાલય ઉપર દબાણ ઊભું થયું હતું કારણ કે, સ્થળાંતરિત શ્રમિકોની જે કટોકટી ઊભી થઈ, તેનાથી પક્ષને રાજકીય નુકસાન જવાનો ભય જાગ્યો. માનવીય સંવેદના કરતાં તેમનું મતદાતા તરીકેનું વજૂદ વધુ કામ કરી ગયું. લોકશાહીનો આટલો ફાયદો ખરો.
પ્રવાસી શ્રમિકોની હાલત અને તેમાંથી ઊભો થયેલો અજંપો કટોકટી સુધી કેમ પહોંચ્યો, એ સવાલ પૂછવો અગત્યનો છે. લૉક ડાઉનની જાહેરાત વખતે સરકારે કહ્યું કે જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય, સરકાર તેમની દૈનિક જરૂરિયાતની સંભાળ લેશે. પણ, જેમણે સરકારી મદદ માટે આજીવન ધક્કા જ ખાધા હોય અને જેમને હાલાકી સિવાય કશું મળ્યું ન હોય એ વર્ગને સરકારનાં વચન બોદાં જ લાગે. એમાંય વળી, અઠવાડિયા – દસ દિવસ સુધી રેશન વિતરણની વ્યવસ્થા ન સ્થપાય ત્યારે રોજનું રળીને રોજ ખાનાર વર્ગ સામે ભૂખમરો મોઢું ફાડીને ઊભો હોય.
અલબત્ત, નાગરિક સમાજે અન્નસુરક્ષાની ઘણી જવાબદારી ઉપાડી લીધી અને ઘણા લોકોને ભૂખમરાથી બચાવ્યા. પણ, શ્રમિકોને જે એમના હકના ધોરણે મળવું જોઈતું હતું એ દયાભાવે ઉપકાર તરીકે મળ્યું. આત્મસન્માનની તો એમાં વાત જ ક્યાં કરવાની? સમાનતાના મૂળભૂત અધિકાર સાથે સામાજિક સુરક્ષાનો આધિકાર વણાયેલો છે. પણ સામાજિક સુરક્ષા આપતી મોટા ભાગની સંસ્થાઓ સાવ પડી ભાંગી છે – મોટા ભાગે આજ સુધીની સરકારોની ઉપેક્ષાને કારણે અને બાકી હતું તે ખદબદતા ભ્રષ્ટાચારના કારણે.
આ સંસ્થાઓની ભૂમિકા બજારની વ્યવસ્થા ક્યારે ય નિભાવી ન શકી. હાલાકીની જિંદગીને કારણે શ્રમિકોના મનમાં વર્ષોથી સરકાર અને સરકારી વ્યવસ્થા પ્રત્યે અવિશ્વાસની લાગણી ઊભી થયેલી છે એ માટે કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. કટોકટીના સમયે આ અવિશ્વાસ અજંપો બનીને સામે આવ્યા છે ત્યારે સામાજિક વિતરણની વ્યવસ્થાને ‘સમાજવાદી’ છોગું માનીને અવહેલના કરતા પહેલાં એની ભૂમિકાની અગત્યતા અંગે નવેસરથી વિચારવું રહ્યું.
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 02 મે 2020