“ચલ, જલ્દી જલ્દી વોટર ડ્રિંક કરી લે …”. “રન રન કરતો પહોંચી જા …”, “ઈટ કરી લે …”

નેહા શાહ
નાનાં બાળકો સાથે બોલાતી આવી ભાષા લગભગ બધાએ સાંભળી હશે. પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવા ઇચ્છતાં મા-બાપ આવી ભેળસેળ ભાષા વાપરતાં હોય છે. મા-બાપને સરખું અંગ્રેજી આવડતું ના હોય, ઘરમાં સહેજ પણ અંગ્રેજીનો ઉપાયોગ થતો ના હોય તો પણ બાળક ભણવું તો અંગ્રેજીમાં જ જોઈએ. આ વર્ગ એટલો બધો મોટો છે કે શહેરોમાં ગુજરાતી માધ્યમની સારી કહી શકાય એવી શાળાની સંખ્યા ઝડપથી ઘટી રહી છે! એ વાત સાચી કે બજારની માંગ અંગ્રેજીની છે. અંગ્રેજી લખતા-બોલતા લોકો માટે નોકરીની તકો વધી જાય છે, એ વાત પણ સાચી. એટલે જ લોકો પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે. પણ, અભિવ્યક્તિની સાહજિકતા જે માતૃભાષામાં મળે છે એ પરદેશી ભાષામાં મળતી નથી. “વોટર ડ્રિંક કરી લે …” જેવી ભાષાના પ્રયોગ સાંભળીને મોટા થયેલા બાળકને ના તો સારું ગુજરાતી આવડે છે, ના અંગ્રેજી.
આદિકાળથી વિકાસ કરતાં કરતાં માણસે કેટલી બધી ભાષા અને બોલીઓ વિકસાવી! ગુજરાતી ભાષામાં પણ કેટલું બધું વૈવિધ્ય છે. કહેવાય છે ને કે “બાર ગામે બોલી બદલાય”. દરેક ભાષામાં સદીઓ જૂનું કેટલું બધુ જ્ઞાન અને ડહાપણ સંઘરાયેલું છે. આજ તો આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો છે. જે ભાષાની સાથે લુપ્ત થતો જાય છે. જેમ કે, સંસ્કૃતિમાં ખૂંપેલી અને રોજિંદા જીવનમાં છૂટથી વપરાતી કહેવતો – ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’, કે ‘કૂવામાં હોય તે હવાડામાં આવે’ – એના અર્થ પણ ગુજરાતી જુવાનિયા ગૂગલ પર શોધે તો નવાઈ નહીં! જે તળપદું જ્ઞાન ગૂગલ સુધી પહોંચ્યું તે જ સચવાશે એવી પરિસ્થિતિ અત્યારે છે. સૌથી મોટી વિડંબણા એ છે કે માતૃભાષા ના આવડતી હોય અને અંગ્રેજી આવડતું હોય એ બાબત લોકોને ગર્વ લેવા જેવી લાગે છે. બાબા બ્લેકશીપ …. ગાતાં બાળકને જોઈ હરખાતાં મા-બાપે એ સમજવાની જરૂર છે કે બાળકે ના તો કાળું ઘેંટું જોયું છે, ના ઘેંટાએ આપેલા ઊનનું મહત્ત્વ એને સમજાય છે, કારણ કે એ તો ગરમ પ્રદેશમાં રહે છે. તો પછી એ ગીતે બાળકને કયા અનુભવ સાથે જોડ્યું? ઘણી અંગ્રેજી માધ્યમની શાળાઓ બાળકને કડકડાટ અંગ્રેજી બોલતા કરી દેવાની હોડમાં ગુજરાતી બોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, અને બોલ્યા તો સજા! આવી રીતો બાળકને ગુજરાતીથી તો વિમુખ કરે જ છે પણ અન્ય વિષયમાં રુચિ લેતા પણ અવરોધે છે. આ શિક્ષણની સેવા નહીં પણ કુસેવા થઈ.
વર્તમાન વિકાસની તરાહ વિવિધતાનું એકરૂપીકરણ કરનારી સાબિત થઈ રહી છે. આ સંઘર્ષ માત્ર અંગ્રેજીના આધિપત્યનો જ નથી, પણ દરેક ભાષામાં રહેલા વૈવિધ્યને બચાવવાનો પણ છે. ગુજરાતી બચાવો અભિયાનમાં જોડાયેલા ઘણાં મહાનુભાવો ભાષા-શુદ્ધિના નામે તળપદી અભિવ્યક્તિની હાંસી ઉડાવતા હોય છે, ત્યારે એક રીતે પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે. આ અભિયાન સંસ્કૃત ભાષાને સ્થાપિત કરવા માટે છે કે ભાષામાં રહેલા વૈવિધ્યના સન્માન માટે એ સ્પષ્ટતા હોવી જરૂરી છે.
સયુંક્ત રાષ્ટ્રના માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું ત્યારે આ વાતનો અહેસાસ હતો જ. સંયુક્ત રાષ્ટ્ર નોધે છે કે વિશ્વમાં લગભગ 7,000 ભાષા બોલાય છે. એમાંથી દર પંદર દિવસે એક ભાષા લુપ્ત થાય છે! આશરે 45 ટકા જેટલી ભાષા વિલુપ્ત થવાની કગાર પર ઊભી છે. આજે વિશ્વભરમાં શિક્ષણ માટે વપરાતી ભાષાની સંખ્યા ચાર આંકડામાં નથી પહોંચતી અને ડિજિટલ વિશ્વમાં વપરાતી ભાષાની સંખ્યા સોએ પણ નથી પહોંચતી. પરિણામે વિશ્વના 40 ટકા લોકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ નથી મળતું, કેટલાક વિસ્તારોમાં તો આ પ્રમાણ 90 ટકા સુધી પહોંચે છે.
નિરંજનભાઈ ભગતે એકવાર લખેલું કે ભાષા ગુજરાતી અને માધ્યમ અંગ્રેજી. લીનાબહેન મંગળદાસ, જેમણે અમદાવાદમા શ્રેયસ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી અને મોંટેસરી પદ્ધતિને અપનાવી, તેઓ કહેતાં જે ભાષા ઘરે બોલાતી હોય એ જ ભાષામાં બાળકનું શિક્ષણ થાય તો એણે ભાષા સાથે સંઘર્ષ નહીં કરવો પડે અને માત્ર વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. યુનેસ્કોએ આ વર્ષે આ જ વાત કહી છે. આ વર્ષે માતૃભાષા દિવસની ઉજવણીનો વિષય રખાયો છે – “બહુભાષીય શિક્ષણ – ભણતર અને આંતર–પેઢીય ભણતરનો પાયો”, જે થકી સર્વસમાવિષ્ટ શિક્ષણ અને સ્થાનિક ભાષાઓના સંરક્ષણ પર ભાર મુકાયો છે. બાળકને જો શરૂઆતના વર્ષોનું શિક્ષણ માતૃભાષામાં અપાય તો ઘર અને શાળા વચ્ચે તાદાત્મ્યતા સધાશે, બાળકની સર્જન શક્તિ અને વિવેચન ગુણ પણ ખીલશે, કુતૂહલતા જળવાશે તેમ જ આત્મ વિશ્વાસ ઊભો થશે. ઘણા અભ્યાસ આ વાતનું સમર્થન કરે છે. બાળક મોટું થતાં ધીમે ધીમે બીજી ભાષા શીખી જશે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપી શકાય એવી વ્યવસ્થા ગોઠવાય તો ભાષા બચાવવાના પ્રયત્નો માત્ર 21મી ફેબ્રુઆરી પૂરતા મર્યાદિત નહીં રહે.
પ્રગટ : ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ફેબ્રુઆરી 2024