
નેહા શાહ
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હોવાના નાતે અમેરિકાના રાષ્ટ્ર-પ્રમુખની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. રિપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર-પ્રમુખ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે. નવા પ્રમુખની સાથે ઘણું બદલાશે અને સાથે બદલાશે મહિલાઓ ને સલામત ગર્ભપાતનો અધિકાર.
આ ચૂંટણીમાં વધતો ફુગાવો, બેરોજગારી, સ્થળાંતર, કે આરોગ્ય સુવિધા જેટલો જ ચર્ચાયેલો રાજકીય મુદ્દો ગર્ભપાતના અધિકારનો હતો. વિશ્વમાં આધુનિક ગણાતા, અને ઉદારવાદી મૂલ્યો માટે જાણીતા સમાજમાં ગર્ભપાતનો અધિકાર ૨૦૨૪માં પણ અગત્યનો ચૂંટણીનો મુદ્દો હતો તે તો કેવી વિડંબના! જગતને માનવ અધિકારની દુહાઈ આપનાર દેશનું રાજકારણ પોતાની મહિલા નાગરિકોના ગર્ભપાત જેવા મૂળભૂત માનવ અધિકાર સંદર્ભે વહેંચાયેલું છે. એના નામે મત માંગી શકાય એટલા મતદાતા બંને અભિપ્રાયના પક્ષે છે! અમેરિકાના બંને પ્રમુખ પક્ષો આ સંદર્ભે વહેંચાયેલા છે – ડેમોક્રેટિક પક્ષ ગર્ભપાત માટે યોગ્ય આરોગ્યની સુવિધા પૂરી પાડવાની હિમાયત કરે છે, જ્યારે રિપબ્લિકન પક્ષ ન જન્મેલા બાળકના જન્મ લેવાના અધિકારની વાત કરે છે, એમના મતાનુસાર ગર્ભપાત એ માનવ હત્યા બરાબર છે. કેથોલીક ખ્રિસ્તી સમાજ પહેલેથી ગર્ભપાતનો વિરોધી રહ્યો છે જેમનું રિપબ્લિકન પક્ષને સમર્થન છે. આમ, યુ.એસ.નું રાજકારણ ‘જીવનના અધિકાર તરફી’ અને ‘પસંદગીના અધિકાર તરફી’ એમ બે જૂથમાં વહેંચાયેલું છે.
ગર્ભપાતનો મુદ્દો હંમેશાંથી અમેરિકામાં જાહેર ચર્ચાનો વિષય રહ્યો છે અને અમેરિકનો એ માટે હંમેશાં ભાવુક રહ્યા છે. ૨૦૨૨માં આ મુદ્દાએ ફરીથી જોર પકડ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં ગર્ભપાતને બંધારણીય હક ના ગણવાનો ચુકાદો આપ્યો. આ ચુકાદો મહિલાઓના અધિકાર સંદર્ભે એક અગત્યની પીછેહઠ હતી કારણ કે ૧૯૭૩ના એક ઐતિહાસિક ચુકાદામાં યુ.એસ.ની સર્વોચ્ચ અદાલત ગર્ભપાતને બંધારણીય હક માની ચૂકી હતી. એટલે ૨૦૨૨માં સર્વોચ્ચ અદાલતે એ પ્રગતિશીલ ચુકાદાને ફેરવ્યો અને દરેક રાજ્યને પોતાના આગવા કાયદા રાખવાની જોગવાઈને મંજૂરી આપી. આ સાથે તેર રાજ્યોમાં ગર્ભપાતને ગેરકાનૂની ગણતા કાયદા અમલમાં આવ્યા. અન્ય આઠ રાજ્યોમાં આંશિક પ્રતિબંધ આવ્યા. કેન્ટકી અને લુઝિયાના જેવા રાજ્યોમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલા માટે પણ ગર્ભપાત ગેરકાનૂની છે. કમલા હેરિસે પોતાના પ્રચારમાં ગર્ભપાતના અધિકારને ઘણું મહત્ત્વ આપ્યું અને કહ્યું કે મહિલાઓના અધિકારને પુન:સ્થાપિત કરવા તે બનતું કરશે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે એમના પહેલી ટર્મ દરમ્યાન સુપ્રીમ કોર્ટના એ ન્યાયાધીશોને નિમવા બદલ ગર્વ લીધો જેમણે ૨૦૨૨નો ચુકાદો આપ્યો.
આધુનિક જીવન સાથે ‘ભ્રૂણનાં જીવનના અધિકાર’ના નામે ગર્ભપાતનો વિરોધ મેળ ખાતો નથી. જીવનના અધિકારની વાત નૈતિક રીતે જેટલી સોહામણી લાગે છે એટલી છે નહીં, કારણ કે બાળક રૂપી અવતરતા નવા જીવનની જવાબદારી માતાના ખભે આવે છે, જો માતા બાળકને ના ઇચ્છતી હોય તો પણ. વણમાંગ્યા બાળકનો ઉછેર શું એ જરૂરી પ્રેમ અને કાળજીથી કરશે? એ માટે શું કોઈને પણ ફરજ પાડવી શક્ય છે? અહીં, સ્ત્રીના પોતાના જીવન પરના અધિકારની સામે ન જન્મેલા બાળકના અધિકાર વચ્ચે પસંદગી કરવાની આવે છે. જ્યારે વર્તમાન સમયમાં મહિલાઓના જીવનનો ઉદ્દેશ્ય માત્ર સંતાન પ્રાપ્તિ અને કુટુંબની કાળજી પૂરતો સીમિત નથી રહ્યો. કારકિર્દીનું મહત્ત્વ પુરુષ જેટલું જ સ્ત્રીઓ માટે પણ છે. આવડત અને અભ્યાસનો યોગ્ય ઉપયોગ થાય, જેનું સમાજમાં યોગદાન હોય એ મહત્ત્વાકાંક્ષા માનવ સહજ છે. એમાં સ્ત્રી અને પુરુષના પાડેલા ભેદ માનવ સર્જિત છે. જ્યાં અને જ્યારે સ્ત્રીઓને મોકો મળ્યો છે એ બધા ક્ષેત્રોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે એમાં હવે કશું સાબિત કરવાનું બચ્યું નથી. જરૂર છે માત્ર યોગ્ય મોકો મળે એવું વાતાવરણ ઊભું કરવાની. અને, માત્ર કારકિર્દીના નામે જ શા માટે, એ સિવાય પણ જો કોઈ સ્ત્રી બાળકની જવાબદારી ઇચ્છતી ન હોય તો એને એ અધિકાર હોવો જોઈએ. શરીર સ્ત્રીનું છે, જીવન સ્ત્રીનું છે તો શરીરમાં રહેલા ગર્ભને રાખવો કે નકારવો એ અધિકાર પણ જે તે સ્ત્રીનો જ હોવો જોઈએ. ક્યારેક ગર્ભપાતથી માતાના શરીરને જોખમ ઊભું થવાની શક્યતા હોય તો એ કિસ્સામાં નિર્ણય ડોક્ટરે લેવાનો હોય. કોર્ટે નહીં. પણ, સ્ત્રીની પ્રજનન શક્તિ પરનું નિયંત્રણ એ પિતૃસત્તાક વ્યવસ્થાના પાયામાં છે.
ભારતની કોર્ટ ગર્ભપાતના સંદર્ભે મોટાભાગે પ્રગતિશીલ વલણ અપનાવી રહી છે એ રાહતની વાત છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે એક બળાત્કારની પીડિતાની ગર્ભપાત માટેની અરજીને મંજૂરી આપતા કહ્યું કે સ્ત્રીના શરીર પર સ્ત્રીનો અધિકાર છે. જો આ કિસ્સો બળાત્કારનો ના હોત તો કોર્ટનું વલણ શું હોત એ કહેવું મુશ્કેલ છે. કારણ કે, આધુનિક અને પ્રગતિશીલ સમાજમાં પણ અવારનવાર રૂઢિવાદી જુવાળ આવતા રહે છે જેમાં સ્ત્રી વિરોધી વલણ દેખાતા રહે છે.
સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર