હૈયાને દરબાર
‘હૈયાને દરબાર’ પંદરમી માર્ચ, ૨૦૧૮થી ‘મુંબઈ સમાચાર’માં શરૂ કરી, ત્યારે મારા પ્રિય અને સુજ્ઞ વાચકો વિશે મને શ્રદ્ધા હતી જ કે મારી અન્ય કોલમોની જેમ આ સંગીતમય કોલમને કલાપ્રેમી વાચકો બિરદાવશે જ. બીજું, ‘મુંબઈ સમાચાર’ હંમેશાં માતૃભૂમિ, માતૃભાષા, આપણી સંસ્કૃતિ વિશે સજાગ રહ્યું હોવાથી તંત્રી નીલેશ દવેનો સહયોગ પણ મળ્યો. ગુજરાતી ગીતોનો અઢળક ખજાનો આપણી પાસે છે છતાં, માત્ર પાંચ-પચીસ ગીતો જ લોકોને ખબર હોવાથી મને હંમેશાં એમ થતું લોકોને આપણી ભાષાનાં અદ્ભુત ગીતો વિશે માહિતગાર કરીશું તો જ એમને આપણા આ અમૂલ્ય વારસાની ખબર પડશે. આપણે આપણાં ભાષા-સંગીત-સંસ્કૃતિ આપણા પછીની પેઢીને આપીશું નહીં તો એ ખતમ થઈ જશે. આ વાત મેં તંત્રી નીલેશભાઈ સાથે કરી અને એમણે ઉમળકાપૂર્વક કોલમ શરૂ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પહેલી જ કોલમથી વાચકોનો ઉત્તમ પ્રતિસાદ મળવા લાગ્યો. ગુરુવાર એટલે મારે માટે વાચકોના પ્રેમનો વાર. કોલમ વાંચીને સવારમાં થોડાક ફોન તો આવી જ જાય. આ પ્રેમ મારી ઊર્જા વધારતો હોવાથી એક-બે વાર કોલમ બંધ કરવાનો વિચાર આવ્યો હોવા છતાં એ અટકી નહીં, પરંતુ ગુજરાતી ગીતોનો મહાસાગર એવો અનંત છે કે એનો સામેનો છેડો દેખાય જ નહીં. એટલે તરાય એટલું તરીને આપણે જ પાછા વળવું પડે. મને લાગે છે કે પાછા વળવાનો સમય આવી ગયો છે.
હવે તો ગુજરાતી મનોરંજન ઉદ્યોગનું જબરજસ્ત મેકઓવર થઈ ગયું છે. સુગમ સંગીતનું સ્થાન અર્બન ગુજરાતી સંગીતે લીધું છે, જેમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. લોકસંગીત આધુનિક સ્વરૂપે પુનર્જન્મ લઈ રહ્યું છે. ઈન્ડો-વેસ્ટર્ન સ્પર્શ આપીને ગુજરાતી ગીતો થોડાં બોલીવૂડિયા-હોલીવૂડિયા બની રહ્યાં છે. અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે અઢળક એવન્યુ ખૂલી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મોનું કલેવર બદલાતાં સંગીત પણ આપોઆપ બદલાયું છે. સંગીતકારોને વધુ સારા કલાકારો, ટેક્નિશિયનો અને અનુકૂળ બજેટ સાથે કામ કરવાની શક્યતાઓ ઊભી થઈ છે. ‘બેટર હાફ’, ‘કેવી રીતે જઈશ’ જેવી અર્બન ફિલ્મો પછી ગુજરાતી સંગીતનો સિનારિયો સદંતર બદલાયો છે. તેમ છતાં, કર્ણપ્રિય ગુજરાતી સુગમ સંગીત અથવા કાવ્યસંગીતનાં મૂળ તત્ત્વ-સત્ત્વ ટકી રહે એ જોવું જરૂરી છે. મેલડીના ભોગે કે શબ્દોની તડજોડ દ્વારા સર્જાયેલાં ગીતોનું આયુષ્ય ઓછું હોય છે. આપણી ભાષાનું માધુર્ય, કાવ્યત્વ અને શબ્દભંડોળ જળવાઈ રહે એ પ્રકારે સંગીત સર્જાય અને બાળકોને નાનપણથી જ માતૃભાષા તેમ જ ગુજરાતી ગીતો પ્રત્યે સજાગ કરવામાં આવે, એમને સંભળાવવામાં આવે તો ગુજરાતી ગીતો કર્ણોપકર્ણ પેઢી દર પેઢી સુધી સચવાઈ શકે. અમેરિકામાં વસતાં જાણીતાં ગુજરાતી ગાયિકા ફાલુ શાહ અમેરિકન સોંગ્સ ગાય છે પણ ઘરમાં શુદ્ધ ગુજરાતીમાં જ બોલવાનો નિયમ. એમનો દસ વર્ષનો દીકરો ગુજરાતી ભાષા તો બોલે જ છે, પરંતુ ‘પંખીઓએ કલશોર કર્યો’ જેવાં ગુજરાતી ગીતો પણ આસાનીથી ગાય છે. ભાષા-સંસ્કૃતિને ટકાવવા મા-બાપે આટલું કરવું અનિવાર્ય છે.
હવે, ‘હૈયાને દરબાર’ કોલમ ગીતોની પ્રસ્તુતિ છે એટલે ગીતની વાત તો કરવી જ પડે. કેટલાં ય સરસ ગીતો સ્મૃતિપટ ઉપર આવી રહ્યાં છે, પરંતુ છેવટે એક પ્રાર્થના સાથે જ સમાપન કરવાની ઈચ્છા થાય છે. કોવિડ નામનો કાળમુખો નાગ આખા વિશ્વને ભરડો લેશે એવું કોઈએ સ્વપ્ને ય વિચાર્યું નહોતું. આ સંજોગોમાં પ્રાર્થના જીવન જીવવાનું બળ આપે છે.
ચારેકોર પીડા પ્રસરી રહી હોય ત્યારે સકારાત્મક રહેવું ઘણું કઠિન છે. છતાં, હિંમત હાર્યા વિના સૌએ સજાગ રહેવાનું છે. દુનિયા આખી સંકટ કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે ઈશ્વરને ફક્ત એમ જ કહેવાનું મન થાય છે કે,
આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું …!
અવિનાશ વ્યાસે લખેલું, સ્વરબદ્ધ કરેલું આ ગીત સ્વયં સ્પષ્ટ છે. બસ, શ્રદ્ધાનો દીવો જલતો રાખવાનો છે. ગાયક મુકેશે ગાયેલાં ગુજરાતી ગીતોમાં આ ગીત પણ ખાસ્સું પ્રખ્યાત છે. શ્રદ્ધાની વાત છે તો એક સરસ પ્રેરક પ્રસંગ યાદ આવે છે.
એક ગામમાં ઘણા દિવસથી વરસાદની વાટ જોવાતી હતી. લોકો વરસાદ વિના ત્રાસી ગયા હતા. ગામના લોકોએ ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું?
ધર્મગુરુએ સલાહ આપી : ચાલો, આપણે સહુ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાનાં-મોટાં સ્ત્રીપુરુષ એકઠાં થયાં. તેમાં એક નાની બાળકી પણ આવી. તેના હાથમાં છત્રી જોઈને કેટલાક લોકોએ તેની મશ્કરી કરી. ‘વરસાદનું ઠેકાણું નથી ને જુઓ આ છોકરી તો છત્રી લઈને આવી!’
ધર્મગુરુએ પણ આશ્ચર્ય પામી તેને પૂછ્યું : ‘બેટા, છત્રી કેમ લાવી છે?’ સાવ સરળતાથી નિર્દોષભાવે પેલી બાળા બોલી : ‘તમે જ શીખવો છો કે શ્રદ્ધા રાખશો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ અહીં ભેગાં થયાં છીએ એટલે વરસાદ તો આવશે જને? તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું.’
પ્રાર્થના તો આપણે સહુ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? એટલે જ શ્રદ્ધા હશે અને સજાગતા હશે તો આ કપરા કાળમાંથી ઝડપથી બહાર આવીશું.
કુંદનિકા કાપડિયાની એક સરસ પ્રાર્થના સાથે લેખ પૂરો કરીએ :
મને શીખવ હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું
તે મને શીખવ.
૧૨૫થી વધુ ગીતોની સર્જન પ્રક્રિયા, એ ગીતોના કવિ, સ્વરકાર અને ગાયક સાથે એ ગીત વિશેની વાતચીત, એમના અનુભવો, ગીતનાં હાર્દ અને લોકપ્રિયતા વિશે વિસ્તૃત વિગતો આ કૉલમમાં આપી. ત્રણ વર્ષ પહેલાં ભરાયેલો 'હૈયાનો દરબાર' હવે બરખાસ્ત થાય છે, વિરામ લે છે. દરેક આરંભનો અંત નિશ્ચિત છે છતાં, આરંભ ઉત્તમ હોય તો લોકોની સ્મૃતિમાં એ જ રહે છે. ધારું છે કે ગુજરાતી સુગમ સંગીતના દસ્તાવેજ તરીકે આ ગીતોની કથા ભવિષ્યમાં સુગમ સંગીતના ચાહકોને ઉપયોગી થશે. કુંદનિકા બહેનની ઉપરોક્ત સકારાત્મક પ્રાર્થના સાથે 'હૈયાને દરબાર'ની વાચકોને અલવિદા. પરંતુ, આપણી ગુજરાતી ભાષાના સુંદર ગીતોને માણતાં રહેજો અને નવી પેઢી સુધી પહોંચાડતાં રહેજો. કહેવાયું છે ને કે, साहित्यसंगीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः સાહિત્ય સંગીત અને કલાવિહીન મનુષ્ય પૂંછડી વિનાના પશુ સમાન ગણાય છે. સંગીત તો કલાઓમાં સર્વ શ્રેષ્ઠ છે. એની સાથેનો નાતો જાળવવાથી તન-મનની તંદુરસ્તી સુધરે છે.
બાકી, પહેલી જુલાઇએ બસ્સોમાં વર્ષમાં પ્રવેશનાર એશિયાના સૌપ્રથમ, હજુ સુધી કાર્યરત અખબાર 'મુંબઈ સમાચાર' સાથેની પચીસ વર્ષની સફર બેશક સુહાની રહી એનો આનંદ છે. મળીશું ક્યારેક, ક્યાંક, કોઈક નવાં સ્વરૂપે!
—————–
આજ ખરું અવતરવાનું ટાણું,
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કંસની સામે તમે કૃષ્ણ થયા
અને રાવણની સામે રામ
પણ આજે તો કંસનો પાર નથી જગમાં
ને રાવણ તો સોમાં નવ્વાણું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
કૈંકને માર્યા તમે કૈંકને તાર્યા
ને ધર્યા તમે વિધ વિધ અવતાર
પણ આજે જ્યારે ભીડ પડી ત્યારે
અવતરતાં લાગે કેમ વાર?
શ્રદ્ધાનો દીવો તારો મંડ્યો બુઝાવા
હવે કોણ તાણે તારું ઉપરાણું?
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
આ ચંદ્રમા તો હવે હાથવેંતમાં
અને સૂરજની ઘડિયું ગણાય
આકાશ વીંધીને અવકાશે આદમ
દોડ્યો આવે ને દોડ્યો જાય
બધુંએ જિતાય, પણ એક તું ના જિતાય
તો ગીતાનો ગાનારો સાચો માનું
હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું
• ગીત-સંગીત : અવિનાશ વ્યાસ • ગાયક : મુકેશ
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 જૂન 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=693369