હૈયાને દરબાર –
તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?
ક્ષિતિજ લગી પીછો કરી પાછી વળી ખાલી નજર
એ આંખનું બુઝાવવું કેવું હતું? કેવું હતું?
ટુકડા હજાર લાખ થઈ વીખરાઈ ગઈ’તી સાંજ એક
રાતે બધું એ સાંધવું કેવું હતું? કેવું હતું?
ઢગલો બની ઘટનાસ્થળે બેસી ગયું’તું મન પછી
ઊભું કરી સમજાવવું કેવું હતું? કેવું હતું?
આખો ય ભવ જ્યાં આથમ્યો એ પીઠનું પાછું મને
ઘુવડ સમું એ તાકવું કેવું હતું? કેવું હતું?
• કવયિત્રી : રાધિકા પટેલ • સંગીતકાર-ગાયક : રવિન નાયક
વડોદરાના સરસ મજાના પેન્ટહાઉસમાં સંગીતની અંગત મહેફિલ ચાલી રહી છે. ઘર છે સંગીતકાર-ગાયક રવિન નાયકનું. રવિનભાઈ એક ગઝલ છેડે છે;
તારું જવું, હું શું કહું, કેવું હતું? કેવું હતું?
પાછું વળી ન આવવું કેવું હતું? કેવું હતું?
અમદાવાદ સ્થિત કવયિત્રી રાધિકા પટેલની આ ગઝલ રંગ જમાવી રહી હતી. જીવનમાંથી કોઈ વ્યક્તિ વિદાય લે એ ઘટના જ હૃદયદ્રાવક છે. ઘણી વાર એમ પણ બને કે વિરહની વેદના દ્વારા જ પ્રેમનો અહેસાસ થાય છે. કવયિત્રી આ ગઝલમાં કહે છે કે તારું જવું એ કેવું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આખી ઘટના જ મારે માટે રહસ્યમય છે. આગળની પંક્તિઓમાં રાધિકાબહેન મન બેસી પડ્યું એમ કહે છે. પોતે ઢગલો થઈ ગઈ એમ નથી કહેતાં. સંબંધોમાં સતત સહવાસ એ જ પ્રેમની નિશાની નથી. તમને ગમતી વ્યક્તિ પછી એ મિત્ર, સખી, સંબંધી, પ્રેમિકા કે પત્ની કોઇપણ હોય તેની હાજરીમાત્રથી મન આનંદમાં રહે છે, પરંતુ કોઈ કારણસર એ વ્યક્તિ જીવનમાંથી જાય ત્યારે ખાલીપો સર્જાય છે. ગઝલનો મિજાજ જાળવીને આ રિક્તતા રવિન નાયકના સ્વરાંકનમાં સહજ નિપજી આવી છે.
રવિન નાયક ગુજરાતી સુગમ સંગીતનું જાણીતું નામ છે. સંસ્કાર નગરી વડોદરામાં એ રહે છે પણ મૂળ નવસારી બાજુના અનાવિલ. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયરિંગના એસોસિયેટ પ્રોફેસર. સંગીત એ પેશન હોવાથી ૧૯૭૭થી ગુજરાતી સંગીત સાથે સંકળાયેલા છે. વડોદરાના ક્લાસિક ગરબાઓ શરૂ કરવાનો યશ રવિન નાયક તથા ઉત્તમ તબલાવાદક સ્વ. વિક્રમ પાટીલને જાય છે. રવિન નાયકને ગુરુ તરીકે પરેશ ભટ્ટ જેવા સંગીતકાર મળ્યા, પરંતુ એમણે શીખવાની શરૂઆત કરી એ પછી એક જ વર્ષમાં પરેશ ભટ્ટનું અવસાન થતાં રવિનભાઈએ પરેશ-સ્મૃતિને નામે દર વર્ષે એક કાર્યક્રમ કરવાનો નિર્ધાર કર્યો. ૩૮ વર્ષથી આ સિલસિલો જારી છે, જેમાં નવોદિતથી લઈને જાણીતા કલાકારો ભાગ લે છે.
રવિન નાયક કહે છે, "પરેશ ભટ્ટને સ્મૃતિમાં કાયમ રાખવા એ ઉદ્દેશ તો હતો જ, પરંતુ મૂળ ઉદ્દેશ સુંદર ગુજરાતી કાવ્યોને સ્વરબદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો હતો. પહેલાં બે-ચાર વર્ષ અમે પરેશભાઈનાં જ ગીતો ગાયાં, પરંતુ પછી થયું કે પરેશ ભટ્ટની ઇચ્છા મુજબ નવાં ગીતો સંગીતચાહકોને પીરસવાં એ જ મુખ્ય હેતુ હોઈ શકે. આરંભમાં તો મારી ભાષાકીય સજ્જતા ઓછી હતી. તમને ખબર છેને અનાવિલોની ભાષા કેવી હોય! સુગમ સંગીતમાં ભાષાશુદ્ધિનું સૌથી વધુ મહત્ત્વ છે. એ બાબતે પૂરો સભાન હોવાથી જે કોઈ સાહિત્યકારના સંપર્કમાં હું હતો એ બધા પાસે ભાષાશુદ્ધિના પાઠ ભણ્યો. સાહિત્યકારો શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, નીતિન મહેતા સાથે રહીને ભાષાપ્રેમ વિકસ્યો અને એમની પાસેથી ઘણું શીખ્યો એટલે અત્યારે હું આટલું સ્પષ્ટ અને શુદ્ધ ગાઈ શકું છું. ભાષાશુદ્ધિ ન હોય તો ભાવનો સંદર્ભ પ્રગટે જ નહીં. કવિએ કવિતા લખતી વખતે એનો પોતાનો રંગ આપી જ દીધો હોય છે. સંગીતકારે એને સૂરથી શણગારવાની હોય છે. કવિના સ્ટ્રક્ચર પર અમે સંગીતકારો આર્કિટેક્ચરનું કામ કરીએ છીએ. કેટલીક વાર એવું બને કે કવિતા નબળી હોય પણ સંગીતકાર એને સરસ રીતે શણગારે તો એ લોકપ્રિય બને છે. પુરુષોત્તમ ઉપાધ્યાયને હું ગુરુ માનું છું. એમની પાસે હું એ શીખ્યો કે નબળું તો નહીં જ ગાવાનું, પરંતુ નબળી કવિતા ય પસંદ નહીં કરવાની. પહેલાં મેં ગરબા ક્ષેત્રે ઘણી નામના મેળવી, પરંતુ હવે સંગીત ક્ષેત્રે ઘણા પ્રયોગો કર્યા છે જેમાં ક્વોયર મ્યુઝિક જેને આપણે સમૂહગાન કહીએ છીએ, એ મને ખૂબ ગમે છે. અઘરું છે છતાં મેં કેટલાં ય ગીતો માત્ર કોરસ માટે તૈયાર કર્યાં છે. એનું આગવું સૌંદર્ય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીને નડિયાદમાં ગોવર્ધનરામ ત્રિપાઠી એવોર્ડ અપાવાનો હતો. ત્યારે મેં એમનાં બે-ત્રણ ગીતો કર્યાં હતાં. એમાંનું એક, ‘સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા, મોજું આવે કો’ક રહીને અડકે ચરણ જતાં…!’ મેં ત્યાં ગાયું. ત્યાર પછી સાગર તીરેની હાર્મની-મેલડીનું સંયોજન કરી લગભગ પચાસ ગાયક કલાકારોને લઈને ક્વોયર સોંગ તરીકે રજૂ કર્યું. પરેશ-સ્મૃતિ ૧૯૮૩થી કરીએ છીએ. પરેશ ભટ્ટની ૧૪ જુલાઈએ આવતી પુણ્યતિથિની આસપાસ એ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં દર્શકો માટે કોઈ ટિકિટ નથી હોતી કે નથી હોતા અમારી પાસે કોઈ સ્પોન્સરર. માત્ર સર્જનાત્મક સંગીત અને નવાં ગીતો લોકો સુધી પહોંચાડવાનો જ ઉપક્રમ. યુટ્યુબ પર ‘પરેશ સ્મૃતિ યાત્રા’ને નામે અમે કેટલાંક ગીતો-ભજનો મૂક્યાં છે. રમેશ પારેખ મને ખૂબ ગમતા કવિ છે. એમનાં ઘણાં ગીતો મેં કમ્પોઝ કર્યાં છે. એક ગીત ‘એક ફેરા હું નદીએ નાવા ગઈ …’ માત્ર બહેનો પાસે કોરસ સિંગિંગમાં ગવડાવ્યું હતું. બહેનોએ સુંદર રજૂ કર્યું હતું.
નવોદિત કવિઓની સરસ રચના સ્વરબદ્ધ કરવાનું હું એટલે પસંદ કરું કે નવાં ગીતો લોકો સુધી પહોંચે. કવિ મારી પહોંચમાં હોય તો સ્વરબદ્ધ કરતાં પહેલાં એમની સાથે ચર્ચા પણ કરી લઉં. અમદાવાદનાં રાધિકા પટેલની મેં એક-બે ગઝલો કમ્પોઝ કરી છે.
વૈશ્વિક મહામારીને લીધે માર્ચમાં લોકડાઉન શરૂ થયું એ પહેલાં જનતા કર્ફ્યુ હતો. લોકોને હજુ આખી ઘટના સમજાતી નહોતી, પરંતુ સમગ્ર વિશ્વમાં એક ખૌફ ઊભો થયો હતો. આ અજ્ઞાત ભયના સંદર્ભમાં રાધિકાએ એક ગઝલ મને મોકલી;
સમય આ વીતી જજો, દિશાઓ બધી છે અદિશ,
ધરી દો મને હાથ ઈશ, વલય આ વીતી જજો
પ્રસંગને અનુરૂપ હતી એટલે તરત કમ્પોઝ કરી દીધી. પછી ખબર પડી કે આ ગઝલ એમણે બે વર્ષ પહેલાં લખી હતી. પહેલી બે પંક્તિઓ જ વર્તમાન સ્થિતિને અનુરૂપ હતી. પછીની પંક્તિઓ કવિની અંગત અનુભૂતિનો નિચોડ હતો. મને મઝા એ આવી કે સમયને સંગીતમાં કઈ રીતે બતાવાય! સમય અવિરત છે, પ્રલંબ છે એ સંગીત દ્વારા બતાવવાનો કીમિયો મને હાથ લાગી ગયો એટલે મજા આવી, પરંતુ એમની અન્ય ગઝલ મને વધારે ગમે છે જેના શબ્દો છે ‘તારું જવું શું કહું…!’ સરસ અભિવ્યક્તિ છે. રાધિકા મૂળ ભાવનગરનાં. એમણે પણ મારી જેમ એન્જિનિયરિંગ કર્યું છે, પરંતુ સાહિત્યપ્રેમી હોવાથી નીવડેલી કવિતાઓ લખે છે.
‘તારું જવું…’ ગઝલ વિશે રાધિકા પટેલ કહે છે, "આ ગઝલમાં સ્વાભાવિકપણે વિરહભાવ વ્યક્ત થયો છે. એકાદ ઘટના ક્યારેક મન પર ઊંડા ઘા મૂકી જાય છે ત્યારે કવિને કાવ્ય કે ગઝલ સ્ફૂરે છે. આ ગઝલ લખ્યા પછી ય લાગણી અધૂરી લાગતાં મેં એના અનુસંધાનમાં બીજી એક ગઝલ ‘ગમન’ લખી તેમ જ એક અછાંદસ ‘અંતિમ ઈંટ’ લખ્યું હતું. મને ગીતો અને ગદ્યની વધારે ફાવટ છે. ગઝલમાં મીટર સાચવીને સચોટ અભિવ્યક્તિ કરવી અઘરી લાગે, પરંતુ લખાય ત્યારે છંદમાં લખાય છે.
રાધિકા પટેલ નવેક વર્ષથી લખે છે. એમની નવલકથા તથા લઘુનવલ પણ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રવિન નાયકે દેશ-વિદેશમાં કાર્યક્રમો કર્યા છે તેમ જ એવોર્ડ્સ પણ મેળવેલા છે. એમના કોરસગાનમાં ક્યાંક રવીન્દ્ર સંગીતની છાંટ જોવા મળે છે.
મુંબઈના શ્રોતાઓને મહદંશે મુંબઈના કલાકારોને જ સાંભળવાની તક મળે છે, પરંતુ ગુજરાતના અનેક કલાકારો સુગમ સંગીતને પોતપોતાની આગવી રીતે રજૂ કરી રહ્યા છે. સુગમ સંગીત સંમેલનો થાય તો ઘણી નવી રચનાઓ લોકહૃદય સુધી પહોંચી શકે. હવે આ મહામારી જાય તો કલાકારોની સર્જનશક્તિ ફરીથી ખીલે અને માનવંતા શ્રોતાઓને પ્રત્યક્ષ મળવાનો અવસર આવે. ત્યાં સુધી ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતી ગીતો માણતાં રહેજો.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 નવેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=660106