હૈયાને દરબાર
પચીસેક વર્ષ પહેલાં દૂરદર્શન પર રજૂ થયેલી ધારાવાહી શ્રેણી ‘સપનાનાં વાવેતર’ને ભાગ્યે જ કોઇ ગુજરાતી ભૂલી શકે. દરરોજ રાત્રે અને બપોરે એ રજૂ થતી હતી. આ શ્રેણીમાં એક વિશાળ અને સંયુક્ત કુટુંબના જીવનના તાણાવાણા દર્શાવાયા હતા. ઘણા હપ્તાઓમાં પ્રદર્શિત થયેલી આ શ્રેણી ખૂબ જ લાંબા સમય સુધી ચાલી હતી, તેમ જ અત્યંત લોકપ્રિય બની હતી. આ ફિલ્મનું ટાઇટલ સોંગ એટલું બધું કેચી હતું કે સિરિયલ શરૂ થાય અને આખી સોસાયટીમાંથી એક સાથે એ ગીતના પડઘા પડે. એ ગીત હતું;
ભરી આશા આંખોમાં અમે આવ્યા આ ઘરમાં
તારી જીવનપથની નદીઓ વહી આવ્યા સાગરમાં …!
આ ગીતના ગીતકાર આતિશ કાપડિયા અને સંગીતકાર ઉત્તંક વોરા.
ઉત્તંક વોરા એ સંગીત જગતનું પ્રતિષ્ઠિત નામ છે. જેમનો આખો પરિવાર કલા, સાહિત્ય, સંગીત, નાટક અને ફિલ્મો સાથે સંકળાયેલો હોય એ પરિવારનું ફરજંદ સર્જક ન હોય તો નવાઇ. પિતા પંડિત વિનાયક વોરા સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, સંગીતશિક્ષક અને ઉત્તમ તારશરણાઇ વાદક હતા. તારશરણાઇનું સર્જન એમણે પોતે કર્યું અને માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં ય ખ્યાતિ મેળવી. એમના સંગીતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતા. રાગ વિશેના તેમના અદ્ભુત જ્ઞાનની અનેક શાસ્ત્રીય કલાકારો નોંધ લઇ કદર કરતા હતા. તેમના બન્ને પુત્ર નીરજ વોરા અને ઉત્તંક વોરાએ તેમની સંગીતસાધના જોઇને સંગીતને મહદ્અંશે આત્મસાત કર્યું. જો કે નીરજ વોરા પછીથી નાટક અને ફિલ્મક્ષેત્રે વળી ગયા, જ્યારે ઉત્તંક વોરાએ સંગીતને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યું.
ઉત્તંક વોરાએ ‘સપનાનાં વાવેતર’ પરથી બનેલી વિક્રમસર્જક હિન્દી સિરિયલ ‘એક મહેલ હો સપનો કા’, ‘ખીચડી’, ‘બા બહુ ઓર બેબી’, ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ જેવી સિરિયલો ઉપરાંત વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘વક્ત – રેસ અગેઇન ટાઇમ’માં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું. ‘માલામાલ વીકલી’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ’માં પણ બેક ગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું.
એમનાં પત્ની છાયા વોરા હિન્દી સિરિયલો, ગુજરાતી નાટકોનું જાણીતું નામ છે અને દીકરો ઉર્વાક વોરા પણ હવે સંગીત અને લેખનક્ષેત્રે પારિવારિક પરંપરા આગળ વધારી રહ્યો છે.
ઉત્તંક વોરા ‘સપનાનાં વાવેતર’ના આ લોકપ્રિય ગીત વિશે કહે છે કે, ‘આ સિરિયલને પચીસ વર્ષ થયાં તો ય લોકો ફોન કરીને મારી પાસે આ ગીત માગે છે. એ વખતે તો આ ગીત ઘર ઘરમાં પ્રચલિત હતું. બપોરે દોઢ વાગ્યે દરેક ઘરમાંથી આ ગીત સંભળાય. એક બહેને તો રીતસર મને ધમકીભર્યો ફોન કર્યો કે બપોરે દોઢ વાગે મારા પતિ લંચ માટે ઘરે આવે છે. એટલે મારાથી સિરિયલ જોવાતી નથી. તમે સિરિયલનો સમય બદલો અથવા મને નવું ટી.વી. અપાવો જેથી ડાઇનિંગ ટેબલ સામે મૂકીને હું જોઈ શકું. મેં કહ્યું કે હું પ્રોડ્યુસર નથી, હું કંઈ ન કરી શકું. પણ એ બહેન કશું સાંભળવા જ તૈયાર નહોતાં. નડિયાદના એક કન્ટેન્ટ પ્રોડ્યુસરનો હમણાં જ મેસેજ આવ્યો. ‘સપનાનાં વાવેતર’નું ટાઈટલ સોંગ સાંભળીને જૂની યાદો તાજી થઈ. રસપ્રદ વાત એ છે કે એ સીડી ક્યાંક મુકાઇ ગઇ હતી જે વર્ષો પછી મારા હાથમાં આવી અને આ ગીત મેં મારી યૂટ્યુબ ચેનલ પર મૂકતાં જ ફરીથી પાછું લોકોનાં મનમાં તાજું થયું. આ ગીતની ધૂન સ્ફૂરી હતી રિક્ષામાં. વિપુલ એ. શાહ સાથે ટાઈટલ સોંગ બાબતે ભાઈદાસ પર ચાર વાગે મારી મીટિંગ હતી. એ દિવસે હું જરા વ્યસ્ત હોવાથી અચાનક સાડા ત્રણે યાદ આવ્યું કે ચાર વાગ્યાની મીટિંગ છે. ધૂન વિશે કંઈ વિચાર્યું જ નહોતું. રિક્ષા પકડીને જતો હતો અને હવાની લહેરખી સાથે ગીતની ટ્યુન સૂઝી. શોભના દેસાઈ અને વિપુલ પ્રોડ્યુસર્સ. એમને મેં સંભળાવી. થોડી ચર્ચા-વિચારણા પછી વિપુલે કહી દીધું કે મને તારામાં પૂરો ભરોસો છે. બનાવી દે આખું ગીત. ગીત બન્યું … એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી. ગીતના શબ્દો પણ સરસ છે. આતિશ કાપડિયાની મ્યુઝિક સેન્સ બહુ સારી છે. ફોન પર મેં એમને ટ્યુન સંભળાવી અને ફોન પર જ એમણે મને આખું ગીત લખાવી દીધું હતું.’
https://www.youtube.com/watch?v=VH6OdEGjN1Q
આ ગીત એટલે યાદ આવ્યું કે ઉત્તંકભાઈનાં પત્ની છાયા વોરાએ ઉત્તંકભાઈનું ‘શુભ લાભ’ ગીત મને મોકલ્યું. જેના શબ્દો છે;
આજે ઊગ્યો સૂરજ સુખનો
મહેકશે જીવન અમારું
સદા હું સ્મરું શુભ લાભ
થાશે શમણાં પૂરાં સહુનાં
સુખ દુ:ખ વહેંચશું એકબીજાનાં
સદા હું સ્મરું શુભ લાભ
લાભપાંચમ માટે યથાયોગ્ય હતું તેથી ઉત્તંક વોરાનું જ આ ગીત ‘હૈયાને દરબાર’માં લેવું એમ વિચારીને એમને ફોન કર્યો. પછી તો એમનાં બીજાં ઘણાં સુંદર ગીતો વિશે વાત થઈ. સાથે અવઢવ પણ થઈ કે કયા ગીત વિશે લખવું. ‘શુભ લાભ’ના શબ્દો અને ધૂન બન્ને સ્પર્શી ગયાં હતાં. હાર્મની-મેલડીનું અદ્ભુત સંયોજન આ ગીતમાં છે. તાજગીસભર તો ખરું જ. એ ગીત ‘શુભ લાભ’ સિરિયલ માટે જ લખાયું હતું. ગીતના શબ્દોથી આકર્ષાઈને ગીતકાર તરીકે નામ વાંચ્યું તો છાયા વોરા! ઓત્તારી! આ છાયાબહેન ગીતો ય લખે છે? આનંદ અને આશ્ચર્ય થયાં. એ બહુ સારાં અભિનેત્રી તો છે જ, પણ લોકડાઉનમાં એમનાં કોમિક વીડિયોએ ભારે મનોરંજન પીરસ્યું હતું. એ એમનું નવું પાસું હતું. વળી, છાયાબહેન કવિતા-ગીતો લખે છે એ ય ખબર પડી. ઉત્તંકભાઈએ કહ્યું કે, "કવિતા લખવાનો શોખ તો એને પહેલેથી હતો, પણ અનાયાસે સિરિયલ માટે ય લખતી થઈ ગઈ. એક વાર વિક્રમ ભટ્ટની ‘ધૂન્દ’ સિરિયલમાં હું મ્યુઝિક આપી રહ્યો હતો. પૂજા ભટ્ટ પ્રોડ્યુસર-એક્ટર. વિક્રમે કહ્યું કે પૂજા ભટ્ટનું એક વિદાય ગીત છે એની ધૂન બનાવી આપો. ધૂન તો સરસ બની પણ લિરિક્સનો મેળ પડતો નહોતો. એમના ગીતકારો પાસે લખાવ્યું પણ જામતું નહોતું, કારણ કે દીપચંદી તાલમાં હોવાથી કોઈને મીટર સમજાતું નહોતું. મારી મૂંઝવણ જોઈને છાયાએ કહ્યું કે હું કોશિશ કરું છું. એણે પંક્તિ લખી, ચલો રે ગોરી બિદેસવા … છાયાનું નામ જણાવ્યા વિના વિક્રમને ગીત મોકલી આપ્યું. એમને ખૂબ ગમ્યું અને સિરિયલમાં લેવાયું. એ પછી તો છાયાએ મારા માટે ઘણાં ગીતો લખ્યાં હતાં.
મેં અગાઉ કહ્યું ને કે ઘરમાં બધાં જ સર્જકો-કલાકારો એટલે બહાર જવાની જરૂર જ ન પડે.
પરંતુ ‘સપનાનાં વાવેતર’ની લોકપ્રિયતા વિશે જાણીને થયું કે લેખનું ટાઈટલ સોંગ આ જ હોવું જોઇએ. મહાલક્ષ્મી ઐયર અને વિનોદ રાઠોડે આ ગીત ગાયું છે. એ અજનબી, ફલક તક, ચૂપ ચૂપ કે જેવા પ્રખ્યાત હિન્દી ગીતો ગાનાર મહાલક્ષ્મી ઐયર એ વખતે નવી-સવી ગાયિકા હતી. આ બિનગુજરાતી ગાયિકા પ્રોજેક્ટ સાથે કેવી રીતે સંકળાયાં એ વિશે ઉત્તંકભાઈ કહે છે, "હું પહેલેથી વિપુલ એ. મહેતા, જે.ડી. મજીઠિયા, આતિશ કાપડિયાની ટીમ સાથે જોડાયેલો છું. અમે ‘એક્શન રિપ્લે’ નામનું મ્યુઝિકલ કરતાં હતાં ત્યારે એનાં ગીતો માટે બે-ત્રણ ગુજરાતી સિંગર્સ સાથે પ્રયત્ન કરી જોયા, પણ પરિણામ જોઈએ એવું નહોતું મળતું. એના એક ગીતનો વિશિષ્ટ લય હતો-હીંચ અને સ્વિંગના તાલ વચ્ચેનો લય. એ લય પરફેક્ટ આવે તો જ ગીત ઉપડે. છેવટે પ્રકાશ શેટ્ટી નામના એક રેકોર્ડિસ્ટ અને જાઝ મ્યુઝિશિયને મહાલક્ષ્મીનું નામ સૂચવ્યું. એને બોલાવી, એક બે લાઈન સંભળાવી. એ કહે ચાલો, સીધું માઈક પર રેકોર્ડિંગ કરીએ. અમને આશ્ચર્ય થયું, પણ એણે પહેલી લાઈન ગાઈ ને અમે બધાં દંગ થઈ ગયા. ગુજરાતી ભાષા પણ એણે એટલી સરસ રીતે પકડી કે પછી તો એણે અમારા બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં ગાયું. મહાલક્ષ્મી અમારે માટે પછી તો લકી મેસ્કોટ બની ગઈ હતી. સપનાનાં વાવેતરનું ગીત પણ એણે સુપરહિટ બનાવ્યું. જો કે, એમાં વિનોદ રાઠોડનો પણ મોટો ફાળો. એ વર્સેટાઈલ ગાયક છે. આમ, આ રીતે મહાલક્ષ્મી ઐયર અમારી સિરિયલો-ફિલ્મોનો હિસ્સો બની ગઈ. ‘માલામાલ વીકલી’ હિન્દી ફિલ્મમાં પણ મેં એની પાસે ગવડાવ્યું હતું.
ઉત્તંક વોરાનું ગીત; ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ, ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતાં જઈએ … પણ ખૂબ લોકપ્રિય છે. વરસાદની મોસમમાં આ ગીત યાદ આવ્યા વિના રહે નહીં. ગાયિકા ફાલ્ગુની શેઠનું સોલો આલબમ બનાવવાનું હતું જેમાં મોટાભાગનાં ગીતો રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં, પણ હરીન્દ્ર દવેનું આ ગીત ઉત્તંક વોરાને ભાગે આવ્યું.
આખા આલબમમાં આ એક જ ડ્યુએટ છે જે એમણે અને ફાલ્ગુની શેઠે ગાયું છે. એ જ રીતે સંજય છેલે લખેલું તને રોજ મળું છું પહેલી વાર … મોડર્ન ટ્રીટમેન્ટ સાથેનું સુંદર ગીત છે.
ટૂંકમાં, ઉત્તંક વોરા ઝાઝો ઘોંઘાટ કર્યા વિના પુષ્કળ કામ કરે છે. એમના પિતા વિનાયક વોરાએ ગાયેલાં ભજનોનું આલબમ એમણે બનાવ્યું છે તેમ જ સુગમ સંગીતની સુંદર રચનાઓ તૈયાર કરી છે. સંગીતની બેઝિક તાલીમ આપે છે અને ટેકનિકલિટી પણ સમજાવે છે. એમની યૂટ્યુબ ચેનલ પર તમને એમનાં સ્વરાંકનો સાંભળવા મળી શકશે. કંઈક જુદું માણવું હોય તો પ્રયત્ન કરી જોજો. લાભપાંચમે છાયાબહેનના શબ્દોમાં જ લાભપાંચમની શુભેચ્છાઓ:
થાશે શમણાં પૂરાં સહુનાં
સદા હું સ્મરું શુભ લાભ …!
સૌજન્ય : ‘લાડકી” પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 નવેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=659677