હૈયાને દરબાર
અહીં ગોપીને જે અચરજ ભયો ભયો લાગે છે એની પાછળ કારણ વિનાનું એક કારણ છે. આ કારણમાં અચરજની પરંપરા છે, અથવા પરંપરાનું આશ્ચર્ય છે. વ્રજ નકશા પરનું કોઈ સ્થળ નથી પણ ઈશ્વરના ચરણમાં જ વ્રજ દર્શન છે. કવિ કહે છે, જીત જીત દેખું બાંકે બિહારી … કૃષ્ણની વાંસળીનો સાદ પૂરતો છે. ગોપી ભાન ભૂલી જાય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે
કૃષ્ણ જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. કૃષ્ણની મોહિનીમાંથી કોઈ મુક્ત થઈ શકે? એમાં ય કવિઓનો તો એ પ્રિય વિષય રહ્યો છે. પ્રેમનાં પ્રતીક સ્વરૂપે રાધા-કૃષ્ણ કવિ હૃદયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. લોકસંગીતથી લઈને આધુનિક કાવ્યસંગીતે હાલરડાં, બાળકૃષ્ણની રમતો, તોફાન-મસ્તી, રાસલીલા, પ્રેમ, શૃંગાર, વિરહમાં શ્રીકૃષ્ણને ભરપૂર ગાઈને લાડ લડાવ્યા છે.
આધુનિક કાવ્યસંગીતમાં કૃષ્ણની વાત આવે એટલે કવિ સુરેશ દલાલ અચૂક યાદ આવે. યોગાનુયોગે કૃષ્ણપ્રેમી આ કવિએ આ જગતમાંથી જન્માષ્ટમીએ જ છ વર્ષ પહેલાં વિદાય લીધી હતી. સુરેશ દલાલ હંમેશાં કહેતા કે, "કૃષ્ણ એ સ્વયં કાવ્યપુરુષ છે. છંદ એનાં તોફાનો છે. લય એની મસ્તી છે. કદંબનું વૃક્ષ, યમુનાનાં જળ અને કુંજ ગલીઓ એનાં અલંકારો, કલ્પનો અને પ્રતીકો છે. રાસલીલા એ એનો કાવ્યમય આવિષ્કાર છે. શૃંગાર રસ અને વીર રસ એકમેકની પડખે છે. અંગેઅંગ કામદેવનું બાણ અને વાંસળીમાં એનો પ્રાણ છે. કૃષ્ણ આખું જીવન કવિતા જીવ્યા અને શ્રીકૃષ્ણ થયા. દેહમાંથી ખસી ગયા પછી કાવ્યમય થયા. કહો કે સૂર વિલીન થયો ને શબ્દ પ્રગટ્યો. આ કાવ્યમય કૃષ્ણની આસપાસ કેટલા ય કવિઓ જાણે કે ગોપી અને ગોવાળિયા હોય એમ ટોળે વળ્યા છે.
સુરેશ દલાલનું નિરીક્ષણ બિલકુલ સાચું છે. કવિ સુન્દરમ્થી માંડીને આધુનિક કવિઓ અનિલ જોશી, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ તથા એ પછીની પેઢીમાં મુકેશ જોષી, દિલીપ રાવલ, કૃષ્ણ દવે સહિત અનેક કવિઓએ રાધાકૃષ્ણની સુંદર રચનાઓ ગુજરાતી સાહિત્યને આપી છે. આવા જ એક કવિ છે અવિનાશ પારેખ.
ભાષા-સાહિત્યમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઉત્તમ સર્જક સાથે ઉત્તમ ભાવક પણ ખરા. ખૂબ જ સહૃદય, સંવેદનશીલ અને સપોર્ટિવ વ્યક્તિત્વ. સ્થપતિનું નકશીકામ એમનાં કાવ્ય સર્જનોમાં પણ આબેહૂબ ઊતર્યું છે. તેથી જ એમની કવિતાઓમાં બાહ્ય નહીં, પરંતુ આંતર નકશાઓ જ ઊભરી આવે છે. અવિનાશ પારેખ વ્યવસાયે આમ તો આર્કિટેક્ટ-એન્જિનિયર, પરંતુ એમનું સર્જન માત્ર એક ક્ષેત્રમાં સીમિત ન રહેતા અનેક ક્ષેત્રે વિસ્તર્યું છે. યુનિવર્સિટીમાં વૈષ્ણવ ચેર સ્થાપી શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો આધારિત અભ્યાસક્રમો દાખલ કરવા, સંકલનો કરવાં, વિદેશી કવિઓનાં કાવ્ય અનુસર્જનો કરવાં અને રેડિયો-દૂરદર્શનમાં કાર્યક્રમ રજૂ કરવાથી લઈને ‘કોફી મેટ્સ’ પ્રકારનો ઉત્તમ કાર્યક્રમ દસ વર્ષ ચલાવવા જેવાં બહુ આયામો આ કવિને હસ્તગત છે. એટલે જ મારી દૃષ્ટિએ અવિનાશ પારેખ સૌથી પહેલાં તો એક ઋજુ હૃદયના ઉત્તમ માનવી છે, સંવેદનશીલ કવિ છે, કૃષ્ણપ્રેમી ગીતકાર છે અને પછી આર્કિટેક્ટ છે. ભાષાના સંવર્ધન માટે હંમેશા મેં એમને કાર્યરત જોયા છે. મૂળ અજંપાનો જીવ એટલે દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું કર્યા કરવાની લગની એમને સતત રહી છે.
આજના ગીતના સંદર્ભમાં એમણે એક બહુ સરસ વાત કરી કે રામ જ્યાં જ્યાં ગયા ત્યાં એમની પ્રતીક્ષા થતી. શબરી, કેવટ, રાવણ અને અયોધ્યાવાસીઓ એમનાં ઉદાહરણો. જ્યારે શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં ગયા ત્યાં પ્રતીક્ષા મૂકતા ગયા. સૌથી પહેલાં મા-બાપથી છૂટા પડ્યા, એ પછી ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું, ગોપીઓ અને રાધાને છોડ્યાં, છેવટે અર્જુનને પણ છોડયો. આમ, શ્રીકૃષ્ણ હંમેશાં દરેકને રાહ જોવડાવતા રહ્યા, પરંતુ છેલ્લે એમણે ભગવદ્દગીતા દ્વારા બધાને સાચો રાહ પણ દેખાડ્યો. કૃષ્ણપ્રેમી અવિનાશ પારેખે બે સંગીત સીડી દ્વારા શ્રીકૃષ્ણની કેટલીક સુંદર રચનાઓ આપી છે. અલબત્ત, એમનાં કૃષ્ણગીતોનો મુખ્ય સૂર વિરહભાવના જ રહ્યો છે. વિષાદ તેમની આંતરચેતનાનું કેન્દ્રબિંદુ છે. અવિનાશ પારેખે બે કાવ્યસંગ્રહો, એક ‘અઋણાનુબંધ’ અને બીજો ‘અદ્વૈત’ આપ્યા છે, એ બંનેમાં અછાંદસ કાવ્યનો મહિમા છે. ‘અઋણાનુબંધ’ને 2007માં મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય ઍકેડેમીનો એવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
ચીલાચાલુ કશું ના લખવું એવો એમનો પ્રયત્ન રહ્યો હોવાથી કવિતામાં મિજાજ મૌલિકતાનો જ રહ્યો છે. અછાંદસમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી એક જ ગઢમાં જ પુરાઈ ન રહેતા એમના શબ્દને લયની પાંખ ફૂટી અને એમણે કેટલાંક સરસ ગીતો આપ્યાં. ‘ગીત પંચમી’ અને ‘ગીત ગમતીલાં’ નામે બે સીડી પ્રગટ થઈ. ‘ગીત ગમતીલાં’નું એક અદ્ભુત ગીત જન્માષ્ટમીના પર્વ પહેલાં જ કાનમાં ગુંજી રહ્યું છે. એ ગીત છે, ‘ભયો ભયો ઐસો અચરજ…!' સીડીના લોકાર્પણ વખતે આ ગીત પહેલીવાર શ્રદ્ધા શ્રીધરાણીના અવાજમાં સાંભળ્યું ત્યારથી મનમાં વસી ગયું હતું. જો કે, મૂળ પાર્થિવ ગોહિલે એ બહુ જ સુંદર ગાયું છે. કવિતાના શબ્દો તો હૃદયસ્પર્શી છે જ, સાથે સુરેશ જોષીનું સ્વરાંકન પણ ખૂબ મીઠું અને માધુર્યસભર છે.
2018નું રાસબિહારી દેસાઈ સન્માન પ્રાપ્ત કરનાર સુરેશ જોષીએ સાહિત્યકૃતિઓ પર આધારિત ખૂબ સુંદર સ્વરાંકનો કર્યા છે. "સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓ માટે કામ કરવાનો આનંદ જુદો જ છે અને એને હું મારું સામાજિક ઉત્તરદાયિત્વ સમજુ છું. એમ સુરેશ જોશી કહે છે. આ ગીતના સંદર્ભમાં અવિનાશ પારેખ કહે છે કે, "મારે એક ગીત વ્રજ ભાષામાં જ લખવું હતું. મારા ઘરના રાધા-કૃષ્ણના એક સરસ પેઇન્ટિંગ સામે હું બેઠો હતો, જેમાં એમનો વિરહભાવ જ ઝીલાયો છે, એ પેઇન્ટિંગની સામે બેસતાં જ મને એક પંક્તિ સૂઝી, ‘ભયો ભયો અચરજ, ચરનન કી રજ રજ મે વ્રજ…' આ એંગલ કોઈ વૈષ્ણવને જ સૂઝે. મને તો આ ગીત ઠુમરી પ્રકારમાં સ્વરબદ્ધ થાય એવી ઈચ્છા હતી પણ એના માટે એ પ્રકારની ગાયકી પણ જરૂરી. છેવટે કવિ અને સ્વરકાર બંનેના સહ નિર્ણયથી પાર્થિવ ગોહિલ પાસે કંઈક જુદી રીતે આ ગીત ગવડાવવાનું નક્કી થયું. વ્રજભાષી આ ગીતને પાર્થિવે બખૂબી નિભાવ્યું છે. આમ તો કવિ સુન્દરમ્ના મેરે પિયા મૈં કછુ નહિ જાનું, મૈં તો ચુપ ચુપ ચાહ રહી…પછી ગુજરાતી સાહિત્યમાં વ્રજ ભાષામાં ગીતો બહુ લખાયાં નથી. તેથી આ ગીતનું મૂલ્ય મારા માટે અને મારી ભાષા માટે ખૂબ અગત્યનું છે. કવિતા મારે માટે નાશવંત વિશ્વનું શાશ્વત્ આશ્વાસન છે. જગતમાં બધું જ રેશનલ હોતું નથી કે બધું સમજી શકાય એવું પણ હોતું નથી એટલે તર્ક અને બુદ્ધિની પકડમાંથી છૂટવાના આયામ મારી કવિતાની પાર્શ્ર્વભૂમિ રહી છે. પ્રિયજનના હૃદયમાંથી પસાર થતો માર્ગ મને ઈશ્વરીય તત્ત્વ સુધી દોરી જાય છે અને કન્સ્ટ્રક્શન બાય ડી-કન્સ્ટ્રક્શન મારી નિયતિ છે.
સુરેશ દલાલે જ આ કાવ્યનો આસ્વાદ કરાવતા એક સ્થાને લખ્યું છે કે, "કવિતા વિસ્મયની વિષ્ણુિપ્રયા છે. અહીં ગોપીને જે અચરજ ભયો ભયો લાગે છે એની પાછળ કારણ વિનાનું એક કારણ છે અને આમ પણ પ્રેમને કારણ સાથે સંબંધ નથી. આ કારણમાં અચરજની પરંપરા છે, અથવા પરંપરાનું આશ્ચર્ય છે. વ્રજ નકશા પરનું કોઈ સ્થળ નથી પણ ઈશ્વરના ચરણમાં જ વ્રજ દર્શન છે. કવિ કહે છે, જીત જીત દેખું બાંકે બિહારી … કૃષ્ણની વાંસળીનો સાદ પૂરતો છે. ગોપી ભાન ભૂલી જાય છે. ચેનથી બેચેન થવાની પણ એક મજા છે. કવિએ અધર પ્યાસી છે એવું નથી કહ્યું. એ કહે છે કે બિન બરસે બાદલ કી ઉદાસી … અહીં સપનાંઓને રંગ આપવાની વાત છે. વાત નહી, વિનંતી છે અંદરની ગરજની એક અરજ છે. કદી એનો રસ સુકાઈ ન જાય એવી એક વણછીપી તરસ છે. કૃષ્ણની વાંસળી વાગે કે ન વાગે એ સદાય માટે હૃદયસ્થ છે. હૃદય એક એવું વાજિંત્ર છે કે જેનાં તાર તારમાં જે મધુર તરજ છે તે એનું જ ગુંજન છે. આ ગુંજનમાંથી જ મનોમન ગાવાનું મન થાય એવું ગીત પ્રગટ્યું છે. કવિતાની કક્ષાનું ગીત લખવું અઘરું છે. ગીતકારે કવિતા અને ગાયનની વચ્ચે સમતુલા જાળવવાની હોય છે. કવિ આ વ્રજગીતમાં કવિતાને સાચવી શક્યા છે.
ગીત, ગઝલ, હાઈકુ અને અછાંદસ જેવા કાવ્ય પ્રકારોથી લઈને મધુર કૃષ્ણગીતો સુધીની કવિની યાત્રા સભર છે. કૃષ્ણગીતોમાં કૃષ્ણ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિમાં હોય એવી મેઘધનુષ જેવી અનુભૂતિ છે. એમાં રાસલીલા, રાધાનો વિષાદ, કૃષ્ણનો વિરહ, ગોપીનો અજંપો અને કૃષ્ણ ચરિત્ર જેવા વિવિધ રંગો સમાયેલા છે. આ ગીતમાં શબ્દ-સ્વર અને સૂરની મંત્રમુગ્ધ કરનારી સંવાદિતા પ્રગટ થાય છે. ભયો ભયો ગીતમાં અચરજ…માં અચરજ એ વાતનું રહે કે કૃષ્ણના ચરણોની રજ રચના સમગ્ર વ્રજ પ્રગટ થતું રહે છે. આ રચના ભાવકની સંવેદનશીલતાને મોરપીંછની મુલાયમ અનુભૂતિથી સભર કરે છે. સુંદર ગુજરાતી ગીતોમાં હકપૂર્વક સ્થાન લઇ શકે એવું આ ગીત શબ્દ-સૂરનો સુભગ સમન્વય છે.
ભયો ભયો ઐસો અચરજ,
ચરનન કી રજ રજ મેં વ્રજ.
કુંજ વન મેં યે કૈસી બલિહારી
જીત જીત દેખું બાંકે બિહારી,
ખોઈ સુધબુધ ના રહી સમજ…ચરનન
બિન બરસે બાદલ કી ઉદાસી
છલકે નયનન ફિર ભી પિયાસી,
રંગ દેઓ સપનન ફિર ભી પિયાસી…ચરનન
તું બંસી ના બજૈયો કાના
હૃદયન મેં આ કે બસ જાના
તાર તાર મેં ગુંજે મધુર તરજ…ચરનન
* કવિ : અવિનાશ પારેખ * સંગીતકાર : સુરેશ જોશી
શ્રદ્ધા શ્રીધરાણીને કંઠે આ ગીત અહીં સાદર છે :
https://www.youtube.com/watch?v=yTMLATF8nYY
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 30 અૉગસ્ટ 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=437626