પશ્ચિમના સમાજોમાં ય સ્ત્રીનું ગર્ભિણી થવું સદ્દનસીબ મનાય છે
હૅમિન્ગ્વેની "હિલ્સ લાઇક વ્હાઇટ ઍલિફન્ટ્સ" ટૂંકીવાર્તાનો મેં કરેલો ભાવાનુવાદ "સફેદ હાથીઓ જેવી ટેકરીઓ" અહીં નાની નાની કાપકૂપો પછી રજૂ કર્યો છે :
સ્પેનની આબરો નદીની ઘાટીની પેલે પારની ટેકરીઓ સફેદ અને પથરાયેલી હતી. આ તરફ, ન વૃક્ષો, ન છાંયડો. રેલવેની બે લાઇનની વચ્ચે તડકામાં સ્ટેશન. સ્ટેશનની બિલકુલ બાજુમાં મકાનનો પડછાયો, અને એક બાર. બારના દરવાજા પર વાંસના મણકાની સૅરોવાળો પરદો -માંખીઓથી બચવા.
છોકરી અને એનો અમેરિકન સાથી ટેબલ પર બેઠાં છે. ગરમી છે. બાર્સેલોના-ઍક્સપ્રેસ ચાલીસ મિનિટમાં આવી લાગશે, બે મિનિટ થોભશે, મૅડ્રિડ જવા રવાના થઈ જશે. છોકરીનું નામ છે, જિગ. અમેરિકનનું નામ નથી. વાર્તામાં કથકે (હૅમિન્ગ્વેએ) એને 'પુરુષ' કહ્યો છે. છોકરીનું નામ સંજ્ઞાવાચક અને પુરુષનું જાતિવાચક – આ વિષમતા ધ્યાનપાત્ર છે.
બીઅર મંગાવાય છે, વાતો ચાલે છે. છોકરી ટેકરીઓ જોતી હોય છે. કહે છે : ટેકરીઓ હાથીઓ જેવી સફેદ છે, નહીં? : બીઅર પીતાં પીતાં પુરુષ કહે છે : મેં તો કદીયે જોઇ નથી : તું શેનો જુએ? : મેં જોઇ હોત, 'તું શેનો જુએ' કહેવાથી કશું પુરવાર નથી થતું : એમ બન્ને વચ્ચેની વાતચીત શરૂઆતથી જ ચૅંકાવા લાગી છે. છોકરી પરદા સામે જુએ છે : આ લોકોએ પરદા પર કંઇક ચીતર્યું છે – મતલબ શું છે એનો? : 'આનિ ડેલ તૉરો', એક ડ્રિન્ક છે : ટ્રાય કરીએ : અને એ ડ્રિન્ક મંગાવાય છે.
છોકરીને ટેકરીઓ સફેદ હાથીઓ જેવી દેખાય છે. પુરુષને પરદા પરના ચિત્રમાંના ડ્રિન્કની ખબર છે. એ હકીકત પણ ધ્યાનપાત્ર છે.
છોકરીને આનિ ડ્રિન્ક ભાવ્યું નહીં. અભિપ્રાય આપે છે. પુરુષ છંછેડાય છે. ફાઇન ટાઇમની ને પોતાને આવેલી મજાઓનો ઉલ્લેખ કરે છે. એટલે, છોકરી કહે છે : એમ છે, તો ચાલને, ફાઇન ટાઇમ માટે ફરીથી ટ્રાય કરીએ. જો, મજા માટે મેં તો ટ્રાય ચાલુ કર્યો, કહ્યું કે ટેકરીઓ સફેદ હાથીઓ જેવી છે, તડકાથી પ્રકાશિત. હતી કે નહીં? : હતી …પાછો બીઅર મંગાવાય છે…
હવે વાર્તાના ગુપ્ત કેન્દ્રમાં છે એ વસ્તુ છતી થવા લાગે છે : જિગ, ઑપરેશન સાવ સરળ છે : ત્યારે જિગ જમીન અને ટેબલના પાયાને તાકતી હોય છે : એમાં કંઈઈ નથી. જસ્ટ ટુ લેટ ધ ઍર ઇન ! : એવું કહીને પુરુષ એમ સૂચવે છે કે, માની જા : હા પણ, પછી આપણે બન્ને કરવાનાં શું છીએ? : પહેલાં જેવાં ફાઇન થઇ જાશું : એમ તું શાથી ક્હૅ છે? : કેમ કે ત્રાસ એનો જ છે. એને જ આપણને દુ:ખીદુ:ખી કરી મેલ્યાં છે : જિગ પરદાને જુએ છે. પરદાની બે સૅરો હાથમાં લઇ પૂછે છે : તને લાગે છે આપણે બરાબર થઇ જઇશું, હૅપિ હૅપિ? : હા-હા, બિલકુલ ! તું નચિન્ત રહેજે. મને ખબર છે, આવું તો કેટલાંઓએ કરાવેલું છે : હુંય જાણું છું કે પછી બધાં કેવાં સુખી થઇ ગયેલાં : ભલે ! તારી અનિચ્છા છે તો ન કરાવ. બાકી, છે આસાન : જો કરાવી લઉં, તો તું ખુશ, બધી બાબતો પહેલાં જેવી, ને તું મને પ્રેમ કરવાનો, ખરું? : અત્યારે ય કરું છું, તને ખબર છે, આઇ લવ યુ : ખબર છે. પણ હું જો કહીશ કે બધી બાબતો સફેદ હાથીઓ જેવી છે, તો ગમશે તને? : ગમશે, ગમે છે, પણ મારાથી આગળ કશું વિચારાતું નથી. ચિન્તામાં પડી જઉં છું : પણ કરાવી લઉં તો ? : તો તો, શી ચિન્તા ! : તો કરાવી લઇશ. કેમ કે મને મારી કંઇ જ પડી નથી : શું કહ્યું? : મને મારી કંઇ જ પડી નથી : ભલે; પણ મને તારી પડી છે : હા પણ, મને મારી નથી પડી; કરાવી લઇશ ને બધું ફાઇન થઇ જશે …
આબરોના કાંઠે વૃક્ષો ને ધાન્યનાં ખેતરો ઝૂમે છે. એક વાદળાનો પડછાયો ખેતર પરથી જતો હોય છે : છોકરી કહે છે : આ બધું હોત આપણી પાસે. રોજ્જે હોત : શું કહ્યું? : મેં કહ્યું – આ બધું હોત આપણી પાસે : શક્ય છે : ના, નથી : છે… રકઝક થાય છે. વળીને એ જ વાત ટીપાયા કરે છે : જિગ, તારા સિવાયનું કોઇ બીજું મને ન જોઇએ. માત્ર તું જોઇએ : એમ કહેવું તારા માટે બરાબર છે, બાકી, મને ખબર છે એની. એક વસ્તુ કરીશ મારા માટે? : તારા માટે કંઇપણ કરું : તું પ્લીઝ, પ્લીઝ બંધ કરીશ બોલવાનું? : પુરુષ બૅગોને અને એ પરનાં હોટેલોનાં લેબલોને જોતો થાય છે -હોટેલો કે જ્યાં એ બન્નેએ રાતો ગાળેલી. એકાએક બોલી ઊઠે છે – હું નથી ઇચ્છતો કે તું કરાવ. ત્યારે છોકરી કહે છે – હું ચીઈઈસ પાડીશ ! : એ જ વખતે પરદો ખસેડીને બીઅરના બે ગ્લાસ સાથે બારવાળી સ્ત્રી હાજર થાય છે ને જણાવે છે – ટ્રેન પાંચ મિનિટમાં આવે છે. પુરુષ કહે છે -બૅગો સ્ટેશનની પેલી તરફ લઇ જઉં. છોકરી સ-સ્મિત કહે છે – પછી પાછો આવ, બીઅર આપણે સાથે પીશું : ટ્રેન આવી ન્હૉતી. પુરુષ પાછો આવે છે. પૂછે છે -સારું છે ને તને હવે? : સારું છે. ખોટું કશું નથી, સારું છે : વાર્તા પૂરી થાય છે.
આ, શું કરાવી લેવાની વાત છે? ગર્ભપાત ! જો કે કથકે (હૅમિન્ગ્વેએ) તેમ જ જિગ અને પુરુષે એકપણ વાર 'ગર્ભપાત' શબ્દ નથી વાપર્યો. 'લેટ ધ ઍર ઇન' શબ્દપ્રયોગથી વ્યવહારમાં એમ સમજાતું હોય છે કે ડૉક્ટરો ગર્ભ પાડી નાખે પછી ગર્ભાશયમાં હવાને આવવા દેતા હોય છે. સ્ત્રીએ ગભરાવાનું કારણ નથી હોતું. બધું હળવું થઇ જાય છે. પુરુષ ઇચ્છે છે કે એ હળવાશ જિગને મળે. પણ જિગને ગર્ભપાત નથી કરાવવો. જિગ સન્તાન ઇચ્છે છે. એને સફેદ હાથીઓ જેવી ટેકરીઓ ગમે છે. પુરુષને મજા, ફાઇન ટાઇમ, ને મુક્તતા જોઇએ છે. જિગને દા'ડા રહ્યા હશે ત્યારથી બન્ને વચ્ચે આ આંટી પડી હશે. એ વાતે વાર્તામાં ઘણી જ ટપાટપી ચાલી. બન્ને જો કે ગર્ભપાત અંગે કશા નિર્ણય પર નથી પ્હૉંચ્યાં. ખરેખર તો પોતાના પ્રેમને બચાવી લેવા ખૂબ મથ્યાં છે.
આ વાર્તા હૅમિન્ગ્વેએ ૧૯૨૭માં લખેલી. ત્યારે લોકો ગર્ભપાત અંગે હૅઝિટન્સ – અવઢવ – જરૂર અનુભવતા પણ વધારે તો જીવ-તરફી રહેતા'તા, પ્રો-લાઇફ. પશ્ચિમના સમાજોમાં ય સ્ત્રીનું ગર્ભિણી થવું સદ્દનસીબ મનાય છે. મેં જોયું છે કે ગર્ભિણી સ્ત્રી પ્રસન્નતાથી જાહેરમાં જતી-આવતી હોય. અજાણ્યું જણ પણ એને 'વિશ' કરે. વડીલ વયનું તો પેટે હાથ પણ ફેરવી આપે, ને ક્હૅ, 'ઑલ ધ બેસ્ટ'. સ્વીમિન્ગ-પુલમાં કે અરે લેઇકમાં આરામથી સ્નાન કરતી હોય. ગર્ભ રાખવા-ન રાખવા અંગે વધુ ને વધુ લોકો આજે પ્રો-ચૉઇસ થઇ ગયા છે. ગર્ભપાત એકી-બેકી જેવી સરળસુગમ ક્રિયા મનાય છે. યુગલો થોડા કલાકો પછી હસતાંરમતાં ઘરભેગાં થાય છે – કાયદાની ઍસીતૅસી ! બાકી, અમેરિકામાં ૧૯૭૩માં કાયદો ઘડાયો એ અરસામાં ય લોકો એકમેકને પૂછતા'તા : તમે પ્રો-ચૉઇસ? કે પ્રો-લાઇફ? : જો કે આપણે તો પ્રો-લવ રહેવું.
https://www.facebook.com/suman.shah.94/posts/2134538089910426
તારીખ ૨૯/૯/૨૦૧૮ના રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત આ લેખ સૌજન્યસહ અહીં મૂક્યો છે