હૈયાને દરબાર
છોને જાઉં પારકા ઘરમાં
વડલાની છાંય નહીં ભૂલું
તમે પપ્પા મને આપ્યું’તું
એ વહાલ કદી નહીં ભૂલું
તમને જોઈને ખભે ચડી જાઉં છું દોડીને
ઊતરી જાતો થાક દીકરીને રમાડીને
મને પા પા પગલી શિખવી એ હાથ કદી નહીં ભૂલું
મને ઉછેરવા પપ્પા તમે બાકી કશું ન રાખ્યું
ના મારે માગવું પડતું તમે લાવી બધું ય આપ્યું
છલકતા એ દરિયાનો આભાર કદી નહીં ભૂલું
તમે દુ:ખો છૂપાવ્યાં મારી સામે સદા ય હસતાં
મને વળાવતાં તમને જોયા મેં આજે રડતાં
‘સુખી થાજે દીકરી’ના આશીર્વાદ કદી નહીં ભૂલું
• કવિ : મુકેશ માલવણકર • ગીત-સંગીત: મનહર ઉધાસ
* * *
———————-
કંકુ છાંટી કંકોતરી મોકલો,
એમાં લખજો લાડકડીનું નામ,
માણેક સ્તંભ રોપિયાં …!!
તમે સાચું જ સમજયાં. જી હા, લગનગાળો ફરી શરૂ થઈ ગયો છે ને દીકરીને ઘરે તૈયારીઓ પૂરબહારમાં ચાલી રહી છે. દીકરીની માને ઘડીની ફુરસદ નથી. ઉત્તરાયણ પછી તરત જ લગનગાળો શરૂ થઈ જાય. લગ્નપ્રસંગની ખરી શરૂઆત કારતક મહિનો બેસે ત્યારે થાય, વચ્ચે પાછાં કમૂરતા આવે એટલે એ પછી ઉત્તરાણ બાદ ફરીથી દોર શરૂ થાય.
બે મહિના પહેલાં મોબાઈલ ફોનના ઈનબોક્સમાં એક કંકોત્રી આવીને પડી હતી. હવે તો વોટ્સ એપ કંકોત્રીનો જમાનો છે એટલે નવાઈ ન લાગી. વિવાહ કોના હતા ખબર છે? તુલસી અને શાલિગ્રામનાં. આ તુલસી વિવાહનું મુંબઈ જેવા મહાનગરમાં ખૂબ મોટા પાયે, રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણીને આનંદ આશ્ચર્ય થયું હતું. આજના આધુનિક જમાનામાં, મુંબઈ જેવા શહેરમાં આવા પારંપારિક વિવાહનું આયોજન કરવાનો વિચાર કોઈને આવે એની નવાઈ લાગે, પરંતુ અંધેરી નાગર મંડળની બહેનો તરફથી આ નિમંત્રણ હોવાથી એના મુખ્ય સભ્ય અર્ચિતા મહેતાને ફોન જોડ્યો તો એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે "લગનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ માટલી, મંડપ મુહૂર્ત, મહેંદી આ બધાં પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. કંકોત્રી ડિજિટલ છે, છતાં પહેલી કંકોત્રી ગણેશજી અને માતાજીને ધરાવવા માટેની છાપી છે. લગન જેટલો જ ખર્ચ કરીને કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ ભૂલાયેલી પરંપરા, ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો છે. ભારતીય સંસ્કૃતિ ઉમંગ ઉલ્લાસની છે અને દરેક પ્રસંગ પાછળ કોઈક શુભ ભાવના રહેલી છે. તુલસી વિવાહનું મહત્ત્વ એ છે કે "દિવાળી પછીની કારતક સુદ અગિયારસે સૌ પ્રથમ તુલસી વિવાહ ઉજવાયા પછી જ લગનગાળો શરૂ થાય. આ બધું આજની પેઢીને ક્યાં ખબર છે? તેથી આ ભવ્ય સમારંભનું આયોજન અંધેરી નાગર મંડળની મહારાણીઓ ભેગાં થઈને કર્યું છે. ઈન્ટરેસ્ટિંગ હતી આખી વાત. તુલસી વિવાહ પછી લગ્નો શરૂ થઈ જાય.
લગનગાળા દરમ્યાન દીકરી અને કન્યાવિદાય વિશે વાત પ્રસ્તુત બની રહે. તેથી જ કેટલાંક ઉત્તમ દીકરીકાવ્યો વિશે વાત કરવી છે.
આંગણામાં રહેલો તુલસીનો ક્યારો એટલે દીકરી તે આપણે સૌ જાણીએ જ છીએ. પિતાના ઘરમાં અતિ લાડકોડ અને પ્રેમથી ઉછરેલી દીકરીને એક દિવસ પોતાના ક્યારા માટે નવું સ્થાન શોધવું જ પડે છે. દીકરીરૂપી તુલસીના ક્યારાને એક દિવસ આખી ને આખી મૂળ માટી સાથે બીજાના ઘરના કુટુંબના ક્યારામાં રોપવાનો અવસર આવે છે, માંડવો બંધાય છે. ઢોલ શરણાઈ વાગે છે, ગણેશ પૂજા થાય છે, પરિવારની સ્ત્રીઓ અતિ ઉત્સાહિતપૂર્વક પીઠી લગાવે છે, મંગળફેરા ફરાય છે, વિદાયની વસમી વેળા આવી ચડે છે અને દીકરીને એક એવી વ્યક્તિના હાથમાં સોંપી દેવી પડે છે કે જેને આપણે બે-ચાર વખતની મુલાકાતમાં જ મળ્યા હોઈએ છીએ.
પરંતુ, આ બધામાં એક પિતાની મનોસ્થિતિ કેવી હોય? મા તો આંસુ સારીને વેદના વ્યક્ત કરે પણ પિતા તો બધા જ દુ:ખ મનમાં રાખીને હોંશે હોંશે દીકરીના લગ્નની તૈયારી કરતા હોય છે. પિતા મનની બધી જ વેદનાં હૈયે રાખીને બેઠાં હોય છે. ઘરના મોભી તરીકે પિતા જ અસ્વસ્થ બની જાય તો દીકરીનો પ્રસંગ કઈ રીતે ઉકેલી શકે? આવી લાડકી દીકરી અને દીકરીના વિદાય માટે કેટલાંક સુંદર અને લોકપ્રિય ગીતો રચાયાં છે. મુકેશ માલવણકરે લખેલું અને મનહર ઉધાસે ગાયેલું આ ગીત લોકપ્રિયતાની ટોચે છે.
દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી તારા વહાલનો દરિયો
જીવનભર છલકાય
પામતા જીવન માતપિતાનું
ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હાજર …!
અત્યાર સુધી કન્યાવિદાયનાં ગીતોમાં મા-બાપની વ્યથા જ ઝિલાઈ છે, પરંતુ તાજેતરમાં મુકેશ માલવણકરે જ પોતાના ગીત દીકરી મારી લાડકવાયી સામે દીકરીની લાગણી વ્યક્ત કરતું ખૂબ સરસ ગીત, છોને જાઉં પારકા ઘરમાં, વડલાની છાંય નહીં ભૂલું … લખ્યું જે લોકપ્રિય ગાયક મનહર ઉધાસે તેમનાં લેટેસ્ટ આલબમ ‘અફલાતૂન’માં સમાવ્યું છે. એ વિશે મનહરભાઇ કહે છે, "આ ખરેખર અફલાતૂન ગીત છે. મને લાગે છે કે દીકરી મારી લાડકવાયી કરતાં પણ એ વધુ લોકપ્રિય થશે. કન્યાવિદાયે દીકરીની કથા-વ્યથા આલેખતું આ ગીત એક નવો એંગલ લઈને આવ્યું છે.
સાંઈ કવિ મકરન્દ દવેએ ગીત લખ્યું છે, જેની પંક્તિઓ છે.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
કસબી હાથેથી એણે કરી શી કમાલ!
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યું ભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ …!
જનનીની જોડ જગે નહીં જડે રે લોલ … ગીતના ઢાળ પરથી એવું જ ગીત મકરન્દ દવેએ લખ્યું;
પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ
અમૃત દેવોનું દિવ્ય લોકમાં રે લોલ
લાડલી આ લાવી ઘેરઘેર રે … અદકાં અજવાળાં
બાપુની ઢાલ બને દીકરો રે લોલ
કન્યા તો તેજની કટાર રે
અદકાં અજવાળાં એની આંખમાં રે લોલ …!
એક સમયે દીકરી સાપનો ભારો ગણાતી હતી, પરંતુ આજની દીકરીઓ તો મા-બાપની ઢાલ બનીને ઊભી રહે છે એટલે જ કવિએ લખ્યું છે કે દીકરી તો તેજની કટાર છે.
કવિ સંદીપ ભાટિયાએ દીકરીને ઈશ્વરની આમંત્રણ પત્રિકા કહી છે. તેઓ લખે છે ;
"દીકરી એટલે ભડભાંખળું. દીકરી એટલે પરી લોકમાં પુન:ટ્વિટ માટેની તમારા નામે આવેલી ઈશ્વરની આમંત્રણ પત્રિકા દીકરી એટલે ધગધગતા ઉનાળે ઝંખવાતી આંખોને રાધા પાણીની છાલક દીકરી એટલે પતંગિયાની ઉડાન ઉડાન દીકરી એટલે ખિસકોલીનું ચક ચીં ચક ચક ચીં, દીકરી એટલે દીકરી એટલે દીકરી. કાનુડાને બાંધવા દર વખતે રસી ટૂંકી પડે એમ દીકરી પણ વ્યાખ્યામાં બંધાય નહીં ખેતી જૂની સાવ હાથવેંતમાં લાગે છે ખૂબ દૂર હોવાનો અહેસાસ મને છાને ખૂણે સતત કરાવ્યા કરે ખોળામાં બેઠી હોય ત્યારે એના ટહુકાની પાછળ પ્રવાસી પંખીની પાંખોનો ધ્વનિ સંભળાયા કરે તો જોજનો દૂર હોય અને એને યાદ કરવા માત્રથી મનમાં સુગંધ પ્રસરી જાય એવી એ જાદુઈ જડીબુટ્ટી સર કરતી વહી જતી રમતી રંગબેરંગી માછલીઓની જેમ સરવરજલની સ્વચ્છતા અને નિર્મળતાનું પ્રમાણ છે એમ મુક્ત અને પ્રસન્ન દીકરી ઘર અને સમાજ નીરોગી હોવાની સાબિતી છે.
આવી નાચતી, કૂદતી, ઘરમાં ફરી વળતી પતંગિયા જેવી પુત્રીનું લગ્ન થઈ જાય પછી શું થાય એ વાત કવિ જયન્ત પાઠકે આ રીતે કરી છે ;
આખરે ઉજાગરાનો અંત આવ્યો
લગન ઊકલી ગયાં
મા હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન: મારી દીકરી ક્યાં?
કન્યાવિદાય એ કરુણમંગલ પ્રસંગ છે. કન્યાવિદાયના એક અદભુત ગીતની વાત આવતા અંકે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમચાર”, 16 જાન્યુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=619219