હૈયાને દરબાર
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે;
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.
છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ;
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.
એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે!
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું;
શબ્દનું એની કને કંઈ ક્યાં ઊપજતું હોય છે!
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી;
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.
• ગઝલકાર : રાજેન્દ્ર શુક્લ • સ્વર-સંગીત : સોલી કાપડિયા
———————–
બાળપણથી જ સાહિત્યકારોના સત્સંગનો લાભ મળ્યો હોય એ સંસ્કાર ક્યાંક તો ઊગી નીકળે. આ બાબતે હું સદ્દભાગી હતી. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી ઉમાશંકર જોશીના ખોળામાં રમવાનું સદ્દભાગ્ય મળે, આદરણીય લેખક-નવલકથાકાર રઘુવીર ચૌધરી, પ્રવાસ નિબંધ સર્જક ભોળાભાઈ પટેલ જેવા પડોશીઓ હોય, મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા શુભચિંતકની આવ-જા ઘરમાં રહેતી હોય, લાભશંકર ઠાકર જેવા મોટા ગજાના સાહિત્યકારને મિત્ર બનાવી આઈસક્રીમની જયાફત માંડી શકાતી હોય અને ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ જેવા વિદ્વાન-સહૃદય કવિની હાજરીમાં જ મારી સત્તર-અઢારની વયે એમની કવિતા, ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક’ ગાવાની તક મળે ને કવિ હોંશપૂર્વક બિરદાવે એ ય સદ્દનસીબ જ ને! હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક એ ઇશ્કેહકીકી ગઝલ છે જેમાં કવિએ કોઇ પણ પંથ કે ગઝલકારનું નામ લીધા વગર એમની મસ્તી, ફકીરી, તલ્લીનતા, ત્યાગ, સમર્પણને વ્યક્ત કર્યા છે. આ ગઝલ દ્વારા એમણે નરસિંહ, મીરાં, સંત તુલસીદાસ, કબીર, નાનક જેવાં સંતોને યાદ કર્યાં છે. આ ઉપરાંત જે મહાત્મા જે પ્રદેશ સાથે સંકળાયેલા હતા તે પ્રદેશની ભાષાના એકાદ બે શબ્દો મુકી ભાવને અનુરૂપ વાતાવરણ રચ્યું છે. પરેશ ભટ્ટે આ ગઝલ સરસ સ્વરબદ્ધ કરી છે.
અમારી ટીનએજ પપ્પાના સાહિત્ય સંસ્કાર અને મમ્મીના સંગીત સંસ્કારથી સમૃદ્ધ હતી. સાહિત્યકારોની અવરજવરને લીધે અનાયાસે સાહિત્ય – સંગીતનો પિંડ ઘડાતો ગયો. ‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાઓ હંમેશાં મને અચંબિત કરતી રહી છે. શું જબરજસ્ત અભિવ્યક્તિ, લાઘવ અને ગૂઢાર્થ છે એમની કવિતામાં! કેટલીક કવિતાઓ પઠનની દ્રષ્ટિએ અદ્ભુત છે તો કેટલીક ખૂબ સરસ કમ્પોઝ થઈ છે. કવિના સ્વમુખે ધીરગંભીર અવાજમાં કાવ્યપઠન સાંભળવું એ લહાવો છે, પરંતુ એમનાં કેટલાંક કાવ્યો-ગઝલો જુદા જુદા સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યાં છે.
એમની ગેય ગઝલોમાં સૌથી પહેલી મેં જે સાંભળી હતી એ અમેરિકા સ્થિત સ્વરકાર હરેશ બક્ષીએ કમ્પોઝ કરેલી અને બંસરી યોગેન્દ્રએ ગાયેલી ગઝલ, આવ્યા હવાની જેમ અને ઓસરી ગયા, શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયા … હતી. હજુ તો એના પ્રભાવમાંથી બહાર આવું એ પહેલાં સોલી કાપડિયાના કંઠે એક પ્રાઈવેટ કોન્સર્ટમાં બીજી અદ્ભુત ગઝલ સાંભળવા મળી,
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે ;
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે …!
બંને ગઝલના શબ્દો અને સ્વરાંકન મનમાં એવાં જડબેસલાખ બેસી ગયાં કે પછી તો રાજેન્દ્ર શુક્લની તમામ ગેય ગઝલો જ્યાં મળે ત્યાં સાંભળવાનો મોકો ચૂકતી નહીં.
કવિ રાજેન્દ્ર શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. તેમ જ ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. કર્યું. ૧૯૮૨ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું તથા ૧૯૮૦-૮૧નું ઉમાશંકર-સ્નેહરશ્મિ પારિતોષિક મેળવ્યું હતું.
એમના કાવ્યસંગ્રહો કોમલ રિષભ’ (૧૯૭૦) અને અંતર ગંધાર’(૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં ઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિત્વ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. સંસ્કૃત પ્રચુરતા પણ કેટલાંક કાવ્યમાં નજરે ચડે છે. રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે. કવિને પૂછીએ તો કવિ કારણ આપે કે હું કવિતા વાંચતી વખતે એ કવિતા જે તે સમયે લખી હોય છે, સમયના એ જ અંતરાલમાં પુન: પ્રવેશ કરું છું અને કાવ્યસર્જનના ભાવને સાંગોપાંગ અનુભવતા અનુભવતા કાવ્યપાઠ કરું છું. આવા અંતરનાદથી સમૃદ્ધ રાજેન્દ્ર શુક્લની શ્રેષ્ઠ ગઝલોમાં,
સામાંય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ …
અન્ય એક ગઝલ છે,
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
ઊંબર આ એક તડકો આવીને થિર થયો,
લ્યો કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.
ઝીલી શકો કશું તો સદ્દભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે …
તથા,
હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું ! જેવી કેટલીય ગઝલો ખૂબ લોકપ્રિય છે. જેમનાં સર્જન આસમાનની ઊંચાઈ આંબે છે એ કવિ ધરતી સાથે સાવ જોડાયેલા છે.
૨ જૂન, ૨૦૦૭ના રોજ ગુજરાત સાહિત્યસભા તરફથી અમદાવાદના ભાઈકાકા હોલમાં રાજેન્દ્ર શુક્લને ઈ.સ.૨૦૦૬નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.તે વેળાએ કવિ કહે છે કે,
કર્યું તો કશું જ નથી
જે કંઈ થયું તે થાય છે
કર્યું કશું જ નથી
આ અહીં પહોંચ્યા પછી
એટલું સમજાય છે
કોઈ કંઈ કરતું નથી
આ બધું તો થાય છે…!
એ સિવાય,
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
જેનો એક લાજવાબ શેર;
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરીને ગાઈ છે.
વિવેક ટેલરે લયસ્તરો પર સાચું જ લખ્યું છે, "રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.
રાજેન્દ્ર શુક્લ મનને સમજાવો ગઝલ વિશે વાત કરતાં કહે છે, "દીકરા જાજવલ્યના જન્મ વખતે મારી અને મારાં પત્ની વચ્ચે પત્રવ્યવહાર થતો હતો (જત જણાવવાનું કે…સિરીઝ) એમાં એક વાર મનને મનાવવાની વાત આવી હતી જેમાંથી આ ગઝલનું સર્જન થયું. ગઝલનો આરંભ થાય ત્યારે એ ક્યાં પહોંચશે એની કવિને ખબર નથી હોતી. આ ગઝલ લખવાની શરૂ કરી પછી મન જ મુખ્ય વિષય બની ગયું. આ પ્રકારની ગઝલને મુસલસલ ગઝલ કહેવામાં આવે છે, જેમાં એક જ વિષય પર આખી ગઝલ હોય. સામાન્ય રીતે ગઝલમાં દરેક શેર સ્વતંત્ર હોય છે. આ ગઝલની બીજી વિશેષતા એ છે કે મન શબ્દનો એક જ વાર પ્રયોગ થયો હોવા છતાં દરેક શેર મનના સંદર્ભમાં જ સમજાય. એને વ્યાકરણની ભાષામાં અનુવૃત્તિ કહે છે. અંતે મન વાણીમાંથી મુક્ત થઈ મૌનથી ઓગળે છે. મન સાથે આપણે વાણીથી જ વ્યવહાર કરીએ છીએ, પરંતુ મન કંઈ વાણીને ગાંઠે નહીં. મનના વ્યાપ સામે શબ્દનું કંઈ ઊપજતું નથી. એનો ઈલાજ એ જ કે એને મૌનથી ઓગાળવું પડે. એ વગર આપણી મુક્તિ નથી. આ ઓગાળવાની પ્રક્રિયામાં મૌન આવી જાય, વિચારશૂન્યતા, વૈચારિક મૌન પણ આવી જાય. એક પલકારે મનને વીંધી નાખવું પડે નહીં તો તરત જ એ સામા સાજ સજવા માંડે છે. સોલી કાપડિયાને કવિતાની દ્રષ્ટિ છે. એણે ગઝલને અનુરૂપ સ્વરબદ્ધ કરી છે.
સોલી કાપડિયાએ રાજેન્દ્રભાઈની ઘણી ગઝલો કમ્પોઝ કરી છે. એમની ગઝલો વિશે સોલી કાપડિયા યથોચિત વાત કરે છે. તેઓ કહે છે,
"કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સંગત એટલે શુદ્ધ માર્મિક કવિતા અને ભાષાવૈભવનો સુભગ સમન્વય. આ કવિ ગુજરાતી ભાષા અને સાહિત્યના શિખર સમાન છે. જે ક્ષણમાં કાવ્ય રચાયું હોય એ જ ક્ષણમાં જઈ એ એનું પઠન કરે. અને એટલે જ એમનું પઠન સ્વયં એક કાવ્યાનુભવ લાગે છે. એમની વિસ્મયસભર આલોલ આંખો અને અઠંગ લાડ લડાવતો ભાવપ્રસાદ એમની અલૌકિક વાણીમાંથી ઝરે ત્યારે શબ્દેશબ્દ સ્વર બની જાય અને શ્રોતાનું એક સ્વર્ગીય આલોકમાં ગમન થાય છે. કવિશ્રી સાથેનાં આવાં અનેક સત્સંગો દરમ્યાન એમની મુખપાઠ કરેલી સ્વરચિત કાવ્યકૃતિઓમાંની એક આ રચના મને અત્યંત સ્પર્શી ગઈ આશરે ૧૯૯૪માં. "મનને સમજાવો નહીં … હું એને ‘સાઇકી’ની ગઝલ કહું છું. મનોચિકિત્સક પોતાના ક્લિનિકમાં આ ગઝલ ફ્રેઇમ કરાવી ડિસ્પ્લેમાં મૂકી શકે એવી સુંદર રચના છે આ. આખી ગઝલમાં શરૂઆતથી લઇને અંત સુધી મનની વાતો વર્ણવાઈ છે છતાં ‘મન’ શબ્દ માત્ર પહેલી પંક્તિ સિવાય આખી ગઝલમાં ક્યાં ય નથી દેખાતો! ગઝલની આ એક અનેરી લાક્ષણિકતા તો કહેવાય જ પણ કવિની કલમનું કસબ પણ બિરદાવવું પડે!
દોઢેક દાયકા પહેલાં આ ગઝલ સ્વરાંકન માટે હાથ ધરી અને કંઈ કેટલાં ય મુખડા બનાવ્યાં પણ એકે ય જચે જ નહિ! મને યાદ છે ડસ્ટબિન પણ કાગળનાં ડૂચાઓથી ભરાઈ ગયેલું! રચના એટલી સબળી હતી કે જેવું તેવું સ્વરાંકન એને માટે સ્વીકાર્ય જ ન્હોતું. કંટાળીને આ કામ થોડા દિવસ માટે પડતું મૂક્યું. મહિનાઓ પછી એક દિવસ અચાનક મારા મિત્ર અશ્વિન સાથે જુહૂના દરિયા કિનારે બેઠા હતા ને અથાગ મનોયત્નો છતાં સિગરેટની ટેવ ન છૂટવા વિશેની વાત નીકળી એટલે મને આ ગઝલનો શેર યાદ આવ્યો: એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો; બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે. સિગરેટ છોડવા કે કોઈ નિશ્ચય કરવા માટે આપણું મન આપણને એક જ ક્ષણ આપે છે. જો એ ક્ષણ ઝડપી લો તો કામ તમામ અને જો ચૂક્યા તો બીજી જ પળે મન પોતે જ કાવતરાં રચી એ કામ નિષ્ફળ કરી દે છે અને આપણે રહી જઈએ છીએ ફરી એક્સ્ક્યુઝીસ આપતાં! એ સાંજે આ રચનાનું સ્મરણ થયું અને મધરાતે ઘરે પ્હોંચ્યો ત્યારે આ ગઝલને સ્વરબદ્ધ કરવાનો કીડો ફરી સળવળી ઊઠ્યો હતો.
પ્હોંચીને સીધું હાર્મોનિયમ બહાર કાઢ્યું. ચારે બાજુ સૂનકાર હતો. મન એકદમ શાંત હતું. આ નીરવ શાંતિ જ જાણે પ્રેરી રહી હતી ગઝલનું મુખડું બાંધવા. ‘ઍફ મેજર’ પર આંગળીઓ સ્થિર થઇ અને બાહ્ય શાંતિ અને મનની શાંતિ જાણે એક ડ્યુએટ ગાઈ રહી હોય એમ મંદ સ્વરોમાં આ મુખડું સરે છે: ‘મનને સમજાવો નહિ, કે મન સમજતું હોય છે … આ સમજ, કે અણસમજ, એ ખુદ સરજતું હોય છે.’ કોઈ અદ્વૈત શક્તિનો ધોધ વરસી રહ્યો હોય એમ મુખડાની સાથે પહેલો અને બીજો શેર પણ એક શ્વાસમાં જ અવતરી ગયાં. સ્વરકારને હચમચાવી મૂકે એવી સ્વર-રચના બને ત્યારે સ્વરકાર રાજાપાટ અનુભવે છે. દુનિયાના સૌથી ઊંચા શિખરે બેઠેલા કોઈ દેવ જેવું એ ‘ફીલ’ કરવા માંડે છે. એની ચારે તરફ યુફોરિયા છવાઈ જાય છે. શબ્દોને એનો સ્વર શોધી આપનાર સ્વરકાર જ્યારે એની પ્રક્રિયામાં સફળ થાય છે એ એક અત્યંત નાજુક અને ચિરસ્મરણીય ઘટના હોય છે. એનો શાશ્વત નશો દિવસો મહિનાઓ સુધી કલાકારને કોઈ ‘ટ્રાન્સ’માં રાખી મૂકે છે. સ્વરકાર ક્યારેક તો પાગલપનની હદ વટાવી જાય છે. જે મળે એને એનું નવલું સર્જન સંભળાવવા બેસી જાય છે. મારી દશા પણ કંઈક એવી જ હતી. રઘવાયો થઇ બધેબધ સૃષ્ટિનો આ મહાપ્રસાદ વ્હેંચતો ફરતો. બાકીનાં બે શેરો ઘણાં મહિનાઓ પછી સ્વરબદ્ધ થયાં અને છેવટે આખી ગઝલ તૈયાર થઇ ગઈ! આ ગઝલનાં સ્વરાંકનની પણ એક ખાસિયત છે. ચારે ય શેરની અલગ અલગ ધુનો અલગ અલગ રાગની છાંયમાં બની જે છેવટે દરેક વખતે મુખડા સાથે ભળી જાય છે. રેડિયો, ટી.વી. તથા અનેક કાર્યક્રમોમાં આ રચનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આટલાં વર્ષોમાં આ ગઝલ ઘૂંટાઈ ઘૂંટાઈને સારી એવી મંજાઈ ગઈ છે. આ ગઝલ રચના ગાવા માટે ઉત્કૃષ્ટ કક્ષાનું ગાયકી કૌશલ્ય આવશ્યક છે. છેવટે ગયા વર્ષે મારા સ્ટુડિયોમાં આ રચનાને સ્વકંઠે રેકોર્ડ કરી. ચારે ય અંતરા (શેર) અલગ તો ચારેય અંતરા વચ્ચેનું સંગીત પણ અલગ હોવું જોઈએ એવો મારો આગ્રહ હતો. રેકોર્ડિંગમાં કોરસ વોઇસિસ, એકઉસ્ટિક વાદ્યો જેમ કે ફ્લ્યૂટ, સંતૂર વગેરે થકી આ ગઝલને સજાવી છે. આ રચનાના ધ્વનિમુદ્રણમાં એક પ્રયોગ કર્યો છે. ગઝલના ત્રીજા અને છેલ્લા શેરની વચ્ચેના મ્યુઝિક પીસની જગ્યાએ રાજેન્દ્રભાઇની જ એક અન્ય રચનાનું મુખડું સમૂહ સ્વરોમાં ગવડાવ્યું છે. આનંદ એ વાતનો છે કે થોડાં જ મહિનાઓ પહેલાં રાજેન્દ્રભાઇ અને એમનાં પત્ની નયનાબહેન સ્ટુડિયો પર આ રચના રેકોર્ડ થયા બાદ ખાસ સાંભળવા પધાર્યાં હતાં. ગુજરાતી કાવ્યસાહિત્ય અને સંગીતની લેન્ડમાર્ક રચનાઓમાં એનો સમાવેશ થઇ શકે એવી આ પાકટ કૃતિ છે. સોલફુલ મેલડીઝ અંતર્ગત મારી આ અતિપ્રિય ગઝલને એના સંપૂર્ણ સ્વરૂપમાં બહાર પાડવાની તજવીજ જારી છે.
સોલી કાપડિયાએ રાજેન્દ્રભાઈની જત જણાવવાનું કે તથા રતિવાર્તિકાની ત્રણ રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે.
સર્વોત્તમ શબ્દો અને સરાહનીય સ્વરાંકનો માણવા તમારે રાજેન્દ્ર શુક્લનાં સર્જનો સુધી પહોંચવું જ પડે. ‘ગઝલસંહિતા’માં એમની તમે કાવ્યસૃષ્ટિ માણી શકશો.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 ડિસેમ્બર 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=617250